દેવતાત્મા હિમાલય/૨. ભુવનમનોમોહિની

Revision as of 12:25, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨. ભુવનમનોમોહિની

ભોળાભાઈ પટેલ

અયિ ભુવનમનોમોહિની
અયિ નિર્મલસૂર્યકોજ્વલ ધારિણી
જનકજનનિ જનની
નીલસિંધુજલધૌત ચરણતલ,
અનિલવિકંપિત-શ્યામલ-અંચલ
અંબરચુંબિતભાલ હિમાચલ,
શુભતુષારકિરીટિની…

‘કલ્પના’ — રવીન્દ્રનાથ ઠાકુર

આરસપહાણનું અરણ્ય

રાણકપુર ગમી જાય એવું સ્થળ છે. ત્યાં પ્રસિદ્ધ જૈન મંદિર છે. એનું સ્થાપત્ય અને શિલ્પ કલાપ્રેમીઓની સૌંદર્યચેતનાને ઉત્તેજિત કરે છે. આ મંદિર જે સ્થળે આવ્યું છે ત્યાંની બરહંટ જનવિરલ પ્રકૃતિના સાંનિધ્યમાં રહેવાનું મન થાય. મેવાડવિસ્તારની અરયછાયી અરવલ્લીની ગિરિમાળાના એક પશ્ચિમી ઢોળાવ પર મંદિર બંધાવનારને કે એ સ્થળે બાંધવાની પ્રેરણા આપનાર સ્થપતિકલાકારની કલ્પનાદૃષ્ટિને વાહવાહ કહેવી પડે. પાસે થઈ પથ્થરોની શૈય્યા પરથી ચૂપચાપ મઘાઈ નદી વહી જાય છે. ઉનાળામાં એમાં પાણી નહીં, પથ્થર વહે.

વાયા ઉદયપુર, બસ-મોટરથી રાણકપુર પહોંચવાનો માર્ગ બહુ રમણીય છે. પહાડ અને અરણ્ય એકાંતમાં સુંદરતા વેરીને બેઠાં હોય, એની વચ્ચે ચઢતો વાંકોચૂંકો માર્ગ કાપવાનું ગમે. આવે વખતે ક્યાં પહોંચવાનું છે એ પણ સ્મરણમાં ન રહે. પથનો સંગ જ રંગ લગાડી રહે. એ રીતે અરવલ્લીની આથમણી કોરે આવેલા આ તીર્થસ્થળે આવીને ઊભા રહેતાં જ એનું ભવ્ય મંદિર અભિભૂત કરી રહે.

બીજો માર્ગ તે રેલગાડીનો છે. કેટલાક સમયથી તો આ તીર્થના નામથી અમદાવાદથી એક ગાડી દોડે છે – રાણકપુર એક્સપ્રેસ. પણ આમેય વાયા આબુરોડ દિલ્હી જતી બધી ગાડીઓમાં રાણકપુર જવા ફાલના સ્ટેશને ઊતરી જવું પડે. ફાલનાથી સાદડી ગામ અને પછી સાદડીથી રાણકપુર. ફાલનાથી ૩પ કિલોમીટર બસથી કે મોટરથી જવું પડે. હવે તો માઉન્ટ આબુથી પણ સીધી બસ રાણકપુર જાય છે.

રાણકપુર પહોંચવાનો આનંદ બંને માર્ગે લીધો છે. પહેલી વાર અમે અમદાવાદથી હાલના દિલ્લીમેલમાં જવા નીકળ્યા હતા. અમે લોકોએ રાણકપુરનો ખાસ કાર્યક્રમ બનાવ્યો હતો. ‘અમે’ની આ ટોળીના સભ્યોનાં નામ જાણવાં ગમશે. એમાં હતા પ્રસિદ્ધ જૈન વિદ્વાનો દલસુખ માલવણિયા અને ડો. હરિવલ્લભ ભાયાણી, મિત્ર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (સદ્ગત) અને રઘુવીર ચૌધરી. શ્રીમતી ચંદ્રકલા ભાયાણી પણ હતાં.

એકદમ ત્યાં પહોંચવાનું ઉપાસણ કર્યું તેનું એક કારણ હતું. એ દિવસોમાં આપણા મંદિર-શિલ્પ-સ્થાપત્યોના નિષ્ણાત મધુસૂદન ઢાકી જૈન દેરાસરોના અધ્યયન અર્થેની એમની ટ્રીપમાં રાણકપુર જવાના હતા. આવા નિષ્ણાત ત્યાં હોય અને રાણકપુર પહોંચીએ તો આવાં સ્થાપત્યો જોવાનો એક દૃષ્ટિકોણ પણ સાંપડે. ઉપરાંત, મધુસૂદન ઢાકી એટલા તો કુશળ આલાપચારી (કૉન્ફર્મેશનાલિસ્ટ) છે કે એમની સાથે કલાકો ક્યાં જાય એની ખબર ન પડે. શિલ્પ, સ્થાપત્ય, સંગીત, પુરાતત્ત્વ આદિ ક્ષેત્રમાં કામ કરતાં કરતાં થયેલા જાતજાતના અનુભવો વાણીના વિવિધ આરોહ અવરોહમાં પ્રસ્તુત કરતા રહે.

અમદાવાદથી અમે આણંદજી-કલ્યાણજી પેઢીની ચિઠ્ઠી લીધેલી. રાણકપુરનાં દેરાસરોનો વહીવટ આ પેઢી ચલાવે છે. પ્રસંગવશાત્ કુમારપાળ દેસાઈ સાથે વાત નીકળતાં એમણે કહ્યું કે, પાંચ-છ દાયકા પહેલાં રાણકપુરને ખાસ કોઈ જાણતું જ નહોતું. ચારે તરફ જંગલ-ઝાડી વચ્ચે આવેલું રાણકપુરનું મંદિર લગભગ વિસ્મૃત હતું. આણંદજી-કલ્યાણજીની પેઢીએ રાણકપુર જવાનું – ખાસ તો ત્યાં રહેવાનું – સુગમ કર્યું. શેઠશ્રી કસ્તૂરભાઈ જેવા શ્રેષ્ઠીની ઉદાર દૃષ્ટિએ આ ધર્માર્થ પેઢી દ્વારા અનેક જૈન યાત્રાધામોને વિકસાવ્યાં છે.

અમને જાણે એ લાભ મળી ગયો, ફાલના સ્ટેશને ઊતરી અમે બસમાં સાદડી ગામે પહોંચી ગયા. પછી સાદડીથી કરી લીધી એક ટેક્સી. બધા વિદ્વાનો હતા એટલે સમાઈ શક્યા. આખે રસ્તે વિનોદ ચાલતો હતો. પ્રસન્નતાની મનઃસ્થિતિમાં રાણકપુરનાં મંદિરોના પ્રાંગણમાં પહોંચી ગયા. ચિઠ્ઠીએ ચમત્કારનું કામ કર્યું. મંદિર બહાર આવેલી સર્વ સુવિધાઓવાળી ધર્મશાળામાં અમને ઉતારો મળી ગયો. જેન ધર્મશાળા હોય એટલે ભોજનશાળા તો હોય જ, એટલે જમવાની વ્યવસ્થા કરવાની પણ ચિંતા નહોતી.

આખો વિસ્તાર એટલો શાન્ત હતો કે, અમને લાગ્યું : અમે એકલા જ યાત્રિકો છીએ. નહીંતર આવાં શાંત સ્થળોને પણ ઘોંઘાટવાળાં બનાવી દેવામાં આપણે નિપુણ છીએ.

પ્રાંગણમાં ફરતાં મુખ્ય દેરાસર અમને નિમંત્રણ આપતું હતું. પણ અમે સાંજની આરતી વખતે જવાનું રાખ્યું. આથમણી બાજુ બીજાં પણ દેરાસર હતાં. રમણીય સાંજ હતી. અરવલ્લીની આ પહાડી અહીંથી મેદાનમાં પરિણમતી હતી.

પગથિયાં ચઢી અમે ધરણવિહારમાં પ્રવેશ કર્યો. આ નામે પણ મુખ્ય મંદિર ઓળખાય છે. રીતસરનો – શિલ્પસ્થાપત્ય જોવાનો – કાર્યક્રમ તો સવારના જ રાખ્યો હતો, પણ મંદિરે પોતાનો પ્રભાવ પાડવાનો શરૂ કરી દીધો હતો. મંદિરમાં પ્રવેશ કરતાં જ એવું લાગ્યું કે જાણે આરસનિર્મિત સ્તંભોના ભૌમિતિક અરણ્યમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ!

એ આરસપહાણના અરણ્યમાં કોઈ પણ સ્થળેથી ભગવાન આદીશ્વરની પદ્માસનસ્થ વિરાટ મૂર્તિનાં દર્શન થતાં હતાં. વિશાળ રંગમંડપમાં અમારો અવાજ માત્ર સંભળાતો હતો. ત્યાં આરતીનું ઘી બોલાવાની પૂજારીએ ઘોષણા કરી. રઘુવીરને હતું કે, આજે ઘી બોલીને આપણે આરતી કરવી. અમારા સિવાય હતું પણ કોણ?

પણ, અમે જોયું કે ઘીનો ચઢાવો શરૂ થતાં સામે પ્રતિસાદ પડ્યો. એક નવપરિણીત (નવપરિણીત જ હશે) જૈન યુગલ અમારાથી વધુ ને વધુ ઘી બોલતું જતું હતું. અમને લાગ્યું કે, ગમે તેટલો ચઢાવો બોલીને પણ આરતી કરવાનો એમનો નિરધાર છે, એટલે અમે ‘ઉદાર’ થઈ ચઢાવો બોલવાનું બંધ કરી દીધું. એક નવપરિણીત જેન યુગલ દ્વારા આદીશ્વરની આરતી જોવામાં અમને સૌને આનંદ હતો.

અમારામાં જૈન તો શ્રી દલસુખ માલવણિયા, પણ ડૉ. ભાયાણી પણ ધર્મના ક્રિયાકાંડો કરતાં એમને તો જૈન દર્શનોમાં વિશેષ રુચિ. આરતી પછી અમે બહાર આવ્યાં. પગથિયાં પર થોડી વાર બેઠાં. આ મંદિરના નિર્માણ અંગેની ચર્ચા કરતા હતા. શ્રી મધુસુદન ઢાકી હજુ આવ્યા નહોતા. એમના ખાસ ફોટોગ્રાફર સાથે એ જુદા વાહનમાં આવવાના હતા.

રાણકપુરનું આ ભવ્ય મંદિર ‘નલિનીગુલ્મ દેવવિમાન’ એવા નામથી કે ધરણવિહારના નામથી ઓળખાય છે. મેવાડના રાણા કુંભાના એક મંત્રી ધરણા શાહે આ બંધાવેલું. કહે છે કે, ધરણા શાહને સ્વપ્નમાં આખી ઇમારત દેખાઈ સ્વપ્નમાંથી જાગ્યા પછી એવી ઇમારત સાચેસાચ ઊભી કરવાની એમની ઇચ્છા થઈ. એમાં એ સમયના યુગપ્રધાન આચાર્ય શ્રી સોમસુંદર સૂરીશ્વરજીની પ્રેરણા મળી અને રાણા કુંભાની સહાય પણ મળી.

ઇમારતના અનેક નકશા મંગાવ્યા, પણ ધરણા શાહને સ્વપ્નમાં આવેલ ઇમારત સાથે મેળ ખાય નહીં. આખરે મુંડારા ગામના દેવા (કે દેવાક) નામના એક સ્થપતિએ ધરણા શાહના સ્વપ્નદર્શન મુજબનો નકશો બનાવ્યો અને વિક્રમ સંવતના પંદરમા સૈકાના ઉત્તરાર્ધમાં અરવલ્લીના ઢાળ ઉપર નાનકડી મઘાઈ નદીને કાંઠે આ ભવ્ય મંદિર બાંધવાની શરૂઆત થઈ. સાથે સાથે એક નગર પણ વસતું થયું. રાણાના નામયોગે રાણપુર કે રાણકપુર નામ થયું. સંવત ૧૪૯૬માં આ ‘નલિનીગુલ્મ દેવવિમાન’ની પ્રતિષ્ઠા થઈ.

આછા અંધારામાં એનાં પગથિયાં પર અમે બેઠાં. ચારે બાજુની શાંતિનો અમને પણ સ્પર્શ થતો હતો.

સવારમાં પણ રાણકપુરની શાંત નિર્જનતાનો બોધ થયા વિના રહે નહીં. જિનાલય અત્યારે પર્વતછાયાના વિસ્તારમાં આવી જાય છે. સવારના તૈયાર થઈ અમે સૌપ્રથમ તો મંદિરવિસ્તારની બહાર આવેલી એક છાપરાવાળી હોટલમાં ચા પી આવ્યા. રાત્રે સ્થાપત્યવિદ મધુસૂદન ઢાકી પણ આવી ગયા હતા.

હવે અમે રીતસરના તેમની આગેવાનીમાં ધરણવિહાર અર્થાત્ નલિનીગુલ્મ દેવવિમાનનાં શિલ્પ અને સ્થાપત્યની સુંદરતા અને ભવ્યતાનો અનુભવ કરવાના ઉત્સાહમાં હતા. એમણે આ વિશાળ મંદિર સંકુલના સ્થાનની પસંદગીના ઔચિત્યનો ખ્યાલ આપ્યો. સાચે જ ગિરિમાળાના આથમણા ઢાળ પર સ્થાપત્યને એક અજબ ઉઠાવ મળતો હતો.

પણ તરત તેમણે ધ્યાન ખેંચ્યું મંદિરની ઉત્તર દીવાલની બાજુમાં જ અડીને બંધાવેલી જૂની ધર્મશાળા ભણી. સમગ્ર જિનાલયના પ્રભાવને એ ખર્વ કરતી હતી. સ્થાપત્યનો પ્રભાવ પૂરેપૂરો ત્યારે જ અનુભવાય જ્યારે એની આસપાસનો પરિસર પણ એને અનુરૂપ હોય. શત્રુંજય પર્વત પરનાં ઘણાં દેરાસરો એટલાં પાસપાસે છે કે દરેકને જોઈએ એવું ફ્રેમિંગ મળતું નથી.

રાણકપુરનો આ ચતુર્મુખ જિનપ્રસાદ જો ધર્મશાળા આટલી અડીને ન હોત તો વધારે ભવ્ય લાગત. આ મંદિરને ચાર દિશા એથી ચાર પ્રવેશદ્વાર છે, એટલે એ કહેવાય છે ચતુર્મુખ જિનપ્રાસાદ, અમે પશ્ચિમારેથી પ્રવેશ કર્યો. ગઈ કાલે રાત્રે મંદિરની સ્તંભાવલિની અરણ્યાનિ વચ્ચે પસાર થયા હતા. એ સ્તંભો ફરીથી આમંત્રી રહ્યા.

આ ચતુર્મુખપ્રાસાદમાં પ્રત્યેક દ્વારેથી અંદર પ્રવેશો કે ચારેબાજુ ચાર મેઘમંડપો એની સપ્રમાણ માંડણીનો પ્રભાવ પાડી રહે. ‘આબુની કોતરણી અને રાણકપુરની માંડણીની કહેવત એકદમ સાર્થક લાગે. પણ આ મેઘમંડપોની છતો તરફ નજર કરો એટલે એની કોતરણીની પણ વાહવાહ કરવી પડે. આબુનાં દેરાસરોની આવા કોતરણીયુક્ત ગુંબજથી આ કલા ઊતરતી ન લાગે. પથ્થરમાં કંડારાયેલ હોવા છતાં મુલાયામ લાગતાં તોરણો અને સોળ દેવીઓ વચ્ચેનું શતદલ કોમળ કે સોળ નૃત્યાંગનાઓ વચ્ચે લોલયુક્ત ઘુમ્મટ આપણને પ્રભાવિત કરી દે છે. ચારે દિશાઓમાં ફરો, ચારે દિશાઓ એના મંડપમાં આવો અનુભવ થાય.

મધુસૂદન ઢાકી તો કાશીસ્થિત અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટડીઝ તરફથી ભારતીય મંદિરોના થતા સર્વસંગ્રહ(એનસાઈક્લોપીડિયા)ના પ્રોજેક્ટ અન્વયે આવેલા. એમની સાથે વિશેષજ્ઞ ફોટોગ્રાફર હતા. તે અત્યંત કીમતી એવા મોટા કેમેરાથી આ કલાત્મક છતોના, સ્વાભાવિક છાયાપ્રકાશમાં ફોટા લેતા હતા.

પણ રાણકપુરનું આ મંદિર અંદરથી જોતાં જે ભવ્યતાની છાપ પાડે છે તે તો એની સ્તંભાવલિને લીધે. આ ત્રણ માળનું ઊંચું મંદિર જાણે આ સ્તંભો પર જ ઊભું ન હોય!! કોઈ કહે છે : સ્તંભોની સંખ્યા ગણી શકાતી નથી, પણ ૧૪૪૪ની સંખ્યા બતાવાય છે. આટલાબધા સ્તંભો હોવા છતાં મંદિરમાં કોઈ પણ સ્થળેથી આદીશ્વરદાદાનાં દર્શન થઈ શકે એ રીતે પાછું આ સ્તંભોનું આયોજન છે. ઊંચા ઊંચા આરસ સ્તંભો જીવંત શિલ્પથી એવા ભરપૂર છે જાણે વાયુ પ્રકંપિત દેવદારુ વૃક્ષાવલિ!

પશ્ચિમના પ્રવેશદ્વારેથી પ્રવેશતાં કલ્પવલ્લીનું એક અદ્ભુત શિલ્પ છે એ તરફ ઢાકીએ ધ્યાન દોર્યું. પથ્થરની કવિતા કહેવાથી એની કલાત્મકતાનો નિર્દેશ કદાચ કરી શકાય. કલ્પેલું આપનાર વલ્લીની કલ્પના કલાકારે કેવી તો કરી છે? કલાકાર દેવાનું સ્મરણ કરવું કે શેઠ ધરણા શાહનું? પ્રશ્ન થાય છે કે આ મંદિરનું નિર્માણ થતાં કોનું સ્વપ્ન સાકાર થયું? શેઠ ધરણા શાહનું કે પછી એક કલાકારનું?

સ્તંભોના અરણ્યમાં અમે સૌ છૂટા પડી ગયા. ભગવાન રિષભદેવ (ઋષભદેવ) પ્રથમ તીર્થંકર હોવાથી આદીશ્વરની સુંદર મૂર્તિ આ આલયમાં શોભતી હતી. પૂજાવિધિ ચાલતો હતો. વાતાવરણ સુગંધયુક્ત હતું.

અમે સૌ બીજે માળે ગયા. ત્યાં બેસીને જૈન શિલ્પસ્થાપત્યની ચર્ચા કરતા રહ્યા. ત્યાંથી ઊતરી મંદિરની ફરતી દેવકુલિકાઓ જોતા ફરવા લાગ્યા. મૂલનાયકની મૂર્તિ સિવાય બીજા તીર્થકરોની મૂર્તિઓ આ ફરતી દેવકુલિકાઓમાં હોય છે. નાની મોટી ૮૪ શિખરબંધ દેવકુલિકાઓ છે, જેમાં ચાર મોટી છે. ધરણવિહારની ભવ્યતાનો બરાબર ખ્યાલ આવે એ માટે અમે મંદિરના પ્રાંગણથી દૂર એક ટેકરી જેવી જગ્યાએ જઈ ઊભા. દેવકુલિકાઓનાં નાનાંમોટાં શિખરો વચ્ચે ધરણવિહારનું સૌથી ઊંચું શિખર અને શિખર પરથી ઊડતી ધજા, પહાડની પશ્ચાત્‌ભૂને લીધે શોભી રહે છે. મેં મારા અનાડી હાથે થોડા ફોટા લીધા.

ધરણવિહારના પરિસરમાં બીજાં મંદિરો છે. એકમાં નેમિનાથ ભગવાન મૂલનાયક છે. બીજામાં શ્રી પાર્શ્વનાથ. શત્રુની જેમ અહીં પણ અધિષ્ઠાત્રી દેવી ચક્રેશ્વરી છે. એમનું પણ મંદિર છે. ઉપરાંત એક સૂર્યમંદિર છે.

નેમિનાથના મંદિરની દીવાલો પર શાલભંજિકાઓની સુંદર મૂર્તિઓ અંકિત છે. ઢાકી કહે : આ છે શુચિસ્મિત દર્પણા, આ છે સ્નાતાકપૂરમંજરી, ઉત્કીર્ણ નાયિકાઓની સુંદરતા જેવાં સુંદર આ નામ. કેટલાંક મિથુનશિલ્પો પણ છે. કોણાર્ક ખજૂરાહોનાં શિલ્પો તરત યાદ આવે. ચોખલિયા ભક્તો તો ભાગ્યે જ આ મૂર્તિઓ તરફ નજર કરે. નેમિનાથના આ મંદિરને ‘વેશ્યાનું મંદિર’ એવું નામ કોણે આપ્યું હશે? ધરણવિહાર બંધાવનાર ધરણા શેઠના મુનીમે આ મંદિર બંધાવ્યું હોવાનું કહેવાય છે, પણ રાણકપુર જનાર યાત્રિક નેમિનાથના આ મંદિરને જુએ નહીં ત્યાં સુધી તેની યાત્રા અધૂરી ગણવી જોઈએ. સૌંદર્યની પણ ભક્તિ થાય.

બપોરના વિશ્રામ કર્યા પછી સાંજ ટાણે અમે ધરણવિહારના પહાડ તરફના ઉગમણા પ્રવેશદ્વારે જઈ બેઠા. નિસ્તબ્ધતા હતી. પહાડી પર વૃક્ષો છે, પણ કાંટાવાળાં વૃક્ષો વધારે છે. અમે પછી ચાલતાં ચાલતાં જંગલની કેડીના માર્ગે થોડા પહાડી અરણ્યમાં ગયાં. પાછા આવીને પ્રવેશદ્વાર સાંજ પડવા દીધી. કેટકેટલા વિષયો પર વાર્તાલાપો ચાલ્યા. પણ સ્મરણમાં રહી ગઈ છે તે તો મધુસૂદન ઢાકીએ પોતે પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં ભણતા, તે વખતની તેમની એક સહાધ્યાયિની મિસ સપ્રેની વાત. ધરણવિહારને ઉગમણે દ્વારે હાસ્યવિનોદથી ભરપૂર એ સાંજ યાદગાર બની ગઈ છે.

રાણકપુર પંદરમી સદીમાં તો સમૃદ્ધ નગર હતું, પણ ઔરંગઝેબના સમયમાં મંદિર પર આક્રમણો થયાં, દુકાળિયાં વર્ષો આવ્યાં અને રાણકપુર ઉજ્જડ થતું ગયું, વિસરાતું ગયું. ગૃહસ્થનું એક ઘર ન રહ્યું, રહી ગયા માત્ર આદિશ્વર દાદા. હવે અનેક યાત્રિકો રાણકપુર જાય છે, પરંતુ આવી પૂજાપાઠ કરી તરત નીકળી જાય. પણ રાણકપુરમાં એક-બે દિવસ રહ્યા વિના એના સાચા પ્રભાવથી કદાચ વંચિત રહી જવાય.

આ પહેલી વાર અમે રાણકપુર ગયા, ત્યારે નિરાંતે રહ્યા હતા, પણ ત્યારે મઘાઈમાં પાણી નહોતું. બીજી વાર રાણકપુર જવાનું થયું એ વખતે ડિસેમ્બર હતો. ઉદયપુરને રમ્ય માર્ગે થઈ રાણકપુર ઊતર્યા હતાં. આ દિવસોમાં યાત્રિકોની ભીડથી રાણકપુરની નિર્જનતા ચાલી ગઈ હતી. આ વખતે અમે મંદિરને અડીને આવેલી જૂની ધર્મશાળામાં રહ્યાં.

ફરી સ્તંભોના અરણ્યમાં ભમવાનું ગમ્યું. છેક દૂરનાં પગલાં સુધી જઈ આવ્યાં. ફરી સહસ્ર પાર્શ્વનાથ, સહગ્નકુટનો કલાત્મક શિલાપટ્ટ, નાગપાશનું અદ્ભુત શિલ્પ, પંચ શરીરધારી વીરનું શિલ્પ ધ્યાનથી જોયાં. પેલી કલ્પવલ્લી તો ભુલાય જ કેમ?

નેમિનાથના મંદિરની પેલી શાલભંજિકાઓ પાસે ગયાં. સદીઓથી એમ જ મનોહર મુદ્રામાં ઊભી છે. શુચિસ્મિતદર્પણાહજી દર્પણમાં જોતી સ્મિત કરી રહી છે, અને આ સ્માતાકપુરમંજરી… સદ્યસ્નાતાની તાજગી હજી એને દેહથી ટપકે છે.

મારા જૈન સહયાત્રિકો સવારની પૂજા માટે ગયા, હું ગયો મઘાઈ ભણી. મઘાઈમાં આ વખતે સારું એવું પાણી હતું. પથ્થરની શૈયા પરથી કલકલ વહેતી જતી હતી. એકદમ મન પ્રસન્ન થઈ ગયું. મઘાઈ સદાનીરા હોત તો? કદાચ રાણકપુર ઉજાડ ન થયું હોત. રાણકપુરના ધરણવિહારની શોભા અદકી બની રહી હોત. કાંઠે ઊભેલાં વૃક્ષોની છાયા મઘાઈમાં પડતી હતી. વૃક્ષો પર વા-નરો હતા એટલે સ્થળને નિર્જના કહેવું હોય તો ના કહો.

મઘાઈના પાણીમાં ચાલતાં ચાલતાં, નીચા નમી હાથથી એ પાણી ઉછાળતાં ઉછાળતાં જરા દૂર અરવલ્લીના ઢાળમાં ઊભેલા ધજા ફરકાવતા ધરણવિહારને હું નવી નજરે જોતો હતો.