અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/એક ટેલિફોન ટૉક

Revision as of 08:51, 17 October 2021 by Atulraval (talk | contribs)


એક ટેલિફોન ટૉક

ચન્દ્રકાન્ત ટોપીવાળા

હલ્લો સાગર
કાંઠાના વેલા ફાંસામાં ગળાડૂબ મોઢે ફરતા ફૂંફવતા
ફીણના હલ્લા વચ્ચે હલ્લો સાગર હું
તમારું પાણી બોલું છું હલ્લો હલ્લો સાગર હું
તમારું પાણી બોલું છું તમારી વાણી અહીં સુધી
નથી પહોંચતી તમારું પાણી બોલું છું તમારી
વાણી નથી બોલી શકાતી
હલ્લો સાગર
નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર રેતીનો
ખીલ્લો ખીલ્લો બાંધી રાખે છે પાણીપંથા અશ્વો
પાણીપોચાં વિશ્વોનાં સપનાંઓનો ભય તમારાં પાણીને
પાણી પાણી કરી નાખે છે તમારી વાણી નથી
બોલી શકાતી ઠાલાં છીપોના દ્વીપો ઠેલ્લો મારે છે
હલ્લો સાગર હલ્લો સાગર
નીલ્લો તમારો કિલ્લો તૂટે તો રેતીનો ખીલ્લો ખીલ્લો છૂટે
હલ્લો સાગર નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર
અગસ્ત્યના પેટસૂતું હું તમારું પામી વડવાનલની
જીભે જલતું હું તમારું પાણી ચૌદ રત્નના ઘામાં
ગભરુ તમારું પાણી બોલું છું



આસ્વાદ: ઍપિક સ્કેલ પર પરિણમતી ટૉક – રાધેશ્યામ શર્મા

‘એક ટેલિફોન ટૉક’ શીર્ષકવાળી કાવ્ય-આકૃતિ, સ્વરમંડલયુક્ત, પ્રાસમંડિત શબ્દઘટકોની એક વિરલ રચના છે. કર્તા નાયકનાં આત્મલક્ષી સંબોધન અને ભાવવમળોનાં કોલાજ અભિનયજાયકો પીરસે છે.

‘હલ્લો’, ‘નીલ્લો’, ‘ખીલ્લો’, ‘કિલ્લો’ શબ્દોના પુનરાવૃત્ત ધ્વનિ–સામ્યોનો વિનિયોગ, પદાવલિના પ્રત્યેક વળાંકના લયોમાં પરોવાયેલો છે.

ટેલિફોન ટૉક વન–વે–ટ્રાફિક છે; કોઈ વ્યક્તિને નહીં, પ્રકૃતિવિશ્વના તત્ત્વાંશ સાગરને સંબોધી પ્રસરી છે. સાગરફીણના હલ્લાથી ધક્કેલાયેલ નાયક સાગરને હલ્લો કહે છે, પ્રચલિત હેલો, કે એલાવ કરતો નથી.

ટૉકની બે પરિસ્થિતિ તાદૃશ્ય થઈ છે:

એક, ‘હલ્લો સાગર હું તમારું પાણી બોલું છું.’

બે, ‘તમારી વાણી અહીં સુધી નથી પહોંચતી…તમારી વાણી નથી બોલી શકતી.’

સાગર અબોલ હોય, કદાચ એની ભાષા ફીણના હલ્લા મનાય!

રચનાનો પ્રથમ ગુચ્છ ચિત્ર દૃશ્યાત્મક વર્ણનથી ઉદ્ભાસિત છે આ પંક્તિમાં –

કાંઠાના વેલા ફાંસામાં ગળાડૂબ મોઢે ફરતા ફૂંફવતા ફીણના હલ્લા…

ફીણ ભેળા ‘ફાંસા, ફરતા, ફૂંફવતા’નું ધ્વન્યાત્મક સંકલન યાદગાર..

‘હલ્લો’ પછી બીજા ગુચ્છમાં ઓચિંતો ચમકતો ‘નીલ્લો’ શબ્દ કેટલો સાભિપ્રાય છે. ‘નીલ્લો’, નીલ વર્ણ આસમાની–કાળો આકાશની જેમ સાગરને પણ ઊંડળમાં લે. આવાહનના ટોનમાં કહે છે: ‘તમારો કિલ્લો તોડી આવો બહાર, રેતીનો ખીલ્લો ખીલ્લો બાંધી રાખે છે પાણીપંથા અશ્વો.’ કિલ્લાની રેતી પાણીપંથા અશ્વોને ખીલે જકડી રાખે એ તદ્દન અણધાર્યો વિસ્મય વેરતી પંક્તિ છે.

એથીય આગળ સર્જનકળાનું સ્તર લક્ષ્યતી પદાવલિ આ રહી:

પાણીપોચાં વિશ્વનાં સપનાંઓનો ભય તમારાં પાણીને પાણી પાણી કરી નાખે છે.

સમુદ્રજળને પણ, પાણી પાણી કરતો પ્રયોગ નવતર નથી? વિલક્ષણ આવાહન શા કાજે કરવું પડ્યું? ‘પાણીપોચાં વિશ્વોનાં સપનાંઓના ભય’ને કારણે! આ લખનાર અદના ભાવકને પાણી પાણી કરતી કાયનેટિક ઇમેજરિ આ રહી:

ઠાલાં છીપોના દ્વીપો ઠેલ્લો મારે છે

મોતીવંધ્ય ઠાલાં છીપોના દ્વીપો, સર્જક પ્રકાશથી તાદૃશઃ કોઈ વૉર મિનિસ્ટર વડાપ્રધાન જેવા અધિકારીને સલાહસૂચનની પરિભાષામાં બોલતો હોય તેમ કાવ્યનાયક કહે છે: નીલ્લો તમારો કિલ્લો તૂટે તો / રેતીનો ખીલ્લો ખીલ્લો છૂટે હલ્લો સાગર / નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર…

આ કૃતિની પરાકાષ્ઠા કહો કે પૂર્ણાહુતિ, અનોખા પૌરાણિક સંદર્ભથી નાયક ગળે આવી જઈ દારુણ દશાના વર્ણનથી સાગરને જાણે ઢંઢોળે છે:

‘અગત્સ્યના પેટસૂતું હું તમારું પાણી વડવાનલની જીભે જલતું હું તમારું પાણી ચૌદ રત્નના ઘામાં ગભરુ તમારું પાણી બોલું છું.’

‘અગત્સ્યના પેટસૂતું પાણી’ પાણિનીના સમાસસમું લાગે, પણ અનુગામી પંક્તિઓમાં વડવાનલ–સમુદ્રઅગ્નિની જીભે જલતું તેમજ ચૌદ રત્નના વ્રણમાં વસેલું, ગભરુ પાણી નાયકને મહાભારતના કર્ણ કે અશ્વત્થામાની કક્ષાદશામાં મૂકી આપે. આ જળ જીભે જલતું અને ગભરુ પણ છે. સમુદ્રમંથન–ઉત્પન્ન ચૌદ રત્નના જખ્મમાં રહેલું પાણી… ક્યા બાત હુઈ….

કાવ્યકલાની પરિણતિ, રચનાની પ્રક્રિયામાં છેલ્લી ત્રણ પંક્તિ જે રીતિવિશેષથી સર્જક ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ઍપિલ સ્કેલ પર રચી એનાં ‘દિલ સે’ અ–ભિ–નં–દ–નમ્…

‘ટૉક’ તથા સાગરને અનુલક્ષતી, ‘લેવિસ કૅરોલની પંક્તિઓ પેશ કરું…

ધ ટાઇમ હેઝ કેમ, / ટુ ટૉક ઑફ મૅની થિંગ્ઝ: ઑફ વ્હાય ધ સી ઇઝ બૉયલિંગ હૉટ / ઍન્ડ વેધર પીગ્‌ઝ હેવ વિન્ગ્‌ઝ‘ (રચનાને રસ્તે)