અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/બોલે બુલબુલ

Revision as of 14:53, 6 September 2021 by Atulraval (talk | contribs)


બોલે બુલબુલ

ઉમાશંકર જોશી

બોલે બુલબુલ,
વ્હેલે પ્હરોડિયે બોલે બુલબુલ …

આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ?
બોલે બુલબુલ …

ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ
આવી છંટાય મારી પાંપણે અમૂલ.
બોલે બુલબુલ …

રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગુલ!
બોલે બુલબુલ …

અરધુંપરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચ્ચે સૂર તણો પુલ!
બોલે બુલબુલ …

(વસંતવર્ષા)


આસ્વાદ: બોલે બુલબુલ — સુરેશ જોષી