અથવા અને/શિકાગો: પહેલો દિવસ

Revision as of 22:21, 2 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| શિકાગો: પહેલો દિવસ | ગુલામમોહમ્મદ શેખ}} <poem> અડધાં અધૂરાં છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શિકાગો: પહેલો દિવસ

ગુલામમોહમ્મદ શેખ

અડધાં અધૂરાં છે કામ
ઊંચાં ચઢાણ
જળ પર ઢળી હીરાકણી શું ગામ
અવકાશી આયુધોનો ખડકલો: ઇમારતી ઢગલો
આખો તરે સાગરસમ સરોવરે.
અહીં બંધબારણે
હેફનરના સુગાયેલ શયનાગારમાં
અવળસવળ કવિતાહીન કાગળ જેવી પથારી,
વૃક્ષ સોંસરવી સરે તાડબારી.
બહાર ખિસકોલી કતરે ચિનાર
સામે જ સરવર પાળ.
ગઈ કાલની ગંધથી તરબતર લૂગડાં કાઢી
નીકળી પડું,
પાળેપાળે પ્રાણથંભ ઝાલી ધીમાં શ્વાનડગ ભરું.
આછેતરી ભીનાશ, પલળે ઘાસમાં જોડા
સળગતી સળી જેવી સાંજ ઠરે.
પાંયચા પલળે
જૂના પડછાયા ઘરગામના માગણ શા અનુસરે
વહ્યો કાળ ખેંચે ચાળ.
મજલ લાંબી છે
ચિત્ર અધૂરું તે પાછળ પડ્યું છે!
રણ ભરાય એવડો જોડો
મુઠ્ઠી જેવડી મસીદ
પાંચે આંગળીએ પસરતા રસ્તા
રચી ને રળી તે
કીકીના બેડે ભરી અધસદીની ખેપ.
ગાંસડી ભારે ને પગ ભીના
સરવડાં સાથે સરું.
ગાઉ જેવડી ઇમારતમાં ગરક પગ ને પગરખાં
પગથીય ભીની ઓસરે
પલળે હવે પીછો કરતો પડછાયો.
આઘાં અઢળક ઊંડાણ
જવું છે પાર
જવું ક્યાં ચોમેર જળજળાકાર
પાર નથી પાળ
વાવર નથી વાયુના
આંગળી જેટલી આગ બચી તે
અને ખિસ્સે ખખડતા સિક્કા જેવા શ્વાસ
કોટમાં ભીંસી આગળ વધું.
ઉપર બધી ઇમારતો આંખથી ઊંચી ચડે
ને સામે સરતા સ્વપ્ન જેવો
ઝાડનાં હાડ કોરી કાઢ્યો તે
ઇરિયન જયાનો [1] આતમતરાપો
ક્ષિતિજની સામો થયો છે.

શિકાગો, ૮-૯ સપ્ટેમ્બર ૧૯૮૭; વડોદરા, ૨૦-૨૧ નવેમ્બર ૧૯૮૭
અને

  1. ઇરિયન જયાની આદિ પ્રજા જતા જીવને સેરવવા આખા, સૂકા ઝાડનો તરાપો કોરે છે.