માડી મને સાંભરે રે/સંપાદકીય

Revision as of 05:53, 21 May 2026 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સંપાદકીય

દીપક મહેતા સંપાદિત ‘માતૃવંદના’માં ગુજરાતના જાણીતા સર્જકોના ‘માતા’ વિષેના લેખો પ્રગટ થયા છે. ‘માતૃવંદના’ના બીજા ભાગમાં દલિત સાહિત્યકારો જોસેફ મેકવાન અને નીરવ પટેલના લેખો નોખી ભાત પાડનારા છે. બિન–દલિત લેખકોની ‘માતા’ની તુલનામાં દલિત લેખકોની ‘મા’નું ચિત્રણ સાવ જ જુદું છે. દલિત લેખકો પાસે ‘મા’ વિષેના લેખો મેળવવાનું એ બે લેખો વાંચીને સૂઝેલું. અહીં સંગ્રહાયેલા તમામ–એકવીસ–લેખો પ્રગતિશીલ સામયિક ‘નયા માર્ગ’માં પ્રગટ થયા હતા. ‘નયા માર્ગ’ના ૧લી ઑક્ટોબર ૧૯૮૫થી ૧લી ઑક્ટોબર ૧૯૯૨ સુધીના અંકોમાં આ લેખો છપાયા હતા. એકવીસ લેખોને પ્રગટ થવામાં સાત વર્ષ જેટલો સમય લાગ્યો તેના પરથી સમજાય છે કે મા વિષે લખવું કેટલું અઘરું છે. ‘મા’ વિષે લેખ લખવાનું અઘરું કામ પ્રેમપૂર્વક પાર પાડનાર સૌ લેખકોનો હાર્દિક આભાર. દલિત સાહિત્યના વિકાસ માટે સદા પ્રયત્નશીલ રહેતા મારા અભિન્ન સાથી અને ‘નયા માર્ગ’ ના તંત્રી ઇન્દુભાઈ જાનીએ આ લેખોને ‘નયા માર્ગ’ માં પ્રગટ કર્યા તે બદલ ઋણસ્વીકાર કરું છું. દલિત સાહિત્યને એના ઉદ્‌ભવકાળથી જ નવાજતાં રહેલાં મંજુબહેન ઝવેરીની પ્રસ્તાવના આ સંગ્રહને મળી શકી તેનો મને ખૂબ જ આનંદ છે. પ્રકાશન–વ્યવસ્થા માટે દિલીપ રાણપુરા અને ઉત્તમ સાહિત્ય પ્રકાશન સહકારી મંડળીનો, છાપકામ માટે શારદા મુદ્રણાલયનો આભારી છું. લેખોનો ક્રમ ‘નયા માર્ગ’ માં છપાયા પ્રમાણેનો જ રાખ્યો છે. મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતી દલિત સાહિત્યમાં આત્મકથનાત્મક સાહિત્ય ઝાઝું લખાયું નથી ત્યારે ‘માડી મને સાંભરે રે’ એ સંપાદન આ દિશામાં પણ એક ઉમેરણ બની રહેશે એવી આશા.

—ચંદુ મહેરિયા

‘નિરાંત’
પોસ્ટઑફિસ સામે, રાજપુર–ગોમતીપુર,
અમદાવાદ–૨૧