ગુજરાતી નારીસંપદા : કવિતા/તલસાટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
તલસાટ

રક્ષા દવે

કીકીઓને
વીછળી વીછળી થાકી રામ,
તારું તો યે બિંબ ન પડતું.

હૈડાને
ઊટકી ઊટકી થાકી રામ,
તારું તો યે મંન ન ઠરતું.

આયખાને
અર્પી અર્પી થાકી રામ,
તારું તો યે દિલ્લ ન રીઝતું.

રાતોમાં
ઝંખી ઝંખી જાગી રામ,
તારું તો યે પગલું ન પડતું.

હવે રે...
મારી તારી વચમાં રામ,
ક્હેને, અંતર કેટલું નડતું?

હવે તો....
ઊઠું, બેસું કે હાલું રામ,
મને ક્યાંયે ચેન ન પડતું.

***