અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભોમિયા વિના

Revision as of 15:28, 24 August 2021 by Atulraval (talk | contribs)


ભોમિયા વિના

ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

ઑગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)



ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન:





ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું



ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી




ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: શ્યામલ-સૌમિલ • સ્વર: ઉદય મઝુમદાર • આલ્બમ: હસ્તાક્ષર