અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/ઝૂમાં સુંદરી

Revision as of 14:35, 21 September 2021 by Atulraval (talk | contribs)
ઝૂમાં સુંદરી

નલિન રાવળ

ધીખેલ ગ્રીષ્મ આભ
ઝૂ
મહીં
ધમંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ
નેત્રમાં ઝલંત આગ
યાળ ઝાળ ઝાળ
સુંદરી
સકંપ બાષ્પ રુદ્ર નિષ્પલક નિહાળતી :
સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં
પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી
ધસે
ધસી કૂદે
સિંહણ છલંગમાં ધમંત લોહપિંજરે
પડે
ભફાંગ
ઝૂ
મહીં
ધીખેલ ગ્રીષ્મ આભ
હાંફતી
મદિલ સુંદરી સરે.
ધીરે ધીરે બહાર…



આસ્વાદ: કુદરતી આવેગ અને નૈતિક વિવેક વચ્ચેનો સંઘર્ષ – ઉદયન ઠક્કર

ગ્રીષ્મના ઉકળાટભર્યા વાતાવરણમાં એક સુંદરી ઝૂ (પ્રાણીબાગ)ની મુલાકાતે આવે છે. ધખી ઊઠેલા લોહપિંજરે એક સિંહ ઘૂમી રહ્યો છે, ‘પીળા પહાડશો’. (પર્વતશો પડછંદ, અગ્નિશો દુઃસહ.) ત્રાડતા સિંહ માટે આવી ઉપમા મેઘાણીએ ‘ચારણકન્યા’ કાવ્યમાં પ્રયોજી હતી :

ડુંગર જાણે ડાચાં ફાડે જોગી જાણે ગુફા ઉઘાડે!

સિંહનાં નેત્રમાં પ્રકટેલી આગ, ‘ઝાળ’નો પ્રાસ ઝાલી લઈ, ‘યાળ’માં ફેલાય છે. સિંહ પૌરુષનું પ્રતીક છે. સિંહે વશીકરણ કર્યું હોય તેમ સુંદરી ધ્રૂજતે અંગે અને વિસ્ફારિત નેત્રે તેને તાકી રહે છે. ‘સુબદ્ધ રક્તમાંંસથી ભરેલ દેહ’ — કવિનું ફોકસ સુંદરીની કાયા પર છે. આપણી કાયામાં એવું કશું નથી, જેનાથી આપણે શરમાવું પડે. સુંદરીની કાયામાં કાનન (વન, જંગલ) મહેકે છે.

ઉગાડવી પડે તે ખેતી અને ઊગી નીકળે તે વન. કવિનો સંકેત સુંદરીની નૈસર્ગિક ઇચ્છાઓ તરફ છે. વનવગડાને કરાલ (ભયંકર) ત્રાડથી ચીરી દઈને, એક સિંહણ કૂદે છે. સિંહણ કામુકતાનું પ્રતીક છે. સિંહનું સામીપ્ય ઇચ્છતી સિંહણ છલંગે તો છે પરંતુ લોહપિંજરની ઉપરવટ જઈ શકતી નથી. તે ભફાંગ દઈ હેઠે પડે છે. લોહપિંજર આપણા મનમાં ઘર કરી ગયેલી નૈતિકતા અને રૂઢિનું પ્રતીક છે. મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રૉઇડે સમજાવ્યું છે કે આપણા ચિત્તમાં કુદરતી આવેગ (‘id’) અને નૈતિક વિવેક (‘super ego’) વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે. અહીં સુંદરીની આદિમ ઇચ્છા પરાસ્ત થતી દેખાય છે. તે હાંફતી હાંફતી (તાપથી? ઉત્તેજનાથી?) ઝૂની બહાર સરી જાય છે.

કાવ્યો પ્રાચીનકાળથી નિશ્ચિત માપની પદ્યપંક્તિઓમાં રચાતાં આવ્યાં છે. આદિ શંકરાચાર્યે રચેલું ‘નર્મદાષ્ટક’ જોઈએ :

સુમચ્છ કચ્છ નક્ર ચક્ર ચક્રવાક શર્મદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવિ નર્મદે

નર્મદાષ્ટકની પંક્તિઓ ‘લગા’ના આઠ આવર્તનોથી રચાઈ છે. નલિન રાવળનું કાવ્ય પણ ‘લગા’નાં આવર્તનોથી રચાયું છે, પરંતુ કોઈ પંક્તિ લાંબી તો કોઈ ટૂંકી છે, જેને ગુલબંકી છંદ કહેવાય છે. કવિએ છંદ જ એવો પસંદ કર્યો છે કે પઠન કરતાં હાંફવાનો અનુભવ થાય. સુંદરીની ઉત્તેજના દર્શાવવા માટે કવિએ શબ્દગોઠવણી પણ વેરવિખેર કરી છે. શૃંગારરસનું આલેખન કરવાનું હોવાથી, ઝૂમાં આવેલી વ્યક્તિનો ઉલ્લેખ ‘સ્ત્રી’ તરીકે નહીં પરંતુ ‘સુંદરી’ તરીકે થયો છે. આ સુંદરી સ્વેચ્છાચારિણી નથી, નિયંત્રિતા છે, માટે કાવ્યનું શીર્ષક રખાયું છે, ‘ઝૂમાં સુંદરી’. (‘હસ્તધૂનન’)