રવીન્દ્રપર્વ/૧૫૩. ખોલી દિયો દ્વાર
Revision as of 08:08, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૩. ખોલી દિયો દ્વાર| }} <poem> ખોલી દિયો દ્વાર; નીલાકાશ કરો અવાર...")
૧૫૩. ખોલી દિયો દ્વાર
ખોલી દિયો દ્વાર;
નીલાકાશ કરો અવારિત;
કુતૂહલે ભરી
પુષ્પગંધ ભલે મારા ઓરડામાં કરતી પ્રવેશ;
પ્રથમ પ્રકાશ
સર્વ દેહે સંચારિત થઈ રહો શિરાએ શિરાએ;
જીવું છું હું, એના અભિનન્દનની વાણી
મર્મરિત પલ્લવે પલ્લવે મને સાંભળવા દિયો;
આ પ્રભાત
નિજ ઉત્તરીય થકી ઢાંકી દિયો મારું મન
જેવી રીતે ઢાંકી દિયે નવશસ્ય શ્યામલ પ્રાન્તર
પ્રેમ જે હું પામ્યો છું આ જીવને મમ
તેહની નિ:શબ્દ ભાષા
સાંભળું છું આકાશે,
પવનની લહરે લહરે;
એના પુણ્ય-અભિષેકે આજે કરું સ્નાન.
સમસ્ત જન્મનું સત્ય એક માત્ર રત્નહારરૂપે
જોઉં છું હું નીલિમાને વક્ષે.