અથવા અને/સંસ્કારનગરી

Revision as of 22:26, 2 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સંસ્કારનગરી | ગુલામમોહમ્મદ શેખ}} <poem> તાડનાં પાંદડાં ચીરી પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સંસ્કારનગરી

ગુલામમોહમ્મદ શેખ

તાડનાં પાંદડાં ચીરી
પૂનમનો ચન્દ્ર
મ્યુઝિયમની નકશીદાર અગાશી પર
આવીને ઊભો રહે છે.
પદભ્રષ્ટ રાજવી જેવા
એના ફિક્કા ચહેરાને નીરખવા
કોઈને નવરાશ નથી.
મ્યુઝિયમના ભંડકિયામાં પૂરેલા
વ્હેલના હાડપિંજરની જેમ
એની સામે કુતૂહલભરી દૃષ્ટિ નાખવા પણ કોઈ તૈયાર નથી.
ઘેટા જેવી નગરી
અજવાળું સૂંઘતી સૂંઘતી અંધારા ભણી હંકાર્યે જાય છે,
હાંફળોફાંફળો ચન્દ્ર
મ્યુઝિયમની ટોચ પર ચડી બેસે છે.
શિખર પર થાળીની જેમ ડગમગતા
એના હાસ્યાસ્પદ ચહેરાને જોઈ કોઈ હસતું નથી.
ગંભીર મુખમુદ્રાવાળાં સજ્જનો અને સન્નારીઓ
બંધબારણે, મ્યુઝિયમના મમીના પાટા છોડી
આરોગવા બેસે છે
ત્યારે ભૂંડ જેવો ભૂખ્યો ચન્દ્ર
રસ્તા પર જીભ ઘસતો,
નસકોરાં ફુલાવતો
આમતેમ ભટક્યા કરે છે.

૧૧-૧-૧૯૭૪
અથવા