રવીન્દ્રપર્વ/૧૫૨. આ મારી કીર્તિનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫૨. આ મારી કીર્તિનો

આ મારી કીર્તિનો કરું જરા ના વિશ્વાસ.
જાણું, કાલસિન્ધુ એને
નિયત તરંગઘાતે
દિને દિને દેશે લુપ્ત કરી.
મારા પરે મને છે વિશ્વાસ.
બેઉ વેળા એ જ પાત્ર ભરી
આ વિશ્વની નિત્યસુધા
પીઉં છું હું.
પ્રતિ મુહૂર્તનો પ્રેમ
એની મહીં થયો છે સંચિત.
દુ:ખભાર દીર્ણ નહીં કરે...
ધૂળ નહીં કાળું કરે
શિલ્પ એનું.

જાણું છું હું જઈશ જ્યારે
સંસારની રંગભૂમિ છોડી
સાક્ષી દેશે પુષ્પવન ઋતુએ ઋતુએ
આ વિશ્વને ચાહ્યું છે મેં.
એ પ્રેમ જ એક સત્ય, આ જન્મનું દાન.
વિદાયની પળે
આ સત્ય અમ્લાન રહી મૃત્યુનોય કરશે સ્વીકાર.