ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભરત નાયક/વગડો
ભરત નાયક
દે’રાની ટોચે જગડો ઘડચો બેઠો છે, દે’રામાં ઘુંમટ વચ્ચે વાગરું ઊંધે માથે ઝોલાં ખાય છે. તગડા ઘડચાની આંખો ક્યાંક ખોવાયેલી છે. આ આંખોમાં સામેના ઝાડની ડાળે લટકતું સફેદ હાજપિંજર, એની પાછળ અનેક ઝાડવાંથી લચેલો લીલો વગડો અને એ વગડા પર ઝળૂંબેલા ભૂરા આકાશો રંગ ચૂપચાપ પડ્યો છે.
ઊંધે માથે ઝોલાં ખાતું વાગરું એક દે’રાની બહાર ધસી આવીસામેના હાડપિંજરને ભટકાઈ ઘડચાના માથા પર ચકરાવા મંડ્યું. ઘડચો ઊભો થઈ ગયો, પૂંછડી ઉછાળતો.
તળાવડી કિનારની કાંટાળી વાડમાં ઊભેલી આંબલી હમણાં તો શાંત છે. આખો દા’ડો વાંદરીઓના નાનાં ભૂલકાં એને આખી હચમચાવી મૂકે — એક, એક હાથે ઝોલાં ખાય, બીજું, બીજા ઉપર કૂદકો લગાવે. ત્રીજું ડાળીએ ડાળીએ ભૂસકા મારતું બધે બધે ફરી વળી કોઈક જોડે બાથોડિયાં ભરે. આ બધાં અચવિંચીઆઓથી વાજ આવી જાય ત્યારે આંબલી ઉપર ખૂણેના ખૂંધારે બેઠેલો બુઢ્ઢો ઘડચો અચૂક દાંતિયાં કાઢે-ખેંક… ખેંખેંક્ ખેંક… આ બુઢ્ઢા ઘડચાની આંખમાં અત્યારે ઊંઘને બદલે જાડો જાડો આંસુનો થર બાઝ્યો છે. એક બચ્ચું એની માની છાતીએ વળગી ધાવે છે — સાથે એનાં આંગળાં પડખે ઘસતું જાય છે.
અડધી રાત વીતી કે આ આંબલી ઉપર કોઈક વાંદરો એક વાંદરીને કાનમાં-ગળામાં, બગલમાં પોતાનું માથું ઘસે છે — નીચે કાંટાળાં ઝાંખરાંમાંથી નીકળી સાપ દરમાં હળવે હળવે ગરકી રહ્યો છે. તળાવડી તંદ્રામાં જ હવાના વજનથી પીડાતી હોય એમ ઝીણું ઝીણું કણસે છે… ઉપર ચીબાવલા તારલા વાદળું ઉઠાવીને આંખો એકબીજા સામું મર્મમાં મીંચકારી અને ઓઢોમોઢો કરી સૂઈ જાય છે. બુઢ્ઢા પડચાની નજર આ બન્ને વાંદરા-વાંદરીને લાચારીથી તાકી રહી છે — તળાવડી-કિનારે કૂતરો ગરદન તાણી રડવા મંડ્યો એ તરફ બુઢ્ઢો નજર ફેરવી લે છે. તળાવડીના ઉપલાણમાં બે-ચાર શિયાળવાં મરેલી ગાયનાં હાડકાં ચૂસીને ઢીલાંઢબ થઈ પડ્યાં છે. તમરાંઓ ઘોરે છે.
વાંદરા-વાંદરીથી દશ જ હાથ છેટે તગડો ઘડચો આવી ઊભો — એકદમ ટટ્ટાર. પૂંછડી એની તંગ બની ઊંચી થઈ ગઈ, દાંત બહાર ખેંચાઈ આવ્યા, આંખો સળગી ઊઠી… પોતાનો પંજો હવામાં વીંઝી ચૂપકીથી પેલા બે તરફ સરક,ો ધસી ‘ખાક’ બરાડી બંનેના માથા પર એણે દાંત અફાળ્યા, બે હાથે બે માથાં અફાળ્યાં-‘ફટાક્’…
‘ધુબાક્’… પાણીમાંથી કૂદ્યું. તળાવડી બેઠી થઈ ગઈ. પાણીને તળિયે જઈ સૂતેલો ચાંદો તરંગો ઠેકતો ભાગવા મંડ્યો. માછલીઓ પાણીમાં ઊંડે ભાગી. કિનારે માટીનાં પોલાણ તરફ કરચલાઓ વાંકા વાંકા નાઠા, દરમાં ભરાઈ ગયા.
વળતા દિવસના સૂરજે જોયું. તળાવડીના રાતાચોળ લોહિયાળ પાણીમાં એકબીજાને વળગેલાં, ફુગાઈને ઉપર તરી આવેલાં બે પ્રેમીઓ.
સવારથી જ કાગડાઓએ કકળાણ મચાવી. થોકબંધ નવા નવા આવ્યે ગયા અને આંબલીની ચોગરદમ ચકરાવો લેતા રહ્યા. રાતવાળો કૂતરો જોશમાં ધસી આવી કિનારા આગળ ઊભો ઊભો બહાદુરીથી ભસવા લાગ્યો. તળાવડીને સામે કિનારે સસલું ડરનું માર્યું ઝટ પોલાણમાં પાછું ભરાઈ બેઠું. પાણીની સપાટી પર આવી વચ્ચે વચ્ચે માછલીઓ વિસ્મયથી ડોકિયું કરતી અને તરત જ છળી મરીને વળી ઊંડે ગરકી જતી.
આથમતી બપોરનો સૂરજ પશ્ચિમ ગમી ભાગતો રહ્યો, પણ અકળામણભરી આંખો વળી વલીનીચેની તળાવડી તરફ જોઈ લેવાનું એ ચૂકતો નથી. હવા પર સવાર થઈ સમડીઓ વર્તુળાકારે આ વિસ્તાર પર ચક્કર માર્યે જાય છે—ભૂરા આવરણને ભેદી એમનો તીણો અવાજ નીચે વેરાતો જાય છે. ક્યારેક ક્યાંકથી વાદળું પણ ભણી ખેંચાઈઆવી સૂરજ પર આસ્તે આસ્તે ઢંકાતું જાય અને તેમ તેમ વગડાની લીલી ટોચ પર ઢોળાયેલા તડકાને અંધારું આવરતું જાય—ફરી સૂરજ પરથી વાદળું ખસતું જાય અને અંધારું પૂંઠળ તડકો ગબેડી મારતો વગડાની લીલી ટોચ પર ફેલાતો જાય.
પાણીમાં ડૂબેલા આકાશની ભીની ભીની ગમગીની વચ્ચે પાણીના લાલ કફનથી વીંટળાયેલું વાંદરા-વાંદરીનું મડદું તળાવડીમાં એક જ જગાએ—નાંગરેલી હોડી જેવું—ડબકડોયાં થયા કરે છે. કિનારે કિનારેથી પાણીમાં વિસ્તરેલી ઝાડવાંઓની કાળી છાયા, મડદાના રાતારંગમાં આબાદ ભળી ગયેલો કકરો લાલ રંગ તાક્યા કરે છે.
રાતના અંધારામાં તળાવડી કિનારે બે આંખો દેવતા જેવી તગતગી. તળાવડીમાં પાણીના ખખડવાનો અવાજ થયો. એક કો’લી પાણીને કાપતી આઘળ ધપી, મડદા પાસે આવતાં જ એના ભૂખાળવાજડબામાં મડદાની ચામડી દબાવી કિનારા તરફ પાછી વળી. કિનારે જઈ જેવી એ ઊભી કે બેચાર કો’લા એની પાસે ધસી આવ્યા. થોડી ઝપાઝપી, ચીસો અને ખળભળેલા વાતાવરણમાં ઊડેલી ધૂળો વચ્ચેથી દડબડ દડબડ ભાગીજતા કો’લાઓને કો’લી હાંફતી જીભે જોતી રહી—તાજી જ વિયાયેલી કો’લીના ઝનૂનથી પેલા બેચાર કો’લાને ભાગતાં ભારે પડી.
ઢસડતી, ઝાડના ભોંયથી અદ્ધર ઊંચકાઈ આવેલા જાડ્ડા એક મૂળિયા આગળ મડદાને લાવી કો’લીએ લાળી પાડી, મૂળિયા નીચેના દરમાં એકબીજા પર અળસિયાંની જેમ સળવળતાં-હાંફતાં બચ્ચાં માનો અવાજ સાંભળી ચીંચકારવા લાગ્યાં. થોડી જ વારમાં કો’લો ત્યાં દોડી આવી પોતાની કો’લીને મડદું ખોતરતી જોઈ કહ્યાગરું મોઢું બનાવી, મડદાને સૂંઘી લઈ એને અનુસરવા લાગ્યો. વાંદરા-વાંદરીને બન્ને સામસામે ફેડવા માટે તાણવા લાગ્યાં. ઠીક ઠીક હાંફ્યાં ત્યારે પેલાં બે પ્રેમી બાથમાંથી છૂટાં પડ્યાં—પેટમાંથી એમનાં આંતરડાંઓ બહાર કૂદી આવ્યાં.
ફૂંફાડા મારતો વાયરો વગડામાં દોડી ગયો. વગડો આખો ખળભળી ઊઠ્યો. આકાશમાં વાદળાંઓઆથમણી પા ભાગ્યાં…
છેક મોડી રાતે ચાંદો ખીલ્યો. વગડામાં નીતર્યાં પામી જેવી ચાંદની ફરી વળી—જંગલ ઝાડીઓનાં પાંદડાં-ઝાંખરામાંથી ચળાઈને ભૂખરી ભોંયે ફોરાં ટપકાવતી, આયેના તળાવને કૂણે કોઈ કૂંપરીમાં પુરાયેલી ભમરીના રુદને કાન માંડતી, બાવળિયે ઉદાસ બેઠેલા ઘુવડને ચંપાતે પગલે પાછળથી આવી આંખો દબાવી ખડખડાટ હસાવતી, કાંટેકાંટામાં પરોવાઈ વાડમાં સૂતેલા અંધકારને આલિંગતી, ખખડી ગયેલા પેલા દે’રાની છત-તરડથી પ્રવેશી શિવલિંગ પર ઝૂલતા કરોળિયાની જાળે રૂપેરી સરગમ રેલાવતી, એ દે’રાની સામેના ઝાડની ડાળે લટકતા હાડપિંજરની પાંસળીઓમાં ગળાઈને નીચેની ભોંયે જાળ બિછાવતી બધેબધ ફરી વળી.
આજનો વહેલી સવારનો લાલચટ્ટ રંગ — કોઈ ગોરીની પાનીએ કાંટો લાગતાં ફૂટતી લોહીની દૂંદેડી જેવો — પેલી ગમના બાવળિયા-ઝુંડની પાછળ ભૂરા આભમાં ઢબુરાયેલી સફેદ વાદળીઓમાં ઠલવાઈ રહ્યો. હવાને વીંઝતા વાગર આમતેમ ભાગી ગયા. કાગડાઓનાં પ્રભાતિયાં આરંભાયાં વડલા પર. ફરતી ચાંદનીનો રાખોડી રંગ પાંખોથી ખંખેરતાં બગલાઓનાં ચોરાંબલા ઉપર વિચિત્ર કલરવ ઊગ્યા. રાતી કરેણ પર ચકલાંઓનો અડ્ડો સળવળ્યો. પેલી તરફના એકલા ઊભેલા બેત્રણ તાડોમાંના એક તાડ પર બે ગીધડાં અઘોરી જેવાં હજી આંખો દબાવી ઝોકાં ખાતાં હતાં.
જોતજોતામાં તો લાલચટ્ટ રંગ વાદળીઓમાંથી નીતર્યો. બાવળ પર ઝિલાયો — એકએક કાંટા પરથી એ રંગનાં બુંદો નીચે ટપક્યાં… થોડી પળો પછી એ રંગનું પૂરજાય રેલ્યું — લાલમલાલ બધે. બોળિયા બાવળો પર ઠેર ઠેર ઊંધા લટકતા નમૂનેદાર સુગરાના માળાઓ રંગાઈ ગયા, ત્યારે કુતૂહલથી સુગરીનાં બે બચ્ચાંઓને આ ઊંધી દુનિયા દેખી ડોકિયાં પાછાં ખેંચી લેતાં જોઈ પીળા પાીળા દાંત દેખાડતો સૂરજ હસી હસી બેવડ વળી ગયો.
રાફડા ગમી કીડીઓની લાંબી કતાર હળવે હળવે સરકતી જતી હતી. કેટલીક કીડીઓનું જૂથ પેલાં પ્રેમીઓનાં આંતરડાંના ઝીણા એક કટકાને ખેંચ્યે જતું હતું. આ જૂથની પાછળ ખાસ્સું લાંબું સરઘસ. આગળ પણ દોડધામ, સામસામેની કીડીઓ ઝપાટાબંધ દોડતી આવી. એકમેકને અથડાય, મોઢે મોઢું સૂંઘે, કશુંક ગુસપુસ જેવું કરે ને જોસભેર પોતપોતાને રસ્તે પસાર થઈ જાય.
તાડ પરથી અઘોરીઓમાંનો એક ગીધડો આ તરફ ઊડી આવી લાંબું આંતરડું ઊંચકી ભાગ્યો. બીજો બદમાનસ એની પાછળ પાછળ ભાગ પડાવવા દોડ્યો.
નજદીકની ઝાડીમાં હવા ફફડી ઊઠી. ટચૂકડો કાળોકોશી સમડીની પાછળ પડી ખુન્નસથી ચાંચો મારી એનાં પીંછાં ખેરવતો હતો — દે માર દે માર,ભાગ્યે જ જાય બન્ને. કાળોકોશી ભારે ગઠિયો, પીછો છોડે જ નહિ ને!
ગુંદી પર કાચીંડાએ અધ્ધર ઊંચકેલી ડોકની પાસેથી જ ખરી જતા પીંછાને જોઈ વધુ ઊંચકી, બોચી દુઃખી આવતાં ડોક નીચી નમાવી દીધી—ગળામાંની લબડતી એની લાલ ચામડી હાલીને સંકોચાઈ ગઈ. ને સામે બેઠેલા જંતુને જોતાં કરમાયેલી આંખમાં ચમક લાવી એના પર તરાપ મારી.
આ દરમ્યાન એ ગુંદીની બાજુમાં આવેલા કોઠાના ઝાડ પરની ખલેડીએ એક ડાળથી બીજીએ કૂદકો માર્યો. કોઠા ઉપર ઊભી રહી. એના ઝીણકા પગ નીચે એ હાલતું કોઠું એવડું-મસમોટું પૃથ્વીના ગોળા જેવડું-ગોળ લાગ્યું તે બી’ને ત્યાંથી લપસી. ‘ભોદ’ દઈને એ ભોંયે ભટકાઈ. ધૂળ ખંખેરી બીજી જ ઘડીએ દૂર દોડી જઈ જાણે કાંઈ જ નવું નથી બન્યું એવું ભોંઠપ છુપાવતું ઠાવકું મોં રાખી ‘પીકૂ-પીચૂ પીકૂ… પીકૂ…’ કરી કરી પૂંછડીને પટ-પટ ઊંચી કરવા મંડી. પછી હળવું હળવું થોડી ચાલી, બે પગો પર ઉભડક બેસીને આગલા બે પગો ઝીણા જડબામાં નાખી કશુંક ચાલવા લાગી.
આજ મળસકેથી જ આંબલી યે જાગી ગઈ હતી. ઉપર વસતા વાંદરાઓ ચપોચપ ઊતરવા લાગ્યા. આંબલીના થડની છાલની ઊપસી આવેલી પોપડીઓ વચ્ચે આડાતેડા પડેલા ચીરામાંથી લાકડાની વહેર જેવું ઊડતું રહ્યું…
ઓલી ગામના ઉપલાણ ભણી ચાલ્યે જતા વાંદરાઓને, પત્તીઓ પરનું આભલું—કરોળિયાના ઘટ્ટ જાળા જેવું—ધીમે ધીમે ધબકતું રહ્યું…
ઉપલાણમાં વાંદરા-વાંદરીઓ ચાલ્યાં જાય છે. માની છાતીએ ચોંટી ધાવતું કોઈ બચ્ચું ક્યારેક બી’તાં આંખો ખોલે ત્યારે માના સૂનમૂન ભારેખમ મોંને ને સાથે સાથે ઉપરનાં ઝાડવાંઓની પાછળ ને પાછળ સરક્યે જતી લચેલી ઘટાને જોઈ લે છે. અને ફરી આંખો મીંચી દેતું એની માના ચાલવાથી હિલોળાલું આંખમાં મીઠી લ્હેરકી ભરીને ચૂપચાપ સૂઈ જાય છે. બેચાર ભૂલકાં તો ઠેકડા મારતાં મારતાં સૌની આગળ નીકળી જઈ કાઢાકાઢીની રમતે ચડ્યાં છે. એમાંનું એક તો દાદા જેવું વચ્ચે આવતા કોઈક ઝાડોની ડાળી ડાળીએ કૂદાકૂદ કરી ખલેડીઓને અટકચાળુંયે કરી આવે છે.
વાંદરાઓની આ વણજાર હવે થંભે છે. ખાડા-ઢેફાં અને પછી સૂતેલાં સરિયામ ખુલ્લાં મેદાનો, ખાસ્સું મોટું આંબાનું ઝાડ, પડખે પાણીનો ઝરો ને પ્હણે હિલોળા લેતા ધામિયાની ક્ષિતિજોની પાર ફેલાયેલી ઊછળીને અધ્ધર થીજી ગયેલા દરિયાનાં મોજાંઓ જેવીડુંગરોની હારમાળા—બસ આ જ આંબા પર મુકામ જમાવવાનું બધાં નક્કી કરે છે.
સઘળાં ચાલી ગયાં છે પણ આ તરફ આંબલી પર હજીય બુઢ્ઢો ઘડચો પોતાની જગ્યાએ હાંગણહૂંગણ કરે છે. ‘તમ તમારે જાવ, હું આવું છું’ એવી કોઈ સરદારી અદામાં સૌને રવાના કરતાં કરતાં જ એક નરદમ ભીની નજર બુઢ્ઢાએ એની સામે બેઠેલા તગડા ઘડચા પર ઠાલવેલી ત્યારે એ ઘડચાને પોકે પોકે બુઢ્ઢાની કાંધ પર માથું નાખી રોઈ નાખવાનું મન થયેલું. પણ કોઈક ગુમાન આડું આવ્યું તે ફરીથી એની આંખો સળગી ઊઠેલી. જેમાં બધાં આંસુ ભસ્મીભૂત. એને આવી રીતે સૂનો પાડી દઈ બીજાં બધાંની જેમ ટોળી બહાર કાઢી મૂકીને ચાલી જવા એ બુઢ્ઢાનો જીવ શું ચાલતો નહોતો તે આંબલી ઉફર હજીય પોતાની જગાએ કંઈક હાંગણહૂંગણ કર્યા કરે છે?
આખરે બુઢ્ઢો આંબલીથી હેઠો ઊતર્યો. તળાવડી તરફ તાકી લીધું. આંબલી-થડે જરા પૂંછડું ધસી લીધું. પછી એ ચાલ્યો. પાછળ ફરી જોવું નહોતું તોપણ એનાથી જોવાઈ ગયું. એની આંખોમાં પુરાયેલો પેલો આંસુ પથ્થર પાછો પીગળ્યો કે શું — તે તરડાઈને આંખોથી નિચોવાયેલાં એનાં આંસુ ધૂળમાં દટાઈ ગયાં. એ ચાલતો હતો કે કેમ એનુંય એને ભાન નહોતું — આંબલીની બે બટકી, પાચળી ડાળી સાથે ઝૂલતી એના મોંમાંથી ક્યારે નીકળી પડેલી અને એનું મોં વંકાઈને ક્યારે ખુલ્લું જ રહી ગયેલું એનું સિક્કે એને ભાન નહોતું.
પોતાની ટોળકીના આંબાવાળા નવા રહેઠાણ આગળ આવી ચૂપચાપ બધાંથી અળગો એક ખૂંપારામાં જઈ બુઢ્ઢો બેસી ગયો. ડાળીનેઅંઢેલી આડો પડી ઉપરના ઝૂલતા પત્તા વચ્ચે સફેદ રેશમી જાળમાં ફસાઈ ગયેલા આકાશને તાકી રહ્યો.
સૂરજ ઢળ્યો. અંધારું ઓઢી વગડો સૂવાની મથામણ કરે છે, તમરાં-કંસારીઓની એકસામટી સતત ચીસો — વચ્ચે વચ્ચે શિયાળવાંની લાળી. પવનના સુસવાટામાં ક્યારેક તણાઈ આવતો દે’રામાં બેવડ વળી ગયેલી ભીંત પરની પલવડીનો પીટપીટપીટ પીટપીટ તીણો પડઘો… અંધારી રાતની વેળાએ નોંધારી સીમથી એક હાથમાં ડાંગ ને બીજા હાથે ફાનસ ડોલાવતો કોઈ માણસ ચાલ્યો જતો હોય અને ડોલતા ફાનસના અજવાળાથી પડખેની વાડ પર કાટખૂણે તરડાયેલ એના પડછાયાના કદાવર પગો ધડીમ્ધડામ્ જેવું બજાવતા ચપોચપ ચાલતા હોય ત્યારે ત્યાંથી દોટ મૂકી ફફડતા શ્વાસોને પાંખ બનાવી ઊડી જવાનું મન એ માણસને થાય એવું મન આ વગડાને આજે થતું હતું. અંધારું વગડો માથે વધુ જોરથી તાણી ઓઢી લેતો, પોતાના શ્વાસોમાં તરફડના છાતીના ધબકારાને જોતો પડી રહ્યો…
મોડી રાતે પવનથી ભરતી શરૂ થઈ. આખો વગડો વિશાળસાગરપટ બની ગયો. આઘેથી ગગડતાં વાદળો જેવો ઘેરો પવન આ તરફની આંબલી લગણ આવતાં પ્રચંડ ઊછળતાં મોજાંઓ જેવો સુસવાટો કરી ઊછળી ઊઠે — આખો વગડો હચમચી ઊઠે. એક પછી એક હવાનાં મોજાંઓ ઝાડવાંની સપાટી પર ફંગોળાતાં ગયાં — તમરાં કંસારીના અવાજો દૂર તણાઈ ગયા, માળામાં પંખીઓ વધુ જડડાઈ રહ્યાં.
પછી તો કંઈ કેટલાયે ગોળાઓ આકાશમાં ગબડ્યા. ધો-ધો-ધો ધોધમાર તૂટી પડ્યો વરસાદ અને થોડીવારમાં તો ધૂળની જમડીઓ મૂકીને દૂર નીકળી ચૂકેલા ઘોડેસવારો જેવાં વાદળાંઓમાં લપાઈને વરસાદ ક્યાંય ગાયબ!
વરસાદનાં ટીપાં વગડાના ભીના વાનેથી નીતરવા લાગ્યાં. ડો’ળા પાણીના રેલાઓ જમીન પર વાંકાચૂકા દોડવા લાગ્યા. આ શું અચાનક બની ગયું એવી પ્રશ્નભરી પંખીની આંખો માળા બહાર ડોકાવા લાગી. તમરાંઓ હબકાઈ ગયેલાં એટલે બમણોશોર મચાવી પોતાના ડરને દબાવવા મથી રહ્યાં.
વૃક્ષો વૃક્ષો વચ્ચે થીજી ગયેલા અંધારા ઉપર આગિયાઓની ચળકતી ઝબૂક ઝબૂક લિપિઓ ચિતરાયેલી, આંબલી ઉપર બેઠેલા ઘડચાએ વાંચી હોવી જોઈએ, એ હળવો થયે જતો હતો. આંબલીમાં ડાળી ડાળીએ ઝમી ચૂકેલા સૂનકાર તરફ એનું ધ્યાન પણ હવે રહ્યું નથી.
રાતની પાછલી પો’રે તો ઝીણું ઝીણું રેશમી ચાંદરણું વરસ્યું. તળાવડી કિનારેના એક ખાબોટિયામાં સસલાએ મોઢું ડોકાવ્યું. અંદરનું રૂપેરી કિરણોનું ઘાસ ચળકતું જોઈને સસલાએ બે-ત્રણ વાર પોતાનું માથું હલાવ્યું. એટલું તો ખુશ થઈ ઊઠ્યું — સીધી બે ચાર ગુલાંટ લગાવી દીધી. આમતેમ ખાબોચિયામાં પોતાની રૂપેરી મૂછો જોઈ ખડખડ હસવા લાગ્યું. આંબલી તરફ ભાગ્યું. એકદમ થંભી ગયું. આંખો ઝીણી કરી એણે સામે જોયું. નાની એક દેડકી લીલપણના ગળામાં અટકી ગઈ હતી. એના નાની આંખોમાં — ગળાની પાતળી ચામડી ફૂલીને તંગ થઈ ગઈ હતી — ફાટેલા ડોળા, રુંધાયેલો શ્વાસ, ગૂંગળાતી પૂંછડીનો અમળાટ જોઈને સસલું ફરી ખડખડ હસી પડ્યું. ભાગ્યું.
આંબલીથી ઊતરી તગડો ઘડચો ભટકતો ભટકતો ક્યાંનો ક્યાં નીકળી પડ્યો. એની આંખોમાં હજીયે વૃક્ષો વચ્ચે થીજી ગયેલા અંધારા ઉપર આગિયાઓની ચળકતી ઝબૂક ઝબૂક લિપિ ચિતરાયેલ, તર્યા કરતી હતી.
બાજુની વાડમાં સુક્કાં પાંદડાંનો ભૂંજાયેલા પાપડ જેવો અવાજ ઘડચાને કાને પડ્યો. એ તરફ જોયું. સૂતરની આંટી જેવું બનાવી નાગ-નાગણ એકબીજાને વીંટળાઈ કેલિ કરતાં હતાં. નજર ત્યાંથી ખેંચી ઘડચો સામેની ભીંડી પર સડસડાટ ચઢી ગયો. આડી એક ડાશ પર પૂંછડી ઝુલાવતો બેઠો — એની સામેની માખી પર સવાર થયેલો માખો પસાર થઈ ગયો. ભીંડીની કાબરોએ એના બેસવાની સાથે જ કલબલાટ મચાવી દીધો. એની આંખોમાં ખીજ તરી આવી. કરડાકીથી એણે બધાં તરફ જોયું — સામેથી ઊડી જતી કાબર તરફ તો પોતાના મોં સામે હવામાં પંજો વીંઝી દાંતિયાં યે કર્યાં.
કંટાળીને ભીંડીથી ઊતરી એ આગળ ચાલ્યો. તિરાડવાળી ભોંય પાસે લઠ્ઠ-કાળા મંકોડા સાપની કાંચળી ખેંચતા હતા. ઘડચાના પગરવથી એ બધા હાંફળાફાંફળા આમતેમ દોડ્યા. કાંચળીને મસળી-પેંકી એ આગળ ચાલ્યો. થોડું ચાલતાં પાછળથી એની તરફ ધસી આવતા એકસામટા કાગડાઓના હાકોટા સાંભળ્યા, એણે પાછું વળી જોયું —
કાગડાઓનું ટોળું ભાગે જતા કાગડા પર વારેવારે ઝનૂનથી તૂટી પડતું હતું. કાગડાઓએ ચાંચો મારીમારી એનું માથું પીંખી નાખ્યું હતું. ફાટી ચાંચે ચીસ નાખતો એ કાગડો આમતેમ વલખાં મારતો ઊડતો હતો. જીવ લઈ ભાગતો એ કાંટાની એક ફાંસમાં ફસાઈ ગયો. પાંખો એણે વીંઝી, જોરથી કાંટા પાંખમાંથી આરપાર ફૂટી નીકળ્યા, લોહીથી ખરડાયેલા, તરડાયેલી છેલ્લી એક ચીસ ફેંકી ફાંસમાં, ને એ ઊંધે માથે લથડી પડ્યો.
ઘડચાએ મોં ફેરવી લીધું.
આકાશ આખું ઊખડી ગયું. પોશે પોશે પીળો તડકો ઝાડવાં ઉપર ઢોળાયો. આભને તાકતો તડકો ઘાસિયામાં લેટી રહ્યો. ઘાસ ઉપર પતંગિયાંઓ સરકતાં રહ્યાં. એકાદું પતંગિયું હળવેથી તૃણ પર બેસે તો એના ભારથી લચી પડવાનું તૃણને મન થઈ જાય. પતંગિયાની પાંખો ઘાસને ભટકાતાં એની સોનેરી રજકણો ઊડી તડકામાં ભાગી જાય. એમની પાંખોનાં હલેસાં હવામાં જલતરંગોનો કલશોર જન્માવે, ફેલાવે.
તૃણશય્યા ઠેકતાં, ઉપલાણમાં આવેલા સરોવરમાં દોડીને તડકાએ ભૂસકો માર્યો — સરવરિયું આખું હિલોળા લેતું રહ્યું, જલતરંગોના હડદોલે કૂંપરીનાં પાન હીંચતાં રહ્યાં. સરોવરને આ કિનારે શીમળાનું સુક્કું એક ઝાડ. એની ડાળીઓમાંથી ચૂપકીદી ચૂતી રહે, હંમેશ. ક્યારેક હવાના જોસથી પાતળું ડીંગલું તૂટીને પાણીમાં પડે ત્યારે ક્ષણભર મૌનનો ભંગ થાય. કિનારે કિનારે ફેલાયેલા બાસુ-બરૂ-ખાખરા, વચ્ચે વચ્ચે ઊગી નીકળેલો રોયડો. ધાબળો — એક પતંગિયું ધાબળાની ધારથી વીંછાઈને અડધું ચિરાઈ ખીલકાઈ રહેલું. પવનમાં એની પાંખો ફફડ્યા કરે — ખાખરાની નીચે પાણીમાં ઝૂલતા ઘાસડોડાનાં ઝુંડ — એક વાર વાંદરીના ઘાથી લોહીને બંધ કરવા વાંદરાએ આમાંના ઘાસડોડાનો જ ઉપયોગ કરેલો — આ સઘળાં શીમળા પર અડધી આંખ મીંચી ગળાને ઘૂંટી ઘૂંટી ગાતા હોલાને સાંભળતાં બેઠાં હતાં.
આ વાતાવરણનો ભંગ થયો. બેચાર વાંદરીઓના આ’ફા આવી પૂયગા. એમાંનું એક ચંદરીક, સરોવરથી અલગપડી ગયેલા ખાબોચિયામાં પડેલા, સડેલા ખજૂરીના પૂંભા પર નાચવા મંડ્યું. બીજા એક શીમળા પર ચઢી એક જાડું ડીંગલું તોડી અદાથી સામેના લટકતા પડદાને એવું તો જોરથી ટોચી પાડ્યું કે આખો પડદો ફસડાઈ ગયો — ‘ફફ’ કરતો. એનો રેશમી કફ વેરાયો. સોનેરી તડકા પર કફની સફેદ મલમલી ઢગલીઓનો તરવા લાગી. આ ભાઈને ખરેખરી ગમ્મત પડી ગઈ. એની આબાદ ચાંચ ચાલે. બીજા પડદા એવી રીતે જ ફોડ્યા. હવે જુઓ મઝા, ઉપરનીચે અહીં-તહીં હવાના જોરથી કફની ઢગલીઓ પીંજાઈ પીંજાઈને ઊડવા લાગી.
પેલી ગમનાં માછલાં પકડવામાં રત રહેલાં બગલાંઓને પણ બચપણ સાંભર્યું હશે, આ બાજુ ઊડી આવી પીંજાયલી કફની ઢગલીઓ ચાંચમાં ભેરવી લેવાની રમતે ચઢી ગયાં.
બુઢ્ઢા ઘડચા માટે તો આજનો દી અકળાવનારો ઊગ્યો. ચેન ના પડતાં એ આંબાથી હેઠે ઊતર્યો — વાંદરાએ ઓંડરમાં લઈ માથામાંથી જૂ વીણવામાં મગ્ન રહેલી વાંદરીએ બુઢ્ઢા તરફ નજર ફેરવી, વળી વાંદરાના માથાને પીંખી-ખોરવી હાથમાં આવેલી જૂને સીધી મોંમાં ઓરી દીધી, ભેગા ભેગા પોતાનું પડખુંયે નખ વડે ખણી લીધું.
બુઢ્ઢો ચાલ્યો આગળ ને આગળ. આમતેમ નજર નાખી લેતો. ત્યારે ઝાડવાંનાં ભીનાં ચળકતાં થડિયાંઓ ને રડ્યાખડ્યા ખાખરડા જેવાં ચરતાં પક્ષીઓ એની આંખોમાં ઝડપાઈ જતાં.
એ ચાલતો રહ્યો — રસ્તા પરનું ગંદું પાણી ક્યારેક ખખડતું. એના પંજા પાછળ દબાયેલી લીલી ચાર ધીમે ધીમે ઊંચકાતી જોઈ લેતાં, ઉનાળામાં આ જ ચારમાંતી કરકરા અવાજ સાથે ધૂળ કેવી રીતે ઊડતી તેની યાદ એને આવી ગઈ.
એ ચાલતો જ રહ્યો — ગૂંચળા વળી વળી ચીકણી માટીમાં સળવળતાં અળસિયાં એણે જોયાં.
ચાલ એકદમ એણે વધારી દીધી — એને ત્યારે જ એની પડખેથી સરી જતા બાવળ પર પશેદ ચીકણા માર્ગે ટગુટગુ સરક્યે જતી ગોકળગાય થંભીને, એની ઊંચી ડોકે શીંગડાં હલાતી તાકી રહી.
દૂરથી જ બુઢ્ઢાએ તળાવડી, વાડ, આંગળીની ટોચ અને ઉપરનું આકાશ આંખમાં ઝડપી લીધું. બુઢ્ઢો એકીશ્વાસે આંબલી પર ચઢી ગયો, ફરી ફરીને ખાલીખમ આંબલીમાં નજર ફેરવી. પોતાના અસલ જગાએ આડો પડી હાંફવા લાગ્યો.
અંધારું ઊતરતું હતું ત્યારે જગડો ઘડચો કોઠાના ઝાડ પર ડાળખીને અઢેલીને બેઠો હતો. હવામાં તરતી સમડીઓ નીચે — ઠેઠ ઉપર આઘે આઘેથી વાદળોની વણજાર આવ્યે જતી હતી…
વાદળાંઓ, મોટા મોટા ચાંદા-સૂરજના ગોળાઓ બધાં લાંબા ચપટાં તીણાં થઈ તૂટી તૂટીને વેરાઈ જતાં… ઓ આવે મોંફાળો મગર… લાંબા લબડતા હોઠાળો ઊંટઢેંકાળો… જાડી પૂંછડી, ટૂંકા ટૂંકા પગાળો, પૂંઠે જ સૂંઢ ઉલાળી ચાડ નાખતો હાથે કૂદકો લગાવતો… પંજો ફેલાવેલા અલક તલ્લક હાથે કોઈ ઘડચો દબડક દબડક અલોપ… રહી રહી દૂરથી અટૂલું પડેલું વાદળું ગબડતું ગબડતું આવે ને બે આકારો એકબીજાને વીંટાયેલા એમાંથી કંડારાતા ગયા…
ઘડચો ડાળીમાં વધુ સંકોડાઈ ગયો. વાદળાંના આકારોને ભૂંસી નાખવાની મથામણ કરતું એનું મન આખરે બેભાન બની ગયું. વચ્ચે ક્યારેક આંખો ખૂલી જતાં ઊંચે તારલાની લૂમે લૂમે આપસમાં ગુસપુસ કરતી દેખાતી.
તાડોમાં ગૂંચળું વળી પડેલા અંધારા વચ્ચે બે આંખો સળગી. ચળકતા-વાળા મો’વો સર્પાકારે પૂંછડી ભોંયે ફેરવી-પટકી હવામાં ઉછાળી ઊભો થયો. કો’લીવાળા ઝાડ પાસે આવ્યો. કોલો-કોલી ચરવા ગયાં હશે. પેલા બે પ્રેમીઓની પાંસળીઓ ત્યાં અડધી જમીનમાં ખૂંપી ગઈ હતી. જમીન ઉપરનો એનો અડધો ભાગ પાણીથી ધાવાયેલો ભીનો-ચમકતો હતો. પાંસળીઓને સૂંઘી મો’વો આગળ બે પગોથી જમીન ખોદવા લાગ્યો. થોડું મંટોળું હઠાવી એક પાંસળી ને દાંતમાં ભેરવી એ તાણવા ગયો તેવી જ બીજી પાંસળીમાં વાંકું હાડકું ભરાઈ રહેલું હોવાથી બન્ને પાંસળીઓ એકીસાથે ઊંચકાઈ. જમીન ઊખડી. પાંસળીઓ ધસડાવા લાગી — તેમ તેમ પાંસળીઓના પોલાણમાં ઠાંસોઠાંસ જમી ગયેલી માટી વેરાતી જતી હતી. જરા જોશમાં આવી જઈ મો’વો ધૂણ્યો. પાંસળીઓને ખેંચતો ખેંચતો દે’રાની સામેના ઝાડ હેઠળ એ આવી ઊભો. મોંથી પાંસળી જેવી છૂટે કે એની નજર ઉપરની ડાળીએ તારાના ધીમા અજવાળામાં ચમકતા હાડપિંજરની ખોપરીના જડબામાં લાંબાલાંબા દાંતો પર પડી. હડપ કરતુંકને એવું તો એ નાઠું એવું તો એ નાઠું મજાલ છે કે પીઠ ફેરવીને પાછળ બી જુએ.
લાલઘૂમ બે ડોળા દડબડ દડબડ કરતા સામેથી ધસી આવી, બાજુના તાડો તરફ ફંટાઈ ગયેલા જોઈ કોઠાં પર ઘડચો ચમક્યો. બાજુની ગુંદી પર સૂતેલો કાચીંડો સિક્કે ચમક્યો. પણ મો’વાને જોઈ રાતભરનાં એનાં કારસ્તાનોથી જાણે વાકેફ જ હોય એવી ફિલસૂફ આંખો ઘરડી ડોક સંકોરી પાછી મીંચી ગયો.
આવીને જ્યારે ભોંય ફેંદાયેલી જોઈ ત્યારે કોલા-કો’લીએ પોક મૂકી. આ સાંભળી કોઠ ઉપર બેઠાં બેઠાં ઘડચાએ દાંત કચકચાવી પાસેની ડાળી ખાસ્સી મચડી નાખી.
સવારની રાહ જોયા વિના જ ઘડચો કોઠાનું ઝાડ છોડી નીકળી પડ્યો લથડતી ચાલે.
ચાલતો ચાલતો ને ધંતૂરાના એક છોડ પાસે આવી પહોંચ્યો. ધંતૂરાના ડીંડવાને જોતો ઘડીભર ઊભો રહ્યો. પછી બેચાર ડીંડવા તોડી ચાવી ગયો — દૂરની ક્ષિતિજે ઉપર ઊઠતો સૂરજ એ જોતાં જ કંપી ઊઠ્યો.
ઘડચો આગળ ચાલ્યો. ઝડપભેર દોડ્યો. આંખો સામે રાતા-પીળા અંધારાના ખડકો નાચવા લાગ્યા. ફરતી ગોળગોળ ધરતી એની સામે ધસતી રહી. એના શ્વાસો દોડ્યા. ગુલાંટ ખાઈ એ પડ્યો. ઊભો થઈ ફરી એ દોડ્યો — ધંતૂરાનાં ડીંડવાનું લીલું ઝેર એની નસનસમાં લોહીને ઉકાળતું છાતી તરફ ધસી રહ્યું હતું. ફીણ ફીણ બનીને મોંમાંથી બહાર કૂદી પડતું હતું.
અંતે દે’રાન પાસે એ આવી પહોંચ્યો. ઘડીભર ઊભા રહેતાં તો આંખો સામે આખો વગડો પાણીના વમળની જેમ ચક્કર ચક્કર ફરવા લાગ્યો. આંખો જોરથી મીંચી, ગોળ ગોળ ઘૂમી સામેના ઝાડ તરફ એણે દોટ મૂકી ઝાડના થડ સાથે માથું પટક્યું. મૂંડી એની વાંકી વળી ગઈ મોંમાંથી ફીણ જીભ સાથે લબડી પડ્યું. ફાટી આંખે ચીસ નાખતો પાછલા પગે એ જોરથી દોડ્યો. વચ્ચે પડેલી પાંસળીમાં પગ ભેરવાયો ત્યાં જ લથડ્યો. ફરી સામે દોડી ઝાડમાં માથું અફાળ્યું — ખોપડી ફાટી, લોહી ઊડ્યું, ઝાડની સુક્કી છાલોના ચીરામાં છૂંદાયેલા માંસની કણીઓ ચોંટી ગઈ.
હવે ધડ પર ઢળી ગયેલું એનું મોં વંકાઈ ગયેલું હતું. જમીન પર બે-ચાર ઉછાળા મારી એનું અલમસ્ત શરીર તરફડતું છાનું થઈ ગયું હતું. છાલોમાં ચોંટી રહેલા માંસ-લોચા પરથી સરકેલું લોહી નીચેની માટીમાં ઝમી કાળું પડી ગયું હતું.
એક ડાળે ઝૂલતું હાડપિંજર, ગીધડાએ કોતરી કાઢેલા પેટમાંથી બહાર ઊંચકાઈ આવી ધૂળમાં રજોટાયેલાં આંતરડાંના ઢગલા…
હવામાં બફાયેલી કડવી વાસથી બુઢ્ઢો અકળાયો. બધું સમજી ચૂક્યા પછીની ગંભીર મુખમુદ્રા રાખી દે’રા ફરતેની નાની ઓટલી પર થોડી સખ્તીથી એ બેઠો. હાથોની મુઠ્ઠી ભીંસતો ચોગરદમ જોવા લાગ્યો — પેલું પૂજારીના ટાલિયા માથા જેવું મસમોટી ખોપડીવાળું હાજપિંજર…
પવનનું જોરથી એક ઝપાટું ઉગમણી કોરથી આવ્યું. ઝાડવાં હચમચી ગયાં. પહેલાં તો દે’રામાં ભીંત પરથી થોડી રેતી ખરી — ફરીને પવનનો જોશભર્યો ઝપાટો અને દે’રાની પાછળનું ખવાઈ ગયેલા થડવાળું ઝાડ કકડ્યું — ઓટલીથી ભાગીને બૂઢ્ઢો દૂર ઊભો — દે’રા પર તૂટી પડ્યું. ઝાડ આખાને ફોલી ફોલી ખાઈ બેઠેલો કીડો થડમાંથી ઊછળીને બુઢ્ઢાના પગ પાસે પડ્યો તેવો જ ગૂંચળું વળી ગયો — દે’રાની દીવાલો હાલી, ઉપરનું શિખર આખું નીચેના લિંગ ઉપર ખલવાઈ પડ્યું.
દીવાલ ઉપર ફર્યા કરતી પલવડીની ગરદન ઈંટના એક રોડા નીચે ચગદાઈ ગયેલી હતી — એની ફાટેલી આંખો મૂંગી મૂંગી સામેના હાડપિંજરને જાણે તાકી રહી હતી, તૂટી ગયેલી એની પૂંછડી ઊછળી ઊછળી શિવલિંગને અથડાઈ લાલ ટપકું લગાવી, તરફડીને શાંત થઈ ગઈ હતી.
હવે દે’રાના ભંગારની વચ્ચે બુઢ્ઢો ઊભો રહે છે. બુઢ્ઢાની આંખોનો પેલો જાડો જાડો આંસુનો થર હમણાં જ ક્યાં તો આ દે’રાની જેમ કડડભૂસ કરતોક ખંખેરાઈ પડશે. પછી છુંદાયેલી પલવડી જેવી આંખો એની થઈ જશે… બસ એ જોતો જ રહ્યો બે પ્રેમીઓની અહીં પડેલી આ પાંસળીઓ, કોતરાયેલા પેટવાળો ઘડચો, મસમોટી ખોપડીવાળું હાડપિંજર.
વાયરો આજે બેફામ રવાડે ચડ્યો હતો. થોડી વાર પહેલાંનો દમ ભીડવા ચૂપબેઠેલો એ ફરી ચગ્યો. સટાક સટાક જાંઘ પર હાથપછાડતા અને મોઢેથી હસ… હસ… બોલી ચારે બાજુ બાબરાં ફેંકીને માથું ધુણાવ્યે જતા ભૂવા જેવો. વાયરો, ડોલતા હાડપિંજરની પાંસળીઓમાંથી સિસોટી મારતો ભાગ્યો. એણે ઝાડની સુક્કી બે ડાળીઓ અફાળી-ધસી, અફાળી-ઘસી, તણખો ઝર્યો, પાન સળગ્યાં. ડાળીઓ સળગી. ઝાડવું આખુંયે સળગ્યું. વાયરો ભાગ્યો, હાથમાં મશાલ લઈ એક ઝાડથી બીજે ઝાડ, એક પછી એકને મશાલ ચાંપતો. ભળભળ ભળભળ આગ ફરી વળી વગડામાં, ધુમાડાના ગોટેગોઠામાં ઘૂમરી લેતી આગની જ્વાળાઓ — માથે સગડી મૂકી બેવડ વળી વળી રાસડા લેતી ડાકણો જેવી — એક તો લાંબી ભોંયની ચિરાડમાં પેસીઅંધારાને સળગાવી ડમરુ બજાવવા લાગી, બીજી ઝાડની બખોલમાં ફેરફુદરડી ફરી ઘોઘરા અવાજે રાતો પીળો જીભડો બખોલની બહાર ફેંકવા લાગી.
તળાવડીનો આખો ઉપલાણ ભાગ સળગ્યો. તળાવડી સળગી — એમાંનું આભ સળગે, આખો વગડો સળગે. કરચલા જેઓ તો આગમાં ફટાફટ ધાણી જેમ ફૂટી ભાગતાં ભાગતાં જ કોલસો થઈ જાય છે. ઊડતાં પંખીઓ જ્વાળામાં ઓહીંયાં થઈ જાય — ભોંયે એમના ટાંટિયા રઝળતા દેખાય.
બાવળિયા એકસામટા ચડચડ ભડકે બળ્યે જ જાય. થડ પર થીજી ગયેલો ગુંદર ગૂગળની જેમ પીગળી પીગળી ગંધાય. કાંટાની ફાંસ સળગી. એમાં ઊંધે માથે લટકેલું કાગડાનું હાડપિંજર સળગ્યું. ફૂટ્યું, પીગળ્યું…
કો’લા, કીડીઓ, સાપ, ખલેડી ભાગ્યાં, જેમ જેમ ફાવે તેમ. સસલું બધાંની સામે ડોળા નચાવતું ભાગ્યું. ભાગતાં એ એકદમ અટકી ગયું. ગૂંી પરનો ઘરડો કાચીંડો હેઠે ઊતરી આમતેમ હવામાં અધ્ધર ડોકને તાણી ખોડો ખોડો જે કાંઈ ભાગ્યો છે — સસલું ખડખડ હસી પડ્યું, અને એની સાથે ને સાથે ઠેકડા મારતું ભાગવા લાગ્યું.
બે ભૂલકાં પેલા વસ્તારી આંબા નીચે એકબીજાની ડોક તાણીને મલ્લકુસ્તી કરતાં હતાં. બીજાં બે-ત્રણ આંબા-પીપળીની રમત જાણે રમતાં હોય એમ ઝાડવાં પર ચઢ-ઊતર કરતાં હતાં. દૂરથી ધસી આવતા સુસવાટા સાથેના ધુમાડાના ગોટેગોટાને જોઈ, પૈસા સમેટી ભાગતા જુગારી ગઠિયાઓની જેમ ભાગી દૂર ઊભા ઊભા ચિચિયારી પાડવા લાગ્યા. ટપોટપ ભૂસકા મારી છાતીએ સૌનાં બચ્ચાંઓ વળગાડીને વાંદરીઓ, વાંદરાઓ ભાગ્યાં — ઊભી પૂંછડીએ, બાંડી પૂંછડીએ. એમની પાછળ પાછળ આગ તીરવેગે દોડી. પાછળ આવી પહોંચેલી વિકરાળ આગની એક ઝાપટમાં વાંદરા-વાંદરીઓની મરણ-ચીસો દટાઈ ગઈ. એ આગનો પંજો ઘાસિયા પર ફરી વળ્યો — ઘાસિયું બાળુંચટ્ટ. કાળી રાખોડી એની, સરોવરમાં કૂદી પડી.
પેલો ગૂંચળું વળી ગયેલો કીડો ભંઠોડામાં બટાકા જેવો જ બફાઈ ગયેલો. એની બળેલી ચામડીની કડવી વાસ હવામાં ભળી હતી.
હાડપિંજર પીગળી પીગળી ભોંયે ટપકી ગયું હતું… એને જોતો દે’રાના ભગાર વચ્ચે હજીયે બુઢ્ઢો ઘડચો ઊભો છે. હવે પછી ચારે કોરથી આગની સળગતી જ્વાળા ધીમે ધીમે એના પગ પાસે આવીને પગને સૂંઘતી જાણે એ જ્વાળા ઘડીભર તો અટકી ગઈ. બુઢ્ઢાની આંખો ત્યાર પછી એ જ્વાળાને પોતાના પગથી ચઢતી, આગળ વધતી, આખા દેહને વીંટળાઈ વળતી જોઈ રહી — એની આંખોમાં પાણી ઊકળી રહ્યાં છે, ઊકળતા પાણીમાં ભડકે બળતો વગડો ધીમે ધીમે ડૂબતો જાય છે. છમ્ અવાજ સાથે ડૂબી ગયેલા વગડા ઉપર પાણી સમથળ થઈ જાય છે. એ સમથળ જલ-સપાટી પરનો આગનો છેલ્લો ઉજાસ ઝબકીને હોલવાઈ જાય છે. (‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’માંથી)