છિન્નપત્ર/૪૩

Revision as of 10:42, 15 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૩

સુરેશ જોષી

આજે કોણ જાણે શાથી યાદ આવે છે એ પ્રસંગ: દિવસોના દિવસો સુધી હું માલાની રાહ જોતો બેસી રહ્યો હતો. ઘરની બહાર સુધ્ધાં નહોતો ગયો. એક નવલકથાની સૃષ્ટિને ગૂંચવીને બેઠો હતો. કેટલીક વાર લેખન નર્યું આત્મપીડન નથી બની રહેતું? પીડા કરવા પૂરતો પણ આત્મા રોકાયેલો તો રહે છે! એકાએક એક સાંજે માલા આવી ચઢી. આમ તો હું ઘણું બોલું છું, પણ તે દિવસે ઠપકાનો કે આવકારનો એક પણ શબ્દ બોલી શક્યો નહીં. એણે મારો ઓરડો, એની અવ્યવસ્થા બધું વીગતે જોવા માંડ્યું. જેટલા દિવસ એ નહોતી આવી તેટલા દિવસની બધી જ નોંધ જાણે ન લેતી હોય! તુચ્છ લાગતી વીગતોમાં માલા ખૂબ આત્મીય લાગે છે. વગર કહે એ ચા કરી લાવી. ટપાલમાં આવેલા કાગળોના જવાબ પણ લખી નાખ્યા. આ બધું કરતાં કરતાં એને મારી ઉપસ્થિતિની કશી નોંધ લેવાની જરૂર નહોતી. ધીમે ધીમે સાંજ ઢળી. અંધારું વધ્યું. એ મારી પાસે આવીને બેસી ગઈ. આટલી નિકટ એ કદી આવીને બેસતી નથી. પણ કોણ જાણે કેમ એની આજુબાજુ એક દૂરતાનું આવરણ રહ્યું હોય એવું લાગે છે. એને ભેદી શકાતું નથી. કદાચ એ એની લાચારી હશે! એની વેદનાને મારી કરી શકું એટલી નિકટતા કદી સિદ્ધ થઈ શકે ખરી?– પ્રશ્નો, પ્રશ્નો, પ્રશ્નો? છતાં હું હોઠે એક શબ્દ પણ લાવી શક્યો નહિ. એ સાંજે જો મેં વાત માંડી હોત તો આજ સુધી જે નહોતો કહી શક્યો તે બધું જ કહી દીધું હોત. પણ જાણે, એ સાંજે, મને કશું કહેવાની જરૂર જ ન લાગી. અમારાં નિસ્તબ્ધ નિશ્ચલ સરોવર જેવાં હૃદય જન્મજન્મની છાયા ઝીલી રહ્યાં હતાં. તે દિવસે મારા મનમાં આ ભાવનો ઉદય થયો: જે સંસારની જંજાળ છે તેને વીંધીને જોતાં એક જ વસ્તુ સાચી લાગે છે ને તે એ કે અમારો સમ્બન્ધ કોઈ પરિચિત સંજ્ઞાની અપેક્ષા રાખતો નથી. માલા મારાથી અપરિચિત એવી વ્યક્તિઓના સમૂહમાં ખોવાઈ ગઈ હોય, વર્ષોથી દૂર રહી હોય, કોઈ અન્ય જોડે સંસાર માંડ્યો હોય તોય આ સમ્બન્ધનું સૂત્ર કદી એ કે હું છેદી શકવાનાં નથી. અમે બંને જે વેદના અનુભવીએ છીએ તે કદાચ આ સમ્બન્ધની પ્રતીતિનું જ એક રૂપ ન હોઈ શકે?– આ બધું હું વિચારતો હતો ત્યાં માલાનો ભીરુ હાથ કંઈક સંકોચ છોડીને, પ્રગલ્ભ બનીને મારા કપાળે સ્પર્શ્યો, ત્યાંથી નીચે સરીને એની આંગળીઓ મારી બંધ આંખની પાંપણો પર કશુંક શોધવા મથતી હોય તેમ ફરવા લાગી; પછી એ બે હાથ હિંમત એકઠી કરીને કે પછી કોઈ દુર્દમ્ય આવેગને વશ થઈને મને ઘેરી વળ્યા. મારી તરફ મંડાયેલી એની આંખો મૂક તો નહોતી. એ આંખો અને એનો સ્પર્શ ભેગાં મળીને એક સૂરથી કશુંક ગાતાં હતાં. એ અશ્રુતપૂર્વ સંગીત વાતાવરણને ભરી દેતું હતું. મને થયું: માલા મારામાં સંગીતરૂપે વહી આવીને ભળી જાય છે. એ અનુભવની નિબિડતા લગભગ અસહ્ય બની ગઈ ને ત્યારે એના હોઠ પરની મૌનની મુદ્રા મારા હોઠ પર આંકીને જતી હતી.