અથવા અને/કોળિયાના દાણેદાણે કાળા અક્ષર...

Revision as of 22:35, 2 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કોળિયાના દાણેદાણે કાળા અક્ષર... | ગુલામમોહમ્મદ શેખ}} <poem> કોળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કોળિયાના દાણેદાણે કાળા અક્ષર...

ગુલામમોહમ્મદ શેખ

કોળિયાના દાણેદાણે કાળા અક્ષર:
કયા ખાઉં ને કયા છાંડું?
ખાઉં તેને સાપોલિયો જીવ હડપહડપ ગળચે;
એના દોરા છૂટે વાળાની જેમ;
કેટલા ખેંચું ને કેટલા કાપું?
છાંડું તે ધાન રગદોળાય ઓટલે,
એને ગાયું શણગારે શિંગડે,
કૂતરાં એને લાળે લટકાવી રંગે શેરીઓ.
રોજ રોજ વાળુ ટાણે
અડધો કોળિયો ને અડધો હડકવા,
અડધા ભૂખ્યા સૂતેલ અભાગિયાનાં આંસુ-પેશાબ.
રોજ રોજ ધાન ઢોળાય શ્વાસનળીમાં,
પાંસળાં-નળિયાં ખખડ ખખડ ખખડે.
રોજ રોજ રોંઢા ટાણે
ઊણું સાપોલિયું સળગે,
વા’ની ઝાલકે એને રૂંવે રૂંવે લાગે લ્હાય.
સમસમતા સળગે આંખે કોયલા
એની રાતી કાળી ઝાળ,
ઇંગલા સળગે ને સળગે પિંગલા,
સળગે કૂલા ભેગા વાળ.
પાંપણ સળગે ને સળગે પાનીઓ,
સળગે પાનેતરનાં ફૂલ,
સળગે છોડી ને સળગે છોકરાં,
સળગે ધોરી ને સળગે ધોતિયાં
સળગે મોરી ને સળગે માળિયાં,
સળગે, ફટફટ ફૂટે ડૂંડાં
ધાણી ફૂટે ને ધોળા ફૂટે ખેતરના દાંત...
રોજ રોજ
ચોખાના દાણે દાણે ફૂટે કાળા અક્ષર,
રોજ રોજ
ઓઝરામાં ઓરાય ઝાળ,
ઝાળ ચડે ને ખાટકીને પાટલે બેઠેલું માંસ
છરાને છૂંદવા ઊભું થાય.

ડિસેમ્બર, ૧૯૭૧
અથવા