બોલે ઝીણા મોર/સહોદરનું બાણ

Revision as of 12:00, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સહોદરનું બાણ

ભોળાભાઈ પટેલ

(કર્ણનું સ્વગત)

મારું નામ વસુષેણ. એ નામે કદાચ મને નહિ ઓળખો. હું ઓળખાતો રહ્યો છું અન્ય એક નામે. હું કર્ણ.

પણ હું કોણ? એ પ્રશ્ન મેં પોતે પોતાને વારંવાર પૂછ્યો છે. મારાં ખરાં માતાપિતા કોણ? કયો વંશ મારો? આવો પ્રશ્ન મને કર્યો હતો ભરી સભામાં પાંડવો અને કૌરવોના ગુરુ કૃપાચાર્યે :

‘વત્સ, તું કોણ છે? તારાં માતાપિતા કોણ છે? કયા વંશમાં જન્મ્યો છે? આ છે અર્જુન, કુન્તી અને પાંડુનો પુત્ર. તારે એની સાથે દ્વંદ્વયુદ્ધ કરવું છે?’

કૃપાચાર્યને શો જવાબ આપું? મારા હાથમાં રહેલું ધનુષ્ય નમી ગયું. મારી નજર નમી ગઈ. મારી આંખમાં આંસુ આવી ગયાં. મેં સૂર્ય સામે જોયું, પણ એય નિસ્તેજ બની ગયા. ત્યાં દુર્યોધન દોડી આવ્યો. એણે મને અંગદેશનો રાજા બનાવી દીધો. ત્યાં ને ત્યાં મારો રાજ્યાભિષેક કરી દીધો. હું રાજા બની ગયો.

ત્યાં પગમાં અટવાતા ઉત્તરીય સાથે, હાંફળા-ફાંફળા પિતા અધિરથે પ્રવેશ કર્યો રંગમંડપમાં. મેં આગળ વધી પ્રણામ કર્યા. એમણે કહ્યું. ‘બેટા!’ અને મને આલિંગન આપ્યું. કૃપાચાર્યને જવાબ મળી ગયો – હું કોણ? હું સારથિપુત્ર, અધિરથ સૂત અને રાધાનો પુત્ર.

ત્યાં ભીમ બોલી ઊઠ્યો :

‘હાથમાં ચાબુક લે, એ તારો ધંધો છે. શસ્ત્રો છોડી દે.’ ભીમના આ શબ્દો શબ્દો નહિ, હૈયાસોંસરાં જતાં વ્યંગ્યબાણ હતાં. એ દિવસથી દુર્યોધન બન્યો મારો આજીવન મિત્ર અને અર્જુન મારો આજીવન દુશ્મન, મારો પ્રતિસ્પર્ધી.

હું રાજા બન્યો, પણ ખરેખર હું કોણ હતો? સૂત કે ક્ષત્રિય?

સૂતો વા સૂતપુત્રો વા
યો વા કો વા ભવામ્યહમ્ |
દૈવાયત્ત કુલેજન્મમ્
મદાયત્તં તુ પૌરુષમ્ ||

સૂત હોઉં કે સૂતપુત્ર, કુળ તો નસીબને અધીન છે, પણ પૌરુષ તો મારે અધીન છે. સાચે જ પૌરુષ? મારું પૌરુષ એક નિષ્ફળ ઝંઝા, અંતે ઢબુરાઈ જતો એક પ્રચંડ વંટોળિયોમાત્ર.

ડગલે ને પગલે પ્રશ્ન. તું કોણ? કોણ તારાં સાચાં મા-બાપ? હું શોધતો રહ્યો. રાધા અને અધિરથ આમ તો મારાં માબાપ પણ એ તો પાલક માબાપ. હું એમને પ્રણામ કરું છું. મારા જન્મની વાત એમણે છુપાવી નહોતી. કહ્યું હતુંઃ

ચમ્પાવતી નગરીમાં પ્રવાહમાં વહેતી જતી હતી એક પેટી. પેટી તીરે આણી, ઉઘાડી, તો જોયું, એમાં એક દિવ્યજ્યોતિ શિશુ કવચકુંડળ સાથે. એ દિવ્યજ્યોતિ શિશુ તે હું. પેટીમાં એટલું સુવર્ણ હતું કે, મારું નામ રાખ્યું વસુષેણ. ક્ષત્રિયનું એ નામ. પણ હું સૂત-સારથિઓના કુળમાં ઊછર્યો. હું રાધેય, સૂતપુત્ર કહેવાયો. પણ હું જાણી ગયો હતો કે હું સૂતપુત્ર નહોતો.

હું કોણ? આખી જિંદગી હું તરફડતો રહ્યો. આશા હતી, મારી ખરી મા કોઈક દિવસ તો મળશે, અને પિતા પણ. ‘હું કોણ’નો ઉત્તર એક દિવસ અવશ્ય મળશે. છેક સુધી ના મળ્યો – અને જ્યારે મળ્યો ત્યારે એનો કશો અર્થ ન હતો.

સૂતકુળમાં છતાં મારે ક્ષત્રિયની વિદ્યા ભણવી હતી. દ્રોણાચાર્યે મને શિષ્ય તરીકે ન સ્વીકાર્યો. પછી મેં નામ છુપાવ્યું, જાત છુપાવી, બ્રાહ્મણ બની ગયો પરશુરામ પાસે. ગુરુનો પ્રેમ પામ્યો, અને શાપ પણ – એક નહિ બબ્બે શાપઃ

અંત સમયે મારા રથનું પૈડું પૃથ્વીમાં ગળી જશે.
અંત સમયે મારી બ્રહ્માસ્ત્ર વિદ્યા ભૂલી જઈશ.

કેવો મહાશાપ! આમેય મારા જીવનનો રથ તો ખોટકાયેલો હતો, ત્યાં આ શાપ જીવનભર વેંઢારી રહ્યો – જેમ સૂત જાતિનાં અભિશાપ, અવમાન, અપમાન. કૃપાચાર્યે અર્જુન સાથે દ્વંદ્વયુદ્ધમાં મને અપાત્ર ઠરાવી દીધો. એ ક્ષત્રિય, રાજપુત્ર અને હું? સૂતપુત્ર!

‘એ સૂતપુત્ર છે – હું એને નહિ પરણું.’ – આ શબ્દોથી પછી ઘોર અપમાન કર્યું મારું દ્રુપદસુતાએ. મેંય ઇચ્છી હતી દ્રુપદ કન્યાને. એ અનન્યરૂપાશ્યામાનો હું પણ ઉમેદવાર હતો. સ્વયંવરમાં એને જીતવા મેં મત્સ્યવેધ કરવા જ્યાં ચઢાવ્યું તીર, કે શબ્દો સાંભળ્યા – ‘એ સૂતપુત્ર છે, એને નહિ પરણું.’

શરસંધાન કરેલું ધનુષ્ય તીર સાથે નમી ગયું, અને હું નમી પડ્યો અપમાનના ભારથી. દ્રૌપદી! હુંય જોઈ લઈશ, અપમાનનું વેર લઈશ કોઈક વેળા. અવસર પણ આવી પહોંચ્યો. દ્યૂતસભામાં પાંડવો સર્વસ્વ હારી ગયા – પોતાનેય હારી ગયા અને દ્રૌપદીને પણ. મારી વેરલિપ્સા જાગી ઊઠી હતી.

રજસ્વલા દ્રૌપદીને રાજ્યસભામાં ખેંચી લવાઈ. ઊભી હતી તે એક વસ્ત્રે. હસ્તિનાપુરની આખી સભા સ્તબ્ધ હતી. ભીષ્મ-દ્રોણ નીચાં માથાં કરી ગયાં હતાં — અને ધૃતરાષ્ટ્રને તો નજર જ ક્યાં હતી? દુઃશાસન ઊભો હતો, દ્રૌપદી પાસે. ત્યાં વિકર્ણ, દુર્યોધનના એકસો ભાઈઓમાંથી એક ભાઈએ કહ્યું : ‘પતિવ્રતા સતીને સભામાં લવાય નહિ.’

હું ઊભો થઈ ગયો. મેં કહ્યું : ‘પાંચ પુરુષોની પત્ની, શાની પતિવ્રતા? એ તો સ્વૈરિણી છે, વેશ્યા છે. આ પાંડવોએ પોતાનું બધું ગુમાવ્યું છે. તેઓ દાસ છે દાસ. એમનાં વસ્ત્રો પર પણ એમનો અધિકાર નથી. કાઢી લો એમનાં વસ્ત્રો.’

પાંચેય પાંડવોએ તો પોતાનાં રાજવસ્ત્રો ઉતારી નાખ્યાં, પણ દ્રૌપદી, એ થરથરતી ઊભી હતી. કુરુકુલની ભરી સભામાં એક નારીની વિટંબણા સૌ જોઈ રહ્યા હતા. પાંચ નાથ છતાં અનાથ હતી દ્રૌપદી. એનાં વસ્ત્ર ખેંચાતાં હતાં…

એણે મને સૂતપુત્ર કહ્યો હતો. એનું વેર લીધું મેં, વસ્ત્રો ઉતારવા કહી. પણ કેવું વેર? કદાચ દ્રૌપદીને હું મનોમન ચાહતો હતો, એની પ્રતિક્રિયામાંથી જન્મેલું વેર. હું બની ગયો હતો વિવેકહીન. હીન. પાંડવો આગ બની ગયા હતા. યુધિષ્ઠિરે મારા પગ સામે જોયું અને બની ગયા શાંત. યુધિષ્ઠિરને મારાં ચરણ જોઈ કુંતીનાં ચરણો યાદ આવેલાં – એ વાત પછી શ્રીકૃષ્ણે મને કહેલી. હા, શ્રીકૃષ્ણે.

શ્રીકૃષ્ણ જાણતા હતા? હું કોણ છું, કોણ હતાં મારાં માતાપિતા; પણ એ મુત્સદ્દી પાંડવસખાએ કદી ખોલી નહિ મર્મની ગાંઠ. અને જ્યારે ખોલી ત્યારે કેટલું મોડું થઈ ગયું હતું!

શ્રીકૃષ્ણ પાંડવોના અજ્ઞાતવાસને અંતે પાંડવો-કૌરવો વચ્ચે સંધિ કરાવવા આવ્યા હતા હસ્તિનાપુર. પાંચ પાંડવો માટે માત્ર પાંચ ગામ માગ્યાં. પણ પાંચ ગામ તો શું, સોયની અણી ઉપર રહે એટલી જમીન પણ આપવાની દુર્યોધને ના પાડી. આવતા મહાયુદ્ધને શ્રીકૃષ્ણ પણ રોકી શક્યા નહિ. હસ્તિનાપુરથી પાછા વળતાં એમણે મને સાથે લીધો એમના રથમાં.

શ્રીકૃષ્ણે મને કહ્યું – મારા જન્મનું રહસ્ય.

શ્રીકૃષ્ણે મને કહ્યું – કોણ મારી માતા.

મારી માતા કુંતી.

અર્જુનની જનની કુંતી, મારી માતા!

કૃષ્ણે કહ્યું: તુંય પાંડવ, કૌંતેય. જ્યેષ્ઠ પાંડવ. ચાલ્યો આવ તારા ભાઈઓ પાસે. જ્યેષ્ઠ હોવાથી તું હસ્તિનાપુરનો રાજા થઈશ અને આ દ્રૌપદીય, પાંચની સાથે છઠ્ઠા તને પણ સેવશે!

ઓહ! કેવું મોટું પ્રલોભન! તો શું હું ખરેખર પાંડવ હતો? ક્ષત્રિયવંશી કર્ણ હતો? મને ઉત્તર મળી ગયો. હું કોણ? પણ શ્રીકૃષ્ણ જીવનસંધ્યા પાસે આવી ત્યારે કેમ ખોલી મર્મની ગાંઠ? સમજી ગયો હતો એમની ચાલ. દુર્યોધન લડવાનો હતો મારે ભરોંસે. જો હું પાંડવોમાં ચાલ્યો જાઉં, તો દુર્યોધનને યુદ્ધ કરવાની હિંમત રહે જ નહિ. કુરુક્ષેત્રનું યુદ્ધ બંધ. એમણે કેવડું મોટું પ્રલોભન મને આપ્યું!

પણ હવે મિત્રઘાતી કેમ બનું? મેં શ્રીકૃષ્ણને સંભળાવી દીધું, હવે દુર્યોધનને ત્યજીને નહિ આવી શકું – અને તમે પણ પાંડવોને આ રહસ્ય કહેતા નહિ. છતાં શ્રીકૃષ્ણ હાર્યા નહિ. યુદ્ધનાં રણશિંગાં ફૂંકાવા લાગ્યાં ત્યારે એમણે કુંતીને મોકલ્યાં – મારી જનેતાને. સૂર્યોપાસના કરી ઊભો હતો ગંગાને તીર. ચૂપચાપ આવી ઊભાં કુંતી. મેં પ્રણામ કરી કહ્યું : ‘હું અધિરથ અને રાધાનો પુત્ર કર્ણ પ્રણામ કરું છું. કહો, કેમ આવ્યાં?’

એ નીચા વદને બોલ્યાં: ‘તું કુંતીનો પુત્ર છે, વત્સ – રાધાનો નહિ.’ માડી, માડી! આટલે વર્ષે તારી વાચા ઊઘડી? સૂર્યદેવતા પણ ઊતરી આવ્યા ત્યાં. એમણે કહ્યું, ‘વત્સ, કુંતી ખરું કહે છે.’

સૂર્યદિવ, તમે પણ આટલા મોડા? કુરુકુલના રાજકુમારોની શસ્ત્રપરીક્ષા વખતે કૃપાચાર્યે જ્યારે મને પૂછ્યું – ‘તું કોણ?’ ત્યારે ઊતરી આવ્યા હોત તો?

હવે શો અર્થ છે? કુંતી મને પાંડવો વચ્ચે લઈ જવા આવ્યાં હતાં. એ કુંતી, જેણે મને પેટીમાં વહાવી દીધો હતો એક વાર, ખોળેથી હડસેલી દીધો હતો એક વાર. મેં કહ્યું, ‘માડી! હવે પાછા વળવાનો વખત નથી. પણ જા, એક વચન આપું છું? તારે તો પાંચના પાંચ રહેશે. હું અર્જુન વિના, કોઈનેય નહિ હણું. અર્જુન હણાયે હું આવીશ, અને હું હણાઈશ તો પાંચ છે જ.’ કુંતી ચાલ્યાં ગયાં મ્લાન મુખે.

પછી તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મક્ષેત્રમાં અધર્મનાં યુદ્ધ લડાયાં. ઇન્દ્રે બ્રાહ્મણને વેશે આવી અર્જુનને જિતાડવા મારી પાસેથી અગાઉથી જ કવચકુંડળ તો માંગી લીધેલાં; પણ એણે આપેલી અમોઘ શક્તિનો ઉપયોગ પણ અર્જુનને બદલે ઘટોત્કચ પર કરી દેવો પડ્યો. પછી તો કુરુક્ષેત્રના કારમા યુદ્ધના સત્તરમે દિવસે હું થયો છું સેનાપતિ. સામે સામે હું અને અર્જુન.

એક માના ઉદરમાં સૂતેલા બંને ભાઈ. સહોદર સામસામે. આખરી લડાઈ છે. પરિણામ તો જાણી લીધું છે, પણ સંભવ છે, આખરી વેળા સામટી જીત થાય પણ ખરી. મેં અમોઘ નાગબાણ ચઢાવ્યું, અર્જુનનો શિરચ્છેદ કરવા. શ્રીકૃષ્ણે અર્જુનના રથના ઘોડાને આઠ આંગળ નમાવી દીધા, કંઠને બદલે મુગટ લઈને તીર નીકળી ગયું.

પણ આ શું?

મારો રથ ખોટકાય છે?

રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું છે શું?

ગુરુનો શાપ. હું આખરી વેળા બ્રહ્માસ્ત્ર ચઢાવવા ઇચ્છું છું.

મંત્ર સરી જાય છે.

હું નીચે ઊતરું છું, રથનું પૈડું બહાર કાઢવા મથું છું. અર્જુનને કહું છું_

‘થંભી જા, હું નિઃશસ્ત્ર છું. શસ્ત્ર ચલાવ નહિ. એ ધર્મયુદ્ધ નથી.’

શ્રીકૃષ્ણ ટોણો મારતાં કહે છે : ‘જ્યારે દ્રૌપદીનાં વસ્ત્ર ખેંચાતાં હતાં, ત્યારે ક્યાં ગયો હતો તારો ધર્મ? જ્યારે સપ્ત મહારથીઓએ સાથે મળી એકલા અભિમન્યુને હણ્યો હતો ત્યારે ક્યાં ગયો હતો તારો ધર્મ?’

પણ આ એક પલકમાં બધું ઊઘડી ગયું છે. એક પલકમાં જન્મથી આ આવી પહોંચેલા મૃત્યુની ક્ષણ સુધીનો સમય. હમણાં જ સહોદરનું બાણ આવશે — અને હણશે સહોદરને.

નમું છું સૂર્યદેવતા, મારા જન્મના કારણ, અને સાક્ષી! નમું છું હું કર્ણ – પાંડુ અને કુંતીનો પુત્ર; ના, અધિરથ અને રાધાનો પુત્ર. હું વસુષેણ. હું કર્ણ. અંતે ઉત્તર મળ્યો છે : હું કોણ? તીર ચલાવ અર્જુન, મારા ભાઈ, મારા સહોદર…