સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કેડી
Jump to navigation
Jump to search
૨. કેડી
સુંદરજી બેટાઈ
જોતાં જતાં અમને કેડી રે લાધી
વંકાતી જાય આઘી આઘી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી,
જીવનની ખીણમાં ઝંખાતી રે,
એવી એવી અમને કેડી રે લાધી.
વચ્ચે વચ્ચે રે શીળા બાંધ્યા વિસામા
પંથીના થાક પરમાણી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
પરબું બેસાડી કોણે મારગના વાંકમાં
તરસ્યાંની આરત જાણી રે?
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.
માંડ્યાં સદાવ્રત કૈંક મહાવ્રતીએ,
આતમને આજ ઉજાણી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
પૂરવ – પ્રવાસી કેરી પ્રગટ પનોતી
ભાવિને ર્હેતી ઉજાસી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.
કોણ જોગી ને વળી કોણ રે સંસારી?
સહુ કોઈ મારગ – પ્રવાસી રે;
જાગી જાગીને કોઈ ભાગે છે હંસલા,
સૂતા છે કૈંક અભાગી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
જીવનની જ્યોતિયે ઝંખાતી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.
‘ઈન્દ્રધનુ’માંથી