યુરોપ-અનુભવ/પરિચય
સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.
સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.
ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.યુરોપમાં પ્રવાસ તો આપણાંમાંથી કેટલાંકે કર્યો પણ હોય પરંતુ અહીં લેખકના આગવા રસાનુભવો વધુ રસપ્રદ બને એવા છે : જર્મનીના નદી-પર્વતમાળા-વનપ્રદેશમાંથી પસાર થતા સુંદર લાંબા મોટરમાર્ગ ‘રોમાંટિશે સ્ટ્રાસે’(રોમાન્ટિક રોડ)ની વાત હોય કે સુંદર થુનર સરોવર-કાંઠેના સ્પિએઝની વાત હોય કે વેટિકન સિટીનાં વિશિષ્ટ મ્યુઝિયમોમાં વિચરણની વાત હોય – ભોળાભાઈના પ્રતિભાવો હૃદ્ય છે. જગપ્રસિદ્ધ શિલ્પ ‘વિનસનો જન્મ’નો એમનો પ્રતિભાવ જુઓ:
‘સદ્યજાતા, નગ્નકાન્તિ, પૂર્ણસ્ફુટિતા વિનસ છે અને હું છું. જોઉં છું, જોઉં છું, જોઉં છું…’ રોમમાં કવિ કિટ્સના સ્મૃતિ-નિવાસની મુલાકાત કવિના જીવન અને કવિતાનાં જે અનેક સ્મરણો જગાડે છે એ લેખકની રસિક વિદ્વત્તાનો પરિચય કરાવે છે. રોંદોનાં શિલ્પોથી સોહતી પેરિસનું એક અપ્રતિમ કલા-સૌંદર્યની નગરી તરીકેનું આલેખન તો છે જ, પણ માનવસૌંદર્ય? ભોળાભાઈ મુક્ત નિખાલસતાથી કહે છે : પેરિસના રસ્તાઓ પર ‘હજારો સુંદર ચહેરા એકસાથે જોયા.’
એવા સુંદર નિબંધજગતમાં હવે પ્રવેશ કરીએ –– રમણ સોની