અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/પંખીલોક

Revision as of 16:00, 6 September 2021 by Atulraval (talk | contribs)


પંખીલોક

ઉમાશંકર જોશી

કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે.

પો ફાટતાં પહેલાં અધઊંઘમાં સ્વરો ચમકે તન્દ્રાતમિસ્રા વીંધી,
ઘેઘૂર વૃક્ષઘટા આખી પ્રકાશનાં છાંટણાંથી ચૂએ જાણે,
પર્ણઝુંડમાંથી ટપકે ‘…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્…’
ક્રિયાપદોની ત્વરિત હારમાળા પંખી પઢી જાય એક્કે શ્વાસે.
ઊઠો, જાગો, ક્રિયારત થાઓ–નું ઇંગિત.
બંધ આંખે વૈયાકરણી પાણિનિશિષ્યોનાં સૂત્રો સ્મૃતિમાં ઠરે.
પાણિનિનો આખોયે પ્રજ્ઞાપ્રાસાદ સાક્ષાત્કરાય.
નાનું અમસ્તું સૂત્ર, તેજનું આચમન, – પંખીએ ગાયેલું? પંખીએ
પાયેલું? —

’…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્ સિચ્…!’ કાનને પરિતર્પતી
         દ્યુતિસેર ક્રિયાની, શબ્દની.
આટલા વહેલા પરોઢે વેદિયા હોય તેણે વેદ સંભાળવા ગ્રંથકારે
         રૂડા ગ્રંથ રચવા.
કવિને શબ્દો શોધતા આવે. પાણિનિના નિયમોથી બદ્ધ શબ્દો?
કે પછી પંખીના જેવા ટપકતા પ્રકાશના ટુકડા?

શબ્દો જો બોલી શકતા હોત તો કવિને
જરૂર કહેત કે કવિતા બનવાનું અમારું તે શું ગજું?
છુટ્ટા કોશમાં — વ્યાકરણમાં, ભેળા માનવીની જીભ પર
એવા અમે થોડા જ હતા જેવા કવિતામાં તમે જોયા?
જગત જોતાં જ શરૂ થાય અમારી મેડક-કૂદંકૂદા,
રચયિતાના સંદર્ભના ઇશારે અમે વશ, મંત્રમુગ્ધ;
અમે શબ્દો — આવજો,
અમે મૌનમાં ઝંપલાવીએ;
શમે અમારી અર્થબડબડ
રસોન્માદ છોળમાં.

શબ્દનો દ્યુતિમંત ચહેરો કવિ ભૂંસે, ક્યારેક તો
મહોરોય પહેરાવી દે
પોતાની કવિતાનો ચહેરો ઉપસાવવા.
દાર્શનિક ભલે મૂર્તતા ગાળી અર્ક નિચોવે શબ્દોનો,
કવિનો શબ્દ અર્કઅર્ણવમાંથી ઊપસતી ચારુ કિરણકેશ સમારતી ઉષામૂર્તિ.

ઉષા! વેદ-કન્યા ‘ઉષા’ માત્ર શબ્દ છે? એક એક શબ્દ, એક એક સંકુલ.
આંખ જો કાન હોય તો તેજને — રંગને એ સાંભળી શકે.
ઉષાનો રંગ એ કયો સૂર? મધુમાલતીની બહાર, બોગનવીલિયાની
         મિશ્ર છોળ,
નાજુક જૂઈ, ટીપકિયાળાં ફ્લાૅક્સ, શુકનનાં કાર્નેશન, સૂરજમુખી,
         ખુદ સૂર્ય,
એ સૌ કયા સપ્તકના કયા સૂર?

મારું કામ? મારું નામ?
સપ્રાણ ક્ષણ, આનંદ-સ્પંદ, — એ કામ મારું
માનવતાની સ્ફૂર્તિલી રફતારમાં મળી ગયું છે.
મારા શબ્દ-આકારો જે કંઈ રસવીચિઓ તે હવે અન્ય હૃદયમય.
નામ મારું ભાષામાં ઓગળી ગયું છે.
વેઇટ્-એ-બિટ્!…
છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.

૧૯૭૫; ૧૬/૧૮-૩-૧૯૮૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૮૧૯)


આસ્વાદ: ગુજરાતી સમગ્ર કવિતાનું એક ચિરંજીવ શૃંગ — ચંદ્રકાન્ત શેઠ