પૂર્વોત્તર/નાગાલૅન્ડની બે લોકકથાઓ

Revision as of 12:42, 23 September 2021 by MeghaBhavsar (talk | contribs)


નાગાલૅન્ડની બે લોકકથાઓ

ભોળાભાઈ પટેલ

એક સુંદર કુંવારી કન્યા હતી. તેણે જોયું કે એકાએક આવેલું ઘોડાપુર એક પછી એક ગામને પોતાનામાં ગરક કરતું જાય છે. તે છેક તેના પોતાના ઘરને ગળી જવા આગળ વધ્યું. તે જોઈ તે એક માંચડે ચઢીને બેઠી અને પોતાના પગ નીચે લટક્તા રાખ્યા. જેવું પૂરનું પાણી તેના પગને અડ્યું કે તે ઓસરવા લાગ્યું અને તેનું ગામ બચી ગયું. મેઘકડાકા બંધ થઈ ગયા. આકાશ સ્વચ્છ બની ગયું. ચાંગ નાગાઓએ નિરાંતનો દમ લીધો. (આ પ્રસંગની યાદમાં ચાંગ નાગાઓમાં ‘નાકન્યુ લુમ ચાંગ’ નૃત્યોત્સવ ઊજવાય છે.)

એક પુરુષની પત્ની બે બાળકોને મૂકીને મરી ગઈ. તે પુરુષ બીજી એક વિધવા સ્ત્રીને પરણ્યો. આગલી પત્નીથી થયેલાં બંને બાળકોને જંગલમાં મૂકી આવ્યો.

પોતાનું ઘર કઈ દિશામાં છે, તે જોવા એક ભાઈ ઝાડ પર ચઢ્યો. ત્યાં એક માળામાં બે ઈંડાં જોયાં. ભૂખ લાગી હોવાથી એક ઈંડું ફોડી તે પી ગયો. એકદમ તે હૉર્નબીલ પંખી બની ગયો. નાનાભાઈ ડાપાએ હૉર્નબીલ ભાઈને પોતાનેય મદદ કરવા કહ્યું. તેણે બીજુ ઈંડું ફેંક્યું પણ તે જમીન પર પડ્યું અને ફૂટી ગયું.

કેટલાક દિવસ સુધી પોતાના પડછાયાની મદદથી નાનાભાઈ ડાપાને રસ્તો બતાવતા જઈ જંગલમાંથી બહાર કાઢ્યો. પણ ઘનઘોર વાદળ ચઢી આવતાં મોટાભાઈનો સંપર્ક છૂટી ગયો. રસ્તે તે જંગલી ફળ ખાતો હતો ત્યાં બે માણસો મળ્યા. તેમની પાસે પૈસાનો ઢગલો હતો. ડાપાએ તેમની પાસેથી યુક્તિપૂર્વક જાદુ જાણી લીધું અને પૈસામાંથી મોટો ભાગ લઈ તેની માસીને ગામ જતો રહ્યો. ત્યાં મુખીની કન્યાને પરણ્યો અને ખેતીવાડી કરી સુખી થયો. હવે તેને પોતાનો મોટોભાઈ યાદ આવ્યો. તેણે એક મોટી મિજબાની આપી. તેમાં બધાં પંખીઓને અને પશુઓને નોતર્યા. તેનો હૉર્નબીલ ભાઈ પણ આવ્યો. બંને ભાઈ દિવસો પછી મળ્યા. પંખીઓ, પશુઓ અને માનવનું મિલન થયું.

હૉર્નબીલે મહેમાનોને પોતાનાં પીંછાં આપ્યાં. ત્યારથી નાગાઓ હૉર્નબીલનાં પીછાંને પોતાની શોભામાં સૌથી અગત્યનું સ્થાન આપે છે. (આ પ્રસંગની યાદમાં ફકી નાગાઓમાં ‘મીમફૂટ’ ઊજવાય છે.)