અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/હાઇકુ

Revision as of 11:30, 18 October 2021 by Atulraval (talk | contribs)


હાઇકુ

સ્નેહરશ્મિ


ઝાપટું વર્ષી
શમ્યું; વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં.



ફરતી પીંછી
અંધકારની : દીપ
નહીં રંગાય.



નવવધૂએ
દીપ હોલવ્યો : રાત
રૂપની વેલ.



રાત અંધારી :
તેજ-તરાપે તરે
નગરી નાની.



વાળવી વાડી
શી રીતે! — પાનખર
ઘડી ન જંપે!



તરતું જાય
હવામાં પંખી ગાતું :
નભ રંગાતું.



સૂકેલી ડાળે
પોપટ બેઠો : પાન
ચોગમ લીલાં.



પતંગિયું ત્યાં
થયું અલોપ : શૂન્ય
ગયું રંગાઈ.



ઊગે સોનેરી
ચાંદ : સૂરજ થાય
રૂપેરી રાતો!


૧૦
છાપરું ચૂવે :
ભીંજે ખોળામાં બાળ
માનાં આંસુથી.


૧૧
સમીર ગયો
પકડાઈ તું કંપ
મહીં પર્ણોના!


૧૨
ભરું પાણીડાઃ
સવા લાખની મારી
ચૂંદડી કોરી


(સકલ કવિતા, પૃ. ૨૫૩, ૨૫૫, ૨૫૬, ૨૬૨, ૨૭૦,
૨૭૮, ૨૭૯, ૩૨૧, ૩૨૫, ૫૧૬, ૫૨૨)



આસ્વાદ: અપાર અર્થછાયાઓ – હરીન્દ્ર દવે

એક જાપાનીઝ હાયકુ છે—“હમણાં જેનો સાદ સંભળાયો એ મધ્યાહ્ન હતો?” આટલી બે પંક્તિ પછી ત્રીજી પંક્તિમાં કવિ માત્ર એક શબ્દ મૂકી દે છે—“કોયલ.” જે સાદમાં આખો યે સમય ઊતરી આવ્યો હતો એ તો કોયલનો સાદ હતો. એક નાનકડી વાત, પણ કેવી છટાથી કવિએ કહી છે? એનું મનન કરીએ તો નથી ને નવી અર્થછાયાઓ પ્રગટ થાય!

જાપાનનો આ કવિતાપ્રકાર આપણે ત્યાં લાવવાના હમણાં જે પ્રયત્નો થયા છે એમાંના કેટલાક આપણે અહીં જોઈએ. પણ એ પહેલાં કોઈ પૂછે છે કે આ હાયકુ એટલે શું? આપણે ત્યાં જેમ ચાર ચરણના દૂહા કે બે પંક્તિના ગઝલના શેર છે એ જ રીતે જાપાનમાં પાંચ, સાત અને પાંચ અક્ષરો મળી કુલ સત્તર અક્ષરોની ત્રણ પંક્તિઓનું જ કાવ્ય રચાય છે તેને તેઓ હાયકુ કહે છે. અહીં અર્થને વધારે વ્યાપક સંદર્ભમાં મૂકવાનો કવિ યત્ન કરે છે. આ સત્તર અક્ષરો સાથે કવિ એક જગત રચી દેતા હોય એમ લાગે છે. ક્યારેક કવિને એમાં સફળતા મળે છે. કવિએ ન કલ્પેલા સૌંદર્યલોકો ભાવક સમક્ષ ઊઘડતા જાય છે. કોઈ વાર કવિએ જે કહેવાનું હોય એ તદ્દન અસ્પષ્ટ રહી જાય ત્યારે રચના ધૂંધળી બની જાય છે.

આપણે પ્રથમ હાયકુ લઈએ. પતંગિયું ઊડ્યા કરતું હોય — આપણે કેટલાયે સમયથી એના ગતિરૂપને વાતાવરણમાં પથરાતું જોયા કરતા હોઈએ, પછી એકાએક એ પતંગિયું અલોપ થઈ જાય તો પણ શૂન્યમાં એનો રંગ પથરાયેલો જ રહે છે. કશુંક વીતી જાય, ત્યારે પણ એનું સ્મરણ વાતાવરણમાંથી વીતી શકતું નથી.

હવે આપણે બીજી કૃતિ જોઈએઃ સાંજનો સમય છે. ગોધણ પાછું ફર્યું છે અને વાડામાં બંધાઈ પણ ગયું છે. પંખીઓ માળામાં જંપી ગયાં છે—હવે ચોતરફ માત્ર શૂન્યતા છે. પણ કવિ એને શૂન્યતા રૂપે નથી જોતા. હજી સીમમાં આખું આકાશ પડ્યું છે. સીમ હજી શૂન્ય નથી બની. અહીં સત્તર શબ્દ આખીયે રચનાને કેટલી ભરી ભરી બનાવી દે છે!

જે કંટકે પુષ્પો મહોર્યાંની વાત કવિ કહે છે એ કયા કંટકો? અને કયાં ફૂલો? જે ફૂલો પર સૂર્યો ચમકે છે એ કયા સૂર્ય? કલ્પનાની નિઃસીમતામાં આપણે મુકાઈ જઈએ છીએ — આ રચનાના નિરવધિ અર્થો છે; જેટલી વ્યક્તિ એટલા અર્થો.

અંધકારની પીંછી બીજું બધું રંગી શકે, પણ દીપને એ શ્યામ બનાવી શકે છે? ચમત્કૃતિ છે, છતાં સ્પર્શી જાય એવી છે.

અને આપણે સૌ અતીતમાં જીવતા હોઈએ છીએ. સાતસાગરને પાર આવેલા કોઈ અજાણ્યા નગરની એકાંત સીમમાં ઊભેલા એકદંડિયા મહેલમાં નિસાસા નાખતી રાજકુમારી સાથે પ્રત્યેક બાળકને સંબંધ હોય છે. અને આ બાળક પ્રત્યેક માણસમાં જીવે છે. તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી એનું શૈશવ લઈ લ્યો, એનો જીવનરસ ઊડી જશે. પણ એ શૈશવની નગરીનો રસ્તો યૌવન ગુમાવી બેઠું હોય છે… એનો રસ્તો શોધવામાં જ કદાચ શેષ જિંદગી વીતી જાય છે…

— આ પાંચે રચનાઓને અહીં આપણે લગાર સ્પર્શીને જ છોડી દીધી છે. પણ એ વિશે આપણે અનેક અર્થછાયાઓ બાંધી શકીએ. કાવ્યત્વયુક્ત અર્થછાયા આમાંથી મળી રહે છે, એટલે જ આ રચનાઓ આપણને સ્પર્શે છે. (કવિ અને કવિતા)



આસ્વાદ: સ્નેહરશ્મિનાં હાઇકુ વિશે – ઉદયન ઠક્કર

સત્તર અક્ષરમાં અઢાર વાત તો ક્યાંથી થાય? માંડીને વાત કરવી હોય તો આખ્યાન લખવું. છાંડીને વાત કરતાં આવડે તો હાઇકુ. ભાવક પર ભરોસો ન હોય તેણે હાઇકુના ધંધામાં પડવું નહિ.

હાઇકુ એટલે શું? ત્રિપગી ચમત્કૃતિ? સત્તરાક્ષરી ઉખાણું? પંદરમી સદીમાં સોકાને લખ્યું,

મૂકી શકાય ચન્દ્રે દાંડી તો પંખો ફૂટડો થાય

ચાલો, પંખો તો થયો, પણ કવિતા?

સ્નેહરશ્મિનાં હાઇકુ વાંચીએ. ઝાપટું શમી ગયું છે. ઘાસની કેડે બાઝેલું એક બચુકડું ટીપું ઊંચે જુએ છે ને મલકાય છે. ચાંદીનું ચૂર્ણ ચમકતું ચારેકોર. જાણે મોતી વેરાણાં ચોકમાં —

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે હું નથી માનતો, આ ચન્દ્ર તો ગપોડી છે.

રાત પડી; અંધકારનો ખડિયો ખૂલ્યો; આકારો ઓગળ્યા નિરાકારમાં; ગોરી ધેનુ, લીલા કદંબ અને જામલી મોરપિચ્છ હવે શ્યામમય થયાં.

અલકમલક સીમને છેડે વડની તળે જલમાં કાળી શાહીનું ટીપું ભળે

(મણિલાલ દેસાઈ)

ફરતી પીંછી અંધકારની. પણ જ્યોતિનો સ્વભાવ જ અડવો. તિમિરોના સ્નેહસંમેલનમાં ભળી ન શકે. જમાનાના રંગે બધાં રંગાતાં નથી. અડાબીડ અન્યાયો વચ્ચેય કેટલાંક ઉજ્જ્વળ રહી શકે છે.

અંધકાર સામે પ્રકાશની પટાબાજી ખેલતો દીપક નવોઢાની પહેલી જ ફૂંકે પરાસ્ત થઈ જાય છે અને જાગી જાય છે રાતનું રૂપ. ‘શું કોઈ પદમણી નારીને નિજ કેશ ઉઘાડા મૂક્યા છે?’ દીવો હોલવીને કવિ કલ્પનાને સંકોરી મૂકે છે.

રાતને સમે હિલ સ્ટેશનેથી ઊતરતાં ઊતરતાં તળેટીના કાળા જળમાં તેજનો તરાપો તરતો દેખાય છે. આ તે કઈ નગરી? ને આ નગરીમાં ‘ન’ ‘ત’ ‘ર’ની કેવી નવતર ‘વર્ણ’વ્યવસ્થા!

આશાના આભલે ટંકાઈ, મનોરથના મોરલે ચિતરાઈ, પછી કુંવારિકાની ચૂંદડી કાં ન હોય સવા લાખની? પાણિયારેથી આવતી બાળા શૃંગારરસનું વહન કરી રહી છે, પાન નહિ, એટલે તરસી જ છે. સંત અને કવિમાં આટલો ફેર. એક ચુનરિયા કોરી રાખવા માગે, બીજો રસછાંટણે ભીંજવવા.

કોક વાર એક જ પનઘટ પે સરખેસરખી બે સૈયરો પાણીડાં સાથે સીંચતી હોય. સરખાવોઃ

સોળ વરસની છોરી, સરવરિયેથી જળને ભરતી તોયે એની મટકી રહેતી કોરી

(પ્રિયકાન્ત મણિયાર)

(‘જુગલબંધી’)