અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/અંધારું લ્યો

Revision as of 14:02, 21 October 2021 by Atulraval (talk | contribs)


અંધારું લ્યો

રાજેન્દ્ર શુક્લ

ઊંટ ભરીને આવ્યું રે
અંધારું લ્યો,
આ પોઠ ભરીને આવ્યું રે
અંધારું લ્યો… ઊંટ ભરીને.

કોઈ લિયે આંજવા આંખ,
કોઈ લિયે માંજવા ઝાંખ;
અમે તો ઉંબરમાં ઉતરાવ્યું રે
અંધારું લ્યો,
અમે તો આંગણામાં ઓરાવ્યું રે
અંધારું લ્યો….
ઊંટ ભરીને.

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ —
અમે તો મૂઠી ભરી મમળાવ્યું રે,
અંધારું લ્યો,
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
અંધારું લ્યો…
ઊંટ ભરીને.
(કોમલ રિષભ, પૃ. ૨)



આસ્વાદ: નિરાકારને નાથવાની કલા — જગદીશ જોષી

બાળક પોતાની મા સાથે જેમ પેલી નાળથી વળગ્યું હોય છે એમ દરેક શબ્દને એના અર્થ અને અધ્યાસ વળગ્યા હોય છે. શબ્દને પોતાના સંસ્કાર છે, ઇતિહાસ છે, અધ્યાસ છે. બાળકની નાળ તો વધેરાય છે અને બાળક પોતાનું અલાયદું અસ્તિત્વ પ્રાપ્ત કરે છે. પણ કેટલાક શબ્દોની નાળ ક્યારેય વધેરાતી નથી હોતી. હા, શબ્દને ફેફસાંમાં વધુ ઊંડો શ્વાસ લેવાની શક્તિ વધુ ને વધુ મળતી રહે એ ખરું.

‘ઊંટ’ શબ્દ બોલો અને એ સાથે જ રણ, રેતી, તાપ, વિસ્તાર, વેરાન, તરસ અને એ એકલસૂડા પ્રાણીની આંખમાં રહેલી ખંધી ઉદાસીનતા બધું જ નજર સામે ખડું થાય. રણના તાપની સાથે સફરને અંતે, યાતનાના કાફલાને છેડે, અંધકાર અને એમાંથી મળનારી શાતાની અપેક્ષા જન્મે.

અજવાળા માટે — lime light માટે — માણસો કેવાં ફાંફાં મારતા હોય છે! પણ જે માણસે અંધકારની આંખમાં આંખ પરોવીને જોયું નથી, જેણે અંધકારનો સામનો કર્યો નથી એને પ્રકાશની મુલાકાત થતી નથી.

‘Light breaks when no sun shines.’ પણ આપણામાંના ઘણાને પ્રકાશ નથી જોઈતો: એમણે તો પોતે જ સૂરજ બનવું છે! ત્યારે, આ કવિ અંધકારને કેવો વાગોળે છે!

અહીં અંધારાની તો પોઠ આવી છે. ઊંટની પીઠ પર ઠાંસી ઠાંસીને લાદેલું, અંધારું આવ્યું રે… અને, એની સાથે એક સાદ પણ આવે છે: ‘અંધારું લ્યો…’ કવિએ ‘લ્યો’નો પ્રયોગ પણ કેવો લડાવીને કર્યો છે! ‘જુઓ લ્યો, આ અંધારું આવ્યું’ અથવા ‘આવ્યું જ છે તો ભાઈ, લઈ લ્યો’ (કવિને આ બેમાંથી શું એક જ અભિપ્રેત હશે?) આ અંધારું ‘પોઠ ભરીને’ આવ્યું છે, અંધારની વણજાર આવી છે.

આ વણજારા સાથે દરેક માણસ પોતપોતાની રીતે, પોતાનાં હિત ને હેતુ મુજબ સોદો કરશે. પણ એવાય વિરલા હોય છે જે કોઈ પણ પ્રયોજન વગર અંધકારને અંધાર રૂપે જ સ્વીકારે. કોઈ પોતાની આંખને આંજવા માટે એને સ્વીકારે, જાણે કે એ કાજળ ન હોય! કોઈ પોતાની ઝાંખપને માંજવા માટે એને ઉપયોગ કરે, પણ આવા utilityના ઉદ્દેશની futility જાણનાર કોઈક સર્જકને જ એનો નિરુદ્દેશ સ્વીકાર કરી લેતાં આવડે. મનુષ્યના સર્જન માટે ઈશ્વરને પણ અંધકારનો ખપ પડ્યો એટલે એણે માતાના ગર્ભનો અંધકાર સર્જ્યો અને અંધકારના રક્ષણનો એણે કેવો મહિમા રચ્યો!

આ કવિ જાણે બધા કલાકારો વતી કહેતા ન હોય એમ કહે છે: ‘અમે તો ઉંબરમાં ઉતરાવ્યું રે! અંધારું લ્યો…’ ત્યાર પછીનો કવિનો પ્રયોગ ‘ઓરાવ્યું’ કેવો સુમધુર છે! પોહ ફાટે ત્યારે જે માણસ ઘંટીના મધુરમંજુલ એકધારા ઘૂંટાતા જતા સંગીત સાથે જાગ્યો હોય કે જેણે કાળી ભીની ધરતીમાં ચાસ પડાતા જોયા હોય એને જ આ associationsની સૃષ્ટિની યાદનો અંગમરોડ સાધ્ય બનશે. કોક વળી રાંધણિયા સુધીની ઘ્રાણેન્દ્રિયની સોડમનો પથ લેશે.

પણ અમારા આંગણે ઓરાવ્યાં અંધારાનું તો જુઓ કેવું રૂપાંતર થઈ ગયું! એ તો થઈ ગયું આભને આંબી જાય એવડો મોટો છોડ. અને આ કોડ પણ નાનોસૂનો નથી. છોડ અને કોડ આભને વળૂંભવા માટે જાણે હોડ ન બક્યા હોય! અંધકાર કે પ્રકાશ તો આભમાંથી નીચે ઝરે, પણ આ તો અંધકારનું ઊર્ધ્વીકરણ કરે છે કવિ.

જ્યાં આકાર પોતે જ અંધ છે, જ્યાં આકારમાત્ર આંખમાં જ વસ્યો છે, એવા અંધારના રૂપને કલાકાર પ્રગટ કરે છે અને કેટકેટલી રીતે એ આકારને માણે છે! ‘ઊંટ ભરીને’માં દૃશ્ય, ‘મમળાવ્યું’માં સ્પર્શ અને ‘ભાવ્યું’માં સ્વાદ… ઊંટને જેમ નાકમાં દોરી પરોવી નાથવામાં આવે છે એ રીતે કવિએ તો અંધારાના નિરાકાર રૂપને જાણે પંચેન્દ્રિયથી નાથ્યું છે!

રાજેન્દ્ર શુક્લની કલમ ધોધમાર લખતી નથી, કારણ એમ પણ હોય કે પડઘાઓમાં ઘૂમવાની એમની કલમને આદત નથી. એટલે, તેઓ જે કંઈ લખે છે એમાં, કવિએ કરવી જોઈએ એવી, પોતાના અવાજની તેઓ દરકાર કરે છે. (‘એકાંતની સભા'માંથી)