ગુજરાતી નારીસંપદા : કવિતા/વિશ્વનિવાસી ગુર્જર નારી

Revision as of 02:09, 22 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વિશ્વનિવાસી ગૂર્જર નારી

ભારતી પંકજ વોરા

હું વિશ્વનિવાસી ગૂર્જર નારી છું
હું કરમના તોલે જીતી
હું કિસ્મતના અંકે હારી છું –
હું વિશ્વનિવાસી ગૂર્જર નારી છું –

પરદેશના પટ પર હવે હું પરદેશી નથી
મારા કાળજાના પાતાળકૂવામાં
હજી ગંગાની મર્મર છે
થેમ્સની માયા પ્રવેશી નથી –

મારા હોઠ પર ભલે લાલીના લપેડા છે
પણ ગીતમાં તો બાઈ મીરાંના જ તેડા છે
પતિદેવ સાથે ક્યારેક અંગ્રેજીમાં ફાડું છું
પણ એમને અચૂક દાળઢોકળી જમાડું છું
ચર્ચા છો ડલાસ ને ડાયેનાની કરું છું
પણ ચિંતન ‘ૐ નમઃ શિવાય’થી ભરું છું

હું ઇદની સંવત્સરી છું
હું ક્રિસમસની દીવાળી છું
હું વિશ્વનિવાસી ગૂર્જર નારી છું.

***