અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/મા તુઝે સલામ

Revision as of 20:15, 20 September 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| મા તુઝે સલામ|યજ્ઞેશ દવે}} <poem> સાંજ વેળાએ નડિયાદની મારી હોસ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મા તુઝે સલામ

યજ્ઞેશ દવે

સાંજ વેળાએ નડિયાદની મારી હોસ્ટેલની રૂમ ફોરી ઊઠે
પાછળના ખેતરમાં પાકતા તમાકુની ગંધથી.
થાય કે ફૉયણે ફૉયણે આખું ખેતર પી જાઉં
ઉઘાડા ડિલે
આળોટી લઉં આખા ખેતરમાં.
દૂર દખ્ખણ દેશથી કોઈ લાઈવું તને ફિરંગી કે ફ્રેંચ
ને તું તો બચબચ વળગી પડી ચરોતરની ધરતીને
– જાણે તારી માને.
ને હું વળગી પડ્યો તને.
એક્ઝામ ટાઇમે મધરાતે હોસ્ટેલમાં લુંગી ચડ્ડી જાંગિયામાં
ગોતવા નીકળે બેનર્જી, પ્રધાન જીતીયો - સિગારેટ બીડીનું ઠૂંઠું
ઠૂંઠું જો એક લાગી જાય હાથ
તો
જાત સાથે મળી જાય તાળો – ખૂલી જાય દિમાગનાં તાળાં,
રખડી ખાધું હોય દિવસરાત ઈ માળા
ઊથલાવી જાય કોર્સ રાતોરાત
પડી જાય પાસા પોબાર.
વાંઝણી શું જાણે વિંયાતલની વેણ મારી બાયું રે
ઘરમાં તમાકુબંધી
પણ અમારા બરવાળાની આખી બજાર તમાકુગંધી.
દેશી તમાકુ કડક અડાયા ઠાણા જેવી, ગડાકુ મીઠી ગંધવાળી
બજર કેળવેલી, બીડી લાલ-પીળા દોરાવાળી
દુકાને દુકાને દેખાતી કાળી તાજ, ધોળી ચારમિનાર.
દરબારના ડેલીએ કહુંબા અંજળી ભેળી ફરતી હુક્કાની નળિયું
ને વાતડિયું વગતાળીયું
‘ઇ દિવસો તો હવે દેવ થ્યા દેવા!
પણ હજી જગે ચલમનો દે’તવા
હજી જગે છ
હોકલીના હેતહેવા દેવા!’
ઓટલે ઓટલે
ખાટલે ખાટલે
ખેતરખળાંમાં ચોરેચૌટે જાઈમો છ ડાયરો
સાંજ વરતે રામજી મંદિરની ઝાલર શમી ગયે
અરૂપરૂ અંધારામાં
ગામમાં ચોરે જાઈ’મા છ ભાભાંવ
જીવાઆતા સવજીઆતા જુતુભા કરસનકાકા ને વશરામ ડોહા
ગડાકુગંધના ફૂટે છે ફુવારા ને ઠહાકા
ધુમાડે પીળી પૂળા જેવી મૂછોમાંથી
ફરફરે છ દેશી ગડાકુની ગંધ
– કાઠિયાવાડના મારા મલક જેવી, મારી મા કાઠિયાવાડી જેવી
કડક અને મીઠી.

અધરાતે મધરાતે ઊંઘ ઊડી જાય
અંધારું ખાવા ધાતું હોય
ક્યાંય સોરવતું ન હોય
ત્યારે અંધારામાં જગલાનો હાથ જાય લટકતા પહેરણના ખિસ્સામાં.
જડી જાય જો એક બીડી
ને જાણે જડી જાય લંકાની લાડી

સ્ટાઇલથી સિગારેટ હાથમાં લઈ
ભવાં તંગ કરી તિરછી નજરે જોતો ગુરુ દત્ત
બે હોઠ વચ્ચે સિગારેટ મૂકી ખરર્ સળગાવી હળવા કશ લેતો દેવાનંદ
થાય કે સિગારેટને જોઉં? જોઉં તેની આંગળિયોને, ઊંડા કશને
ધુમાડાના ગૂંચળાને કે તેના હોઠને?
એ જોઈને સોક્ય તો બોલી ઊઠે
‘જો મૈં હોતી રાજા તુમરી સિગરેટિયાં
દબી રહેતી રાજા તેરે હોઠોં પર.’
‘ટોબેકો’ બોલતાં જ ફોયણાં ફૉરી ઊઠે
તાજી સળગાવેલી પાઇપની ગંધથી.
માઇકલના અજડ હાથ કોટના ખિસ્સામાંથી કાઢે ટોબેકો પેકેટ
પેકેટમાંથી કાઢે પોચી પોચી ટોબેકો
અજબ નરમાશથી નિરાંતે હથેળીમાં ચોળે, ચીવટથી પાઇપમાં ભરે
હળવે હળવે દાબે સળગાવે
જાણે આર્ધ્યું કોઈ અનુષ્ઠાન
ઓરડા સાથે તરબતર તનમન.

નિહાલસિંગની ભરાવદાર મૂછ નીચે
માંસલ બે હોઠ વચ્ચે
હોય જ્યારે જાડી સિગાર
કડક કરડો ચહેરો
થોડી ક્ષણ થાય માયાળુ
થાય કે જઈ પંપાળું?

બીડી સ્વર્ગની સીડી
બે સટમાં સડસડાટ ચડાવી દે ઉપર
સર્વ દુઃખ, પીડા આધિ વ્યાધિ અવહેલનાથી ઉપર
બે સટમાં રામખિલાવનના ગારા જેવા રાંટા પગ
પણછની જેમ તંગ થાય
ને
પેડલરીક્ષા ચાલે સડસડાટ
કલકત્તાના ટ્રાફિકમાં પણ વારાણસીની ગીચ ગલીઓમાં

દૂર દેશાવરની
દરિયા પારની ખેપમાં
માછલી જિંગાના કેચમાં
દરિયા સાથે ખારવાના પેચમાં
નથુટંડેલ મામદ જીવાના મછવામાં કે બોટમાં
જાળનો ઢગલો, ડીઝલ કેરોસીન કાળી ચા તાજી મચ્છી
અને તું હોય જ્યારે હારે
તો જિંદગીથી કોણ હારે!
ઉપર આત્મ નીચે દરિયો
ને જાત જ હોય સાથ
લોઢ લોઢ મોજાં વાળે સોથ
ત્યારે તારી જ હોય ઓથ.
રાતે તારોડિયાના આછા ઉજાસમાં
‘તરણ તરણી સમી સરલ તરતી
પિતા!
સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!’

ને
વાં ઓહરીમાં હેઠે બેહી, હાડલો ખોળા વચ્ચે દાબી
મલોખા જેવા હાથે રેવાભાભુ
ટીચી ટીચી મુલાયમ માખણ જેવા કરેલા દાતણના કૂચડાથી
પેઢાંને બજર દઈ
દિ’માં તણ વાર કૂચડો ફેરવે
જુવાનજોધ દીકરો પાછા થ્યાની દીવાલને.

શેરી વાળીઝૂડી
ડબ્બાના મેલા સારીસારી
હાથપગ નિરાંતે ધોઈ
શરમને નેવે ચડાવી
જિંદગીની જદોહદના જુવાળ વચ્ચે સુખનો નાનકડો ટાપુ શોધી
પીપળાના ચળાયેલા છાંયે બેસી
કાળી પાતળી સુંવાળી ચામડીવાળા ઓલી જીવીડોશી
શેરીમાં નિરાંતે પીવે છે બીડી
ધુમાડે ધુમાડે ધબકે છે શેરી.

કોર્પોરેટ ઓફિસ મીટિંગમાં
લૉંગ એર ટ્રાવેલમાં, નો સ્મોકિંગ ઝોનમાં
એલિટ એક્ઝિક્યુટિવ વિલિયમ કે ચંદ્રશેખરની પીઠ પર
નિકોટિનનો પેચ બને તેમનું પીઠબળ.
You Mom Tobacco, you are simply great mom!
મય પરસ્ત શાયરની જેમ
હાલા પ્યાલા મધુશાના ગાયા ન કોઈએ તારાં ગાન!

સુરાને જેમ મળ્યો સુરાસ્નેહી કવિ
તેમ ન મળ્યો તને કોઈ
કોઈએ ન ગાઈ તારી બિરદાવલી
મા
વાદે ચડ્યા છે
સામ્યવાદ
સમાજવાદ
ને
મૂડીવાદ
વાદેવાદે વાદાખોદ વાદ ને વિખવાદ
પણ મા
તું જ સાચી સામ્યવાદી
મા બધે તારાં બેસણાં
કુબે નેસડે ઝૂંપડે
ખેતર ખળે
મહેલ પેલેસ ફ્લેટમાં
તારા દરબારમાં ન કોઈ ઊંચ કે ન કોઈ નીચ.
બુર્ઝવા ને પ્રોલિતેરિયેત
બધે વરસે તારું હેત.
તારા વગર બીજું કોણ હાથ ઝાલત
એકલા અટૂલા થાકેલા હારેલા નબળાઅબળા ગરીબ ગુરબાનો?
તેં અમારા માટે કેટકેટલું કઈરું મા!
બીજું કોઈ કરી હકે?
કોઈ ન કરી હકે મા
ન આપણો સૂબેદાર
કે
જગત જમાદાર.
પણ મા તું આવશ
ત્યારે કાખમાં કેન્સરને કેમ તેડી લાવશ?
કે તું છો વિવશ?
પણ તેથી જતું વગોવાશ.
પણ તોય મા
મા તું દુઃખહરણી
સુખકરણી
મા તું સદા સહાયા
સદ્ય સહાયા
મા તું જ વિદ્રોહિણી
તું જ કરુણામયી
ને મા તું જ બલદાયિની
મા તુઝે સલામ
મા તુઝે સલામ

(‘એતદ્’, જાન્યુઆરી-માર્ચ, 2021)