રવીન્દ્રપર્વ/૨. હું

Revision as of 17:33, 15 September 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨. હું

મારી ચેતનાના રંગે પન્નું થયું લીલું,
 માણેક થઈ ઊઠ્યું રાતું.
 મેં આંખ માંડી આકાશે,
 ઝળહળી ઊઠ્યો પ્રકાશ,
પૂર્વે પશ્ચિમે.

ગુલાબ ભણી મેં જોઈને કહ્યું, સુન્દર,
 સુન્દર થઈ ગયું એ.
તમે કહેશો: આ તો તત્ત્વકથા,
 આ કવિની વાણી નહીં,
હું કહીશ: એ સત્ય,
 તેથી જ એ કાવ્ય.

આ મારો અહંકાર,
 સમસ્ત મનુષ્યના વતીનો અહંકાર.
મનુષ્યના અહંકારપટ ઉપર જ
 વિશ્વકર્માનું વિશ્વશિલ્પ.

તત્ત્વજ્ઞાની જપ કરે છે નિ:શ્વાસે, પ્રશ્વાસે,
 ના, ના, ના,
પન્ના નહીં, માણેક નહીં, પ્રકાશ નહીં, ગુલાબ નહીં,
 ના હું, ના તમે.

આ બાજુ, જે છે અસીમ તે પોતે જ કરે છે સાધના
 મનુષ્યની સીમામાં રહીને,
 તેને જ કહેવાય, ‘હું.’
એ હુંના નિગૂઢ સ્થાને પ્રકાશ અને અન્ધકારનો થયો સંગમ,
 દેખા દીધી રૂપે, જાગી ઊઠ્યો રસ.
ના જોતજોતાંમાં ખીલી ઊઠીને થઈ હા, માયાને મન્ત્રે,
 રેખાએ, રંગે, સુખે દુ:ખે.

આને કહેશો ના તત્ત્વકથા;
 મારું મન થઈ ઊઠ્યું છે પુલકિત
 એ વિશ્વવ્યાપી હુંની સૃષ્ટિની સભામાં,
 હાથે લઈ તુલિકા, પાત્રે લઈ રંગ.

પણ્ડિતો કહે છે —
 બુઢ્ઢો ચન્દ્ર, નિષ્ઠુર ચતુર એનું હાસ્ય,
 મૃત્યુદૂતની જેમ ચોરપગલે આવે છે એ
 પૃથ્વીની પાંસળી પાસે.

એક દિન લાવી દેશે એ મોટી ભરતી એના સાગરે પર્વતે;
 મર્ત્યલોકના મહાકાલની નૂતન ખાતાવહીમાં
 આખું પાનું રોકીને ફેલાઈ જશે એક શૂન્ય,
 ગળી જશે એ અન્ય સર્વ દિનરાતના જમાખરચ;
 મનુષ્યની કીર્તિ ખોઈ બેસશે અમરતાનું ભાન,
 એના ઇતિહાસ પર ઢોળાઈ જશે
 અનન્ત રાત્રિની શાહી..

મનુષ્યની વદાયવેળાની આંખ
 વિશ્વ થકી ભૂંસી જશે રંગ,
મનુષ્યનું વદાયવેળાનું મન
 શોષી જશે રસ.
શક્તિનું કમ્પન વ્યાપી જશે આકાશે આકાશે —
 પ્રકટશે ના ક્યાંય પ્રકાશ.
વીણાહીન સભામાં વાદકની અંગુલિ નાચ્યા કરશે,
 બજી ઊઠશે ના સૂર.
તે દિવસે કવિત્વહીન વિધાતા બેસી રહેશે એકાકી
 નીલિમાહીન આકાશે,
વ્યક્તિત્વહીન અસ્તિત્વનું ગણિતતત્ત્વ લઈને.
 ત્યારે વિરાટ વિશ્વભુવને
દૂરે દૂરાન્તે અનન્ત અસંખ્ય લોક લોકાન્તરે
 આ વાણી ધ્વનિત થઈ ઊઠશે ના ક્યાંય —
 ‘તું છે સુન્દર,’
 ‘હું તને ચાહું છું.’
વિધાતા શું ફરી વાર બેસશે સાધના કરવા
 યુગયુગાન્તર સુધી?
પ્રલયસન્ધ્યાએ જપ કરશે, —
 ‘કથા કહો, કથા કહો.’
કહેશે, ‘કહે, તું છે સુન્દર,’
કહેશે, ‘કહે, હું તને ચાહું છું.’

(શ્યામલી)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪