રવીન્દ્રપર્વ/૧૯૧. શ્રાવણસન્ધ્યા
આજે શ્રાવણની અશ્રાન્ત વૃષ્ટિધારામાં જગતની બીજી બધી જ વાતો ડૂબીને વહી ગઈ છે, ખેતરોમાં અન્ધકાર આજે નિબિડ છે, ને જેને કદી એક્કેય અક્ષર બોલતાં આવડ્યું નથી તે મૂકને આજે કહેવાની વાતોનો પાર નથી. અન્ધકારને જો કોઈ એને બંધબેસતી ભાષામાં બોલાવી શકે એમ હોય તો તે શ્રાવણની વૃષ્ટિધારાનો ધ્વનિ જ. અન્ધકારની નિ:શબ્દતાના પર એ ઝર્ઝર્ કલશબ્દ જાણે એક પછી એક પડદો ખેંચતો જાય છે, એ રીતે એને વધારે ગમ્ભીર ને ગાઢ કરી મૂકે છે, એ આખાય જગતની નિદ્રાને પણ નિબિડ કરી દે છે. વૃષ્ટિ પડવાનો આ અવિરામ શબ્દ, એ જાણે શબ્દનો અન્ધકાર! આજે આ કર્મહીન સાંજ વેળાનો અન્ધકાર એના એ જપમન્ત્રને શોધી શક્યો છે. એ વારે વારે એને રટ્યા કરે છે — બાળક જેમ નવીન શીખેલી વાતને અકારણે અપ્રયોજને ફરી ફરી ઉચ્ચાર્યા કરે તેમ — એને થાક નહીં, એનો અન્ત નહીં ને એમાં કશું વૈચિત્ર્ય પણ નહીં. આજે મૂક સન્ધ્યાપ્રકૃતિનો કણ્ઠ એકાએક ખૂલી ગયો છે અને આશ્ચર્ય પામીને સ્તબ્ધ થઈને એ જાણે ફરી ફરી પોતાની વાત પોતાને કાને સાંભળ્યા કરે છે. મારા મનમાં પણ એનો પ્રતિધ્વનિ જાગી ઊઠ્યો છે, એય કશુંક બોલવા ઇચ્છે છે. આ રીતે મારું મન પણ કહેવાની વાતને ખૂબ મોટી બનાવીને કહેવા ઇચ્છે છે, જેમ જળસ્થળ આકાશને બિલકુલ ભરી દઈને બોલવા ઇચ્છે છે. પણ એ તો શબ્દથી બની શકે એમ નથી, તેથી જ તો એ એકાદ સૂરને શોધી રહ્યું છે. જળના કલ્લોલમાં, વનના મર્મરમાં, વસન્તના ઉચ્છ્વાસમાં, શરદના પ્રકાશમાં વિશાળ પ્રકૃતિ જે કહે છે તે સ્પષ્ટ શબ્દોમાં કહેતી નથી — તે માત્ર આભાસે ઇંગિતે, માત્ર છબિમાં ને ગીતમાં જ પ્રકટ થાય છે. તેથી જ પ્રકૃતિ જ્યારે આલાપ કરે ત્યારે એ આપણા મુખની વાતને બંધ કરી દે, આપણા પ્રાણની અંદરના અનિર્વચનીયના આભાસથી ભરેલાં ગીતને જ એ જગાડે. શબ્દો માણસના, ને ગીત પ્રકૃતિનું. શબ્દો સુસ્પષ્ટ અને વિશિષ્ટ પ્રયોજન દ્વારા સીમાબદ્ધ, જ્યારે ગીત અસ્પષ્ટ અને સીમાહીનની વ્યાકુળતાએ ઉત્કણ્ઠિત. તેથી જ શબ્દોથી માણસ માણસને મળે, ગીતથી માણસ વિશ્વપ્રકૃતિને મળે. તેથી જ શબ્દની સાથે જ્યારે માણસ સૂરને જોડી દે ત્યારે એ શબ્દ એના અર્થને આપોઆપ વટાવી જઈને વ્યાપ્ત થઈ જાય — એ સૂર મનુષ્યના સુખદુ:ખને સમસ્ત આકાશની વસ્તુ બનાવી દે, એની વેદના પ્રભાતસન્ધ્યાના દિગન્તે એનો રંગ ભેળવી દે, મનુષ્યના સંસારની પ્રાત્યહિક સુપરિચિત સંકીર્ણતાની સાથે એનું ઐકાન્તિક ઐક્ય પછી રહે નહીં. આથી પોતાની હરરોજની ભાષાની સાથે પ્રકૃતિની ચિરદિનની ભાષાને ભેળવી દેવાને માણસનું મન પહેલેથી જ પ્રયત્ન કરતું આવ્યું છે. પ્રકૃતિમાંથી રંગ અને રેખા લઈને પોતાના વિચારને માણસે છબિમાં પલટી નાખ્યાં છે, પ્રકૃતિમાંથી સૂર અને છન્દ લઈને પોતાના ભાવનું માણસે કાવ્ય બનાવી દીધું છે. એ જ રીતે વિચાર અચિન્તનીયની તરફ દોડે છે, ભાવ અભાવનીયમાં જઈને પ્રવેશે છે. આ રીતે જ મનુષ્યના મનની વસ્તુઓ વિશિષ્ટ પ્રયોજનની સંકુચિતતાને અને નિત્ય વ્યવહારની મલિનતાને મિટાવી દઈને ચિરન્તનની સાથે યુક્ત થઈ આવી સરસ નવીન અને મહત્ મૂર્તિએ દેખા દે છે. આજે આ ઘનવર્ષાની સન્ધ્યાએ પ્રકૃતિના શ્રાવણ-અન્ધકારની ભાષા આપણી ભાષાની સાથે ભળી જવા ઇચ્છે છે. અવ્યક્ત આજે વ્યકતની સાથે લીલા કરવાને માટે આપણે દ્વારે આવીને આઘાત કરી રહ્યા છે. આજે યુક્તિતર્ક વ્યાખ્યાવિશેષણ ટકી શકે એમ નથી. આજે ગીત સિવાય બીજી કશી વાત જ નથી. તેથી જ હું કહું છું કે આપણી વાતને આજે પડતી મૂકો. સંસારના કામકાજની સીમાને, મનુષ્યસમાજની વાડને સહેજ અળગી કરો; આજે આ આકાશને ભરી દેતી શ્રાવણની વૃષ્ટિધારાને અન્તરમાં બોલાવી લો. પ્રકૃતિની સાથેનો મનુષ્યના અન્તરનો સમ્બન્ધ બહુવિધ છે. બહાર એના કર્મક્ષેત્રમાં પ્રકૃતિનું જુદું સ્વરૂપ, વળી આપણા અન્તરમાં એની એક જુદી જ મૂર્તિ. એક દૃષ્ટાન્ત જુઓ — વૃક્ષનું ફૂલ દેખાવમાં ભલે ને ગમે તેટલું રંગીલું લાગતું હોય, એ અહીં આવ્યું છે માત્ર કામગીરી બજાવવાને. એની બધી સાજસજ્જા તે ઓફિસનો જ પોષાક. ગમે તે રીતે એણે ફળ પ્રકટાવવાનું છે, નહીં તો તરુવંશ પૃથ્વી ઉપર ટકી રહી શકે નહીં, આ બધું રણ જ બની જાય. એટલા માટે જ એનો રંગ, એટલા માટે જ એની ગન્ધ. મધમાખીની પદરેણુ પડતાં એનો પુષ્પજન્મ સફળ થવાની શરૂઆત થાય કે તરત જ એ પોતાની રંગીન પાંખડીઓને ખેરવી નાંખે છે. પોતાનાં મધુ અને ગન્ધનું નિર્મમભાવે વિસર્જન કરી દે છે; એને રંગીલાપણા માટે સહેજેય સમય નથી, એ કામમાં ભારે મશગૂલ છે. પ્રકૃતિના બહારના ઓરડામાં કામની વાત સિવાય બીજી કશી વાત જ નથી. ત્યાં કળી ફૂલ તરફ, ફળ બીજ તરફ, બીજ વૃક્ષ તરફ ધડધડ કરતાં દોડ્યે જ જાય છે, ક્યાંય સહેજ સરખો અન્તરાય આવી પડે તો માફી મળતી નથી, ત્યાં કોઈ કશી કેફિયત સ્વીકારતું નથી, ત્યાં એને કપાળે ‘નામંજૂર’ની છાપ વાગી જાય છે, પછી વિના વિલમ્બે એને ખરી જઈને કરમાઈ જઈને દૂર હટી જવું પડે છે. પ્રકૃતિની મોટી ઓફિસમાં અગણ્ય વિભાગો છે, અસંખ્ય કામકાજ છે. આ સુકુમાર ફ્ૂલને તમે જુઓ છો, શોખીન આદમીની જેમ શરીરે સુગન્ધ લગાડી રંગીન પોશાક પહેરીને જે આવ્યું છે તેય એ ઓફિસમાં તાપતડકામાં મજૂરી કરવાને માટે જ આવ્યું છે, એને એની પળેપળનો હિસાબ આપવાનો હોય છે — કશા કારણ વિના, શરીરને પવન નાખી, સહેજ ઝૂલી લેવા માટે એની પાસે એક ક્ષણનીય ફુરસદ નથી. પણ એ જ ફૂલ જ્યારે મનુષ્યના અન્તરમાં પ્રવેશ કરે ત્યારે એને કશાંની ઉતાવળ નહીં, ત્યારે એ મૂર્તિમાન પરિપૂર્ણ અવકાશ. એ એકની એક વસ્તુ બહાર પ્રકૃતિમાં કાર્યનો અવતાર, મનુષ્યના અન્તરમાં શાન્તિ અને સૌન્દર્યનો પૂર્ણ પ્રકાશ. ત્યારે વિજ્ઞાન આપણને કહે: તમારી સમજવામાં ભૂલ થાય છે, વિશ્વબ્રહ્માણ્ડમાં ફૂલનો એક માત્ર ઉદ્દેશ કામ કરવાનો; એની સાથે સૌન્દર્ય માધુર્યનો જે અહેતુક સમ્બન્ધ તમે જોડી બેઠા છો તે તમારી પોતાની જ બનાવટ. આપણું હૃદય એને ઉત્તર દે છે કે ના સમજવામાં કશી જ ભૂલ થઈ નથી. આ ફૂલ કાર્યનો પરિચયપત્ર લઈને આપણે આંગણે આવીને દ્વાર ખખડાવે; એક બાજુ એ આવે બંદીની જેમ, ને બીજી બાજુ એ આવે મુકત સ્વરૂપે — એનો એક જ પરિચય સાચો ને બીજો સાચો નહીં, એ વાત તે શી રીતે માની લેવાય? આ ફૂલ વૃક્ષવનસ્પતિમાં અનવચ્છિન્ન કાર્યકારણસૂત્રે ખીલી ઊઠ્યું છે એ વાત પણ સાચી, પણ એ બહારનું સત્ય; ને અન્તરનું સત્ય એ આ : આનન્દાદ્ધયેવ ખલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે| ફૂલ મધુકરને કહે છે: ‘તારા અને મારા પ્રયોજનના ક્ષેત્રમાં તને બોલાવી લાવવામાં માટે તારે કાજે જ મેં સાજ સજ્યા છે.’ પણ તે ફૂલ મનુષ્યનાં મનને કહે: ‘આનન્દના ક્ષેત્રે તને તેડી લાવવાને માટે જ મેં સાજ સજ્યા છે.’ મધુકર ફૂલની વાતમાં પૂરેપૂરો વિશ્વાસ મૂકે છે; ને એમાં સહેજેય ઠગાતો નથી; જો મનુષ્યમન પણ એમાં પૂરો વિશ્વાસ મૂકીને ફૂલને મળે છે ત્યારે જુએ છે કે ફૂલે એને ખોટી વાત કહી નહોતી. ફૂલ કેવળ વનમાં જ કામ કરે છે એવું નથી, મનુષ્યના મનમાંય એનું જે કામ છે તેય બરાબર કરતું આવે છે. આપણે માટે એનું કામ શું? પ્રકૃતિને બારણે જે ફૂલને દરેક ઋતુ અનુસાર યથાસમયે મજૂરની જેમ હાજરી આપવી પડે છે તે ફૂલ આપણા હૃદયને દ્વારે રાજદૂતની જેમ આવીને ઊભું રહે છે. સીતા જ્યારે રાવણને ઘરે એકલી બેસીને રડતી હતી ત્યારે એક દિવસ જે દૂત એની આગળ આવીને ઊભો રહ્યો હતો તે રામચન્દ્રની અંગૂઠી સાથે લઈને આવ્યો હતો. એ અંગૂઠીને જોઈને જ સીતા તરત સમજી શકી હતી કે એ દૂત એના પ્રિયતમની પાસેથી જ આવ્યો છે; એ તરત સમજી ગઈ કે રામચન્દ્ર એને ભૂલ્યા નથી, એનો ઉદ્ધાર કરવાને માટે જ એની પાસે આવ્યા છે. ફૂલ પણ આપણી પાસે એ જ પ્રિયતમનો દૂત બનીને આવે છે. સંસારની સોનાની લંકામાં રાજભોગની વચ્ચે આપણે નિર્વાસિત થઈને રહીએ છીએ, રાક્ષસ આપણને સદા કહી રહ્યો છે: ‘હું જ છું તારો પતિ, તું મને જ સેવ.’ પણ સંસારને પેલે પારના સમાચાર લઈને આવે છે ફૂલ. એ ગુપચુપ આપણા કાન આગળ આવીને કહે છે: ‘હું આવ્યું છું, મને એમણે મોકલ્યું છે. એ સુન્દરનો દૂત છું, હું એ આનન્દમયના સમાચાર લઈને આવ્યું છું. આ વિચ્છિન્નતાના દ્વીપનો ઉદ્ધાર કરશે. મોહ તને આમ સદાકાલ બાંધી રાખી શકશે નહીં.’ ત્યારે જો આપણે જાગતા હોઈએ તો એને કહીએ: ‘તું એનો દૂત છે તે અમે શી રીતે જાણીએ?’ ત્યારે એ કહે: ‘આ જુઓ ને, એ સુન્દરની અંગૂઠી મેં સાથે આણી છે. કેવો એનો રંગ, કેવી એની શોભા!’ વાત તો સાચી. એ તો એની જ અંગૂઠી, મિલનની અંગૂઠી. બીજું બધું જ ભુલાવી દઈએ ત્યારે એ આનન્દમયનો આનન્દસ્પર્શ આપણા ચિત્તને વ્યાકુળ કરી મૂકે છે. ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આ સોનાની લંકાપુરી જ આપણું સર્વસ્વ નથી — એની બહાર આપણી મુક્તિ રહી છે — ત્યાં જ છે આપણા પ્રેમનું સાફલ્ય, ત્યાં જ છે આપણા જીવનની ચરિતાર્થતા. પ્રકૃતિમાં મધુકરને મન જે માત્ર રંગ છે, માત્ર ગન્ધ છે, માત્ર ક્ષુધાનિવૃત્તિનો માર્ગ ઓળખવાને માટેના ઉપાયરૂપ છે તે જ મનુષ્યના હૃદયને માટે સૌન્દર્ય છે, વિના પ્રયોજનનો આનન્દ છે. મનુષ્યના મનમાં એ રંગીન શાહીએ લખેલો પ્રેમનો પત્ર લઈને આવે છે. તેથી જ તો મેં કહ્યું કે બહાર પ્રકૃતિમાં ફૂલ ભલે ને કામકાજમાં ગમે તેટલું મશગૂલ હોય, ભલે ને કેવળ કામગરું દેખાતું હોય, આપણા હૃદયમાં તો એ કશા કામકાજ વિના આવજા કરે જ છે. ત્યાં એની લુહારની કોઢમાંનો અગ્નિ આપણા ઉત્સવની દીપમાળા બનીને દેખા દે છે. ત્યાં કારખાનાનો કર્કશ અવાજ સંગીત બનીને ધ્વનિત થઈ ઊઠે છે. બહાર પ્રકૃતિની કાર્યકારણની લોઢાની સાંકળ ઝન્ ઝન્ થાય છે, અન્તરમાં એના આનન્દની અહેતુકતા સોનાના તારે વીણાધ્વનિને ઝંકૃત કરી મૂકે છે. આપણે માટે આ જ તો મોટી આશ્ચર્યની વાત છે — પ્રકૃતિનાં આ એકી સાથે દેખાતાં બે સ્વરૂપ, એક બંધનનું ને બીજું મુક્તિનું; એક જ રૂપરસશબ્દગન્ધમાં રહેલા બે સૂર, એક પ્રયોજનનો ને બીજો આનન્દનો: બહારની બાજુથી જુઓ તો ચંચળતા, અન્તરમાં જુઓ તો શાન્તિ: એક જ વખતે એક બાજુ એનાં કામ ને બીજી બાજુ એની મુક્તિ; બહારની બાજુએ એનો તટ, અન્તરમાં એનો સમુદ્ર. અત્યારે આ પળે શ્રાવણની વૃષ્ટિધારાએ સન્ધ્યાનું આકાશ મુખરિત થઈ ઊઠ્યું છે. એને મારી આગળ એના કામકાજની બધી જ વાત ઢાંકી દીધી છે. પ્રત્યેક તૃણના અને વૃક્ષના પ્રત્યેક પાંદડાના ખાનપાનની વ્યવસ્થા કરવામાં એ ભારે મશગૂલ છે એ વાતનો સહેજસરખો આભાસ પણ આ અન્ધકારની સભામાં એ થવા દેતું નથી. આપણા અન્તરના સાન્ધ્યઆકાશમાં પણ આ શ્રાવણ ઘેરાઈને ઝળુંબી રહ્યો છે. પણ ત્યાં એનો વેશ તે ઓફિસનો વેશ નથી — ત્યાં એ કેવળ ગીતની મહેફિલ જમાવવાને, કેવળ લીલાનું આયોજન કરવાને આવે છે. ત્યાં એ કવિના દરબારમાં ઉપસ્થિત થાય છે તેથી જ ક્ષણે ક્ષણે મેઘમલ્હારના સૂરે કેવળ કરુણ ગાન જાગી ઊઠે છે:
તિમિર દિગભરી ઘોર જામિની,
અથિર બિજુરિક પાંતિયા.
વિદ્યાપતિ કહે, કૈસે ગોંયાયબિ,
હરિ બિને દિનરતિયા.
પ્રહર પછી પ્રહર સુધી આ જ વાત એ કહે છે: અરે, તું તો વિરહિણી છે — તું શી રીતે જીવી રહી શકી છે? તારાં દિવસરાત શી રીતે વીતે છે? એ ચિર દિવસરાત્રિના હરિ જ જોઈએ, નહીં તો દિનરાત્રિ અનાથ બની જાય. સમસ્ત આકાશને રડાવીને આ વાત જાણે આજે નિ:શેષ થવા ઇચ્છતી જ નથી. આપણે એમના વિરહમાં આવી રીતે સમય ગાળી રહ્યા છીએ એ વાત આપણે ખાસ જાણવા જેવી છે, કારણ કે વિરહ મિલનનું જ અંગ છે. ધુમાડો જેમ અગ્નિ પ્રકટે તેના આરમ્ભરૂપ હોય છે તેમ વિરહ પણ મિલનનો ઉચ્છ્વાસ છે. એ આપણને જણાવે કોણ? આ તમારું વિજ્ઞાન જેને પ્રકૃતિના કારાગારના કેદી લેખે છે, જેઓ પગે સાંકળ બાંધીને એકબીજા સાથે બંધાયેલા રહીને દિવસરાત મૂકની જેમ માત્ર કામ કર્યે જાય છે, તેઓ જ આપણને એની જાણ કરે છે. એમની સાંકળનો અવાજ આપણા હૃદયમાં જઈને પ્રવેશે છે કે તરત જ આપણે જોઈ શકીએ છીએ કે એ વિરહનું વેદનાગાન છે, ને એ જ મિલનનું આહ્વાનસંગીત પણ છે. એ બધું કોઈ ભાષાથી કહી શકાતું નથી. એ બધા સમાચાર તો એ લોકો જ ગુપચુપ આવીને કહી જાય છે ને મનુષ્યકવિ એ બધી ખબરને ગીતમાં કંઈક શબ્દોથી તો કંઈક સૂરથી બાંધીને ગાય છે:
ભરા બાદર માહ ભાદર,
શૂન્ય મન્દિર મોર.
આજે મને માત્ર મનમાં રહી રહીને એવું લાગ્યા કરે છે કે આ જે વર્ષા તે કાંઈ એક સાંજની વર્ષા નથી, એ તો જાણે મારા સમસ્ત જીવનની અવિરત શ્રાવણધારા છે. જેટલે દૂર નજર જાય તેટલે દૂર સુધી જોઉં છું, મારા સમસ્ત જીવનની ઉપર સંગીહીન વિરહસન્ધ્યાનો નિબિડ અન્ધકાર છવાયો છે — એના દિક્દિગન્તને વ્યાપી લઈને અશ્રાન્ત શ્રાવણની વર્ષાએ પ્રહર પછી પ્રહર વીત્યે જાય છે; મારું સમસ્ત આકાશ ઝર્ઝર્ કરીને બોલે છે: ‘કૈસે ગોંયાયબિ હરિ બિને દિનરતિયા?’ તોય એ જ અન્ધકારના, એ જ શ્રાવણના અન્તરમાં એક નિબિડ રસ અત્યન્ત ગુપ્તપણે ભરીને રાખ્યો છે; કશુંક એવું અનિર્વચનીય માધુર્ય માણું છું જે પ્રાણને જ્યારે વ્યથાઓ રડાવે છે ત્યારે જ એ વિદીર્ણ વ્યથાના અન્તરમાંથી અશ્રુસિક્ત આનન્દને પણ બહાર ખેંચી લાવે છે. વિરહસન્ધ્યાના અન્ધકારને કેવી રીતે દિવસરાત વીતશે એમ કહીને જો માત્ર રડવાનું જ હોત તો તો સમસ્ત રસ સુકાઈ ગયો હોત અને આશાનું અંકુર સુધ્ધાં બચ્યું ના હોત; પણ કેવી રીતે વીતશે એટલું જ નથી કહ્યું, ‘હરિ બિને દિનરતિયા’ કેવી રીતે વીતશે એમ કહ્યું છે. આથી જ ‘હરિ બિને’ને વ્યાપી લઈને આટલી અવિરલ અજ વર્ષા વરસી રહી છે. ચિરદિનરાત્રિ જેના સાથમાં વીતી જાય એવું એક ચિરદિનનું ધન કોઈક છે — તેને નથી પામ્યા તો ભલે નથી પામ્યા, તોય એ છે, એ છે જ — વિરહના સમસ્ત વક્ષને ભરી દઈને એ રહ્યા છે — એ હરિ બિન કૈસે ગોંયાયબિ દિનરતિયા? આ જીવનવ્યાપી વિરહના આરમ્ભમાં જે રહ્યા છે, જ્યાં એનું અવસાન ત્યાં જે રહ્યા છે, ને એ એના મધ્યમાં ગભીરભાવે પ્રચ્છન્ન રહીને જે કરુણ સૂરની બંસી બજાવી રહ્યા છે તે હરિ બિને કૈસે ગોંયાયબિ દિનરતિયા? (સંચય)