અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/તણખલું

Revision as of 10:51, 17 October 2021 by Atulraval (talk | contribs)


તણખલું

યોગેશ જોષી

ત્રણેક કાળાં વાદળો
એકમેકને છેદતાં હતાં ત્યાં
દેખાતું હતું અજવાળાંની બખોલ જેવું
આકાશમાં માળો ન બંધાય
એ જાણવા છતાંય હું
ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
ચાંચમાં
સુક્કું સોનેરી તણખલું લઈને!



આસ્વાદ: તણખલું વિશે – રાધેશ્યામ શર્મા

વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાનું સમ્પાદન ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (ઉત્તરાર્ધ) શ્રી બ. ક. ઠાકોરના પૂર્વાર્ધ સમ્પાદન જેટલું પ્રતિષ્ઠા પામ્યું, પરંતુ એમાં કવિ યોગેશ જોષીની કેવળ એક જ ‘તણખલું’ કૃતિનો સમાવેશ છે.

આ ‘તણખલું’ માત્ર અષ્ટપદ પંક્તિમાં પૂરી થતી લઘુ રચના છે.

આવી લઘુક કૃતિ, મારા પ્રિય કાવ્ય–આસ્વાદ–ગ્રંથ સ્ટૅન્લી બર્નશો સમ્પાદિત ‘ધ પોએમ ઇટસેલ્ફ’માં ઉંગોરેત્તીની ‘મૅટ્ટીના’ છે. જેની અંગ્રેજીમાં અનુવાદિત ફક્ત બે કડીઓ છે: ‘આઇ ફ્લડ માયસેલ્ફ વીથ લાઇટ / ઑફ ધ ઇમેન્સ..’

યોગેશની રચનામાં અજવાળું છે પણ એની બખોલ રૂપે! રોકડી આઠ કડીઓની કૃતિનું મથાળું છે:

‘તણખલું’

પ્રથમ સ્તબકની ત્રણ પંક્તિઓમાં કોઈકની દૃષ્ટિમાં પ્રસરેલ આકાશી દૃશ્યનું વર્ણન છે.

પહેલી પંક્તિ: ‘ત્રણેક કાળાં વાદળો’

(કાળાં વાદળો કેટલાં? ‘ત્રણેક’)

બીજી પંક્તિ: ‘એકમેકને છેદતાં હતાં ત્યાં

(‘ત્યાં’ અક્ષર દ્વારા લોકેશન સંકેલું)

ત્રીજી પંક્તિ: ‘દેખાતું હતું અજવાળાંની બખોલ જેવું

વાદળો કાળાં છે, એકમેકને છેદે છે પણ ત્યાં વિસ્મયની ચમત્કૃતિ એક અજબ કૉન્ટ્રાક્ટ સાથે ઝળકી છે:

‘અજવાળાંની બખોલ જેવું’

વિજ્ઞાને ‘બ્લૅક હોલ’ શોધી આપ્યું –

કવિએ ‘હૉલો ઑફ લાઇટ’ સર્જ્યું – ‘અજવાળાંની બખોલ’

રચનાનો બીજો સ્તબક એક પ્રકારનો ‘કૉઝમિક લીપ’ – ગગનવ્યાપી કૂદકો કલ્પનાંકિત કરે છે; ત્યાં માનુષિક મર્યાદાની સ્વીકૃતિ પણ સુપેરે થઈ છે:

‘આકાશમાં માળો ન બંધાય એ જાણવા છતાંય હું’

અહીંયાં ‘હું’ કોણ?

મનુષ્ય રૂપે કર્તા નથી, તે હું પક્ષી રૂપે છે!

‘ઊડવા લાગ્યો એ બખોલ તરફ’

– પછી શું કર્યું?

ચાંચમાં સુક્કું સોનેરી તણખલું લઈને’

શીર્ષકમાં જે કોરું તણખલું હતું, વિશેષણવિહોણું તે અહીં બબ્બે વિશેષણથી સમૃદ્ધ થયું:

‘સુક્કું સોનેરી’

‘અજવાળાંની બખોલ’, ‘આકાશમાં માળો’ બાંધવાનું અશક્ય એમ જોયા-જાણ્યા પછી સર્જનાત્મક ચેતનાનું ઉડ્ડયન, કદાચ બખોલ અજવાળાંની ના હોય તોય – સૂર્યકિરણના પ્રતીક સમું સોનેરી તણખલું લઈને આશ્વસ્ત થાય છે. તણખલું તો સુક્કું છે, હોઈ શકે, પણ તે સોનેરી છે!

કવિશ્રી યોગેશ જોષીની કાવ્યકળાનો જાદુ કાવ્યનાયકનો પક્ષીરૂપમાં સફળ પરકાયાપ્રવેશ રીતે સિદ્ધ થયો છે:

કૃતિ નિમિત્તે વૉલ્ટ વ્હીટમૅનને સ્મરીએ, તેમણે પણ તણખલા–પર્ણનો મહિમા કર્યો છે:

‘I believe a leaf of grass is no less than the Journey–work of the stars…’

(Song of Myself, 31. 663) (રચનાને રસ્તે)