ચિત્રકૂટના ઘાટ પર/એક અષાઢી સાંજ
બીજા અષાઢની એક સાંજ છે. વરસાદ રહી રહીને પડે છે. વરસાદના થંભી ગયા પછી પણ જલભારનમ્ર વાદળ આકાશમાં દોડી રહ્યાં હોય ત્યાં વચ્ચે તડકો એકાએક પ્રકટ થઈ આ ભીના જગતને તેજમાં ઝબકોળી જાય. વરસાદ પડવા લાગે એટલે હાથમાંનું કામ બાજુએ મૂકી એને વરસતો જોવા બાલ્કનીમાં જઈ ઊભવાનું ગમે છે.
વરસાદ પડે એટલે સાંજે ચાલવા જવાનો કાર્યક્રમ ક્યારેક મુલતવી રહે. પણ મોટેભાગે તો નીકળી પડું. કાલે સાંજે એવું હતું કે, હમણાં જ વરસાદ પડશે. ઢળતી બપોરે વરસીને રસ્તાઓને પગે ચાલનારાઓ માટે અયોગ્ય તો બનાવી જ ગયો હતો. છતાં નીકળ્યો. યુનિવર્સિટીનાં ખુલ્લાં મેદાનોમાં પાણી ભરાઈ જવાની આશંકાથી ભારે ભીડવાળા ડ્રાઈવ-ઈન સડકના વિજય સર્કલના ચાર રસ્તે થઈ એ. જી. ટીચર્સને રસ્તે જઈ રહ્યો હતો. પશ્ચિમના આકાશમાં ત્યારે સૂરજ અને વાદળાં સંતાકૂકડી રમતાં હતાં. ધરતીને અડુ અડુ થતા સૂરજે વાદળો સાથે ભળીને લાલ-કેસરી આભાથી પશ્ચિમનો એક ખૂણો રંગી દીધો હતો. એની વચ્ચેથી લાંબા થઈ સૂરજનાં કિરણો પ્રકાશસ્તંભો રચી રહ્યાં હતાં.
એટલામાં મેં જોયું કે, તડકો રેલાયો અને કેટલીક ગગનચુંબી ઇમારતો અને આસપાસનો પરિવેશ આલોકિત થઈ ઊઠ્યો. આથમતા સૂરજનાં કિરણો વાદળોની આડમાંથી જાણે ત્યાં સુધી લંબાયાં હતાં. મને થયું કે, મેઘધનુ દેખાવું જોઈએ – પૂર્વના આકાશપટમાં. એટલે પાછળ જોવાને બદલે આગળ પૂર્વાકાશમાં નજર દોડાવી કે ક્યાંય સપ્તરંગી ‘લહેરિયું’ દેખાય છે! આ ચોમાસાનું એનું પહેલું દર્શન થશે. પણ વ્યર્થ. ભીડભર્યો રસ્તો અને મેઘધનુ? ‘નર્યો રોમેન્ટિક છું ને!’ મેં જાતને કહ્યું.
ત્યાં તો વરસાદની ઝરમર શરૂ થઈ. પણ માત્ર બુંદાબુદી. ચાલવાના રસ્તા જોકે એથી વધારે કીચપીચ બની ગયા. ઘેર આવ્યો, તો નાનો મૌલિક કહે : ‘છેને, આજે અમે આખું વાંકું જોયું-’ હાથથી તે પૂર્વ દિશામાં વળાંક બતાવી રહ્યો. પછી યાદ કરી બોલ્યો : ‘છેને મેઘધનુષ.’ માયાએ એને અગાશીમાં લઈ જઈ પ્રકટેલું મેઘધનુ બતાવ્યું હશે. એની આંખો વિસ્મયથી ભરેલી હતી. મેઘધનુ જોવાના સમાચાર મને કહેવા તે ઉત્સુક હતો. પોતાના લઘુ હાથથી તે આખી પૂર્વ દિશામાં વ્યાપેલા વિરાટ મેઘધનુનો વળાંક બતાવી રહ્યો હતો. શિશુની આંખોનું એ વિસ્મય! એમાં મેં એ સાંજે ન જોયેલા ઈન્દ્રધનુના સાતે રંગ જોયા.
આજે પણ તડકાછાયાની રમત એવી છે કે કદાચ ફરી ઈન્દ્રધનુ પ્રકટે. આજે હવે યુનિવર્સિટીનાં ખુલ્લા મેદાનોમાં ફરવા જઈશ.
આકાશમાં વાદળ હળવાં બની દોડી રહ્યાં હતાં. એમની એ મુક્ત ગતિ હું મારા સમગ્ર સંવિદમાં અનુભવી રહ્યો. મારી ચાલ તેજ બની ગઈ. આખા મેદાનમાં માણસવસ્તી નહિ જેવી. દૂર સડક ઉપર – થલતેજ ભણી જતાં ને તે તરફથી આવતાં – વાહનોની અતૂટ હાર સાથે જાણે મારે કોઈ લેવાદેવા નહોતી. ટિટોડીઓ – અમારી ભાષામાં વકતીતીતી. પાણી ભરેલાં ખાબડાં પાસે ઊભી હતી. એ બોલે જ એ રીતે : વકતીતીતી – વકતીતીતી. લીમડાની ઘટામાં ત્યાં તો કોકિલનો આમંત્રિત કરતો રવ. સામે ક્યાંકથી પ્રતિસાદ પણ મળ્યો. પપીહાનો પણ સ્વર અને આર્ત્ત કંસારાનો પણ. જરા દૂર યુનિવર્સિટીના નર્સરી વિસ્તારમાંથી મયૂરોના સમવેત સ્વર અહીં સુધી પહોંચતા હતા. મને એ સાંજે કાલિદાસ અને રવિ ઠાકુરની કાવ્ય પંક્તિઓ વધારે હોઠે આવતી હતી. ભારત વર્ષના એ પ્રાચીન-અર્વાચીન કવિઓએ વર્ષાને મન ભરીને ચાહી છે અને ગાઈ છે. ભારતવર્ષની આગવી ઓળખાણ તે એક હિમાલય, અને બીજી એની વર્ષાઋતુ. એ વિષે જે ગાય, તે એક રીતે આપણા રાષ્ટ્રીય કવિ. ટાગોર અષાઢ મહિનામાં કદી કાલિદાસને વિસારતા નથી. દરેક અષાઢમાં એમણે કાલિદાસના મેઘદૂત વિષે કાં તો એક નવું મેઘદૂત રચ્યું છે, કાં તો એ મેઘદૂતની નવી વ્યાખ્યા કરી છે.
‘બહુ જુગેર ઓ પાર હતે આષાઢ એલ આમાર મને–’ ટાગોર ગાય છે, ત્યારે કાલિદાસને જ સ્મરે છે. કહે છે : ‘બહુ યુગોની પેલે પારથી મને અષાઢ યાદ આવ્યો. ઝરમર વરસાદમાં એ કયા કવિનો છંદ બને છે?’ કયા કવિનો? કાલિદાસનો સ્તો.
અને કાલિદાસનો છંદ – તો મંદાક્રાન્તા. મેઘદૂત અને મંદાક્રાન્તા અભિન્ન છે. હું કાલિદાસના મંદાક્રાન્તા ગણગણતો જતો હતો તેમાં વળી આજની સાંજ મને બહુ સ્પૃહણીય લાગતી હતી. હું મારી જાતને એકદમ ભાર વિનાનો અનુભવતો હતો. અષાઢની આ સાંજનો પ્રભાવ, આ કવિતાઓનો પ્રભાવ? ઢંકાયેલ પુરાતન પ્રેમ મંદાક્રાન્તા છંદની કડીએ કડીમાં પ્રકટ થઈ ન રહ્યો હોય!
ત્યાં યુનિવર્સિટી મેદાનો વચ્ચેના સિન્ડર ટ્રેક પર ચાલતાં તો એવી પ્રસન્નતા અનુભવી કે મને અચરજ થયું. કવિ હોત તો કવિતા જ રચાઈ હોત. ઉપર વિરાટ ખુલ્લા આકાશમાં તરતાં રમતિયાળ વાદળ જેવો જાણે હું છું. પશ્ચિમાકાશમાં કાલની જેમ એ વાદળોએ લાલ રંગ ધર્યો હતો. એમાંથી સૂરજનાં કિરણો ફૂટતાં હતાં. એ વખતે સ્તબ્ધ વાતાવરણમાં લીમડાની ઘટામાંથી કોયલનો અવાજ ગુંજી રહ્યો હતો.
મેઘદૂતમાં કાલિદાસે મેઘનાં કેટલાંબધાં રૂપો અને રંગોની વાત કરી છે! તેમાં આ ‘સાન્ધ્યં તેજઃ પ્રતિનવજપાપુષ્પરક્તં દધાનઃ’ જબાફૂલ જેવો લાલરંગ ધારણ કરતો મેઘ. એટલામાં મેં શોધતી નજરે પૂર્વ દિશામાં નજર કરી. કદાચ – ના, કદાચ નહિ, ખરેખર મેઘધનુષ! પણ મૌલિકે કાલે જોયેલું તેવું નહિ. માત્ર નીચેથી નીકળી અર્ધ આકાશ સુધી. વર્ડ્ઝવર્થ હોત તો કહેત : ‘માય હાર્ટ લિપ્સ અપ, વેન આઈ બિહોલ્ડ ધ રેઈન બો ઈન ધ સ્કાય’. કાલિદાસના યક્ષે મેઘધનુષ્ય જોયું હતું? ‘રત્નચ્છાયાવ્યતિકર ઈવ…’ અને એણે મેઘને કહ્યું હતું કે, ‘તારા શ્યામ શરીર પર આ સપ્તરંગી મેઘધનુને લીધે તું મોરપિંછથી શોભતા ગોપવેશી વિષ્ણુ (કૃષ્ણ)ની શોભા ધારણ કરીશ.’ મને થયું : આ મેઘધનુ, આ કોયલ, કવિ કાલિદાસ, વર્ડ્ઝવર્થ અને રવીન્દ્રનાથ – બધા મને આજ અષાઢી સાંજે યુનિવર્સિટીના સિન્ડર ટ્રેક ઉપર ચાલવામાં એક સાથે કંપની આપવા આવી ગયા છે.[૪-૮-’૯૬]