અરણ્યરુદન/અર્વાચીન સન્દર્ભમાં સાહિત્યનું અધ્યાપન

Revision as of 09:11, 6 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અર્વાચીન સન્દર્ભમાં સાહિત્યનું અધ્યાપન

સુરેશ જોષી

આપણામાંના જેઓ જીવન પ્રત્યેની તેમ જ સાહિત્ય પ્રત્યેની નિષ્ઠાથી સાહિત્યના અધ્યાપનમાં પ્રવૃત્ત થતા હશે તેઓ આજે એક વિશિષ્ટ પ્રકારનો સંક્ષોભ અનુભવતા હશે. મૅકોલેએ કહેલું કે જેમ જેમ સંસ્કૃતિ વિકસતી જાય છે તેમ તેમ કવિતા ક્ષીણ થતી જાય છે. વ્યક્તિગત રીતે સર્જકોને કોઈક વાર પોતાની સર્જનપ્રવૃતિનું વૈતથ્ય સમજાય એવું બને. પણ એની ચર્ચા અહીં પ્રસ્તુત નથી. સાહિત્ય જીવન વિશેની જે અભિજ્ઞતા એક પ્રકારની પ્રત્યક્ષતા અને મૂર્તતાથી એની આગવી રીતે પ્રકટાવે છે તેનું આજના સામાજિક સન્દર્ભમાં એક ક્રિયાશીલ મૂલ્ય તરીકે મહત્ત્વ કેટલું?

અધ્યાપકો સાહિત્યની મીમાંસા કરે છે ત્યારે જીવનને ગોચર કરવાની સાહિત્યની આ વિશિષ્ટ રીતિનો ઉચિત મહિમા સ્થાપી આપી શકે છે ખરા? સાહિત્યકૃતિનાં આલોચનપરિશીલનને પરિણામે જે અભિજ્ઞતા સિદ્ધ થાય છે તેને આપણા જીવનમાં એક ક્રિયાશીલ મૂલ્ય તરીકે સ્થાપી આપી શકે છે ખરા? આ રીતે, આજના સન્દર્ભમાં વિચારતાં, સાહિત્યના અધ્યાપનનું પ્રયોજન શું અને એ શી રીતે સિદ્ધ થાય એ પ્રશ્નોના જે પરમ્પરાગત ઉત્તરો છે, તેનાથી આપણને સન્તોષ થાય એવું લાગતું નથી. આ નિમિત્તે એ પ્રશ્નો ફરીથી વિચાર કરવાની આપણને તક સાંપડી છે.

સાહિત્યનું અધ્યાપન એટલે સાહિત્ય વિશે કંઈક બોલી છૂટવું કે પ્રચલિત પરિભાષાનો આશ્રય લઈને પ્રસંગોપાત્ત થોડુંક લખી છૂટવું એવું તો આપણે નહીં જ કહીએ. સાહિત્યકૃતિની શ્રેષ્ઠતાને પ્રમાણિત કરવાની પ્રવૃત્તિ દ્વારા જ કૃતિઓની ઉચ્ચાવચતાનો નિર્ણય કરનારી વિવેકબુદ્ધિ ઘડાતી આવે છે. આનાં કોઈ ત્રિકાલાબાધિત ધોરણો હોઈ શકે નહીં. આથી જ સમકાલીન તેમ જ પૂર્વકાલીન સાહિત્ય સન્દર્ભનો જેને પ્રત્યક્ષ પરિચય હોય તેની જ રુચિ મુકુરીભૂત બને, પરિષ્કૃત બને, નવા ઉન્મેષો જો એની ધ્યાન બહાર રહી જાય તો એનું દર્શન ખણ્ડદર્શન બનવાનો દોષ વહોરી લે. સાહિત્ય પાસેથી અનેક પ્રકારની, કેટલીક વાર પરસ્પરવિરોધી, અપેક્ષાઓ રાખવામાં આવે છે. કેટલીક વાર સમાજનાં જુદાં જુદાં બળો તરફથી સાહિત્યના અમુક પ્રકારનાં અર્થઘટન માટેનાં સૂક્ષ્મ દબાણો આવે છે, સામાજિક સન્દર્ભ વિશેની પ્રવર્તતી અમુક પ્રકારની સમજ જ સાહિત્ય દોહરાવે એવો પણ આગ્રહ કોઈક વાર જોવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આવાં દબાણો વચ્ચે સાહિત્યનો જ્ઞાનના એક સુયોજિત ક્ષેત્ર તરીકે પદ્ધતિસર અભ્યાસ કરવો શક્ય છે? વ્યક્તિગત રીતે કે સામાજિક દૃષ્ટિએ કુણ્ઠિત વૃત્તિઓનો, નિરુદ્ધ આવેગોનો, બંધિયાર બની ગયેલી ચેતનાનો મોક્ષ સાધી આપે છે એવું પુરવાર કરવાનો ઉદ્યમ કરવા આપણે તત્પર થઈશું? અથવા કાંઈ નહીં તો સાહિત્યનું સેવન, રસવૃત્તિનું એક સંવર્ધન અને તેની તૃપ્તિ, એની આલોચના એ સંસ્કારી માનવીનું એક ચિહ્ન છે એટલું પણ આપણે સ્થાપવા નીકળીશું?

વિવેચનના આદર્શને આપણે ગમે તેટલો ઊંચે સ્થાપીએ, પણ આજે તો, આપણામાંના ઘણા પોતાના કર્તવ્ય પરત્વે વિશ્વસ્ત હશે તે છતાં, આલોચનાના વ્યવસાયમાં તીવ્ર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. એક બાજુથી આપણે સાહિત્યિક મૂલ્યો, સાહિત્યિક ધોરણો, સાહિત્યની પદ્ધતિઓનો આગ્રહ રાખતા ગયા અને બીજી બાજુથી આપણે પ્રશિષ્ટ ગણાતી એવી કેટલીક કૃતિઓની જ પ્રદક્ષિણા કરતા રહ્યા, એને વિશે સામાજિક દૃષ્ટિકોણને અનુસરીને આવડ્યા તેવા શિખાઉ નિબન્ધો લખતા રહ્યા. આપણા વ્યવસાયમાં રહેલી કેટલીક મૂળભૂત અસંગતિઓ આપણાં રોજ-બ-રોજનાં શિક્ષણકાર્યને પરિણામે બહાર આવતી ગઈ. આથી જેઓ હજી કંઈક અંશે પોતાની જાત સાથે પ્રામાણિક હતા તેમનો અન્તરાત્મા કચવાવા લાગ્યો. આપણી સરકારની શિક્ષણનીતિ, આપણી વિદ્યાપીઠોનાં જડ તંત્રો અને આપણી પ્રમુખ સાહિત્ય સંસ્થાઓમાં આ અંગેના મૂળભૂત પ્રશ્નો પરત્વેની સભાનતાનો દેખાતો અભાવ ‘સ્થિતસ્ય સમર્થનમ્’માં પરિણમે છે. કેટલીક વાર નાનાં નાનાં જૂથો આ પ્રશ્નોની ચર્ચા કરે છે. આપણે અધ્યાપનને નામે ખરેખર શું કરી રહ્યા છીએ? વિવેચનની પ્રવૃત્તિ માત્ર સ્પષ્ટીકરણ કે વિવરણ રૂપ જ બની નથી રહેતી? આપણી સામે જે ભણવા બેઠાં હોય છે એમનામાં આજે અનુચિત આવેગો દેખાય છે. એઓ જ્ઞાનના અનાસક્તિભર્યા પવિત્ર ક્ષેત્રને કલુષિત કરે છે. મને કમને આપણે અભ્યાસની જે રીત એઓ અખત્યાર કરવા માગે છે તેને સ્વીકારી લઈએ છીએ. સાહિત્યકળાની સૂક્ષ્મતા સુધી એઓ પહોંચતા નથી. રચનાપ્રક્રિયા તપાસવાનો એમને રસ નથી. ભાષાની શક્તિની ચર્ચાનો એમને મન કશો અર્થ નથી. છતાં તેઓ વિદ્યાપીઠે આપેલી યોગ્યતાનું પ્રમાણપત્ર લઈને બહાર જાય છે. સંસારના સુખ-દુ:ખાત્મક આવેગોને તટસ્થતાપૂર્વકના તાદાત્મ્યથી રૂપ આપીને ઓળખવા-ઓળખાવવાની એમનામાં સજ્જતા હોતી નથી. એઓ રસવૃત્તિને કેળવ્યા વિના જ વિદ્યાપીઠની બહાર નીકળી જતા હોવાથી સમાજમાં પણ કળાપ્રવૃત્તિનાં સંવર્ધન પરિશીલન માટે ઉપકારક બળરૂપ બની રહેતા નથી. આપણે એમને એમની યોગ્યતા પ્રમાણે મૂલવવાની હિંમત કરી શકતા નથી, કારણ કે આપણી સામે પશુબળ ત્રાટકી રહ્યું હોય છે. સાહિત્ય અને અન્ય કળાઓમાંથી કેળવાયેલો આપણો મૂલ્યબોધ પણ આ બળનો સામનો કરવાનાં સમર્થ સાધનો શોધવાની સજ્જતા આપતો હોય એવું લાગતું નથી. એક જ પ્રકારની રેઢિયાળ ભાષામાં, અમુક જ ચવાઈ ગયેલા મુદ્દાઓ વિશેની, વર્ગમાં પ્રશ્નોત્તરના સ્વરૂપમાં લખાયેલી નોંધોમાંથી જડી રહેતી માહિતી જ આપવાનો ઉદ્યમ આપણે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં નથી કરાવતા હોતા?

થોડા જ સમય પહેલાં પથ્થરમારો કરીને કે બસ સળગાવીને આવેલા વિદ્યાર્થીઓને હું ‘કલાપી’નું ‘શિકારીને’ કે ‘કાન્ત’નું ‘સાગર અને શશી’ કે બ.ક.ઠાકોરનું ‘આરોહણ’ કે ‘સુન્દરમ્’નું ‘બુદ્ધનાં ચક્ષુ’ શીખવું તો એમની મનોભૂમિ સુધી પહોંચવાનો સેતુ મારે શી રીતે બાંધવો? ત્યારે હું એવી શ્રદ્ધાથી ચાલું કે સાચી કવિતા તો ત્રિકાલાબાધિત હોય છે? અથવા એમ માની લઉં કે જડભરતો કવિતાને લાયક જ નથી? અથવા કાવ્યશિક્ષણને અનુકૂળ ચોકઠામાં ગોઠવીને વિદ્યાર્થીને વહેવારુ દૃષ્ટિએ ઉપયોગી નીવડ્યાનો સંતોષ માનું? આપણા અને જગતભરના શ્રેષ્ઠ સર્જકોની ઉત્તમ સર્જનપ્રવૃત્તિનાં પરિણામોને સમાજ આત્મસાત્ કરી શકે એવી ભૂમિકા રચવાનો મારો શ્રમ આજે આવશ્યક છે કે કેમ એવો પ્રશ્ન ઉદ્ભવ્યા વગર રહેતો નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે સાહિત્યનું શિક્ષણ વૃથા કાળક્ષેપ કરનારું અને ભાર રૂપ લેખાવા લાગ્યું છે. માનવવિદ્યાના ક્ષેત્રમાં પણ અર્થશાસ્ત્ર કે રાજનીતિના વિદ્યાર્થીને એનો કશો ખપ નથી. સાહિત્યના ક્ષેત્રમાં પણ અમુક ભાષાનું, પ્રશિષ્ટતાની સીમામાં કાલજ્યેષ્ઠ મુરબ્બીઓએ સમાવેલું સાહિત્ય જ અભ્યાસક્રમમાં સ્થાન પામે છે. પણ આજનો વિદ્યાર્થી અને આજનો સમાજ સૌમનસ્ય શિખરથી અને કલ્યાણગ્રામથી બહુ છેટે નીકળી ગયો છે. નાનાલાલની અફલાતુની સૃષ્ટિમાં એનો જીવ અકળાવા માંડે છે. એક રીતે જોઈએ તો જેને આપણે શ્રેષ્ઠ સર્જનો કહીએ છીએ એમણે પણ એમના જમાનામાં પ્રચલિત સાંસ્કૃતિક વાતાવરણમાં રહેલા પૂર્વગ્રહોનો પોતાની ભાષાશક્તિના પ્રભાવથી સમાજમાં સબળ રીતે પ્રચાર કર્યો હશે. સત્યસંશોધકો તરીકે અને જ્ઞાનના ક્ષેત્રમાં આગવું અર્પણ કરનાર તરીકે આપણે આ તપાસવાની જવાબદારીમાંથી શી રીતે છટકી જઈ શકીએ?

આપણી સામે બે કસોટીઓ આવીને ઊભી રહી છે; આપણી ઉદારમતવાદી માનવતાપરાયણ સંસ્કૃતિને જે પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો તેનાથી આપણે નિલિર્પ્ત નહીં રહી શક્યા. એણે આપેલાં ગૃહીતો અને માન્યતાઓ પ્રમાણેનો સુસંગત આચાર રાખવો અને અધ્યાપનનો વ્યવસાય સ્વીકારીને જે સંસ્થાઓનાં નીતિનિયમોનાં ચોકઠાંમાં રહીએ છીએ તેણે સોંપેલી જવાબદારી અદા કરીને પ્રામાણિકતાથી રોટલો રળવો આ બે વચ્ચેનો સમ્બન્ધ શી રીતે જાળવી રાખવો એ સમસ્યા આપણામાંના ઘણા માટે ઊભી થઈ. આનન્દશંકર, નરસિંહરાવ કે વિષ્ણુપ્રસાદની સામે જે આજ્ઞાંકિત વિદ્યાર્થી ભક્તિભાવપૂર્વક બેસતો તે આજે રહ્યો નથી. આપણે એ સ્વીકારવું જ રહ્યું કે વિદ્યાર્થી આજે બદલાયો છે. આપણે એને નવી દૃષ્ટિથી જોવાનો રહે છે. એને ભાવિક શ્રોતાજન માનીને વાણીની અમૃતધારા વહાવ્યે જવાનું આજે ચાલે એમ નથી. આપણી ઊંચી વ્યાસપીઠ પરથી ઊતરીને એમની વચ્ચે જઈને વાર્તાલાપ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. વર્ગમાં અનેક પ્રકારના પ્રયોગો અજમાવી જોવાની આવશ્યકતા ઊભી થઈ છે. એ પ્રયોગો મોટે ભાગે નિષ્ફળ જવા નિર્માયા છે એમ જાણવા છતાં. આવી પરિસ્થિતિથી વ્યાકુળ બનીને આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના મોરચામાં ભળી ગયા, કેટલાકોએ જુદી જુદી માગણીઓના નારા ગજાવીને અધ્યાપકોના સરઘસમાં શરણું શોધ્યું, વર્ગો શિક્ષક-શિષ્ય વિનાના ખાલી ખાલી લાગવા માંડ્યા. કેટલાકને આ બધાથી ઊંડો ઉદ્વેગ થવા લાગ્યો, કેટલાંકનાં ચિત્ત પશ્ચાત્તાપથી ચણચણી ઊઠ્યાં. આપણી વિદગ્ધતાનું કવચ પહેરીને આપણે બેસી રહ્યા. એનો દોષ કાળબળના પર ઢોળી દીધો ને કહી દીધું: ‘આજે કોઈનામાં આન્તરિક પ્રતીતિનું બળ રહ્યું નથી, આજે જેઓ આવેગના ચક્રવાતમાં ફસાયા છે તેમની ગતિના અન્ધ આવર્તની ઉત્કટતા આપણને ભયભીત કરી મૂકે છે.’

વિદ્યાક્ષેત્રમાં પડેલાઓ, ધીમે ધીમે સર્વત્ર પ્રસરી રહેલા રાજકારણને પહોંચી વળવામાં, બહુ જ કાચા અને અદક્ષ મુત્સદ્દીઓ પુરવાર થયા એટલું જ નહીં, પણ શિક્ષણ કેવું હોવું જોઈએ એ પરત્વે પણ એઓ ત્યારે અજ્ઞાની પુરવાર થયા. કચવાતા અન્તરાત્માનું જ માત્ર શસ્ત્ર લઈને આપણે સુધારાનો જંગ ખેલી ન શકીએ કે ક્રાંતિ લાવી ન શકીએ. અત્યાર સુધી આપણે સાહિત્યના સમાજ સાથેના સમ્બન્ધ વિશે, શિક્ષણના વિદ્યાર્થી સાથેના સમ્બન્ધ વિશે કે રાજકારણના વધતા વર્ચસ્ની સમસ્યા વિશે જે કાંઈ વિચારતા રહ્યા છીએ તે ભોળપણભર્યું અને સીધોસાદો સરળતાનો માર્ગ સ્વીકારનારું લાગે છે. સાહિત્યનો અભ્યાસ આપણા રાજકારણને માનવતાવાદને અનુકૂળ પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે કે આપણા નૈતિક ઉચ્ચગ્રાહને આધાર આપતી પીઠિકા રચી આપે એવું માનવું જાણે હવે અઘરું થઈ પડ્યું છે. આપણી સંવેદનાને નવો ઘાટ આપવા માટે અને આપણા વર્તનમાં એના ઋણનો પ્રભાવ પાડવાને સાહિત્ય સમર્થ છે કે કેમ એ વિશે જાણે આપણે શંકામાં પડી ગયા છીએ. સાહિત્યને નિમિત્ત બનાવીને રોટલો રળવાનું ચાલુ છે, પણ એની સાથેનો આપણો ચેતનાનો સમ્બન્ધ જાણે છૂટતો જાય છે. વર્ગમાં દાખલ થયેલા રાજકારણને પહોંચી વળવું, વિદ્યાર્થીઓનાં નાનાં નાનાં જૂથ પર સાહિત્યની શામક અસર પહોંચાડવી કે ચેતનાનો ઉત્કર્ષ સાધવો – આ પૈકીનું કશું આપણે આજે કરવા નીકળ્યા નથી. આગલી પેઢીનું જે વાતાવરણ હતું તે સ્થાપવાનો પ્રયત્ન પણ કદાચ ખતરનાક નીવડે, આપણે પાછલે પગે ચાલીને ભવિષ્યની દિશામાં આગળ વધી શકીએ નહીં. આથી અધ્યાપનપ્રવૃત્તિના સ્વરૂપ વિશે તીવ્રતાથી પુનવિર્ચારણા કરવાનો સમય આવી લાગ્યો છે. આ આપણે કરવાનું છે એવા સમાજમાં રહીને જે સાહિત્યિક આલોચનાની પ્રવૃત્તિને તુચ્છ કે મુશ્કેલીભરી બનાવી દેવા ઇચ્છે છે. આ બધું સામયિકો પ્રકાશકો અને વિદ્યાપીઠો દ્વારા થઈ રહ્યું છે. એ બધાં સાથે આપણામાંના ઘણા સંકળાયેલા હોઈને આ અપરાધમાંથી બચી શકતા નથી. આપણા આજના સાંસ્કૃતિક સન્દર્ભમાં આ પ્રશ્નને મૂકીને તપાસવાનો રહેશે. લોકશાહીએ આમજનતાને પ્રાધાન્ય આપ્યું છે. આજે સર્વ ક્ષેત્રોમાં સમાનતાનો આગ્રહ રાખવામાં આવે છે. કોઈ એકનો સુચિન્તિત પ્રામાણિક અધિકૃત અભિપ્રાય નહીં, પણ બહુમતિનું મન્તવ્ય જ સ્વીકાર્ય બને એવો પ્રજાનો મિજાજ છે. ત્યારે ગુણવત્તાના ઉત્કર્ષને પસંદગીનાં ધોરણ તરીકે સ્વીકારવા પરત્વે ઉદાસીનતા વધતી જાય છે. વિદ્યાપીઠોમાં કે સાક્ષરમંડળોમાં જે જૂથનું વર્ચસ્ હોય છે તે સંસ્થાઓની કાર્યવાહીમાં બહુમતિનો પ્રબન્ધ કરીને પોતાના ધારેલા નિર્ણયો લેવડાવી શકે છે. આથી આવી સંસ્થાઓએ આપેલી માન્યતાનો ઝાઝો અર્થ રહ્યો નથી. તેમ છતાં, આવી માન્યતા જ આ ક્ષેત્રનો ચલણી સિક્કો છે. આ ઉપરાંત નવી પેઢીમાં પણ આગલી પેઢીના સંકુચિત અસહિષ્ણુ વર્તનની પ્રતિક્રિયા રૂપે પ્રભંજક વૃત્તિ જન્મી છે. થોડીક વાચાળ અને આક્રમણવૃત્તિ ધરાવનારાઓનું જૂથ આગલી પેઢીએ સ્થાપેલાં ધોરણોની વિડમ્બના કરીને એકબીજાને સ્વીકૃતિ અને માન્યતા આપવા ઉદ્યત થાય છે. કેટલીક વાર માત્ર વિવેચનપ્રવૃત્તિ જ નહીં, પણ સર્જનપ્રવૃત્તિ સુધ્ધાં નિરર્થક જ નહીં પણ વિતથ છે એવી ઘોષણાઓ થાય છે. એમાં ગમ્ભીરતાથી પ્રવૃત્ત થનારાઓની હાંસી ઉડાવવામાં આવે છે. જે જીર્ણ હતું તેનો નિર્મમપણે નાશ કરવા માટે આમ કરવું જરૂરી હતું એમ કેટલાક માને છે. આવી પરિસ્થિતિ સામે પુણ્યપ્રકોપ પ્રકટ કરીને કાલજ્યેષ્ઠો પોતાનો ધર્મ બજાવી ચૂક્યાનો સન્તોષ માને છે. Literary motivationનું સ્થાન ઘણાં અસાહિત્યિક તત્ત્વોએ લઈ લીધું છે. મેથ્યૂ આર્નલ્ડ પાસે વિવેચકના કર્તવ્યની દીક્ષા લેનારાઓમાં પણ એણે જેનો આગ્રહ રાખ્યો હતો તે disinterestednessને સ્થાને પોતાના અભિગ્રહોને વસ્તુલક્ષી ધોરણો રૂપે ઠસાવવાનો અભિનિવેશ દેખાય છે. આવા વાતાવરણ વચ્ચે આપણો સાહિત્યનો વિદ્યાર્થી વર્ગમાં આવીને બેસે છે. મૂંઝાયેલી મતિથી એ પણ આ સમસ્ત પ્રવૃત્તિ પરત્વે ક્રમશ: વધુ ને વધુ ઉદાસીન બનતો જાય તો આપણને આશ્ચર્ય ન થવું જોઈએ.

સાહિત્ય અને એના વિવેચનની પ્રવૃત્તિ પરત્વેની સમાજની, અને વિદ્યાસમાજની પણ, આ ઉદાસીનતાની(અને કેટલીક વાર રોષની) વૃત્તિનું કારણ કેટલાકને મતે એ છે કે આજના માનવસન્દર્ભથી એ પ્રવૃત્તિ કાંઈક વેગળી પડી ગઈ છે; એમાં આજની અપેક્ષાએ પ્રસ્તુત એવું ઘણું ઓછું છે. Relevanceનો મુદ્દો જ ઘણાના હાથમાં મોટું શસ્ત્ર છે. આજની અપેક્ષા શી છે? આજની આવશ્યકતા શી છે? એકબાજુથી આપણે એમ માનીએ છીએ કે સર્જક પોતાની સંવેદનપટુતાથી, તાટસ્થ્યપૂર્વકના તાદાત્મયથી અન્યને જે ગોચર નથી તેને પ્રત્યક્ષ બનાવે છે. પણ કેવળ વર્તમાનમાં જ પુરાઈ રહેવાનું એને માટે આવશ્યક નથી. એ આગળ પાછળ જોઈ શકે છે માટે તો દ્રષ્ટા છે. પોતાના સમયનાં જીવન વિશેનું આ સૂક્ષ્મ છતાં પ્રત્યક્ષ આલેખન સમાજ પોતાને જે રૂપે રજૂ થયેલો જોવા ઇચ્છે છે તેની જોડે મળતું આવતું નહીં હોય એમ બને. વર્તમાન ક્ષણની સંક્ષુબ્ધતામાં જે મહત્ત્વનાં નવાં પ્રસ્થાન જેવું લાગે તે ઉચિત પરિપ્રેક્ષ્યમાં જોતાં ઇતિહાસની એક ગૌણ વીગત જ બની રહે. જેની તરફ આજે કોઈની ખાસ નજર પણ નહીં પડી હોય, જેનામાં આજે કોઈનું ધ્યાન ખેંચવા જેટલી ઉત્કટતા કે ઉગ્રતા નહીં હોય, તે ભવિષ્યને ઘાટ આપનારું સમર્થ બળ પુરવાર થાય એમ પણ બને.

આથી સમાજ જેને વર્તમાન સન્દર્ભ પરત્વે પ્રસ્તુત લેખે તેની લક્ષ્મણરેખામાં જ રહીને સર્જકને કે વિવેચકને પ્રવૃત્ત થવાનું આપણે કહીશું? આજે ભલે આપણી પાસે કાળબળ સામે ટકી રહે એવી સમર્થ કૃતિ નહીં હોય, આજે ભલે વર્તમાન સન્દર્ભમાં રહેલાં વિરોધ અને સંકુલતાઓને ગાળીગાળીને સરળ સુબોધ રૂપમાં, પ્રવર્તમાન સામાજિક મૂલ્યો સાથે સુસંગત રીતે, રજૂ કરનારની જ બોલબાલા હોય. તેથી કરીને સાચા સાહિત્યના કાલજયી તત્ત્વનું આપણે પણ ઉત્થાપન કરીએ એ જરૂરી છે ખરું? વ્યવહારમાં તો આ પ્રશ્ન એથીય વધુ ઉત્કટ સ્વરૂપ ધારણ કરે છે. પ્રસ્તુત એટલે કોને પ્રસ્તુત? નવલકથાના સ્વરૂપનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીને એ સ્વરૂપ પશ્ચિમમાં વિકસ્યું છે, અને આજે પણ નવા પ્રયોગથી સમૃદ્ધ થતું રહ્યું છે માટે, પશ્ચિમની કોઈ કૃતિ (દોસ્તોએવ્સ્કીની ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ કે આલ્બેર કૅમ્યૂની ‘ધ આઉટસાઇડર’)નો અભ્યાસ કરાવવાનું ઠરાવીએ; પણ અધ્યાપકોમાંના કેટલાક જો એમ કહે કે એ આપણા સાંસ્કૃતિક સન્દર્ભની દૃષ્ટિએ પ્રસ્તુત નથી કે વિદ્યાર્થીઓ કહે કે ‘અમે ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ છીએ, રશિયન કે ફ્રેન્ચ ભાષામાંથી અનૂદિત થઈને આવેલી કૃતિનો અભ્યાસ અમે કરીએ એટલું અંગ્રેજીનું જ્ઞાન અમારી પાસે નથી,’ તો આપણે શો નિર્ણય લઈશું? મેં એક અધ્યાપક તરીકે જોયું છે કે આવી કૃતિઓનો અભ્યાસ કરાવવાનો આપણો હેતુ બર આવતો નથી, આવી કૃતિઓને પહોંચી વળવા જેટલી સજ્જતા આપણા કેટલાક અધ્યાપકોમાં નથી અને વિદ્યાર્થીઓને તો પ્રશ્નપત્રોમાં પૂરતા વિકલ્પો મળતા હોય છે. એનો લાભ લઈને આવી કૃતિઓને એ સહેલાઈથી બાદ કરી નાખે છે. પરીક્ષા એ શું વાંચીને સફળ થવું એના કરતાં શું વાંચ્યા વિના સફળ થવું એની કળા છે. આથી પણ વધારે સંકુચિત અને અસહિષ્ણુવૃત્તિ ધરાવનારા આવી કૃતિઓના અભ્યાસના આગ્રહ પાછળ પશ્ચિમપરસ્તી જોઈને એને ભાંડશે.

નોર્થ્રોપ ફ્રાયના શબ્દોમાં કહીએ તો આ myth of concern ઊભી કરનાઓની જેહાદ છે, આ દૃષ્ટિએ relevanceનો વિચાર કરીએ તો એનાં શાં પરિણામ આવે? નોર્થ્રોપ ફ્રાય કહે છે:

‘This kind of relevance relates the subject to the student: the slithering downward way of mindless education, not the flinty uphill path of relating the student to the subject which is the way of genuine education.’

આની સામે ફ્રાય myth of freedomને મૂકે છે. કોઈ પણ વિષયમાં પહેલેથી જ અન્તર્ગત રૂપે આ relevanceનું લક્ષણ રહેલું હોતું નથી. પ્રવર્તમાન સન્દર્ભનાં સર્વસાધારણ લક્ષણોનું તારણ કાઢીને એને પ્રસ્તુત એવી રચના કોઈ કરતું નથી. એ જ રીતે કોઈ કૃતિને આજની અપેક્ષાનાં તૈયાર કોષ્ટકનાં ખાનાંમાં મૂકીને કોઈ માપતું નથી. સાહિત્યનો વિદ્યાર્થી પોતાને શું પ્રસ્તુત છે તેનો તારસ્વરે દુરાગ્રહ રાખવાને બદલે સાહિત્યકૃતિ સાથેના પોતાના સમ્બન્ધની શોધ કરવાનો ઉદ્યમ કરે તે જ ઇષ્ટ છે.

આજે પ્રવર્તતા વૈફલ્ય વચ્ચે રહીને આવી પ્રવૃત્તિ સમપિર્ત ભાવે કરવી તેનું ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મૂલ્ય છે. સંસ્કૃતિનું સંવર્ધન તે શિક્ષિત માનવીઓની જ જવાબદારી છે. પણ આજે તો ‘સંસ્કૃતિના સંરક્ષકો’ની નૈતિક શ્રેષ્ઠતા અસન્દિગ્ધ રૂપે સ્થાપવી તે જોહુકમીભર્યું વર્તન આચરવા જેવું ગણાય.

આ વલણની સામે આજે રોષથી પૂછવામાં આવે છે: ‘આપણા કહેવાતા અમર સાહિત્યનો ખરેખર કશો પ્રભાવ છે ખરો? જો એવો કશો પ્રભાવ હોત તો આજે જે બર્બરતા દેખાય છે તે આવી હોત? ઉત્તમ કાવ્ય વાંચીને બીજી જ ક્ષણે ઠંડે કલેજે વ્યવસાયમાં ગેરરીતિ આચરનારા અધ્યાપકો નથી? આજે સમાજમાં વિના કારણની હિંસા પ્રવર્તી રહી છે આપણા ગરીબ દેશને ન પોષાય એવો સંપત્તિનો જે નાશ થઈ રહ્યો છે તેનો પ્રતિકાર કરનારું કયું બળ આપણે ઊભું કરી શક્યા છીએ? આપણી વિદ્યાપીઠોમાં પ્રેમાનંદ અને આનન્દશંકરની પ્રતિમાઓ પણ આ નવી બર્બરતાનો ભોગ નથી બની? આની સામે આપણે ગમ્ભીર મુખમુદ્રા રાખીને ‘objective sadness’ કેળવીએ કે ‘historical relativism’ જેવી સંજ્ઞા બચાવ માટે વાપરીને છૂટી જઈ શકીએ?’

સાહિત્ય જેવી કળાઓના વિકાસને આધારરૂપ વર્ગ આજની સમાજરચનામાંથી લુપ્ત થઈ ગયો છે? જેને ‘high culture’ કહીએ છીએ તે હવે સમ્ભવિત નથી? સાહિત્ય સૌજન્યને પોષે છે એવી ભ્રાન્તિ આપણે ક્યારથી સેવતા થયા? સાહિત્યનું એ પ્રયોજન છે ખરું? સાહિત્યના ક્ષેત્રના વિદગ્ધો સાહિત્ય અને નીતિ વચ્ચેના ગજગ્રાહથી તો ક્યાં સુપરિચિત નથી? આજના સમયમાં એવું શું વિશિષ્ટ છે કે રાજકારણ અને સમાજ સાથેના સાહિત્યના સમ્બન્ધની ફેરતપાસ કરવાનું જરૂરી બની રહે?

જ્યોર્જ સ્ટાઇનરે અ-ભાષિક એવી નવી સંસ્કૃતિના ઉદ્ગમની વાત કરી છે. એના આધારસ્તમ્ભો સંગીત અને ગણિત છે. આપણે ગમે તે રીતે આખો મુદ્દો રજૂ કરીએ, પણ જ્યાં સુધી કોઈ પણ પ્રકારના high pursuitsની આવશ્યકતા આપણે સ્વીકારીએ છીએ ત્યાં સુધી માનવીની આ નિર્માણશક્તિ અને સંસ્કૃતિ વચ્ચેના સમ્બન્ધની ચર્ચાને આપણે ટાળી શકીશું નહીં.

વિવેચકોએ શું કરવું એ વિશે કોઈ ધર્માચાર્યની અદાથી આદેશ આપવાનો આ સમય નથી. છતાં સાહિત્યનું મૂલ્ય આજના સમાજમાં સ્થાપવાનો પુરુષાર્થ તો એણે કરવાનો જ છે એ વિશે કોઈ અસંમત નહીં થાય. લોકશાહીના સિદ્ધાન્તનું સર્વે ક્ષેત્રોમાં થતું આરોપણ, પ્રવર્તમાન સામાજિક સન્દર્ભ સાથેની સાહિત્યની પ્રસ્તુતતાનો આગ્રહ, પરમ્પરાગત ઉત્કર્ષનાં ધોરણો પરત્વેની ડામાડોળ પરિસ્થિતિ અને ‘high culture’નાં મૂલ્યો વિશે ઊભી થયેલી સંદેહવૃત્તિ – આ બધાંને કારણે જે વાતાવરણ ઊભું થયું છે તેમાં આજના સાહિત્યકારે, વિવેચકે અને સાહિત્યના અધ્યાપકે પ્રવૃત્ત થવાનું છે.

આપણને રુચે કે નહીં રુચે, પણ સાહિત્યમાં સર્જન, અધ્યયન અને અધ્યાપનમાં પ્રવૃત્ત રહેનારા તરીકે આપણી એક જુદા વર્ગ તરીકે સમાજમાં ગણના થવાની જ. એથી આપણને થોડું અળગાપણું વેઠવાનું આવવાનું જ. અહીં જે લોકો સાહિત્યને કેવળ રોટલો રળવાના સાધન તરીકે જ જુએ છે તેમની વાત કરતો નથી. જેઓ નિષ્ઠાથી સાહિત્યનું અનુશીલન કરતા રહે છે તેમને માટે આ પરિસ્થિતિ ઊભી થાય છે. પ્રજાને જે અર્થમાં રાજકારણ સાથે કે સામાજિક મૂલ્યો સાથે લાગેવળગે છે તે અર્થમાં સાહિત્ય સાથે લાગતુંવળગતું નથી. અમુક બૌદ્ધિકોનો એ કેળવેલો શોખ છે, અને એને વિશેની વિવેચનપ્રવૃત્તિમાં જેઓ વિદગ્ધ રસિકો છે કે સાહિત્યવિલાસી છે તેમને જ કશી લેવાદેવા છે. આથી સાહિત્યનો પ્રશ્ન સમાજજીવનના મુખ્ય વહેણ સાથે સમ્બન્ધ નહીં રાખનારો ગૌણ પ્રશ્ન જ બની રહે છે.

સાહિત્યની ચર્ચામાં જુદા જુદા બે પ્રકારનાં ધોરણોની સેળભેળ થઈ જતી લાગે છે. ‘સરસ્વતીચંદ્ર’માં રજૂ થયેલા જીવનાદર્શ સાથે પોતાના આદર્શનો પ્રાસ બેસાડીને એનો આહ્લાદ પ્રકટ કરનારા એક બાજુ છે તો બીજી બાજુ સૈકાજૂની પ્રતોમાંથી પ્રજાના ભૂતકાળના સાંસ્કૃતિક જીવનની કે ભાષાકીય માહિતી ચીવટ અને ઝીણવટથી પશુશ્રમ કરીને શોધનારા પણ્ડિતો છે. પણ સમાજના મોટા ભાગને આ પ્રવૃત્તિમાં રસ નથી. તેમ છતાં જીવનના ઊંચા આદર્શો પ્રત્યેના આદરને કારણે અને ‘વિદ્વાન સર્વત્ર પૂજ્યતે’વાળી ચાલી આવતી ભાવનાને કારણે આ બંને પ્રકારના વિદ્વાનોને તો સમાજ, એમની પ્રવૃત્તિમાં ઝાઝો રસ લીધા વિના, દૂર રહીને સત્કારે છે. એમને માટે શિક્ષણસંસ્થાઓનાં કે બીજી સાંસ્કૃતિક સંસ્થાઓનાં અનુદાનો સુલભ બની રહે છે. વિદ્યાપીઠોમાં પણ એમનું ગૌરવ છે.

આવું સદ્ભાગ્ય બીજા પ્રકારના સાહિત્યસેવકોને પ્રાપ્ત થતું નથી. એમને પરમ્પરાપ્રાપ્ત જીવનમૂલ્યો કે શ્રદ્ધા દોહરાવવામાં રસ નથી, કારણ કે એ મૂલ્યો માટેની શોધની પ્રક્રિયા હજી ચાલુ છે. સમાજમાં જે મૂલ્યો ચલણી છે તેનાથી ઊફરા જઈને પણ એઓ આ શોધનું સાહસ કરતા હોય છે. એઓ પ્રયોગશીલ છે માટે એમનો કશો સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો દાવો નથી. જીવનના અમુક ખણ્ડને જ અનુકૂળતાપૂર્વક સારવી લઈને ઉદ્વેગનો ભોગ બન્યા વિના કે બુદ્ધિભેદ ઊભો કર્યાનું પાપ વહોર્યા વિના સમ્પૂર્ણપણે નિરુપદ્રવી બનીને સાહિત્યક્ષેત્રમાં પ્રવૃત્ત થવાનો માર્ગ એમણે સ્વીકાર્યો નથી. જીવનની સમગ્રતાને બને તેટલે અંશે તાગવાનો એમનો પુરુષાર્થ હોય છે. આ કારણે પરપ્રત્યયનેય પ્રતીતિના રાજમાર્ગે થઈને એઓ સમાજસમ્મત લક્ષ્ય તરફ હંમેશાં જતા નથી. એમને સંદેહ, સંક્ષોભ, વિરતિ, વૈફલ્ય આ બધાંનો પણ સામનો કરવો પડે છે. પણ એમને મન આ મૂલ્યબોધ માટેની અનિવાર્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાંથી તિતિક્ષાપૂર્વક, ધૈર્યપૂર્વક પસાર થવાનું હોય છે. શિષ્ટ સમાજની માન્યતા પ્રાપ્ત ન થાય એટલું જ નહીં, પણ એનો પુણ્યપ્રકોપ વહોરી લેવો પડે; ગુપ્ત અને સૂક્ષ્મ રીતે ચાલતી censorshipના એમને ભોગ બનવું પડે. આને પરિણામે આપણી યુગચેતનાને સાહિત્યની પદ્ધતિએ રૂપ આપવા મથનારો આ વર્ગ, પ્રતિકૂળ સાંસ્કારિક આબોહવાને કારણે, દૃઢમૂળ થઈ શકે નહીં, આ ખરેખર એક ઘણી મોટી ક્ષતિ છે.

સમાજના મોટા વર્ગની જરૂરિયાતને પહોંચી વળવા, જરૂરી પૂરવઠો પૂરો પાડવા, સાહિત્યના ક્ષેત્રમાં એક બીજો ઉદ્યમ મોટા પાયા પર ચાલતો હોય છે. આ ઉદ્યમના પરિણામે નીપજતી કૃતિઓ સમાજનો આમવર્ગ માણે છે. એમાં કશી રસકીય સિદ્ધિનો દમ્ભ હોતો નથી. ઉચ્ચભ્રૂ વિદગ્ધો ભલે એની ઉપેક્ષા કરે, વિદ્યાપીઠોના અભ્યાસક્રમોની ‘પ્રશિષ્ટ’ કૃતિઓમાં ભલે એ સ્થાન ન પામે. એનો ઝાઝો રંજ પણ હોતો નથી. સાર્વજનિક પુસ્તકાલયો એનાથી ભરેલાં હોય છે. એ આમ જનતાની સર્વસાધારણ વૃત્તિઓ અને વાસનાઓને પંપાળે છે, થાબડે છે; એની શ્રદ્ધાને આંચકો આપતી નથી. વ્યભિચારનાં કે બળાત્કારનાં ઉત્તેજક વર્ણનો કરીનેય આખરે સામાજિક નીતિને સમ્મત એવું નિર્વહણ લાવી દઈને એ, બધાં પાપનો સ્વાદ ચખાડ્યા છતાં, પુણ્યપ્રકોપનો ભોગ બનતાં ઊગરી જાય છે. મૂલ્યબોધની પ્રક્રિયા એને માટે અપ્રસ્તુત છે. મનોરંજનનાં થોડાંક ઉપજાવી કાઢેલાં સૂત્રોને જ એ અનુસરે છે. પુનરાવર્તન પકડાઈ ન જાય એવી ચાતુરી વાપરવી એ જ એનો કસબ છે.

આ પ્રકારનું સાહિત્ય જેમ જેમ પ્રસરતું જાય છે તેમ તેમ સાચાં કળાતત્ત્વવાળું સાહિત્ય પશ્ચાદ્ભૂમાં સરતું જાય છે. પછી એ થોડા specialistનું ક્ષેત્ર બની રહે છે. આથી આવા સાહિત્યમાં રહેલું પ્રભાવક તત્ત્વ સમાજમાં ક્રિયાશીલ બનતું નથી. કેટલાંક આ બે અન્તિમો વચ્ચેનો વહેવારુ મધ્યમ માર્ગ સ્વીકારે છે. શિષ્ટ સમાજને રુચે એવું, પ્રયોગશીલતાના થોડા દેખાડાવાળું અને જીવન વિશે ગમ્ભીર પર્યેષણા કર્યાનો ભાસ થતો હોય એ પ્રકારનું સાહિત્ય તેઓ રચે છે. આપણા જમાનાની નવી ‘પ્રશિષ્ટ’કૃતિઓ આ પ્રકારમાંથી જ આપણા કાલજ્યેષ્ઠોને પ્રાપ્ત થાય છે. આવી રચના પાછળ ચતુર બુદ્ધિ કામ કરતી હોય છે. આથી એમાં અમુક પ્રકારનું બુદ્ધિચાપલ્ય નર્મમર્મ રૂપે ચમક્યા કરે છે. આવા પ્રકારની કૃતિઓમાં મૂલ્યબોધની પ્રક્રિયા રસના પરિપોષની પ્રક્રિયા સાથે સમાન્તર ચાલતી નથી. રસનિષ્પત્તિ દ્વારા જ મૂલ્યનિષ્પત્તિ થાય એવું સંયોજન એમાં સર્વથા હોતું નથી.

આવી કૃતિઓ ‘myth of concern’ની અપેક્ષાને સંતોષે છે. નોર્થ્રોપ ફ્રાય કહે છે તેમ ‘The myth of concern exist to hold society together, so far as words can do this for it, truth or reality are not directly connected with reasoning or evidence, but are socially established. What is true, for concern, is what society does and believes in response to authority, and a belief, so far as belief is verbalized, is a statement of willingness to participate in a myth of concern..’ આમાંથી એ ફલિત થાય છે કે આ પ્રકારનું સાહિત્ય પરમ્પરાનું વિરોધી હોઈ શકે નહિ, એનો લેખક સમાજના કેન્દ્રથી દૂર જતો નથી, એ પરમ્પરાનું વહન કરે છે અને પરમ્પરાપ્રાપ્ત મૂલ્યોને સંક્રાન્ત કરતો રહે છે.

સત્યને અધિકૃત કે પ્રમાણભૂત બનાવનાર તત્ત્વ તે આવી કશી authority નહીં પણ બોદલેરે જેને કળામાં સિદ્ધ થતાં correspondence રૂપે વર્ણવ્યં છે તે છે. એમાં બાહ્ય જાગતિક ઘટનાનું શબ્દોના વિન્યાસ સાથેનું અવિનાભાવી એવું સામ્રાજ્ય સ્થપાતું હોય છે. દરેક સમાજમાં પરમ્પરા સાથેની તત્સમ વૃત્તિ અને નવા આવિષ્કારને માટેની સાહસવૃત્તિ વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરતો હોય છે. આ પરત્વે સાહિત્યનું અધ્યાપન કરનાર અને એ નિમિત્તે ઊછરતી પ્રજામાં રસકીય રુચિ કેળવીને એ દ્વારા એને મૂલ્યબોધની પ્રાપ્તિના સાહસની દિશામાં અભિમુખ કરનાર જો આ બે વૃત્તિ પૈકીની એક તરફ ઝૂકવાનું વલણ અખત્યાર કરે તો આખરે એ આપણા સાંસ્કૃતિક જીવનની એક મોટી ઊણપમાં પરિણમે.

કવિ ઉદ્ગાતા મટી ગયો અને કાવ્યની મૌખિક પરમ્પરાને સ્થાને લિપિબદ્ધતા આવી ત્યારથી કવિતા સામાજિક સમ્પત્તિ મટીને વધુ ને વધુ વ્યક્તિગત થઈ ગઈ. એ સાથે કવિ પણ કેન્દ્રમાંથી દૂર ને દૂર સરતો ગયો. કાવ્ય દ્વારા વ્યાપક સામાજિક આદર્શો અને વલણો પ્રકટ કરવાની પ્રવૃત્તિ ક્ષીણ થતી ચાલી. આથી સમાજને સંગઠિત કરીને એકરૂપે રાખનાર વિચારો અને પ્રતીકો યોજનાર માત્ર કવિઓ રહ્યા નહીં. એ કાર્ય કર્મઠ માનવીઓએ ઉપાડી લીધું. ઘણુંખરું સાહિત્યના ક્ષેત્રની બહાર રહીને પોતાની સૂત્રાત્મક સચોટ વાગ્છટાથી એમણે આ કાર્ય પોતાના હાથમાં લઈ લીધું. રોમેન્ટિક વળગણવાળા સર્જકોએ સમાજનાં અમાનુષી બળો સામે વિદ્રોહ પોકારીને માનવમૂલ્યોની સ્થાપના કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો, પણ એમાંય સંસ્કૃતિને ભેદીને પ્રાકૃત ચેતના તરફ જવાનાં વલણો દેખાયાં.

આપણે ત્યાં મેથ્યૂ આર્નલ્ડના વિવેચનની માનવ્યલક્ષી વિભાવનાની દીક્ષા લેનારા નથી એમ નથી. એવો વિવેચક પ્રયોગલક્ષી કે ઉછાંછળા કવિ કરતાં ઊંચી કોટિનો લેખાય છે (અલબત્ત, સામાજિક દૃષ્ટિએ કે વ્યક્તિગત દૃષ્ટિએ નહીં) તે એ સમાજનો પ્રવક્તા હોય છે માટે. કવિએ અનુસરવાનાં સમાજસમ્મત ધોરણોને એ ઉચ્ચારે છે. એ સમાજના વરેણ્ય વર્ગનો પ્રતિનિધિ હોય છે. શક્તિનો સમુચિત ઉપયોગ કરીને, વ્યક્તિત્વના શ્રેષ્ઠ અંશનો વિકાસ સાધીને એ સમાજનાં વિદગ્ધોનું એક નાનું મણ્ડળ ઊભું કરે છે જે સમાજના આદર્શોની માવજત કરે છે. એ અન્તિમોને ચાતરીને ચાલે છે; કોઈ પ્રકારની તરફદારીમાં સંડોવાવાનું એ ટાળે છે અને એ રીતે શુદ્ધ અને સર્વમાન્ય ધોરણો સ્થાપી આપવાનું એનું વલણ હોય છે. અમુક વર્ગની કે સ્વાર્થની મર્યાદાઓમાં પુરાઈ ન રહે એવા સાહિત્યતત્ત્વને પારખવું, એનું અર્થઘટન કરી આપવું અને એની ઉચ્ચાવચતાનો નિર્ણય ઉચ્ચારવો, એ પોતાનું કર્તવ્ય છે એમ એ માને છે.

આજના લોકશાહી સમાજમાં પોતાને વરેણ્ય માનનાર આ વર્ગનું સ્થાન ખરું? આવો વિવેચક આ રીતે આજે પોતાનું કર્તવ્ય બજાવી શકે? સાહિત્યને ચકાસવાનાં અને મૂલવવાનાં ધોરણો સંપડાવી આપનાર મધ્યસ્થોનો એ વર્ગ આજે લુપ્ત થઈ ગયેલો લાગે છે. એને પરિણામે આજે કોઈ પણ વિવેચક એ વર્ગના પ્રતિનિધિ તરીકે નહીં, પણ વ્યક્તિગત રીતે જ પ્રવૃત્ત થઈ શકે. આમ વિવેચક એક વાર મૂલ્યાંકનની કે નૈતિક ધોરણો જાળવવાની ઝંઝટમાંથી છૂટે પછી એણે કાવ્યની જુદી જુદી અભિવ્યક્તિની વિવિધતા પ્રત્યે સહિષ્ણુતા દાખવવી રહે, દરેક કવિના વ્યક્તિત્વનો આદર કરવાનો રહે. કોઈ ગમ્ભીર વિવેચક ‘મને આ પ્રકારની કવિતા રુચતી નથી,’ એવું કહી નહીં શકે. વિવેચકનું કર્તવ્ય સાહિત્યને પ્રત્યક્ષ રીતે ગોચર થતા જ્ઞાનના પુદ્ગલ તરીકે જોઈએ એનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાનું છે. વિવેચક તરીકે એણે પોતાને એના કેવળ અંગત પ્રતિભાવોમાંથી મુક્ત કરવો જોઈએ. આર્નલ્ડ પુરસ્કૃત ‘arbitrative disinterestedness’ નિષ્ફળ ગઈ છે તો હવે સમાજના અમુક વર્ગની મર્યાદાઓને ઉલ્લંઘી જઈ શકે એવી નવા પ્રકારની નિ:સ્પૃહતા એણે કેળવવાની રહેશે. એ વિવેચક કેવળ સાહિત્યને સમપિર્ત હોવો જોઈએ.

આર્નલ્ડે કહેલું કે સાહિત્ય જીવનને એની અખણ્ડતામાં જુએ છે. એ એની શ્રદ્ધા હતી, પણ વાસ્તવમાં એનું બને છે ખરું? આ સમગ્રતા માટે તો આપણે વિદ્યાની અન્ય શાખાઓ તરફ પણ વિવેચક તરીકે વળવું જોઈએ. આપણો વિષય કેવળ સાહિત્ય નથી પણ એમાં ધર્મ, દર્શન, રાજનીતિના સિદ્ધાન્ત, સમાજવિજ્ઞાનો અને પુરાણકલ્પનોનો પણ સમાવેશ થાય છે. સંકુચિતતા કે અતડાપણું ન કેળવવું જોઈએ. રાજકારણમાં જેને ‘દમન’ કહે છે તેને આ ક્ષેત્રમાં સ્થાન નથી. આ ઉદારમતવાદી માનવ્યપરાયણ દૃષ્ટિકોણ છે. સહિષ્ણુતા એનું મુખ્ય લક્ષણ છે. પણ આ સહિષ્ણુતાને જો કશી સીમા નહીં હોય, જો આપણે એવી વ્યાપકતાનો આગ્રહ રાખીએ જે બધું જ સમાવી લે તો પછી એ ક્ષેત્રની આગવી વિશિષ્ટતાનો લોપ નહીં થઈ જાય? તો પછી એક પ્રકારની અર્થહીનતાને આશ્રય આપવા જેવું નહીં થાય? સામસામો દાવો કરનારાં બળો વચ્ચેની લવાદીનું કામ કોને સોંપીશું? એને માટે શી સજ્જતા કેળવવી જોઈએ? આદર્શ તરફ વધારે ઝૂકીએ અને માનવવ્યવહારની વાસ્તવિકતાને ધ્યાનમાં ન લઈએ તો આવું બનવાનો સમ્ભવ રહે. આપણાં આશયો અને પ્રવૃત્તિઓ બૌદ્ધિક આદર્શોથી, રહસ્યમય દૈવી શક્તિઓ કે સન્દર્ભનિરપેક્ષ કશી લાગણીથી જ પ્રેરાતાં હોય છે એવું નથી. એની પાછળ તો સંકુલ અને અવ્યવસ્થિત એવા માનવસમ્બન્ધોના માળખાંઓ રહ્યાં હોય છે. આપણાં લોભ, સત્તાલાલસા, રતિ, આત્મવંચના, મનોરુગ્ણતા, ચિત્તની અસંતુલિત અસ્વસ્થતા, ક્ષુધાવાસના, આશા વિષાદ વગેરે આપણને પ્રવૃત્ત કરતાં હોય છે. કેવળ આદર્શાભિમુખ થઈને વિચારીએ તો આજે જે સંઘર્ષ ઊભો થયો છે તેની કેટલીક વીગતો પ્રત્યે દુર્લક્ષ કરવા જેવું થાય. નિ:સ્પૃહતા અને સહિષ્ણુતાનું નામ લઈને વર્ચસ્ અમુક વર્ગનું જ રહે એવી યુક્તિઓ નથી યોજાતી? આવી નિ:સ્પૃહતાથી, માનવહિતથી નિરપેક્ષ દૃષ્ટિએ, વિજ્ઞાનનો વિકાસ થતાં કેવાં ખતરનાક પરિણામ આવ્યાં છે તેનાથી આપણે સુવિદિત છીએ. જ્ઞાનની એક શાખા તરીકે સાહિત્યનો અભ્યાસ એ વિશિષ્ટ સજ્જતા ધરાવનારનો અધિકાર છે. અભ્યાસમાં જો વ્યક્તિગત વિશિષ્ટ પ્રતિભાવનો કાંકરો જ કાઢી નાખીએ તો એથી સાહિત્યને જ નુકસાન પહોંચશે. આમ નિ:સ્પૃહતા એક આદર્શ છે, માનવજીવનમાં સમ્પૂર્ણપણે શક્ય એવી સમ્ભવિતતા નથી.

વિદ્યાપીઠ સમુદાર દૃષ્ટિ અને માનવતાને ઉપકારક ગુણોની પોષક છે. ત્યાં આપણે કશા અનુચિત અભિનિવેશ કે આક્રોશ વિના, બહારનાં કશાં દબાણને વશ થયા વિના, બુદ્ધિપૂર્વક, પ્રયોગો કરીને તર્કશ્રદ્ધેય ભૂમિકા પર શિક્ષણનું, માનવતાને ઉપકારક, કાર્ય કરી શકીએ. ત્યાં કુણ્ઠિત થઈ જતી કલ્પનાને માટે નવી ક્ષિતિજો ઉઘાડી શકીએ, એ કોઈ ધામિર્ક સમ્પ્રદાય કે રાજકીય પક્ષના જેવી સંસ્થા નથી જેને વફાદારીને નામે સિદ્ધાન્તજડ થવું પડે. વિદ્યાપીઠોને માટે હરકત ઊભી કરીને, બધા સામાજિક દોષોનું આરોપણ એના પર કરીને, જ્ઞાનની પ્રાપ્તિ અને એના પ્રસારને અનુકૂળ વાતાવરણને દૂષિત કરીને, આપણે સામાજિક ક્રાન્તિ કે રાજકીય ક્રાન્તિ લાવી શકીએ નહીં. જ્ઞાનપ્રાપ્તિ અને એના પ્રસારમાં પ્રવૃત્ત રહેનારો વર્ગ સમાજમાં પ્રતિષ્ઠા ભલે ન પામે પણ એની આ પ્રવૃત્તિ પર અપરાધબોધનો ઓછાયો પડવો ન જોઈએ. એને સમાજે ઊભા કરેલા નવા અસ્પૃશ્યોમાં ગણી લેવો ન જોઈએ. જ્ઞાનના ક્ષેત્રમાં જે તાટસ્થ્યની અપેક્ષા છે, જે અનાસક્તિની અપેક્ષા છે તેને માટે હૃદયજડ બની જવું અનિવાર્ય નથી. આખરે વિદ્યાપીઠો પણ અમુક વિશિષ્ટ લક્ષ્યને સમપિર્ત સંસ્થાઓ છે. એ અર્થમાં એ લક્ષ્યથી તે બંધાયેલી જ છે. આ લક્ષ્ય સમાજબાહ્ય કે સમાજવિરોધી નથી હોતાં. પણ અમુક તબક્કે લક્ષ્ય વિશેની આપણી સમજ ધૂંધળી બની હોય, એને સિદ્ધ કરવાની પદ્ધતિ પરત્વે એકવાક્યતા ન હોય, ત્યારે વાતાવરણમાં સંક્ષુબ્ધતા ફેલાઈ જાય છે. એવે વખતે વિશદ પારદર્શકતાની જાળવણી કરવાનું કામ વિદ્યાપીઠોનું છે. આજે આપણે આવા જ એક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં સમાજમાં કે રાજકારણમાં હાલ પૂરતું વર્ચસ્ ધરાવનારા વર્ગની શેહમાં દબાઈ જઈને, સુરક્ષિતતાને ખાતર, જો આપણે વ્યવહારકુશળતા અને મુત્સદ્દીગીરીને નામે, આપણાં લક્ષ્યને વિઘાતક એવાં સમાધાનો કરી લઈને એને ગમે તેવી કુશાગ્ર બુદ્ધિથી ઇષ્ટ ઠરાવવાનો પ્રયત્ન કરીશું તો આપણાં એ સ્ખલનને આપણી પ્રજાનો સાંસ્કૃતિક ઇતિહાસ માફ કરવાનો નથી. આપણી સાહિત્યચર્ચા કાલનિરપેક્ષ દૃષ્ટિએ થાય તો જ એનું ગૌરવ જળવાય એવી માન્યતા પણ સાવ સાચી નથી. આજે આપણી વચ્ચે વિદ્યમાન પણ મનથી અને હૃદયથી આગળની પેઢી સાથે વધુ એકતા અનુભવનાર, કાલજ્યેષ્ઠોએ પરિવર્તનની પ્રક્રિયાને સમજીને અર્વાચીન માનવસન્દર્ભ અને સંવેદનાને મૂર્ત કરવા મથનાર સાહિત્યનો પણ કળાતત્ત્વના ઉત્કર્ષને ધ્યાનમાં લઈને, વિદ્યાપીઠોમાં પ્રવેશ કરાવવો જોઈએ. વિવેચક પોતાના સમકાલીન સર્જકને કે એવી કૃતિને ન્યાય્ય ઠરાવવા બંધાયેલો નથી. પણ અર્વાચીન સન્દર્ભને અને એની સમસ્યાઓને મૂર્ત કરી આપવામાં સર્જક મહત્ત્વનો ભાગ ભજવે છે તે સ્વીકારીને એના પ્રયત્નોની સમજપૂર્વકની આલોચના તો થવી જ જોઈએ. આજની સામાજિક અવસ્થામાં એવું બન્યું છે કે સર્જક દૂર ને દૂર ધકેલાયો ગયો છે. એ તુંડમિજાજી બનીને અલગારીપણું કેળવતો નથી, એને અલગારી થવાનું આવ્યું છે. આથી એનો અવાજ તે એક અંગત અવાજ છે. આ પરિસ્થિતિથી એ સભાન છે માટે જ એ પોતે જ પોતાની આ પ્રવૃત્તિ વિશે પ્રશ્નો પોતાની રચનામાં જ ઉઠાવે છે. એ પોતાની જ વિડમ્બના પણ કરતો હોય છે. ભાષાના પ્રપંચ પરત્વે એ કેટલીક વાર ઉદાસ અને સપ્રશ્ન બનતો દેખાય છે. આજના સાહિત્યનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે એ સાહિત્યસ્વરૂપની રચના દ્વારા જ એ સ્વરૂપની અકાર્યકરતા પણ તપાસીને ચીંધી બતાવતો હોય છે. એની આ પ્રામાણિકતા, શોધવૃત્તિ અને નિષ્ઠાને જો આપણે mannerismમાં કે અળવીતરાપણામાં ખપાવી દઈશું તો તે આપણી અસહિષ્ણુતા અને અનુદારતાનું જ દ્યોતક બની રહેશે. પોતાના વ્યાપમાં સમાવી લઈ નહીં શકાય એટલી બધી અરાજકતા અને અસંગતિઓ સાથે આજના સર્જકને બાથ ભિડાવવાની આવી છે. આથી કોઈક વાર એમ પણ બન્યું હોય કે cohesive formની આપણી શાસ્ત્રપ્રાપ્ત અપેક્ષાઓ એણે ન સંતોષી હોય, છતાં કૃતિની અખણ્ડતા જાળવવાના એણે યથાશક્ય પ્રયત્નો સર્જકની નિષ્ઠાથી કર્યા હોય તો આપણે એની નોંધ લેવી જોઈએ. એ આજના આપણા અનુભવોને રૂપ આપીને મૂર્ત કરી એને વિશેની આન્તરિક સૂઝ વિકસાવવા મથતો હોય તો એને અસામાજિક શી રીતે કહી શકાય? સર્જકના સંઘર્ષની પ્રક્રિયાનો આલેખ પણ વિવેચકે આપવો જોઈએ, તો એને વિશેની કેટલીક બેજવાબદાર ગેરસમજો દૂર થાય.

આપણે આપણા ભૂતકાળનો શો ઉપયોગ કરીએ છીએ પણ તપાસવું જોઈએ. આપણે એને એવી રીતે વાપરીએ છીએ ખરા કે જેથી આજની આપણી સંવેદનામાં એક નવું મહત્ત્વનું પરિમાણ ઉમેરાય? કે પછી આજના મૂલ્યહ્રાસના અને સંક્ષોભના જમાનામાં એને જ એક આધાર ગણીને માત્ર ટેકણલાકડી તરીકે વાપરીએ છીએ? એ ભૂતકાળ આપણી વણસંતોષાયેલી અપેક્ષાઓએ ઊભું કરેલું કશુંક કપોલકલ્પિત તત્ત્વ તો નથી ને? આજે વાતાવરણમાં પ્રવર્તતી વિધ્વંસકતા, વિરતિ અને અરાજકતા જે સમસ્યા ઊભી કરે છે તે પરત્વે ભૂતકાળ પાસેથી આપણે કશી મદદ પામી શકીએ ખરા?

આપણે ઇતિહાસની એક અપૂર્વ કટોકટીના સમયમાં જીવી રહ્યા છીએ એને કારણે ભૂતકાળ આપણે માટે સર્વથા અપ્રસ્તુત બની રહ્યો છે એમ કહેવામાં વાગ્છટા હશે પણ સત્ય નથી. આવી કટોકટીની ક્ષણે આપણે સાહિત્યરચના અને સાહિત્યચર્ચા કરીને રોમ બળતું હોય ત્યારે ફીડલ વગાડવા જેવું છે એવો પણ આક્રોશ રહી રહીને ઊઠે છે. આજે સર્જન કરતાં સંહારનું પલ્લું નમી ગયું છે ત્યારે સ્મશાનમાં રજનીગન્ધાનો છોડ રોપી આવીને સ્મશાનને ઉદ્યાન તરીકે ખપાવવાની ભ્રમણા આત્મદ્રોહી નહીં પણ યુગદ્રોહી છે એવું પણ કેટલાક રોષથી કહે છે. આજે પ્રવર્તમાન અમાનુષીપણા વચ્ચે ઊભા રહીને ઉદાર માનવતાવાદનું રટણ કર્યા કરવું એ વૃથા કાલક્ષેપ છે એમ પણ કેટલાક માને છે. પણ આટલેથી જ અટકવાનું નથી. એથી આગળ જઈને આપણે એ પ્રશ્ન પણ પૂછી શકીએ કે આ બર્બરતા, અમાનુષીપણું ફેલાવવામાં સાહિત્ય કેટલે અંશે જવાબદાર છે? આ બર્બરતાનું સુરમ્ય આચ્છાદન સાહિત્ય ઘણી વાર નથી બની રહ્યું? કહેવાતા માનવતાવાદને જ આ અમાનુષીપણામાં સંડોવાયા હોય તો એમણે માનવતાવાદને નામે મોટા મોટા દાવા કરવાનું છોડી દેવું જોઈએ. જો આજે દેખાતી બર્બરતા આકસ્મિક નથી તો એને જન્મ આપનારાં કયાં પરિબળો આપણી સંસ્કૃતિમાં રહેલાં છે? માનવતાનો નૈતિક આદર્શ અને આપણો માનવવ્યવહાર એ બે વચ્ચેના સમ્બન્ધની કોઈ સીધી કડી નથી. માનવવિદ્યાઓને આજે આ બર્બરતા અને અમાનુષીપણા સામે ઝૂઝવાનું આવ્યું છે એટલું નક્કી. પણ એથી કરીને માનવીની સર્જકતાએ જે કાંઈ શ્રેષ્ઠ અને કાલજયી સિદ્ધ કર્યું છે તેને પણ આપણે વખોડી કાઢી શકીએ નહીં. એ માટે એ શ્રેષ્ઠ શું છે અને એ કયાં વિરોધી પરિબળો વચ્ચે શી રીતે નિષ્પન્ન થયું છે તે બતાવી આપવાનું રહે.

સર્જન એ આખરે તો સાહસ છે. દૈવી પ્રેરણાથી અનુપ્રાણિત થઈને જ જો એ આપણે કરતા હોઈએ તો એની નીતિઅનીતિનો પ્રશ્ન ઊભો જ થાય નહીં. પણ આ સાહસ પૂર્વનિર્ણીત સફળતાના ગણિતને અનુસરીને થતું નથી. આથી એમાં સાચા કે ખોટા પડવાના પ્રશ્નને મહત્ત્વ ન હોવું જોઈએ. જો આપણે આજે નારકી પરિસ્થિતિમાં મુકાયા હોઈએ તો એનું ભાન પણ સાહિત્ય જ કરાવશે, પણ તેથી એ નારકી પરિસ્થિતિમાં રાચે છે એમ કહેવું ઠીક નથી,

આજે જે પ્રશ્નોની માંડણી જે રીતે થવી જોઈએ તે થતી નથી. ભૂતકાળમાંથી સમાધાન શોધી લેનાર માટે આ પ્રશ્ન પૂછવાનો ઉદ્યમ પણ એક પ્રકારની નાસ્તિકતા ઠરે છે. આજે આવા ઉચ્ચારિત-અનુચ્ચારિત અનેક વિધિનિષેધોને કારણે સાહિત્યના ક્ષેત્રમાં બંધિયારપણું અનુભવાય છે. આપણે આ નિમિત્તે થોડાક પ્રસંગોથી છંછેડાઈને અહીંથી જઈશું તો પણ આપણું આ મિલન, મારી દૃષ્ટિએ તો, સાર્થક ઠરશે.

ઓક્ટોબર, 1974