ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન્ત રાવલ/લાયન-શૉ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લાયન-શૉ

સુમન્ત રાવલ

મારા ડ્રોઇંગરૂમમાં ચાર મોટી બારીઓ છે. ચારેય બારીઓ પર આછા બ્લ્યુ રંગના પડદાઓ છે. દીવાલ પર ફક્ત એક તસવીર છે. તસવીરને હું નીરખી રહું છું. વર્ષોની ટેવ છે. તસવીર ઓઇલ પેઇન્ટેડ છે. પણ છતાં તે દર વખતે જ્યારે જોઉં ત્યારે નવી જ લાગે છે. આમ તસવીરમાં કશી નવીનતા નથી, પરંતુ મારે માટે એમાં થોડું નવીન છે. તસવીર કિશને બનાવેલી છે. મારા તમામ યારો-દોસ્તારોમાં ફક્ત કિસાન એક અપવાદરૂપ ચિત્રકાર છે. તેની આંખો અને હાથની આંગળીઓમાં સારી કલાકૃતિઓ સર્જાઈ છે. તેનાં ચિત્રોમાં વન્ય પ્રાણીઓનાં ચિત્રો વિશેષ હોય છે — ગેંડા, કૂદતા ચિત્તાઓષ મોં ફાડીને ઊભેલો સિંહ ઘાસ પાછળ છુપાયેલાં સસલાંઓ, આગમાં ભૂંજાતાં તેતરો.

‘તને જંગલનાં ચિત્રો કેમ વધુ ફાવે છે?’ એક વાર મેં પૂછેલું.

એ હસી પડેલો. ‘યાર, તને ખબર નહીં હોય. મારું બચપણ જંગલમાં જ પસાર થયું છે.’

‘વન્ડરફુલ!’

‘એમાં વન્ડરફુલ કશું નથી. મારા મામા ફોરેસ્ટ ઑફિસર છે અને મારી અડધી જિંદગી મામા સાથે પૂરી થઈ છે. તું તો જાણે છે, મારાં મા-બાપ છે નહીં. મારી કલા અને સ્વભાવ બંનેને મામાએ જ સાચવ્યાં છે.’

મને તેની વાત ગમી. કિશનમાં આ ખાસ વિશિષ્ટતા હતી. તે ગમે તેવી અંગત બાબતો પણ બધાને ખુલ્લા દિલે કહી દેતો હતો.

હમણાંથી કિશનને મળ્યો નહોતો. હા, તેના મામાની બદલી સાસણગીરમાં થઈ હતી. તેથી કિશનને ઘણી વાર પત્ર લખી લાયન-શૉ જોવાની મારી ઇચ્છા પ્રદર્શિત કરતો હતો. પણ કોણ જામે શાની કિશન આ વાત ઉડાવી દેતો તેમ તેમ લાયન-શૉ જોવાની ઇચ્છા તીવ્ર બનતી જતી હતી. કિશન પાસે દોડી જવા મન થનગની રહ્યું હતું.

હમણાં છેલ્લાં ત્રણ વર્ષથી અમે પરસ્પર મળ્યા નહોતા. છેલ્લે વાસનગંજ તેનાં ચિત્રોનો શૉ ગોઠવ્યો હતો ત્યારે મળ્યો હતો. ત્યારે એ ઘણો ઉદાસ લાગતો હતો. કિશનના ચહેરા પર ઉદાસી? હા, કદાચ પોતાની જાતે એ હજુ સુધી પગભર નહોતો થઈ શક્યો તેનો રંજ હશે. આર્ટ ગૅલેરીમાં તેનાં ચિત્રો કલાત્મક રીતે ગોઠવેલાં હતાં. અને દરેક ચિત્ર નીચે ચિત્રને સ્પર્શતું એકાદ વાક્ય લખેલું હતું. મજા પડી ગઈ.

કિશન કશું બોલતો નહોતો. પરંતુ તેનાં ચિત્રોએ મારી સાથે વાતો કરી લીધી. કલાકારને પગભર થતાં ઘણો સમય લાગે છે. કલાકાલ કલા પાછળ ખુવાર થઈ જાય છે. પરંતુ એ કલાતેને પૂરતી આજીવિકા પણ આપી શકતી નથી. આપણા દેશમાં એ મોટી કમનસીબી છે. કિશનનું દુઃખ કદાચ આ જ હશે. પરંતુ મારે ઉતાવળ કરવી જોઈએ નહીં. સાચું કારણ સિફતથી જાણી લેવું જોઈએ. મેં તેા ખભે આસ્તેથી હાથ મૂક્યો. કિશન!’

‘હં.’ તેણે આંખો મારી તરફ ફેરવી. એ ભૂરી કીકીઓમાં તોફાની દિવસો યાદ બની ટપકી રહ્યા હતા.

‘કૉફી નથી પીવી?’

એ જોઈ રહ્યો, ‘કૉફી?’

‘હા, દોસ્ત. હમણાં સાથે કૉફી ક્યાં પીધી છે?’ એ પણ પેલી ઇંગ્લિશ કવિતાની જેમ લહાવો છે. સાથે ચુસ્કીઓ લેવી, વાતો કરવીઅને કૉફી —

‘ચાલ દોસ્ત.’ એણે ખુશ થઈ મારો હાથ પકડી લીધો. અમે એકાદ કાફેમાં ગોઠવાયા. કૉફી આવી. વાતો ચાલી.

‘પેલા મહાભારતવાળા કિશન તો હંમેશાં ગોપીઓ સાથે મસ્તીમાં રહેતા હતા. પરંતુ તુંતો—’

આસ્તેથી મેં હાર્મોનિયમનો સૂર દબાવ્યો — હવે અંદરનો સાચો અવાજ બહાર આવવો જ જોઈએ. આ મારી હસ્તગત કલા છે. હજી સુધી આ બાબતમાં મારો હરીફ કોઈ જન્મ્યો નથી.

કિશન ખીલ ઊઠ્યો. ‘યુ આર રાઇટ. કારણ કે તેની પાસે ગોપીઓનાં વૃંદો હતાં. અહીં તો સમ ખાવા એકેય નથી.’ કહી એ જોરથી હસી પડ્યો. તેવું હસવું ગમગીની છુપાવવા માટેનું હતું. તે જ્યારે અટક્યું ત્યારે આંખોમાં પાણી ભરાઈ આવ્યું હતુંઃ કહો ન કહો, કિશન કોઈ વાત જરૂર છુપાવતો હતો.

‘કોઈ ગોપી શોધી લે ને!’

‘શોધી લીધી છે, યાર, બહુ દૂર જવું નથી પડ્યું. પાડોશમાં જ મળી ગઈ છે. વીણા મલ્હોત્રા.’

‘વીણા મલ્હોત્રા? કૉલેજમાં સિંગર હતી એ તો નહીં?’

‘એ જ, યાર.’

‘સરસ છોકરી છે. લાંબી, દૂબળી-પીતળી, સુરાહી જેવી ગરદન છે. અને કલાકાર છે. તારા માટે બધી રીતે ફીટ છે, તું કહે તો વાત હું ચલાવું.’

‘વાત ચલાવવાની જરૂર નથી. અમે એકબીજાંના પ્રેમમાં છીએ.’

‘નાઉ યુ આર રિયલી એ કિશન.’

કિશન ઘણા ખુલ્લા સ્વભાવનો માણસ હતો. ફક્ત તમને તેનું બટન દબાવતાં આવડવું જોઈએ. જો સાચું બટન દબાવી દીધું તો ખલાસ. એ પોતાની બધી આપવીતી-પરવીતી કહેવા લાગશે.

એણે કૉફી પૂરી કરી કે તરત જ મેં તેના હાથમાં સિગારેટ પકડાવી દીધી… હવે તે ધુમાડાની સાથે સાથે પોતાની ગમગીની પણ બહાર કાઢવા લાગશે એમાં જરાય શંકા નથી. એણે શરૂ કર્યુંઃ

‘યાર, એક બીજી તકલીફ ઊભી થઈ છે. એક ખૂબ જ ભયંકર કશમકશ વચ્ચે હું જીવી રહ્યો છું.’

‘સમજી ગયો?’

‘એ જ કે તું પગભર નથી એટલે મલ્હોત્રા તારી સાથે જીવન જોડતાં અચકાતી હશે.’

‘ના. મલ્હોત્રા કોઈ પણ સંજોગોમાં મને છોડી શકે તેમ નથી.’

‘તો?’

‘મારે મલ્હોત્રાને છોડવી પડશે.’

‘નૉન્સેન્સ.’

‘નૉટ નૉન્સેન્સ, મામાએ મારે માટે બીજી છોકરી પસંદ કરી અને મજબૂર થઈને મારે તે અપનાવવી પડશે. કહે દોસ્ત. આ આઝાદ દેશમાં હજી આપણે ગુલામ નથી? હજી આપણા પર કોઈની શરમ, શેહ અને દબાણની ગુલામી લદાયેલી છે. માનસિક રીતે હજુ આપણે આઝાદી ક્યાં હાંસલ કરી છે?’

કિશન એકસાથે ઘણું બોલી ગયો. વધુ વખત એકસાથે બોલવાથી તેના ચહેરા પર કેટલીયે રેખાઓ ઊપસી આવતી હતી, અને તેનો ચહેરો વધારે કરુણ બની જતો હતો.

મામાની સાથે રહી ચોવીસ વર્ષથી મેં તેમની રોટી ખાધી હોવાથી મારે મારા પ્રેમને ઠુકરાવવો પડશે. અને તે માટે મેં આજે જ મલ્હોત્રાને લખી નાખ્યું. યાર. તેની સામે ચાલીને તેના પ્રેમી ઈનકારી શકું તેટલી શક્તિ મારામાં નથી. તેથી ન છૂટકે પત્ર લખી નાખ્યો. અને તે પર ચિત્ર દોરી નાખ્યું — બૂઝતી શમાને છોડી જતા પતંગાનું, પણ પતંગાની પાંખો જાળમાં સપડાયેલી છે. તેથી મુક્ત રીતે ઊડી શકતું નથી.

કિશનને છોડી સાંજે હું પાછો ફર્યો ત્યારે મારું મન ગમગીનીના આવરણ નીચે દબાયેલું હતુંઃ શું સાચું, શું ખોટું એ હું તરત જ નક્કી કરી શક્યો ન હતો. ગમગીની શરદીના ચેપી રોગની જેમ કિશન પાસેથી મને પણ ચોંટી ગઈ હતી.

બસ કદાચ આ આખરી મુલાકાત હોય તેમ ત્યારબાદ ત્રમ વર્ષ સુધીકિશનનો પતો લાગ્યો નહીં. પહેલાં નિયમિત પત્ર લખતો. પરંતુ પછી એ પણ આસ્તે આસ્તે ડૂબી ગયું. જેમ જેમ કિશન દૂર થતો ગયોતેમ તેમ તેને મળવાની ઉત્કંઠા દિનપ્રતિદિન વધતી ગઈ. તેનું શું થયું હશે! તેન પેલી પ્રેમિકા મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં નહીં હોય! તેના મામાએ નક્કી કરેલી છોકરી સાથે પરણી ગયો! મામાનો પ્રેમ વધ્યો કે પોતાની પ્રેયસી પરત્વેનો પ્રેમ!

એક દિવસ છાપું વાંચતાં વાંચતાં શરીરમાં ફરતું લોહી થીજી ગયું.

તેમાં વીણા મલ્હોત્રાની આત્મહત્યાના સમાચાર હતા. કૉલીડોર પીને તેણે આત્મહત્યા કરી હતી. છાપાવાળાએ સ્પષ્ટ લખ્યું હતું કે મામલો પ્રેમની લગતો હતો. મારી નજર સામે ફરી એક વાર કૉફી પીતો કિશન ઝબકી ગયો.

આ આખો દિવસ ભારે મને પસાર થયો. મન કિશન પાસે દોડી જવા તલસી રહ્યું હતું. કિશન ઘણો લાગણીશીલ છે. લાગણીના આવેશમાં આવી કંઈક કરી બેસશે તો! મારે જલદી તેને મળવું જોઈએ. પણ જવું ક્યાં?

એક જૂના મૅગેઝનમાં તેના ચિત્ર સાથે તેનું એડ્રેસ છપાયેલું હતું. મૅગેઝિન પર પત્ર લકી તે દ્વારા પતો મેળવ્યો. ભાઈસાહેબ તેમન મામા સાથે સાસણગીરમાં હતા. હવે ક્યાં સુધી મામાનો પાલવ પકડી જીવ્યા કરશે!

સાસણગીરનું નામ વાંચતાં જ મને લાયન-શૉ યાદ આવી ગયો. મેં તાત્કાલિક પત્ર લખ્યો. બેવડૂફે જવાબ આપ્યો નહીં. ‘મેં રિપ્લાય-કાર્ડ લખ્યું. છેવટે તેના મામાના અક્ષરોવાળો ઉત્તર મળ્યો. તેમાં કિશનની માનસિક હાલત બરાબર નથી. તેણે સાદી કરી લીધી છે. મારે તાત્કાલિક તેની સાંત્વના માટે આવવાનું આમંત્રણ વગેરે લખ્યું હતું. મામાનો હજી મારા પર ભાવ હતો. પણ ભાણેજ — કિશનની માનસિક હાલત — તેની શાદી — હું ફરી મૂંઝવણમાં મુકાઈ ગયો. ખેર, કિશનને મળાશે ને સાથોસાથ લાયન-શૉ પણ જોઈ શકાશે… મેં આવવાની તારીખનો પત્ર લખી નાખ્યો.

પત્રમાં જણાવ્યા અનુસારની તારીખે હું સાસણ પહોંચ્યો… પહાડી અને સાગનાં જંગલોથી ઘેરાયેલી કસબા ટાઉનનો તાલુકો હતો. જીપવ્યવહાર વિશેષ હતો. સ્ટેશને મામાએ જીપ મોકલી હતી. જીપ-ડ્રાઇવર ઇસ્માઇલખાન મને અજાણ્યાને તરત ઓળખી ગયો. હું સ્ટેશનમાંથી બહાર નીકલીને નાનકડા સ્ટેશનના પ્લૅટફોર્મ, છાપરાં, ભારેખમ શરીરવાળી કુલીઓ, લાકડાંને લઈ જતી ગુડ્ઝટ્રેઇનને જોઈ રહ્યો. અહીંલાકડાનો ઉદ્યોગ વિકસેલો હતો. અહીં બધું નવીન લાગતું હતું. અને મને કમને આ બધું અજનબી ગમતું હતું.

જીપનો ડ્રાઇવર કાબેલ હતો. કાચા રસ્તા પર જીપને ઝડપથી દોડાવીને સરકારી ક્વાર્ટર સામે ખડી કરી દીધી. કિશન દોડીને મને વળગી પડ્યો. બિલકુલ સ્વસ્થ લાગતો હતો. ઘડીભર મામાએ આવી મશ્કરી શા માટે કરી હશે એમ મન દ્વિધા અનુભવી રહ્યું. ત્યાં મામા પણ હસતા હસતા મળ્યા. મેં કિશનને ગાલે ટપલી મારી, ‘કૈસે હો? ભાભી કૈસી હૈ?’

વળતી પળે તે ગમગીન થઈ ગયો. કોણ જાણે, શાથી ભાભીનું નામ આવે અને તે ઝડપથી ગમગીન બની જતો હતો. અમે બંને એકલા પડ્ય એટલે મેં તરત મારા સ્વાર્થની વાત શરૂ કરી દીધીઃ

‘લાયન-શૉ જોવા ક્યારે નીકળીશું?’

‘લાયન-શૉ માટે મારણ કરવું જોઈએ.’

‘મીન્સ?’

‘મીન્સ કોઈ શિકાર જોઈએ, જેના પર મુક્ત રહેલા સિંહ તૂટી પડે અને સિંહ જ્યારે તેને આરોગવામાં-રહેંસવામાં મસ્ત હોય ત્યારે આપણે દૂર ઊભાં ઊભાં જોવાનું, હસવાનું, તાળીઓ દેવાની. તેનું નામ લાયન-શૉ.’

હું જોઈ રહ્યો. ત્રણ વર્ષમાં કિશન ઘણો બદલાઈ ગયો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણુંબધું બની ગયું હતું. મલ્હોત્રાએ આત્મહત્યા કરી હતી. કિશને લગ્ન કર્યાં હતાં, અને કિશનના સ્વભાવમાં ફરક પડી ગયો હતો. તેના જીવનમાં દેવયાનીભાભી આવ્યા પછી અમુક રીતે એ ઘણો વિચિત્ર થઈ ગયો હતો. અને વધારે વિચિત્ર તો એ હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં તેમે ફક્ત એક જ ચિત્ર બનાવ્યું હતુંઃ લાયન-શૉનું ચિત્ર!

મને એ એકાકી કમરામાં લઈ ગયો. કમરામાં અંધારું હતું. કમરાને એક પણ બારી નહોતી. આ તેનો બેઠકખંડ હશે અગર તો અહીં એકલો તે ચિત્ર બનાવતો હશે.

‘તું શા માટે મને અહીં લાવ્યો છે?’ મારાથી અનાયાસે પુછાઈ ગયું.

‘અહીં આ કમરામાં બધું છે. આ બંધ કમરામાં મુક્ત હવા નથી. પણ મુક્ત વિચારો જરૂર છે. તું ગભરાઈશ નહીં. મેં જે લાયન-શૉનું ચિત્ર બનાવ્યું છે તે બતાવતાં પહેલાં હું તને કૉફી પીવડાવીશ. કારણ કે આ બંધ કમરામાં બેઠાં બેઠાં કૉફી પીતાં ચિત્ર જોવું એ પણ એક લહાવો છે.’

દેવયાનીભાભી ટ્રેમાં કૉફીના બે પૂરા ભરેલા પ્યાલા લઈ આવ્યાં. લજ્જાશીલ સ્ત્રી. એક વખ જોતાં જ પગમાં ઝૂકી જવાનું મન થઈ આવે તેવી ભવ્ય ઔરત. કિશન ઘણીબધી રીતે ભાગ્યશાળી હતો. પહેલું, તેને મામાનો છાંયો હતો. બીજું, તે મહાન કલાકાર હતો. ત્રીજું, તેને દેવયાની જેવી દેવી મળી હતી. પણ તેનો સ્વભાવ ઘણો બદલાઈ ગયો હતો. કૉફી િપ કરતાં એણે સ્વિચ ઑન કરી. કમરો ઝળાંહળાં થઈ ગયો. સામે દીવાલ પર તેણે દોરેલું એક ચિત્ર હતું. એક ગભરુ બકરી પર બે વિકરાળ સિંહો ત્રાટકી રહ્યા છે. બકરી બાંધેલી છે. અને સિંહ તેનું મારણ કરી રહ્યા છે. આમાં કશી નવીનતા લાગી નહીં.

‘મને આમાં કશી નવીનતા લાગતી નથી.’ આખરે મેં કહ્યું.

‘નવીનતા છે. જોવાની દૃષ્ટિ નથી. લયલા કો મજનૂ કી નિગાહોં સે દેખિયે, આ ચિત્રને મારી નજરથી જુઓ. આ સિંહ મારા મામા અને તેના મિત્રો છે.’

‘કિશન!’હું લગભગ ચીસ પાડી ઊઠ્યો. મારું માથું ધમધમી ઊઠ્યું.

‘હા. યાર… પણ મેં તેને અપનાવી લીધી છે. કારણ કે હું શૉ જોનાર પ્રેક્ષક હતો.’

મને લાગ્યું, કિશન રડી પડશે. હું ઝડપથી કમરો છોડી બહાર નીકળી ગયો.

વર્ષો વીતી ગયાં, કિશન અને દેવયાની અને તેના મામા સુખી છે. મારા ડ્રોઈંગરૂમમાં ચાર મોટી બારીઓ છે. ચારેય બારીઓ પર આછા બ્લ્યુ રંગના પડદાઓ છે. દીવાલ પર ફક્ત એક જ તસવીર છે. તસવીર મને કિશને ભેટ આપેલીછે. એ તસવીરમાં બકરી પર ત્રાટકેલા વિકરાળ સિંહોના ચહેરા છે. પરંતુ બકરીને જોઈને મને દેવયાની હોવાની કલ્પના થતી નથી. કારણ કે દેવયાની અને કિશન ઘણાં સુખી છે. સુખી રહેશે. મારી માફક નમાલા કારણસર ઝઘડો વહોરી ડાયવોર્સ લેશે નહીં.