ગુજરાતી નારીસંપદા : કવિતા/દીકરીનું વહાલ

Revision as of 03:07, 22 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દીકરીનું વહાલ

કીર્તિદા બ્રહ્મભટ્ટ

દીકરીનું વહાલ એમ છલકાતું જાય
જેમ મોજાંથી છલકાતો દરિયો,
વળીવળીને કૈંક ભીંજવે કિનારા ને
તોય એ તો ભરિયો ને ભરિયો.

પાંચીકા, ફૂકાટી ખણખણતા રોજ
અને રણઝણતી ઝાંઝરીઓ જાગે
ખિલખિલતા મોગરાની મઘમઘતી મહેક લઈ
ટહુકા ચાલ્યા છે ક્યાંક આધે
પા પા પા પગલીથી રૂમઝૂમતી ચાલ તણી
કેડીથી રસ્તો વિસ્તરિયો
દીકરીનું વહાલ એમ છલકાતું જાય
જેમ મોજાંથી છલકાતો દરિયો.

આંગણમાં રંગોની ભાત રોજ શોભતી
એ ભાત આજ લાગે કાં ઠાલી!
જોતી’તી વાટ એ જ આંગણમાં સાંજ ઢળ્યે
આજ સાંજ લઈને એ હાલી
પરવત છોડીને આજ પારવતી જાતી
કે દરિયો લઈ એને સંચરિયો
દીકરીનું વહાલ એમ છલકાતું જાય
જેમ મોજાંથી છલકાતો દરિયો.

***