બીજી થોડીક/વરાહાવતાર
સુરેશ જોષી
મારી તો જરાય ઇચ્છા નહોતી. પાંચ માણસ વચ્ચે બેસીને, જુદી જુદી પ્રકૃતિના માણસોને એક સાથે ખુશ કરીને, વાહવાહ મેળવી શકાય એવી રીતે વાત કરવાની કળા મને સિદ્ધ થઈ નથી. કોઈ વાર કલાકના કલાક કશું બોલ્યા વગર બેસી રહેવાનું જ મને ગમે છે. માણસ નામના પ્રાણીમાં મને રસ છે ખરો, પણ હું એને જરા છેટેથી જોવાનું જ પસંદ કરું છું. ખેર, કહું છું ને કે અતુલના આગ્રહ આગળ મારું કશું ચાલ્યું નહીં, ને આખરે સાંજને વખતે, અધૂરી વાંચેલી નવલકથાનાં નાયકનાયિકાને એકલાં મૂકીને, મારે ભદ્ર સમાજની એક મહેફિલમાં સામેલ થવું પડ્યું.
અમારો અતુલ એક અજબ આદમી છે! એની સાથે તમે કશેક જવા નીકળ્યા હો તો એને રસ્તામાં એટલાં બધાં પરિચિતો મળે કે તમારું ગન્તવ્ય સ્થાન દરેક ડગલે નજીક આવવાને બદલે દૂર ને દૂર જતું લાગે! રમતના ખેલાડીઓ, કલાકારો, ધનિકો – આ બધા વર્ગમાં એ એક સરખી આસાનીથી વિહરી શકે એવો બહુચર આદમી છે. એટલે એણે મને એક ટેબલ આગળ લઈ જઈને બેસાડ્યો. આજુબાજુના અપરિચિતો સાથેનો ઔપચારિક પરિચયવિધિ પતાવ્યો ન પતાવ્યો ને તરત જ એ ક્યાંનો ક્યાં અદૃશ્ય થઈ ગયો.
એમ તો સાંજ રળિયામણી હતી, હવા ખુશનુમા હતી. પણ એને ભોગવવાને કોઈ બીજી જગ્યાએ જવું જોઈએ એમ મને લાગ્યું. ‘અહીં ક્યાં આવી પડ્યો?’ એવો પ્રશ્ન એક મિનિટમાં હજાર વાર મેં મારા મનને પૂછ્યો. એ પ્રશ્નનો ભાવ મારા ચહેરા પર ફૂટી નીકળ્યો હોવો જોઈએ, કારણ કે મારી સામે બેઠેલા ગૃહસ્થને મારી દયા આવી ને એમણે મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો:
‘મિ. મજમુદાર, તમે અહીં શાનો ‘બિઝનેસ’ કરો છો?’ એમના આ પ્રશ્ને મને વધુ તીવ્રતાથી ભાન કરાવ્યું કે હું એમની પંક્તિનો નહોતો.
મેં જાણેઅજાણતાં કશો ગુનો થઈ ગયો હોય તેમ સંકોચપૂર્વક જવાબ આપ્યો: ‘જી, હું અહીં કોલેજમાં જ અધ્યાપક છું.’
એઓ સહેજ નિરાશ થયા હોય એમ લાગ્યું. પણ વળી મારા પર દયા લાવીને બોલ્યા: મારી રીટા કોલેજમાં જ ભણે છે, એણે કેમ તમારી વાત મને કરી નહીં હોય!’
એ રીટાનું ધ્યાન ખેંચવા જેવું મારામાં કશું ભાગ્યે જ હશે! ચશ્માના જાડા કાચ પાછળની ઝીણી આંખો, ધીમેધીમે વદાય લઈ રહેલા માથા પરના વાળ, ચાકથી ખરડાયેલા હાથ, લઘરવઘર વેશ, ને હાથમાં બહુ બહુ તો બેચાર ચોપડીઓ – આ દૃશ્ય રીટાને ભાગ્યે જ મનોહર લાગે. કૃત્રિમ ઉત્સુકતા લાવીને મેં પૂછ્યું: ‘કોણ? રીટા ગિરધરદાસ?’
એમણે અત્યન્ત સન્તોષપૂર્વક કહ્યું: ‘હા’ ને પછી એ વિશે હું કાંઈક વધુ પ્રશંસાત્મક કહું તેની આશાએ એઓ મારા તરફ જોઈ રહ્યા. ત્યારે મને એમને માટે કરુણાની લાગણી થઈ. હજુ તો ગયે અઠવાડિયે જ કોલેજના કમ્પાઉન્ડમાં બેદરકારીથી ‘જીપ’ હાંકવાને કારણે એણે એક વિદ્યાર્થીને ઇજા કરી હતી ને તે અંગે વિદ્યાર્થીઓનાં બે ટોળાં વચ્ચે એક નાનું શું રમખાણ મચી ગયું હતું તે મને યાદ આવ્યું. તોફાને ચઢેલાં એ ટોળાંથી થોડે દૂર, આંખ પર ગોગલ્સ ચઢાવીને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની અદાથી, અત્યન્ત ગૌરવથી, પોતાને ખાતર આથડી પડેલા જુવાનોની સંખ્યા એ કદાચ ઊભી ઊભી ગણતી હતી. રીટાનું એ ચિત્ર મને યાદ આવ્યું. પણ હું બોલ્યો. ‘તમારી રીટા તો કોલેજમાં ખૂબ જાણીતી છે. ગયે વખતે દિલ્હીના યુથ ફેસ્ટિવલમાં ગ્રુપ સોન્ગમાં અમને ઈનામ મળ્યું તે રીટાને જ પ્રતાપે.’
શેઠ ખુશ થયા. એમણે ઉમેર્યું: ‘ઇનામ તો મળે જ ને સાહેબ, અમે ઘેર સંગીતના માસ્તર રાખ્યા છે. વળી ડાન્સના માસ્તર તો જુદા.’
હું બોલ્યો: ‘ધનિક તો ઘણા હોય છે, પણ લલિત કલાની કદર આપ જેવા કોઈક જ કરે છે.’
એમણે તરત કહ્યું: ‘ શું કરીએ ભાઈ, આજકાલ તો અમારી સોસાયટીમાં આ વસ્તુ જરૂરી બની ગઈ છે. મૂરતિયાઓ સૌથી પહેલું એ જ પૂછવાના કે ડાન્સ આવડે છે, ગાઈ જાણે છે?’
મને ‘લલિત કળા’ની દયા આવી. શેઠની પ્રશંસાને માટે મેં ઉચ્ચારેલું વાક્ય મારા મોઢામાં કડવો સ્વાદ મૂકી ગયું. હું અકળાયો. આ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી કેમ છૂટવું તેના વિચારમાં હું થોડી વાર કશું બોલ્યા વિના બાઘાની જેમ બેસી રહ્યો. હું મનમાં વધુ ને વધુ ધંૂધવાતો ગયો. ત્યાં અતુલે દૂરથી બૂમ પાડી: ‘સુહાસ, ઓ સુહાસ, અરે જરા આમ આવ તો.’ મેં છુટકારાનો દમ ખેંચ્યો. ‘માફ કરજો, હું જરા –’ કહીને હું ઊઠ્યો, ને અતુલ તરફ વળ્યો. જઈને જોઉં છું તો પરિસ્થિતિ વધુ વિકટ હતી. પણ હું એટલો તો એની નજીક પહોંચી ગયો હતો કે ડગલું પાછું ભરી શકાય એમ નહોતું. ચાર યુવતીઓની વચ્ચે અતુલે મને ખડો કરી દીધો ને કહ્યું:
‘હું તમને જેની વાત કરતો હતો તે મારાં મિત્ર, સુહાસ મજમુદાર, વાર્તા લખે છે, કવિતા લખે છે, બધું એક નંબરનું હં.’
મેં નજર ઊંચી કરવાની હિંમત નહીં કરી. અતુલે મને બે ખભા પકડીને બેસાડી દીધો, ને એની ટેવ મુજબ ‘માફ કરજો, મિસ દફતરી, હું સહેજ રંજનાની તપાસ કરી આવું.’ કહીને એ અમારી વચ્ચેથી છટકી ગયો. હું મૂંઝવણભરી સ્થિતિમાં થોડી વાર કશું બોલ્યા વિના બેસી રહ્યો. એટલામાં એમાંની એક યુવતી બોલી: ‘ સુહાસભાઈ, તમે વાર્તા કેવી રીતે લખો છો? તમને વાર્તાના વિષય કેવી રીતે મળે છે? તમે એક્કી બેઠકે વાર્તા લખી નાંખો છો કે પછી જેમ જેમ સૂઝતું જાય તેમ લખતા જાવ છો?’ સદ્ભાગ્યે એ આટલેથી અટકી, નહીં તો ‘તમે વાર્તા સવારે લખો છો કે રાતે? તમારે મતે તમારી સૌથી સારી વાર્તા કઈ? ભવિષ્યમાં તમે શું લખવા ધારો છો?’ વગેરે પ્રશ્નોની ઝડી વરસી હોત. મેં અત્યન્ત નમ્રતાપૂર્વક કહ્યું: ‘વાર્તા તો વરસના વચલે દહાડે કોઈક વાર લખું છું. અતુલ તો અમથો જ…’
ત્યાં મારી પાસે બેઠેલી સહેજ સ્થૂળ શરીરવાળી, ત્રીસ ને પાંત્રીસ વચ્ચેની વયની પ્રૌઢ કુમારી બોલી ઊઠી: ‘ચાલો, આપણે એમનાં કોટનાં ખિસ્સાંની ઝડતી લઈ એ. એમાંથી જરૂર એકાદ વાર્તા, ને વાર્તા નહીં તો કવિતા તો નીકળશે જ.’ હું કશું કહું તેની પરવા કર્યા વિના એણે મારા પર સીધો હુમલો કર્યાે. ગજવામાંથી ધોબીનાં કપડાંની રસીદ, કેમિસ્ટને ત્યાંથી શ્રીમતીને માટે લાવવાની દવાની યાદી ને વીજળીનું બીલ – આ સિવાય બીજું કશું નીકળ્યું નહીં. પણ આથી એમનો ઉત્સાહ મોળો પડ્યો નહીં. એમાંની એકે કહ્યું. ‘આ સ્મિતાબહેન પણ વાર્તા લખે છે. પણ બહુ શરમાળ છે.’ મેં સ્મિતા તરફ નજર કરી. આશરે ત્રીસેક વરસની એ કુમારિકા મારા તરફ વિસ્ફારિત નેત્રે મીટ માંડી રહી હતી. એ બોલી: ‘ સુહાસભાઈ, કોઈ વાર તમે મારે ઘરે આવોને, અલકાપુરીમાં અતુલભાઈના ઘરથી ત્રીજો અમારો બંગલો છે – પુષ્પવાટિકા. હું મારી વાર્તાઓ વાંચી સંભળાવીશ. તમે મને દોરવણી આપશો ને?’
મેં વળી નમ્રતાપૂર્વક કહ્યું: ‘ અરે, હું તે શી દોરવણી આપવાનો હતો!…’ એ ચાર પ્રૌઢ કુમારિકાઓની ક્ષુધાવિહ્વળ આંખોથી શી રીતે બચવું તેના વિચારમાં હતો ત્યાં ભગવાન મારી વહારે ધાયા. એકાએક એક ચાળીસ પિસ્તાળીસની વયના ગૃહસ્થ અમારી વચ્ચે આવી ચઢ્યા. એમણે એકને ગાલમાં ટપલી મારી, બીજીનો કાન આમળ્યો, ત્રીજીની વેણીની લટ ખેંચી ને કશા જ ઉપચાર વિના એઓ અમારી વચ્ચે ગોઠવાઈ ગયા. ચહેરા પર પોન્ડ્ઝ ક્રીમની ચમક, વાળમાં યાર્ડલીનું બ્રિલિયન્ટાઇન, બે હોઠ વચ્ચે જમણે ખૂણે અદાથી ગોઠવેલી પાઇપ ને આંખમાં ચમકારો, વાત કરવાની અદ્ભુત છટા – હું ને મારી વાર્તાઓ એક પલકારમાં ક્યાં ને ક્યાં ફેંકાઈ ગયાં. ત્યાં સાક્ષાત્ નિરર્થકતા બનીને હું બીજી પાંચ મિનિટ મહા મુશ્કેલીએ બેસી રહ્યો. મેં ‘માફ કરજો’ કહ્યું તે પણ કોઈએ પૂરું સાંભળ્યું નહીં, ને એમની અત્યન્ત પ્રકટ ઉપેક્ષા વચ્ચેથી હું દૂર નીકળી ગયો.
આ બધાંમાંથી છટકી જવાનો રસ્તો શોધતો હું ઊભો હતો ત્યાં એક ગૃહસ્થે મને બોલાવ્યો: ‘મિસ્ટર, કોને શોધો છો? આવો ને અહીં .’ છટકવાનો રસ્તો બંધ થઈ ગયો. હું દાંત કચકચાવતો એ ગૃહસ્થ તરફ વળ્યો. એમણે વાત શરૂ કરી. એઓ ત્રણ વાર જાપાન, બે વાર અમેરિકા ને, ચાર વાર યુરોપ ફરી આવ્યા હતા. જાપાનની ગેયશાઓ, હોન્ગકોન્ગના ‘સ્ટ્રીપટીઝ,’ પારિસની ‘નાઇટલાઇફ’, ઇટાલીની સુન્દરીઓ – આ બધાં વિશે એમની પાસે અખૂટ માહિતી હતી. હિન્દુસ્તાનની આબોહવામાં એઓ ગૂંગળાતા હતા. એમની નજર સાન્તાક્રૂઝના હવાઇમથક તરફ જ મંડાયેલી રહેતી. આંખનાં સૂઝેલાં પોપચાં, હાથની જાડી આંગળીઓ, હાથની ‘આલ્કોહોલિક ટ્રેમર’ – આ બધું હું જોઈ રહ્યો. ને એઓ બોલ્યા: ‘ અહીં તે સાલી કાંઈ ‘લાઇફ’ છે! દેશ આઝાદ થયો. શું ધૂળ આઝાદી મળી! જવા દો ને મારા સાહેબ, વાતમાં શું માલ છે!’ એમનો આ બળાપો બહુ લાંબો ચાલ્યો હોત. પણ મારે સદ્ભાગ્યે એક એન્ગ્લો-ઇન્ડિયન યુવતી ત્યાં આવી ચઢી. મારા તરફ જોઈને એ બોલી: ‘એક્સક્યુઝ મી’ – ને પછી તરત પેલા સદ્ગૃહસ્થ સામે જોઈને આંખો નચાવતી એ અંગે્રજીમાં બોલ્યે જ ગઈ. એ બધાના પરિણામે તે દિવસની સાંજે એ ગૃહસ્થના ખિસ્સામાંથી આસરે સોએક રૂપિયાનો ભાર ઓછો જરૂર થવાનો એમ મને લાગ્યું.
ત્યાં એક પચાસેક વરસનાં સન્નારીને લઈને અતુલ મારી પાસે આવી પહોંચ્યો: ‘સુહાસ, આ સગુણાબહેન કામદાર. નામ તો તેં સાંભળ્યું જ હશે. સોશિયલ વર્કર છે.’
મેં વિનયપૂર્વક નમસ્કાર કર્યાં.
વળી હું બેઠો. દિલ્હી અને વડોદરા વચ્ચે એમને દોડાદોડ કર્યા જ કરવી પડે છે. કદાચ અમેરિકા જવાનું પણ થાય. હિન્દુસ્તાનની અને ખાસ કરીને ગુજરાતી સ્ત્રીઓ વિશે એમને ઝાઝી આશા નથી. એમની દીકરી અમેરિકા ભણે છે, ને દીકરો જર્મનીમાં છે. વખત મળતો નથી, પણ અતુલના ખાસ આગ્રહને લીધે અહીં આવવું પડ્યું છે વગેરે વગેરે. હું કશાક ભાર નીચે કચડાતો ગયો. મને ખૂબ કંટાળો આવવા લાગ્યો. મેં મનને રમાડવાને અનેક પ્રયત્નો ર્ક્યા. દૂર સ્ત્રીઓના વૃન્દ તરફ નજર કરી. અનેકરંગી વેશભૂષા પર નમવા આવેલા સૂર્યની આભા જે જાદુ ફેંકતી હતી તે જોયું, પણ એય ઘડી પછી જોવું ગમ્યું નહીં. બધી સ્ત્રીઓ એક સરખી લાગવા માંડી – એ જ પફપાવડરના લપેડા, લિપસ્ટીકની લાલી, શરીરનાં અંગોને ખૂબીથી ખુલ્લા રાખવાની હરીફાઈ, આભાસી ચાતુરી ને ભારોભાર કૃત્રિમતા – ઉપરની કહેવાતી સંસ્કારિતાનો વરખ ઉખેડો એટલી જ વાર, અંદર તો કારમી ભૂખની લપકારા મારતી જીભ! હું ગૂંગળાવા લાગ્યો. શબ્દોની પાછળનું પોલાણ, બધાથી જુદા તરી આવવાના મરણિયા પ્રયાસો, એ પ્રયાસમાં જ પ્રકટ થતી દરિદ્રતા, એક ભ્રાન્તિને છોડીને બીજી ભ્રાન્તિને ગળે વળગવાની અનિવાર્યતા – હું ખૂબ અકળાયો. ક્યાંક કશુંક આ સૌમાંથી મુક્ત કરે એવું છે ખરું! મારી નજર સામેના બધા ચહેરા ભુંસાઈ ગયા. કશાક યાન્ત્રિક બળને વશ થઈને કઠપૂતળીની જેમ બોલતાં હસતાં ઢીંગલાંઓની દુનિયામાં હું ભૂલો પડ્યો હોઉં એમ મને લાગ્યું. હું વધારે ને વધારે અકળાતો ગયો. આઇસક્રીમ જેમ તેમ ગળે ઉતાર્યો. સામે બેઠેલી સ્ત્રી જે રીતે આઇસક્રીમ મોઢામાં ઠાંસતી હતી તે જોઈને મને ઊલટી થઈ જાય એવું થયું. મેં નજર ફેરવી લીધી… મારી ચારે બાજુ મૃગજળનો સાગર ઊછળ્યો. એમાં બધાં ઢીંગલાં ડૂબવા લાગ્યાં.
ત્યાં એકાએક ચમત્કાર થયો. એ ચમત્કાર જો ન થયો હોત તો મારો શી રીતે આ પરિસ્થિતિમાંથી ઉદ્ધાર થયો હોત તે કહી શકાય એમ નથી. આ ઢીંગલાઓની દુનિયામાંથી શી રીતે છટકવું, આ મૃગજળના સાગરને તળિયે જતાં શી રીતે અટકવું તેનો વિચાર કરતો હતો ત્યાં એકાએક દર્દ ઊપડ્યું. ક્યાંથી ઊપડ્યું તે પહેલાં તો સમજાયું નહીં. પણ સહજ રીતે જ જીભ દાંત તરફ વળી ને દુ:ખતા દાંતની ભાળ લાગી. અર્ધી ક્ષણમાં તો એ ખૂબ ઉત્કટ બની ગયું. એના ધબકારા જાણે સંભળાવા લાગ્યા. જમણી આંખમાંથી પાણી પડવા માંડ્યું, આ દુખાવો એ એવી તો સાચી ને નક્કર હકીકત હતી કે આજુબાજુની મૃગજળની માયા પળ વારમાં સંકેલાઈ ગઈ. હું દર્દના ધબકારા ગણવા માંડ્યો. મારી એકેએક ક્ષણ મહત્ત્વની બની ગઈ, અત્યાર સુધીની નિરર્થકતા પળ વારમાં ચાલી ગઈ. દર્દની વાસ્તવિકતાના સ્પર્શે બધું જ સાર્થક થઈ ઊઠ્યું, હું એ દર્દને એક વિશાળ વિસ્તારરૂપે જોવા લાગ્યો. એમાંનો એકએક ધબકારો તોફાની સમુદ્રનાં ઊંચાં મોજાંની જેમ મને ઉછાળીને ફેંકતો હતો, હું પછડાતો હતો ને વળી ઝીંકાતો હતો. પળે પળે ઊંચે શ્વાસે જીવતો હતો – જીવતો હતો કહું છું, પણ એ તો મારી ભાષાની નિર્બળતાને કારણે, એ દુ:ખતા દાંત વચ્ચે ઠંડો આઇસ્ક્રીમ ઘડીભર મૂકી જોયો. થોડી વાર નવા જ પ્રકારની શીતળતાનો અનુભવ થયો. પછી બમણા વેગથી દર્દે ઉછાળો માર્યો. દર્દનો એ ઉછાળો હું આંખ સામે સાકાર કરીને જોઈ રહ્યો. મારી આખી ચેતના દર્દના ઉત્થાન અને પતનની વચ્ચે સમાઈ ગઈ. એક પ્રચણ્ડ વાસ્તવિકતાની સામે મને કોઈએ એકાએક ખડો કરી દીધો. નસેનસમાં કોઈના રાજસમારોહે થયેલા આગમનના પડછંદા ગાજવા લાગ્યા. અતુલ ક્યારે આવ્યો, અમે ક્યારે એ પાર્ટીમાંથી બહાર નીકળ્યા, મારો કોણે હાથ પકડ્યો, હું શું બોલ્યો – એ કશું જ મારા ખ્યાલમાં રહ્યું નહીં. જે ઉત્કટતાનું સેવન કરતો હતો તેણે આ બધી વીગતોને અત્યન્ત તુચ્છ બનાવી દીધી હતી. ને આમ હું મૃગજળના સાગરમાં ડૂબી જતાં ઊગરી ગયો. ભગવાને રસાતળ જતી પૃથ્વીને વરાહનો અવતાર લઈ દંતશૂળથી ઊંચકી લીધી હતી. મારા દાંતે મને મૃગજળના અતાગ ઊંડાણમાં ગરકી જતાં બચાવી લીધો. કોઈ વાર દાંત જેવી વસ્તુ પણ આપણને કેવી કામ આવી જાય છે તેની આપણને ખબર સરખી હોય છે?