ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/ઉઘાડી બારી

Revision as of 13:41, 22 October 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨. ઉઘાડી બારી | }} {{Poem2Open}} આ ગ્રંથમાં મુખ્યત્વે લોકશાહી, ભારત,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨. ઉઘાડી બારી

આ ગ્રંથમાં મુખ્યત્વે લોકશાહી, ભારત, કેળવણી-વિષયક લેખો છે. તે ઉપરાંત એમાં વિદ્યા, કલા, રંગભૂમિ, ચરિત્રસંકીર્તન, કર્મયોગ – એ વિષયો પણ છેડાયા છે. લેખકે કુલ ૯૧ લઘુલેખો આમાં આપ્યા છે. આ લઘુલેખો આમ તો નિબંધવર્ગમાં જ સમાવેશ પામે છે; આમ છતાં તેનું સ્વરૂપ કંઈક વિશિષ્ટ જણાય છે. આ લેખો ‘ચિંતનાત્મક લેખો’[1], ‘ભાવનાલેખો’[2], ‘લઘુનિબંધો’[3] વગેરે નામોથી પણ ઓળખાવાયા છે. આ લેખો ઉમાશંકરના સજાગ તંત્રી-કર્મના, એમના સંવેદનપૂત તંત્રીધર્મના દ્યોતક છે. આ લેખો તંત્રીલેખો જ છે અને તે કદની દૃષ્ટિએ ‘સંસ્કૃતિ’ના પહેલા પાના પૂરતા જ મોટા ભાગે મર્યાદિત રહેલા હતા. એટલે આ લેખોનું લાઘવ, કથનની સૂત્રાત્મકતા – એ પણ એક એમનું અનિવાર્ય લક્ષણ જણાય છે. ‘ઉઘાડી બારી’માં ઉમાશંકરે મુક્ત વિચારનો – વિચારસ્વાતંત્ર્યનો ભારે આદર કર્યો જણાય છે. કવિએ તો પોતાની પૂરી ચૈતસિક તાકાતથી આ સંસારમાં જીવવું જોઈએ; ખુલ્લા મનથી બધું જોવું – સાંભળવું – અનુભવવું જોઈએ ને સત્યનિષ્ઠાથી યથારુચિશક્તિ તેનો પડઘો લખાણમાં પાડવાનું ઠીક લાગે તો પાડવો જોઈએ. ઉમાશંકર તો કવિ ઉપરાંત તંત્રી ને તેય ‘સંસ્કૃતિ’ – નામધારી માસિકના. તેઓ સાંસ્કૃતિક ઘટનાઓ પ્રત્યે ઉપેક્ષા યા બધિરતા રાખે તો તો કેમ ચાલે ? એવું વિમુખીભવન તો જાડ્યને જ પોષે. ઉમાશંકર ઊંડે અંતરંગે પૂરા કવિ. એમનાથી જાડ્ય જીરવાય ? અવારનવાર તેઓ માનવતાથી અનુબદ્ધ (‘કમિટેડ’) એવા સંસ્કૃતિવિચારક તરીકે પોતાનો જે તે સાચો અવાજ પ્રગટ કરીને રહે છે. ઉમાશંકરના ‘ઉઘાડી બારી’માંના સંસ્કૃતિલેખોને એમના મુક્ત ને સત્યનિષ્ઠ મનના કવિધર્મના રંગે રંગાયેલ ઉદ્ગારો તરીકે જ સાંભળવા – સમજવા ઘટે. ઉમાશંકરે પોતે જ સૂચિત કર્યું છે તેમ, ‘ઉઘાડી બારી’ શબ્દપ્રયોગ તેમણે સર પ્રભાશંકર પટ્ટણીની એક પંક્તિ ‘ઉઘાડી રાખજો બારી’માંથી તારવી લીધેલ છે. આ ‘ઉઘાડી બારી’ની વાત રવીન્દ્રનાથના ‘અચલાયતન’માંયે આવે છે. ગાંધીજીએ પણ ‘ઉઘાડી બારી’નો સંદર્ભ એક લેખમાં યોજેલો. તેમણે જણાવ્યું છે :

“મારા ઘરને ચારે બાજુએ ભીંતથી રૂંધી નાખવા હું નથી ચાહતો, અને મારી બારીઓને પણ બંધ રાખી મૂકવા નથી ચાહતો. મારા ઘરની આસપાસ બધા દેશની સંસ્કૃતિના વાયરા મુક્તપણે ભલે વાતા. પણ તેમ છતાં એ વાયરા મને ઊંચકીને ફેંકી દે એવું તો હું હરગિજ નહિ થવા દઉં. વળી બીજાના ઘરમાં ભિખારી, ગુલામ કે ઘૂસણિયા તરીકે પણ હું રહેવા તૈયાર નથી.”

(યંગ ઇન્ડિયા, ૧–૬–૧૯૨૧ : મહાત્મા ગાંધી ગદ્યસંગ્રહ, પુ. ૧૦, પૃ. ૧૫૯)
બરાબર આ જ વાત ‘ઉઘાડી બારી’ના બધા લેખોની બુનિયાદ બની રહે છે. ગાંધીજીએ કહેલું કે ‘મારો ધર્મ કંઈ કેદખાનાનો ધર્મ નથી.’[4] આ વાત કોઈ પણ કવિ માટેય સાચી છે. ‘આમાર મુક્તિ, આમાર ધન.’ – એ જ સાચા ‘શ્રીમંત’ કવિઓએ તો કહેવાનું હોય. ઉમાશંકરની ચૈતન્યશ્રીનો મુક્ત ઉઘાડ આ ‘ઉઘાડી બારી’માં અંદર ડોકિયું કરતાં અનુભવાય છે. ‘ઉઘાડી બારી’ એ આંતર અને બહિર્વિશ્વની એક સંપર્ક-ભૂમિકા બની રહે છે. ઉમાશંકરે તંત્રી તરીકે ‘સંસ્કૃતિ’ સામયિકને પણ એક એવી સંપર્ક-ભૂમિકા તરીકે કામમાં લીધું જણાય છે. એક જવાબદાર તંત્રી તરીકે તેમણે માનવજગતના સમ્યક અવલોકન માટે ઝાઝું નહિ તો બારી ઉઘાડી રખાય; ઉઘાડી બારી વસાઈ ન જાય એટલું જોવાનું તો સ્વીકારેલું છે. ‘સંસ્કૃતિ’નું પહેલું પાનું એટલે પણ ઉઘાડી બારી – કવિની ભીતર ડોકિયું કરવા માટેની અને જગતની ભીતર પણ ડોકિયું કરવા માટેની. ઈશ્વરલાલ ર. દવેએ પણ ‘ઉઘાડી બારી’ શીર્ષક અંગે કવિચિત્તના આશયોની કલ્પના કરી છે તે પણ આ ભૂમિકાના જ સ્વાભાવિક પરિણામરૂપ છે. તેઓ લખે છે :

“નવા તાજગીભર્યા વિચારો આવવા દેવા, માનસને મૂઢ ને ચીલાચાલુ ન બનવા દેવું, ‘અચલાયતન’માં બહારનો પવન આવવા દેવો, મનને નવા સંયોગો, નવા વિચારો આદિ માટે ખુલ્લું રાખવું એવા આશયથી આ નામ પસંદ કર્યું જણાય છે.” (ગુ. સા. સભા, કાર્યવહી, ૧૯૫૯, પૃ. ૧૩૫)

આ ‘ઉઘાડી બારી’માં ઉમાશંકરે ૧૯૪૭થી ૧૯૫૮ સુધીના બાર વર્ષના (એક તપના) લેખોમાંથી કેટલાક પસંદ કરીને મૂક્યા છે. સાલવાર લેખસંખ્યા નીચે પ્રમાણે છે:

સાલ — લેખ-સંખ્યા ૧૯૪૭ — ૯ ૧૯૪૮ — ૪ ૧૯૪૯ — ૪ ૧૯૫૦ — ૮ ૧૯૫૧ — ૧૦ ૧૯૫૨ — ૮ ૧૯૫૩ — ૯ ૧૯૫૪ — ૧૨ ૧૯૫૫ — ૮ ૧૯૫૬ — ૫ ૧૯૫૭ — ૧૦ ૧૯૫૮ — ૪ — કુલ ૯૧ ( ‘ઉઘાડી બારી’માં ‘દિવાળી બાકી’માં ‘1950’ સાલ છપાઈ છે ત્યાં ‘1951’ જોઈએ; હૃદયધર્મની દીક્ષા’માં ‘1947’ને બદલે ‘1957’ જોઈએ અને ‘ગુજરાતમાં સંસ્કાર-સેવકો’માં ‘1955’ને બદલે ‘1952’ જોઈએ.) ઉમાશંકરે આ બાર વર્ષો દરમિયાન ‘સંસ્કૃતિ’ના પ્રથમ પાને જેટલા લેખો આપ્યા છે, તે બધા જ અહીં લીધા નથી. ૧૯૪૭થી ૧૯૫૮ દરમિયાન ‘સંસ્કૃતિ’ના પ્રથમ પાને તેમના તેમ કાકાસાહેબ, પંડિત સુખલાલજી જેવાનાં વચનામૃતોય પીરસેલ છે. કેટલીક વાર કાવ્યો પણ ‘સંસ્કૃતિ’ના પહેલા પાને આવ્યાં હોય એમ બન્યું છે. (દા.ત., ‘સંસ્કૃતિ’, ૧૯૫૮ જુલાઈ, ઑગસ્ટ, સપ્ટેમ્બર, નવેમ્બર, ડિસેમ્બર વગેરે) ઉમાશંકરે વધુ પડતું પ્રાસંગિક તત્ત્વ ધરાવતાં તેમ જ શોકાંજલિરૂપ હોય એવાં લખાણો ‘ઉઘાડી બારી’માં નહિ લીધાની છાપ પડે છે. (ઉમાશંકરે 1947થી 1958 દરમિયાન લખાયેલા તંત્રીલેખોમાંથી કુલ 27 લેખો આમાં લીધા નથી. (1947માંના 4, 1948માંના 7, 1949માંના 3, 1950 અને 51માંના એક એક (કુલ 2), 1952માંના 4, 1953માંનો 1, 1955માંના 2, 1956માંના 2, 1958માંના 2 – એમ કુલ 27 નિબંધો અત્રે નથી.) એકંદરે માનવજાતના વિકાસમાં જે વિચારો મહત્ત્વના છે, જે પ્રશ્નો મનુષ્યને માટે સનાતન રસના વિષયોરૂપ છે, તેમને લગતું લખાણ ગ્રંથસ્થ કરવાનું તેમનું વલણ જણાય છે. તેમણે એક ઠેકાણે લખ્યું છે : ‘પુસ્તક રૂપે...... પ્રકીર્ણ રચનાઓને મૂકીએ એનો અર્થ એ કે પોતાની આગવી પ્રાણશક્તિથી એક વ્યક્તિસંપન્ન એકમ તરીકે એ જીવશે, એવો આપણને ઇતબાર છે. (અભિરુચિ, પૃ. ૩૬) ‘ઉઘાડી બારી’માંનાં લખાણોની પણ ‘સનાતન રસની ચીજો’ તરીકે જ પસંદગી થઈ હશે એમ માનવામાં કશી મુશ્કેલી નથી. ‘ઉઘાડી બારી’માં ૯૧ લઘુલેખોને વિષયવસ્તુના ધોરણે વર્ગીકૃત કરીને આપ્યા છે. પ્રથમ વિભાગમાં કર્મયોગ, ચરિત્રો અને પ્રકૃતિપ્રેમને લગતા લેખો છે. આ લેખોમાં ઉમાશંકરની સત્યધર્મપ્રેરિત – માનવ્યપ્રેરિત સમુદાર અહિંસક જીવનદૃષ્ટિનો પરિચય થાય છે. પ્રથમ ખંડમાં ઉમાશંકર કર્મયોગ, ચરિત્રો, પ્રકૃતિપ્રેમ – એની વિચારણા આપે છે. મનુષ્યનો બાઇબલે ઈશ્વરના સર્વોત્તમ સર્જન તરીકે નિર્દેશ કર્યો છે. મનુષ્યને પ્રકૃતિનું વિશિષ્ટ વરદાન પ્રાપ્ત થયું જણાય છે. અનેક પ્રાણીઓમાંથી મનુષ્ય જ સૌની ઉપરવટ પહોંચી કુદરતની પસંદગીનો કળશાભિષેક પામ્યો છે. (પૃ. ૧) ઉમાશંકર મનુષ્યની ઉત્ક્રાંતિમાં એની ત્વરિત ગતિને પણ એક અગત્યના પરિબળ તરીકે નિર્દેશે છે. પાંડવોમાંય અર્જુનની પસંદગી કૃષ્ણે પોતાની કાર્યસિદ્ધિ માટે કરી તેનું રહસ્યદર્શન એકાધિક વાર ઉમાશંકરે કરાવ્યું છે. અર્જુનની ઋજુતા જ એની કૃષ્ણકાર્ય માટેની પાત્રતાનો મહત્ત્વનો ગુણ બની રહે છે. (પૃ. ૨) નીતિમાન અને ક્રિયાવાન એવા અર્જુનને ઉમાશંકર સ્વર્ગમાં પણ પૃથ્વી પરનાં જીવનમૂલ્યો સ્થાપી આવનાર વીર પુરુષ તરીકે ઓળખાવે છે. તેઓ આ ગીતામાંની અર્જુનની ‘करिष्ये वानं तव’ ઉક્તિને પણ પોતાની વિચારણાનો વિષય બનાવે છે. તેઓ અર્જુનના ‘करिष्ये वानं तव’ એ ચરણમાં ‘કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણેના સમન્વયપૂર્વકના મુક્ત આત્મસમર્પણનો ગીતાનો સંદેશ’ (પૃ. ૪) વ્યક્ત થયેલો જુએ છે. ઉમાશંકરની શબ્દના અર્થઘટનની શક્તિનો એક ઉત્તમ ઉન્મેષ અહીં જોવા મળે છે. ‘અહમ્ના કચવાટ’ (પૃ. ૩) વિનાના અર્જુનના જેવા આત્મસમર્પણે જ વિશ્વયોજનાની સંવાદિતાનું સંગીત પુષ્ટ થાય છે ને વિકસે છે. આપણું પ્રત્યેક કામ વેઠપૂર્વકનું નહિ, પણ લીલા જેવું બની રહે તેની ખેવના ઉમાશંકર રાખે છે. (પૃ. ૬) બ્રહ્માંડ પરમાત્માનું ક્રીડાભાણ્ડ છે. (પૃ. ૬૦) પરમાત્મા પોતાના અખિલ સર્જન દ્વારા લીલા કરી રહ્યા છે. (પૃ. ૬) મનુષ્યે તો એ પરમાત્માની ઇચ્છાના વાહનમાત્ર બનીને એનો લીલારસ માણવો જોઈએ. લેખકને આજના મનુષ્યની જીવનચર્યા સામે ઘણું કહેવાનું જણાય છે. તેઓ એ અંગે ‘વેઠ અને લીલા’માં ફરિયાદ કરતાં લખે છે :

“માણસ જોવા જાય તો એનાં મોટા ભાગનાં કામો વેઠરૂપ હોય છે. પેટ કરાવે વેઠ કહેવાય છે પણ બિચારું પેટ ખોટું વગોવાય છે. પેટને માટે બહુ વેઠ કરવી પડે એવું નથી. માણસે માની લીધેલી બીજી જરૂરિયાતો માટે એને ઘણીબધી વેઠ કરવી પડે છે. એટલી બધી કે નિરાંતે ખાવાનો પણ એને અવકાશ ભાગ્યે જ રહે છે ! અને એ બધી દોડાદોડીમાં એકે કામમાં એ જીવ પરોવી શકે છે ? ખાય છે ત્યારે લુશ લુશ ખાય છે, તેમ ઊંઘે છે ત્યારે અધ્ધર જીવે ઊંઘે છે; પરીક્ષાનું વાંચતો હોય ત્યારે એને ફિલ્મના વિચાર આવે છે. ફિલ્મ જોતી વખતે એ પરીક્ષાની ચિંતા કરતો હોય છે; પ્રેમ કરવાના સમયે નોકરીના ખ્યાલમાં ગૂંચવાતો હોય છે; નોકરીના ટેબલ પર બેઠો બેઠો પ્રેમનાં સ્વપ્નાં ગૂંથતો હોય છે ! એટલે કે ખાવું, ઊંઘવું, અભ્યાસ કરવો, રંજન મેળવવું, પ્રેમ કરવો, નોકરી કરવી — બધું જ એ વેઠ ભરતો હોય એમ કરે છે.” (પૃ. ૫–૬)

ઉમાશંકર આવા વેઠરૂપ જીવનમાંથી ઊગરવાનો એક અસરકારક કીમિયો બતાવે છે ને તે નાના બાળકની જેમ લીલારૂપે જીવનને સ્વીકારીને જીવવાનો કીમિયો. આવા લીલારૂપ જીવન પ્રત્યે જેની મૂળભૂત પ્રકૃતિ જ કલાકારની, એને સહેજેય પક્ષપાત હોય એ દેખીતું છે. જીવનમાં જે કંઈ કામગીરી કરવાની આવે તે શક્ય તેટલી ઉત્તમ રીતે કરવી જોઈએ ને તો જ જીવનને ન્યાય કર્યો કહેવાય. એવા વલણમાં જ વ્યક્તિ તેમ જ સમાજનું લાંબા ગાળાનું હિત છે. તેઓ કંઈક ‘વિચિત્ર’ દેખાય તેવું, પણ ઊંડી સમજપૂર્વક એક વિધાન કરે છે ને તે આ કે ‘તમારી કવિતાના પ્રાસ તમે બરાબર મેળવ્યા નહિ હોય, તો દિલ્હીમાં આપણા રાષ્ટ્રપ્રમુખનું આસન ડોલવા માંડશે.’ આ વિધાનની વધુ વિશદતાએ વાત કરતાં તેઓ લેખના અંતભાગમાં લખે છે : “જે કામ માટે આપણી વિશેષ શક્તિ હોય તે જ બને તેટલી શ્રેષ્ઠતાથી આપણે કરીએ – કવિતાના પ્રાસ મેળવવાનું લઈને બેઠા હોઈએ તો તે આદર્શ રીતે મેળવાયા હોય એ જોઈએ – તો સરવાળે સમાજનું મુખ દીપી ઊઠે, તો જ રાજપ્રમુખનું આસન સ્થિર અને સાબૂત રહે.” (પૃ. ૮) દરેક વર્ણ પોતપોતાનો ધર્મ ઉત્તમતાએ પાળે, સ્વધર્માનુષ્ઠાન બરોબર કરે – એ જ આપણા પરંપરાગત આદર્શનો પડઘો ઉમાશંકરના આ લેખમાં સાંભળી શકાય છે. જોકે ઉમાશંકર ‘પરધર્મ’નો અર્થ ‘આત્મા સિવાયના તત્ત્વે લાદેલી પ્રવૃત્તિ’ (પૃ. ૬) એવો કરી, સ્વધર્મની પોતાની રીતે સદર્થ કરે જ છે. સુન્દરમે જૂનાગઢ મુકામે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૫મા અધિવેશનવેળાએ વ્યાસપીઠ પરથી ઉમાશંકરના જેવો જ સૂર કાઢતાં આ મતલબનું કહેલું કે જોડણીમાં ચોકસાઈ – શુદ્ધિ આવતાં આપણું સમાજતંત્ર, આપણા જાહેરજીવનના વ્યવહારોમાં પણ ચોકસાઈ – શુદ્ધિ આવીને રહેશે. ‘દિવાળી બાકી’માં ઉમાશંકર મનુષ્ય તરીકે આપણા માથે જગત સમગ્રનું જે ઋણ છે તેનો વિચાર કરીને જગત સાથેના આપણા સંબંધ-વ્યવહારમાં કૃતજ્ઞતાનો ભાવ ભળેલો હોય એમ ઇચ્છે છે. તેઓ કહે છે : “....જો જીવનની એકેએક ચીજને બક્ષિસરૂપ ગણીએ તો ઊલટું સૌ પ્રત્યે ઊભરાવાનું જ આપણને સૂઝે.” (પૃ. ૧૦) (અહીં ‘ઊભરાવાનું’ એ પદની સુંદરતા પણ રસજ્ઞો જોશે જ.) ઉમાશંકર ગાંધીજીનું વિચારસૂત્ર – “જગત લેણદાર છે. આપણે તેના કરજદાર છીએ.” – લઈને આ વાત ચલાવે છે. ‘स जीवति मनो यस्य ।’માં ઉમાશંકર મનનો મહિમા બતાવે છે. “મન એ માનવનું બહુ મોટું સાધન છે.” (પૃ. ૧૨) એ મનની મદદથી મનનો ભાર ફગાવી દઈ માણસે હળવા થવાની કળા હાંસલ કરવાની છે. (પૃ. ૧૨) મનને ‘અવાવરું’ પડી રહેવા દેવાથી તો જડતા જ આવે. ઉમાશંકર જડતાના પ્રખર વિરોધી છે. દાંડલીને છેડે ફૂલ અને પછી ફળ. એ રીતે કરોડરજ્જુને છેડે માણસનું મગજ થયું હોવાનું ગ્યુઇથેની રીતે જણાવી (પૃ. ૧૨) મગજવાળા માણસની માનસશક્તિનો મહિમા બતાવે છે. ‘મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતા’માં ઉમાશંકર ‘શાંત શક્તિની પ્રતીતિ’ આપનાર મંજુશ્રીની અને ‘અભેદ્ય મુદા અને નિષ્કંપ શાંતિની જ્યોત’ સમી પ્રજ્ઞાપારમિતાની મૂર્તિઓનો પરિચય આપી, એ મૂર્તિઓની અંદર જે સૂક્ષ્મ આંતરવૈભવ છે તેને ઉપસાવી આપે છે. ઉમાશંકરને મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતા – આ બંનેયની શક્તિઓનો સંવાદ અભીષ્ટ છે. (પૃ. ૧૫) ‘પ્રકૃતિ, સંસ્કૃતિ, વિકૃતિ’માં ઉમાશંકર ‘નાગરિકતા ખીલવવા સાથે’ ગ્રામીણતા ખીલવવાની અગત્યની વાત કરે છે. (પૃ. ૧૬) તેઓ સંસ્કારિતા ખીલવવા પર ખાસ ભાર મૂકે છે અને તદનુષંગે તપ:શ્રી મનુષ્યના હૃદયસ્થાને વિલસતી હોય એ જરૂરી લેખે છે. તેઓ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો ભેદ તપ અને ભોગના માનદંડથી કરે છે. તેઓ કહે છે : “પ્રકૃતિ એટલે ભોગ અને તપ વચ્ચેનું સમતોલપણું. વિકૃતિ એટલે ભોગનો અતિરેક. સંસ્કૃતિ એટલે તપનો અતિશય.” (પૃ. ૧૭) ઉમાશંકરની જીવનદૃષ્ટિ પર રવીન્દ્રનાથ, ગાંધીજી આદિનો પ્રભાવ સ્પષ્ટ છે. તપોવનની જ સંસ્કૃતિધારાનું સાતત્ય ઉમાશંકરની આ વિચારધારામાં પ્રતીત થશે જ. ઉમાશંકરે ‘કામવિજય, મારવિજય’માં તપ – સંયમના તત્ત્વની ગૃહસ્થાશ્રમમાં ઇષ્ટતા બતાવી છે. કાલિદાસાદિ બ્રાહ્મણદૃષ્ટિ કવિઓનો તથા બૌદ્ધકવિ અશ્વઘોષનાં મંતવ્યોના પ્રકાશમાં તેઓ “ગૃહસ્થાશ્રમ એ તપશ્ચર્યા છે, દાંપત્ય એ શ્રેય:સાધનાનો ક્રમ છે...” એ વસ્તુ સ્પષ્ટ કરીને રહે છે. ઉમાશંકર જીવનને અખિલાઈમાં જોવામાં માને છે. સત્યનું પરિદર્શન, ખંડસત્ય નહીં પણ પરમ સત્ય એમને ઇષ્ટ છે. હૃદયનિષ્ઠ સત્યધર્મના સાધક તરીકે મનુષ્ય ક્રિયાશીલ થાય એમ તેઓ ઇચ્છે છે. (પૃ. ૨૦) પરમ સત્યનું ધ્યાન વ્યક્તિગત રીતે જ નહિ, સામુદાયિક રીતે પણ થાય, અને એવો અર્થ તેઓ `¨सत्यम् परम् धीमहि' સૂત્રમાંના ‘धीमहि­’ ક્રિયાપદમાંથી તારવે છે. તેઓ અહિંસાનો એક સુંદર અર્થ આપે છે: “અહિંસા એટલે બીજાં પ્રાણીઓનો ઘાત ન કરવો એટલું જ નહિ, સત્યનો ઘાત ન કરવાની જાગરૂકતા.” (પૃ. ૨૩) ‘આંસુ અને કમળ’માં ઉમાશંકર ગુરુદયાળ મલ્લિકજીના જીવનનો બાઉલ સંપર્કનો એક અનુભવ રજૂ કરી, ભગ્નાશપણા(Frustration)માંથી ઊગરવાના એક સબળ ઉપાય તરીકે ઈશ્વરશ્રદ્ધાનું મહત્ત્વ ચીંધે છે. તેઓ મલ્લિકજીની વાત ટાંકતાં લખે છે : “પરમેશ્વર તરફ પગલાં વળે તો જિંદગીમાં આશાભંગ થવાને અવકાશ જ ક્યાં રહે છે ? બલકે, વેદનાનું – એકલતાનું – યાતનાનું એકેએક અશ્રુ ત્યાં તો પ્રફુલ્લ કમલ થઈને હસી ઊઠતું દેખાય છે.” (પૃ. ૨૫) ‘નહીં વરુ, નહિ વાઘ....’માં તેઓ શ્રદ્ધાનો – આત્મશ્રદ્ધા, સત્યશ્રદ્ધાનો મહિમા કરે છે. મનુષ્યના જીવનમાં તેમ રાષ્ટ્રના પાયામાં શ્રદ્ધાનું બળ જોઈએ. `श्रद्धामयोऽयं पुरुष:' – આ પુરુષ શ્રદ્ધાનો બનેલો છે. એ સૂત્રનો અર્થ કરતાં તેઓ શ્રદ્ધાબળને ભૌતિકબળ કરતાં વધારે મહત્ત્વ આપે છે ને જીવનનો દિગ્વિજય આ શ્રદ્ધાબળ વિના નથી એમ પણ જણાવે છે. `ते के न गानीमहे'માં ભર્તૃહરિની શ્લોકપંક્તિથી બીજાઓનું બૂરું કરવામાં રાચનાર વર્ગ પ્રત્યેનું તેમનું વૈમુખ્ય દર્શાવે છે. (પૃ. ૩૦) સૉક્રેટિસ જેવા સત્યોપાસકનેય એવા લોકો નડી ગયા એ તેઓ વિશદ રીતે બતાવે છે. એ પછી ‘સમાજધર્મ’માં સૉક્રેટિસની ‘જાતિધર્મો’ માટેની અદબનો દાખલો આપે છે. ઉમાશંકર અંધશ્રદ્ધાળુ નથી, પરંતુ સત્-શ્રદ્ધાળુ અવશ્ય છે. એમનાં લખાણોમાં સત્-શ્રદ્ધા-પ્રેરિત આશાવાદ બળવાન છે. સત્-શ્રદ્ધા તેમને જગતના મૂળભૂત તત્ત્વની બાબતમાં આસ્તિક થવા પ્રેરે છે ને તેથી તેઓ જીવનમાં વિરોધ કરતાં સ્વીકારનાં વલણો તરફ વધુ ઝોક દાખવતા હોય છે. તેમની ખોજ એથી જીવનમાં સ્વીકાર્ય એવાં શુભતત્ત્વો માટેની હોય છે ને તેમની સતત મથામણ તેની સાથે કોઈ સેતુરચનાની – સમન્વય સ્થાપવાની હોય છે. ‘એકલાની સાથે બીજું કોઈ’માં પયગંબરસાહેબની હિજરતનો પ્રસંગ રજૂ કરી “ગમે તેવા સંજોગોમાં પણ માણસ કદી ‘એકલો’ નથી, એની સાથે ‘બીજો’ – ભગવાન – હોય છે” (પૃ. ૩૪) એ વાત શ્રદ્ધાપૂર્વક રજૂ કરે છે. ‘तूं माझी सांगाती’માં એમના ‘હૃદય ઉપર ગેરુઓ રંગ છંટાઈ ગયો’ છે એવા તુકારામના ‘શ્રદ્ધાબુલંદ અવાજ’ની પ્રસાદી આપણને આપે છે. ‘નમ્રતાના નિધિ !’માં ઉમાશંકર નમ્રતાના નિધિરૂપે ગાંધીજીની ઈશ્વરની જે પ્રતીતિ – તેનું એમણે જ રચેલ ગદ્યકાવ્ય, તેનો છાંદસ અનુવાદ આપે છે. ‘પતંગ અને ભમરડા’માં એમનો પ્રતિભા-ઉન્મેષ તો ‘પતંગ’ અને ‘ભમરડા’ને શીર્ષકમાં જ એકસાથે જોડવામાં છે. માનવચિત્તની ‘આનંત્ય-પ્યાસ’ પતંગની સહેલમાં – તુક્કલનો દીવો ચઢાવવામાંયે અભિવ્યક્ત થતી હોય છે. ઉમાશંકર પતંગ અને ભમરડાનાં પ્રતીકો દ્વારા મનુષ્યનાં બંધન-મુક્તિનાં વલણોનો અંદાજ આપે છે. ‘ઊડવામાં બંધન’ — તે જુએ છે પતંગની આકાશયાત્રામાં અને ‘ધરતી પર વળગવું તે મુક્ત બનીને’ – એ જુએ છે સ્થિર લાગતા ‘ઊંઘતા’ ભમરડામાં. તેઓ આ લેખમાં છેલ્લો એક માર્મિક પ્રશ્ન પૂછી લે છે : “આકાશયાત્રિણી વસુધાનું અનુકરણ પતંગે યોગ્ય રીતે કર્યું કે સ્થિર લાગતા ‘ઊંઘતા’ ભમરડાએ ?” (પૃ. ૪૦) ઉમાશંકર ‘પ્રકૃતિપ્રેમ’માં આપણા પ્રકૃતિ સાથેના વિચ્છેદનો નિર્દેશ કરી, પ્રકૃતિ સાથે સંબંધ સ્થાપી શકાય એ પ્રકારના કીમિયા શિક્ષણે કરવા જોઈએ એમ કહે છે. વૈષ્ણવ કુટુંબોમાં ઠાકોરજી નિમિત્તે જે પ્રાકૃતિક ઉત્સવો થાય છે તેનો ખ્યાલ આપી તેઓ લખે છે : “આજે આપણી શિક્ષણ-પ્રણાલીએ પોતાના આવા ‘ઠાકોરજી’ શોધી લેવા જોઈએ. જેની દ્વારા કુદરતના આખા ક્રમ સાથે વિદ્યાર્થીનું જીવન બાળપણથી જ જોડાઈ જાય, એકતાર થઈ જાય.” (પૃ. ૪૧–૪૨) આજે તો જે રીતે આપણે ઇન્દ્રિયોનાં દ્વાર રુદ્ધ કરીને બેઠા છીએ તે જોતાં રોજના જીવનમાં સતત વરસતી પ્રકૃતિની સૌન્દર્યધારાથી વંચિત રહી જવાય એ સ્વાભાવિક છે. લેખના અંતમાં ઉમાશંકરનું કવિમાનસ ઠીક ઠીક મુખર થઈ ઊઠતું જણાય છે. (પૃ. ૪૨) ‘આપણી રાષ્ટ્રીય ઋતુ’માં ઉનાળાને રાષ્ટ્રીય ઋતુ તરીકે તેઓ ઉલ્લેખે છે. એમાં એમની નિજી રુચિનું પ્રવર્તન જોઈ શકાય. તેઓ ‘જોગી’ ઉનાળાને પંચેન્દ્રિય-સંતર્પક ગણાવી કાલિદાસ જેવાનાંયે પ્રશંસાવચન પોતાના અભિપ્રાયના સમર્થનમાં મદદમાં લે છે. (પૃ. ૪૪) પ્રકૃતિની વાત છેડાય ને એનાં ‘आषाढस्य प्रथम दिवसे’ની વાત ન આવે તો જ આશ્ચર્ય કહેવાય. તેઓ ‘આપણી સંસ્કૃતિના પાયા નંખાયા છે બિન-જવાબદારીપૂર્વક આકાશમાં ભટકતા રમતિયાળ વાદળમાં’ – એમ જણાવી અન્નબ્રહ્મની ઉપાસના સાથે, કૃષિપ્રધાન લોકજીવન સાથે આષાઢનો જે પ્રગાઢ સંબંધ છે તેનું સૂચન કરે છે. ‘गोपवेशस्य विष्णो:’માં શેષશાયી વિષ્ણુની પ્રતિમાનું રહસ્યદર્શન – અર્થદર્શન કરાવવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે. શેષશાયી વિષ્ણુના નૂતન અર્થદર્શનના સંદર્ભમાં કાલિદાસના ‘गोपवेशस्य विष्णो:’નું જે રસૌચિત્ય પ્રતીત થાય છે તે પણ લેખાંતે તેઓ સૂચિત કરીને રહે છે. વિદ્યા, કલા, રંગભૂમિ-વિષયક બીજા ખંડમાં ઉમાશંકર સાહિત્ય અને અન્ય નાટ્યાદિ કળાઓનો યત્કિંચિત્ વિચાર કરે છે. તેમની સારસ્વત ભાવના વળી વળીને વિદ્યાકળાનાં ક્ષેત્રો તરફ વળે છે. ઉપનિષદાદિ ગ્રંથોમાંની આપણી વિચારણાનો ઘટતો સંદર્ભ આપી વિદ્યા-કળાનાં ચિરંજીવ મૂલ્યો તરફ આપણું ધ્યાન તેઓ દોરે છે. પરંપરામાં જે કંઈ શુભ છે તેનો આદર-સ્વીકાર અને નવીનતા પ્રત્યેની સાહસ-પ્રીતિ આ ઉભયનો વિવેકપૂત સમન્વય આ ‘ઉઘાડી બારી’ના લેખકના દૃષ્ટિ-અભિગમમાં જોવા મળે છે. ‘સ્વાધ્યાય-પ્રવચનમાં ‘¨स्वाध्यायप्रवचनाभ्याम् न प्रमदितव्यम्’ – એ ઉક્તિમાં `प्रवचन'પદની પૂર્વે ‘¨स्वाध्याय’ પદ યોજાયું છે તેનું ઔચિત્ય તેઓ દર્શાવે છે. (પૃ. ૫૩) ‘¨स्वाध्याय’માંના ‘¨स्व’નો મહિમા દર્શાવતાં ‘स्वाध्याय’નો અર્થ તેઓ આવો કરે છે : “જીવનભર પોતાની પાસે બેસીને, આત્માને ગુરુ બનાવીને, અધ્યયન કરવું.” (પૃ. ૫૩) સ્વાધ્યાયયજ્ઞની જ્વાળાઓ પણ માણસના પ્રવચનમાં જ નહિ, સર્વ વ્યવહારમાં પ્રત્યક્ષ થાય એ તેઓ જરૂરી માને છે. તેઓ ભારતની ઊછરતી લોકશાહીના સંદર્ભમાં સ્વાધ્યાયની ટેવની અગત્ય બતાવે છે અને ઠેર ઠેર જીવનના પ્રાણપ્રશ્નો વિશે સ્વાધ્યાયપ્રવૃત્તિ ચલાવનારાં અનેક કેન્દ્રો ખૂલે એમ વાંછે છે. ‘वाचं धेनुं उपासीत’માં ઉમાશંકર જે મનને કારણે મનુષ્ય ‘મનુષ્ય’ કહેવાયો છે એ મનને પ્રાણ અને વાચાના ફરજંદ-રૂપ બતાવીને તેના પોષણમાં વાગ્ધેનુની મદદ મહત્ત્વની ગણે છે. તેઓ કહે છે : “આ ‘મન’ જો વાગ્ધેનુનું સમ્યક પોષણ પામે તો ઉત્ક્રાંતિ સાધીને ‘વિજ્ઞાન’ અને ‘આનંદ’-રૂપને પામી શકે.” (પૃ. ૫૬) તેઓ વાચામાં ભદ્રલક્ષ્મીનો નિવાસ હોવાનું પણ જણાવે છે. (પૃ. ૫૭) ઉમાશંકર જેવા ‘શબ્દ’ના ઉપાસક કવિને મન તો “બોલાતો પ્રત્યેક શબ્દ એટલે એક મનુષ્યાત્માએ કરેલું બીજા મનુષ્યાત્માનું આતિથ્ય.”S તેઓ અન્યત્ર પણ ઈ. એમ. ફૉર્સ્ટરની જેમ શબ્દોને ‘શબ્દો’ રૂપે જ નહિ ‘જીવનના મધુ’ રૂપે ગ્રહે છે. (પૃ. ૮૦) મનુષ્યની બે મુખ્ય શક્તિ તે કૃતિ અને વાણી. (પૃ. ૮૦) કૃતિ–કર્મની પાછળ નૈષ્કર્મ્યભાવના અને વાણીની પાછળ મૌનનું બળ એમને વરતાય છે. ‘કદાચ, મૌન વિના વાણી શક્ય જ નથી.’ (પૃ. ૮૦) આ એમનું મંતવ્ય. તેઓ શબ્દના પ્રતિશબ્દ રૂપે પણ મૌનની સંભાવના કરે છે. (પૃ. ૮૦) તેમણે અન્યત્ર એક કાવ્યમાં પણ ‘તું તો શબ્દ સનાતન સુંદર મૌનનો’ એમ કહી કવિતાને મૌનના જ રસાત્મક – રહસ્યાત્મક આવિષ્કાર-રૂપે નિરૂપી છે. ઉમાશંકર શબ્દની વાત કરતાં કવિતાના શબ્દ સાથે સંપૃક્ત છંદની વાતેય લઈ આવે છે. ‘કોઈ બૃહત્ ઉદાર હૃદયના લય’ રૂપે છંદને તેઓ પ્રતીત કરે છે અને તેની ઉપકારકતા સૂચવતાં લખે છે : ‘શબ્દનું શર જ્યારે છંદના ધનુષ્યમાંથી છૂટે છે ત્યારે કાળનું હૃદય વીંધ્યા વિના રહેતું નથી !’ (પૃ. ૮૧) તેઓ કાવ્યની પુંસકતા હોરવીટ્ઝનો હવાલો આપીને બતાવે છે. (પૃ. ૮૧) ઉમાશંકરે જેમ અન્યત્ર તેમ અહીં પણ કાવ્યના શબ્દને – પંખાળા શબ્દને ચૈતન્યધબકતા કર્મ રૂપે જ અવલોક્યો છે. ‘વાઙ્મય-ચેતના’નો વૈયક્તિક તેમ જ સમષ્ટિગત ભૂમિકાએ ઉત્તરોત્તર વિકાસ એમને અત્યંત જરૂરી લાગે છે. આપણે આપણા ‘વાઙ્મયશીલ’ની તકેદારી રાખતાંયે શીખવું જોઈએ. તેઓ સાહિત્ય-કળાને પ્રજાપ્રજાઓ વચ્ચે સમજણ ને સ્નેહ વધારવા માટેનું ઉત્તમ માધ્યમ લેખે છે. (પૃ. ૬૨) દુનિયાના અત્યારના ‘એક અત્યંત મહત્ત્વના મંથનકાળ’માં (પૃ. ૭૮) “માનવજીવનનાં મૂલ્યોના રક્ષણની જવાબદારી વિશેષે કરીને સંસ્કાર-સેવકોને માથે છે.” (પૃ. ૭૮) – એમ તેમનું માનવું છે અને સાહિત્યકાર – કલાકાર તેમના મતે એક ઉત્કૃષ્ટ સંસ્કારસેવક છે જ. ઉમાશંકર સારસ્વતધર્મ – કવિધર્મ, કલાધર્મ એટલે જ સંવાદિતાની સાધના – એમ માને છે (પૃ. ૭૦) એમની દૃષ્ટિએ યુદ્ધ, સંઘર્ષ પણ ‘કાંઈક અણઘડ અને આકરો છતાં સંવાદિતા સાધવાની મથામણનો જ એક પ્રકાર’ છે (પૃ. ૭૧) વાલ્મીકિએ જેમ રામ દ્વારા નિર્વાસન પામેલી સીતાને આશ્રય આપવા આગળ આવી કલ્યાણધર્મનું અનુષ્ઠાન કર્યું તેમ કવિઓ – સારસ્વતોએ કલ્યાણધર્મનું અનુષ્ઠાન કરવું ઘટે. રાષ્ટ્રીય ને માનવીય એકતાની સાધનામાં – ‘વિરલ આંતર એકતા’ની આરાધનામાં સરસ્વતી જ ઉત્તમ ફાળો અર્પી શકે એ વિશે ઉમાશંકર અતિસ્પષ્ટ છે. (પૃ. ૭૪) તેઓ બરોબર જાણે છે કે કવિ ‘ઉપયોગી બનવા જાય તો જ એનો સાચો ઉપયોગ ગુમાવી બેસે.’ (પૃ. ૭૭) પરંતુ તે પોષ મહિનાની માટલીની જેમ જરૂર ઉપયોગી થઈ શકે. “જીવનના વિસંવાદો અને કલહક્લેશોની લૂ ઉપર આંખ રાખી સંવાદિતાના પોતાના અનુભવનાં સૌન્દર્ય-જલથી માનવબંધુઓને અમૃતમય ટાઢક આપવાના કાર્યમાં એ (સાહિત્યકાર) રમમાણ રહે તો મોટું કામ થાય.” (પૃ. ૭૭) `अविभक्तं विभक्तेषु' – એનું દર્શન કરાવનાર તો કવિ પણ છે. તે સાહિત્ય દ્વારા ‘હૃદયધર્મની દીક્ષા’ આપે છે. (પૃ. ૮૨) આ સાહિત્યકારો પ્રજા આખીનું ‘સૌમનસ્ય’ ખીલે (પૃ. ૮૫) એ માટે સદાજાગ્રત હોવા જોઈએ. તેમનામાં ‘કરેજ ઑફ કન્વિક્શન’ હોય એ જરૂરી છે. (પૃ. ૮૪) ઉમાશંકર સિંહની જેમ કવિઓ પણ વાડા-મુક્ત, ‘એકલરંગી – એકલવિહારી’ હોય તેને ઇષ્ટ સ્થિતિ ગણે છે; આમ છતાં કવિઓએ – કલાકારોએ પ્રજાકીય બૃહત્ ચેતનાનો સંપર્ક રાખવો જોઈએ; કેમ કે “પ્રજાકીય બૃહત્ ચેતનાના સંપર્ક વગર કોઈ લેખક મોટો લેખક થઈ શકતો નથી.” – એમ તેમનું માનવું છે. (પૃ. ૮૬) સંસ્કારસેવકોએ નમ્રતા ને ખુમારી બેય ગુણોનો સમન્વય પોતાનામાં સિદ્ધ કરવો જોઈએ અને જો તેમણે સાચી સંસ્કારસેવા કરવી હોય તો ‘સંસ્કારિતા પોતામાં સાકાર કરવી’ જોઈએ. (પૃ. ૯૦) ઉમાશંકર ગાંધીજીનો એક પ્રસંગ આપી ચિત્રકળાના – કલાના સ્વરૂપની વિલક્ષણતા તારવી બતાવે છે. તેઓ દીવાલ-ચિત્રનો દાખલો આપી કહે છે કે “દીવાલને તોડ્યા વગર, છોડ્યા વગર, એનું દીવાલપણું હરી લેવું – સાન્તતામાંથી અનન્તતા ઉપસાવવી – એમાં ચિત્રકલાની ચરિતાર્થતા છે.” (પૃ. ૬૬) કલાની ચરિતાર્થતા પણ તે ‘નિ:સીમની સુષમાનો ભેટો’ (પૃ. ૬૫) આપણને કરાવી દે એમાં છે. કલામાં ઉમાશંકર કલ્પના અને સત્યનો વિરોધ નહીં, પણ સમન્વય જુએ છે. ‘કલ્પના વિરુદ્ધ સત્ય એમ નહિ પણ કલ્પના દ્વારા સત્ય’ (પૃ. ૬૯) એવો સત્ય-કલ્પનાનો સંબંધ કલાક્ષેત્રે છે. કવિઓ – કલાકારોની સર્જેલી કલ્પનાસૃષ્ટિઓ પણ સત્ય પામવાનો એક પ્રકાર છે એ એક જાણીતી વાત પણ ઉમાશંકર આત્મપ્રતીતિ-પૂર્વક સરસ રીતે રજૂ કરે છે. તેઓ `आरूढा श्वेतहंसेમાં સરસ્વતીની મયૂરવાહિની અને હંસવાહિની પ્રતિમાઓનું સુંદર રીતે રહસ્યદર્શન કરાવે છે. એમની અર્થઘટનની શક્તિનું આ લેખ પણ એક ઉત્તમ ઉદાહરણ છે. ઉચ્ચ સર્જકતા સાથે સંયમ – વિવેકશક્તિના સંબંધની ઇષ્ટતા તેઓ હંસવાહિની – મયૂરવાહિની સરસ્વતીના પ્રતીકમાંથી તારવી બતાવે છે. (પૃ. ૫૯–૬૦) ઉમાશંકર સર્વ કલાઓના તીર્થ રૂપે રંગભૂમિનો મહિમા સ્વીકારે જ છે. ‘ઉત્તમ નાટ્યગૃહ માનવધર્મનું એક કેન્દ્ર’(પૃ. ૯૪) બની રહે એમ તેમનું માનવું છે. તેઓ રંગભૂમિને પ્રજાના પ્રાણપોષણમાં ઠીક ઠીક ઉપયોગી લેખે છે. (પૃ. ૯૬) રંગભૂમિને તેઓ ગ્રેનવીલ બાર્કરને અનુસરી ‘ટેમ્પલ ઑફ સ્પીચ’ – વાણીનું મંદિર માને છે. રંગભૂમિએ સ-રસ નાટક, સારા ઉચ્ચારો દ્વારા રજૂઆત અને કલાત્મક અભિનય – આ ત્રણ બાબતોને ખૂબ જ મહત્ત્વ આપવું જોઈએ. (પૃ. ૧૦૦) તેઓ આપણી રંગભૂમિ સીનસીનેરીના ખડકલામાં મૃતપ્રાય બની એમ જણાવી ઉત્તમ નાટ્ય માટેનાં અનિવાર્ય તત્ત્વ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ આપે છે. ઉત્તર ગુજરાતની અભિનય-પરંપરા જોતાં ત્યાં એક અભિનયશાળા (કે મહાશાળા પણ) સ્થપાય તેને રાષ્ટ્રીય દૃષ્ટિએ પણ અગત્યની વસ્તુ માને છે. ઉમાશંકર સમૂહાનુભવના આનંદની – બૃહત્પણાના સુખાનુભવની વાત પણ કરે છે. (પૃ. ૧૦૨) આ અંગે હજુ ઘણું વિચારવા – કહેવા જેવું છે. ઉમાશંકરે ધર્મ ને કાવ્ય વગેરેના સમૂહાનુભવની આજની પરિસ્થિતિમાં અગત્ય પણ ચીંધી છે. (પૃ. ૧૦૩ (‘આતિથ્ય’ કાવ્યસંગ્રહના શીર્ષકમાંયે આ ભાવ-રહસ્ય જોઈ શકાય.) ‘કેળવણીનો કીમિયો’ વિભાગમાં કેળવણી-વિષયક લેખો છે. ઉમાશંકરનો અધ્યાપનનિષ્ઠાના, કેળવણીનિષ્ઠાના પરિણામરૂપ એ લેખો છે. તેમના માટે તો જીવનના બધા પ્રશ્નો અંતે કેળવણીના પ્રશ્નો છે. (પૃ. ૧૦૮) ને કેળવણીનો પ્રશ્ન છેવટે શિક્ષકનો પ્રશ્ન છે. કોઈ પણ સંસ્કારસેવક – એમાં કવિ, ચિત્રકારાદિયે આવી જાય – એક અર્થમાં ‘શિક્ષક’ પણ હોય છે ને તેથી સતત તેણે ભાવિ વિકાસના પરિપ્રેક્ષ્યમાં અનુકૂળતાઓ ને પ્રતિકૂળતાઓનો પોતાના અને અન્યના સંદર્ભમાં વિચાર કરવો પડે છે. આજની પરિસ્થિતિમાં પ્રત્યેક શિક્ષકધર્મી સાધકે જ્યાં બેઠો હોય ત્યાં પોતાનું તપોવન રચી લેવાનું રહે છે. (પૃ. ૧૪૮) કેટલીક વ્યક્તિઓએ ‘જંગમ વિદ્યાપીઠો’ની ગરજ પણ સારવાની રહે. (પૃ. ૧૪૬) આપણા દેશની હાલની સમસ્યા તે લોકશાહી માટે આખી પ્રજાનું પોત બાંધવાની છે. તેમાં ‘नम:शिशुभ्यः'ની (પૃ. ૧૧૪–૫) ભાવનાવાળાં વિદ્યાતીર્થો મહત્ત્વનો ભાગ ભજવી શકે. નૉર્મન કઝિન્સે ‘હિન્દ એ ભાવિની પ્રયોગશાળા છે’ (પૃ. ૧૨૦) એમ ‘સેટરડે રિવ્યૂ’માં કહેલું. ઉમાશંકર તેનો નિર્દેશ કરી કેળવણી તરફની સવિશેષ જવાબદારી તરફ આપણું ધ્યાન દોરે છે. ‘માણસાઈ બહાર આવે’ (પૃ. ૧૨૦) એવી શિક્ષણપદ્ધતિ વિકસાવવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ એમ તેઓ માને છે. આપણું “શિક્ષણ એ રાજકારણીઓના પગદંડાની સ્થિતિમાંથી વેળાસર બચે અને એની પવિત્રતા સૌના મનમાં વસે એ માટે છેવટે કોઈએ નહિ તો શિક્ષકવર્ગે તો, સચિંત અને સક્રિય થયા વિના છૂટકો નથી.” (પૃ. ૧૧૩) – એમ તેમનું માનવું છે. ‘સમાજના કોઠામાં કેટલી કેળવણી પહોંચે છે ?’ (પૃ. ૧૧૨) – આ આપણો સીધો પ્રશ્ન હોવો જોઈએ. એમના માટે કેળવણીમાં વધુ ખર્ચ કરતાં વધુ સિદ્ધિ માટેની કાળજીયે જરૂરી લેખાય. (પૃ. ૧૧૧) ઉમાશંકર જેમ કલામાં તેમ શિક્ષણમાં પણ સંવાદિતાને પ્રાધાન્ય આપતા જણાય છે. ‘શરીરના સ્વાસ્થ્ય માટે વ્યાયામ અને આત્માના સ્વાસ્થ્ય માટે સંગીત’ (પૃ. ૧૨૧) – એમ ઉભયનું સંવાદિતાનાં સાધક તત્ત્વો તરીકે શિક્ષણમાં ગૌરવભર્યું સ્થાન વાંછે છે. તેઓ ‘કેળવણીની વિધેયાત્મક અંત:સામગ્રી (Positive Content) વધુ ને વધુ સમૃદ્ધ થાય’ (પૃ. ૧૨૫) એ ‘ઇષ્ટ’ લેખે છે, કેમ કે તેમના મતે “કેળવણીનું મુખ્ય કામ દરેક માણસની અંદર રહેલા સર્જક તત્ત્વ(Creative Principal)ને સક્રિય બનાવવાનું છે.” (પૃ. ૧૦૮) કુદરતને શૂન્યતા માટે જુગુપ્સા છે ને તેથી કેળવણીક્ષેત્રે પણ કોઈ પ્રકારની શૂન્યતા (Vacume) પેદા થાય તેને તેઓ અનિષ્ટ માને છે. (પૃ. ૧૨૫) તેઓ વિદ્યાક્ષેત્રને ધર્મપૂત વિચાર તેમ જ આચારનું ક્ષેત્ર પણ માને છે. વિદ્યાક્ષેત્રે આચાર્યે ઘણુંબધું શિક્ષણ તો મૌનથી – પોતાના શાસ્ત્રપૂત જીવનવ્યવહારથી જ આપવાનું રહે છે. (પૃ. ૧૪૪) શીખવનાર અને શીખનાર બે જણની વચ્ચે વિદ્યાવતરણની વિધિ સતત ચાલતી હોય છે. એ વિધિને વેગીલી બનાવવામાં વિદ્યામંડળીઓ પણ ઘણી મદદ કરી શકે. ઉમાશંકર કયું મંડળ કાઢવું એ ન સૂઝતું હોય તો દૂધમાં પોરા મંડળ કાઢવાનીયે હિમાયત કરે છે ! (પૃ. ૧૩૮) વિદ્યાપ્રાપ્તિની દિશામાં સહાધ્યાયીઓની પરસ્પરની ચર્ચાયે ખૂબ ઉપકારક થતી હોય છે ને તેથી તેઓ ‘સહાધ્યાયી-ગુરુ’નોય એક વર્ગ સ્થાપે છે ! આજના જમાનામાં કેળવણીનાં સાધનો બહુ વધ્યાં છે, એના પ્રમાણમાં સિદ્ધિ વધી નથી, બલકે ઘટી જણાય છે. (પૃ. ૧૨૬) આ પરિસ્થિતિ તેમને ઉદ્વિગ્ન કરે છે વિદ્યાકામીઓ એવી વિદ્યાસાધના કરે કે જેથી એક વાર સુંદર ગ્રંથો જોતાં આનંદશંકરથી `न जाने भोक्तारम्' એમ જે કહેવાઈ ગયેલું એ કહેવાનો કોઈને વારો ન આવે. ઉમાશંકર સંસ્કૃત-અંગ્રેજીનું અધ્યયન થાય, અને એમાં લખાયેલાં પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ થાય એવીયે આશા સેવે છે. સંસ્કૃત અને અંગ્રેજી ‘બંને જ્ઞાનનાં મુખ જેવી ભાષાઓ’ છે ને તેમને તાળાં ન વાગે એ અંગે સાવધ રહેવાનું તેઓ જણાવે છે. તેઓ વિદ્યાર્થીઓનું ‘આત્મખમીર’ પ્રગટે અને પોતાની માતૃભાષાની સેવા કરે એમ પણ વાંછે છે. જેવો ભાષક તેવી ભાષા. `°यथा भाषकः तथा भाषा' અને ગુજરાતે ભાષાનો અભ્યાસ કરનાર ગુજરાતી ભાષક પૂરું આત્મખમીર ગુજરાતી ભાષામાં બતાવે એ એમની અપેક્ષા છે. તેઓ આ સંદર્ભમાં ગુજરાતી વ્યાકરણ આપનાર રેવરંડ ટેલરનેય યાદ કરે છે. શિક્ષણની ઉપલબ્ધિ સર્વગ્રાહી સમન્વયદૃષ્ટિ રાખીને થાય એ જરૂરી છે. જીવનનું સર્વગ્રાહી દર્શન મેળવવા માટે વિજ્ઞાન કરતાં પ્રજ્ઞા –ડહાપણ (wisdom) ઉપર વધારે આધાર રાખી શકાય એમ તેમનું માનવું છે શિક્ષણમાં એક-વિષયનિપુણતા (‘સ્પેશ્યલાઇઝેશન’) સાથે સમગ્ર સાથેનું તેનું સંયોજન પણ ઇષ્ટ છે. ઉમાશંકર આદર્શ વિદ્યાતીર્થની એક ‘બ્લ્યૂ પ્રિન્ટ’ પણ (૧૬૦)ેન્ચ ફિલસૂફ મારિતેનો આધાર લઈને આપે છે. ‘ઉપયોગી’ વિદ્યાઓ, ‘વ્યવહારુ’ વિદ્યાઓ’, ‘ચિંતનમૂલક’ વિદ્યાઓ અને ‘જ્ઞાનસ્વરૂપ’ વિદ્યાઓ — આ ચાર સમકેન્દ્ર વર્તુળોની ક્રમબદ્ધ આયોજનાનો તેમાં ખ્યાલ કરાયો છે. (પૃ. ૧૪૬) ઉમાશંકર વ્યાપક અર્થમાં કેળવણીને સંસ્કારિતાના વિકાસ સાથે – જીવનના સર્વાંગીણ ઘડતર સાથે સાંકળે છે. એમાં વિજ્ઞાન જેટલું કવિતાનેય સ્થાન છે. જેમ અન્ન વિના ન જિવાય તેમ કવિતા વિનાયે સૂક્ષ્મ અર્થમાં ન જિવાય એ એમની પ્રતીતિ છે. બુદ્ધ, કૉન્ફ્યુશિયસ, મહમદ પયગંબર, મહાત્મા ગાંધીજી વગેરે, જેઓ માનવજાતના મહાન શિક્ષકો લેખાયા છે તેઓ, વિજ્ઞાન અને કવિતાનો સમન્વય કરનારા આ વર્ગના છે. આ ઉમાશંકર વનમહોત્સવની ઉજવણીમાંયે સંસ્કૃતિધર્મનું પરિપાલન જુએ છે. ‘લોકશાહી, ભારત અને જગતરંગ’નાં વિભાગમાં ઉમાશંકરનું કવિચિત્ત આંતરબાહ્ય ઘટનાઓ પ્રત્યે કેવું તો સમવેદી છે તેનો પરચો થાય છે. રાષ્ટ્રીયતા, લોકશાહી, સમાનતા, બંધુત્વ જેવી બાબતો ઉમાશંકરના સીધા રસનો વિષય જણાય છે. તેઓ ભારતીયતાના એક મુખ્ય લક્ષણ તરીકે આત્મનિષ્ઠાને ઉલ્લેખે છે. 
(પૃ. ૨૧૯) ઉત્તમ ભારતીય તો વિશ્વનાગરિક થઈને જ રહે. (પૃ. ૨૧૯) “આ સદીના આરંભમાં હિન્દુધર્મ ધર્મવેડા ખંખેરી નાખીને આધ્યાત્મિક રાષ્ટ્રવાદ રૂપે નવાવતાર પામ્યો હતો, તેમ હવે ભારતીય સંસ્કૃતિ સક્રિય (dynamic) અને જગત-વ્યાપી માનવતાવાદ રૂપે નવાવતાર પામીને જ ટકી શકશે.” (પૃ. ૨૧૯) ઉમાશંકર સ્વતંત્રતા પછીના દાયકાને એવો કસોટીકાળ માને છે, જેમાં ભારતની આત્મસ્થાપનની પ્રક્રિયા ચાલી રહી છે. (પૃ. ૨૧૩) ભારતે ભાગલાજનિત પાશવી અરાજકતાનો સ્વતંત્રતા દરમિયાન જ સામનો કર્યો. હવે એને આદર્શ બ્રાહ્મી અરાજકતા સુધીની વિકાસકૂચ કરવાની છે. (પૃ. ૧૬૧) ઉમાશંકર ‘તપોમૂર્તિ’ ગાંધીજી, ‘રસમૂર્તિ’ રવીન્દ્રનાથ અને ‘પ્રબુદ્ધમૂર્તિ’ અરવિંદ – આ ત્રિમૂર્તિમાં ભારતના આત્માનાં દર્શન કરે છે. (પૃ. ૨૧૧–૨૧૨) ભારતનો ઇષ્ટદેવ આત્મદેવ છે, દ્રવ્ય નહીં. (પૃ. ૧૯૭) એ આત્મદેવને પ્રીત્યર્થે ભારતની સંસ્કૃતિસાધના છે. સ્વાતંત્ર્ય મળ્યા પછી, લોકશાહીના વાતાવરણમાં એ સાધના વધુ અર્થપૂર્ણ રીતે સિદ્ધ થવી જોઈએ. ભારતે આધ્યાત્મિક સાથે ઐહિક સાધનાયે કરવાની રહે છે. (પૃ. ૧૯૯) ભારતે જે ત્રિરંગો રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યો છે એમાંય કેન્દ્રસ્થાને અશોકના ધર્મચક્રને સ્થાન આપ્યું છે. વિશ્વભરમાં ધર્મચક્રપ્રવર્તન એ જ ભારતની જવાબદારી છે. ભારતને લોકશાહીનું ઉત્તમ વરદાન પ્રાપ્ત થયું છે. એ લોકશાહી એક ‘આધ્યાત્મિક સાહસ’ છે. (પૃ. ૧૫૮) એ સાહસ સિદ્ધ થાય તે માટે સૌએ – તેમાંય શિક્ષક-વિદ્યાર્થીઓએ તો ખાસ – પોતાનો ફાળો આપવાનો રહે છે. રાજકીય સ્વતંત્રતા તો ઠીક છે; વધારે મહત્ત્વનું કાર્ય તો આર્થિક સમાનતા, સામાજિક સમાનતા હાંસલ કરવાનું છે. (પૃ. ૧૬૪) રાજકીય સ્વાતંત્ર્યની – મુક્તિની તુલનામાં આર્થિક અને સામાજિક મુક્તિનો જ કાંઈક અર્થ છે. (પૃ. ૧૫૧) તેઓ રાષ્ટ્રની વિકાસયોજનાઓમાં વિદ્યાર્થીઓને ‘બિનસરકારી સભ્યો’ તરીકે રસ લેવા ને કામ કરવા અનુરોધ કરે છે. (પૃ. ૧૮૧) વિદ્યાર્થીઓ તો ‘ચેતનના વારસો’ (પૃ. ૧૮૪) છે. તેઓ કોઈ ‘આદર્શોનો વળગાડ’ લઈને (પૃ. ૧૮૪) કામ કરતા હોય તો તેને ઉમાશંકર આવકાર્ય સ્થિતિ લેખે છે. આપણા વિકસતા રાષ્ટ્રમાં ‘જીવનું ઉત્પાદન’ તો ઝડપથી થાય છે. ‘જીવનનું ઉત્પાદન’ ન-જેવું છે. ‘જીવનના ઉત્પાદન’થી માત્ર જીવનની જરૂરિયાતોનું ઉત્પાદન એટલો જ અર્થ નહીં; તે દ્વારા જીવનના સહજ આનંદનો અનુભવ એવો અર્થ પણ તેઓ લે છે. વિદ્યાવિતરણ, ચારિત્ર્યઘડતર વગેરેથી સાચા અર્થમાં ‘જીવનનું ઉત્પાદન’ થઈ શકે છે. ઉમાશંકર એ ઉત્પાદન વધારવાનો આગ્રહ સેવે છે. ભારતે લોકશાહીનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસાવવું રહ્યું. આજના યંત્રયુગીન વિકાસ વચ્ચે તેણે ભારતીયતાનાં જતન ને વિકાસ કરવાનાં છે. તેણે લોકશાહીને પોષક રસમો ઊભી કરવાની છે ‘સત્યાગ્રહ’ ને ‘સત્તાગ્રહ’ વચ્ચે ભેદ કરી, સત્યાગ્રહને આવકારવાનું આંતરબળ પણ તેણે દાખવવાનું છે. (પૃ. ૧૬૦) ‘ટોળીશાહી ને ગોળીશાહી’ તો તેણે છોડવાં જ રહ્યાં. (પૃ. ૧૭૪–૧૭૫) ભારતે કેળવણી દ્વારા તેમ સામૂહિક વિચારવાહનો દ્વારા લોકશાહીનાં મૂલ્યોની માવજત કરવાની છે. ઉમાશંકર વિચારશૂન્યતાનો વિરોધ કરે છે; અને પક્ષવાદ નહીં, પણ સત્યવાદની તરફેણ કરે છે. પ્રજા આત્મબળે પોતાનું વ્યક્તિત્વ – સામર્થ્ય દાખવી સત્તા-ધનનાં પરિબળોને સંયમમાં રાખે તે જોવા તેઓ સમુત્સુક છે. એમની દૃષ્ટિએ “પ્રામાણિક જવાબદાર લોકમત એ લોકશાહીનો શ્વાસોચ્છ્વાસ છે.” (પૃ. ૧૬૬) ને તેથી તેઓ લોકકેળવણી પર ખૂબ ભાર મૂકે છે. ચૂંટણીને પણ લોકકેળવણીના જ એક ભાગરૂપ સમજવી જોઈએ. (પૃ. ૧૬૪) “પોતાના અંતરાત્માનો ઝીણો અવાજ ગમે તેવા જોખમે પણ પ્રજા આગળ રજૂ કરનારા નિર્ભય સત્યવીરોએ લોકશાહીના આત્માસ્થાને છે.” (પૃ. ૧૬૬) “સ્વરાજમાં જીવવા ઇચ્છનાર એકેએક માણસે ¨स्व-राट् થવાનું છે.” (પૃ. ૧૫૫) અશોકની જીવનસાધનાયે, ઉમાશંકરના મતે, ‘સમ્રાટ’ મટીને ‘સ્વરાટ્’ થવાની હતી. (પૃ. ૧૫૪) દેશમાં આવા સ્વ-રાટોની સંખ્યા વધે તેટલો દેશનો સંગીન વિકાસ થાય. માનવતાવાદી ઉમાશંકર રંગદ્વેષ, અસ્પૃશ્યતાની ભાવના વગેરેના તો વિરોધી હોય જ. “માણસાઈને હીણવે – હણે એ હદ સુધી પ્રજાના હાડમાં પેઠેલા મહારોગને નાબૂદ કરવા માટે શક્ય તેટલા માર્ગો લેવાવા જોઈએ.” (પૃ. ૧૭૭) – આ એમનું સ્પષ્ટ મંતવ્ય. આ ઉમાશંકર યુદ્ધખોરીને તો બિરદાવી જ કેમ શકે ? તેઓ ભારતીય નેતાગીરીના – નેહરુના – શાંતિકાર્યને અનુમોદન આપે છે અને વિશ્વશાંતિ માટે મનસા, વાચા, કર્મણા સક્રિય એવા ‘સાન્તવયિતા’ઓ, આપણી જ સંસ્કૃતિના સંદેશને પ્રસારિત કરે છે એમ તેમનું કહેવું છે. (પૃ. ૨૦૧) વર્તમાન સમયમાં અણુશસ્ત્રોનાં ખતરનાક પરિણામો જોતાં વિજ્ઞાન અને માનવતાએ કર્યું તેથી કંઈક વધુ કરવાનું રહે છે. (પૃ. ૨૦૩) તેઓ ઇતિહાસકાર આર્નોલ્ડ ટૉયન્બીનો હવાલો આપી માનવ્યલક્ષી – ધર્મલક્ષી સંસ્કૃતિની ચિરંજીવિતા સૂચવે છે. “સભ્યતા અને સંસ્કૃતિના કેન્દ્રમાં પ્રભુની સ્થાપના કરવાથી એ બચી શકશે એ આજનો ઇતિહાસસંદેશ” (પૃ. ૨૧૦) હોવાનું તેઓ જણાવે છે. ઉમાશંકરનું ‘સંસ્કૃતિ’ ૧૯૪૭થી શરૂ થયું. ૧૯૪૭ પૂર્વે તેઓ સક્રિયપણે રાષ્ટ્રીય ચળવળમાં જોડાયેલ હતા જ અને તેના પરિણામે જેલવાસ પણ સ્વીકારેલો. સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાંયે રાષ્ટ્રીય સેવામાં તેમણે તેમની લેખનશક્તિ યોજી જ હતી. (એ સેવાધર્મે એમની લેખનશક્તિને કેળવીયે ખરી.) સ્વાતંત્ર્ય પછી પણ એમની લેખનશક્તિ, રાષ્ટ્રીય સેવામાં યોજાયેલી રહી જ છે. તેમણે ‘ઇતિહાસની આરસી’માં છેલ્લે એવી અપેક્ષા વ્યક્ત કરેલી જ કે “આપણા નવીન રાજ્ય રૂપી અશ્વને સચેતન રાખવાની સેવા” (પૃ. ૨૦૮) સમાજના કેટલાક સજ્જનો બજાવે. બીજાઓની વાત ન કરીએ તોયે, તેઓમાંના એક ‘સજ્જન’ ઉમાશંકરે તો એ સેવા જીવનભર લગાતાર બજાવી છે. લોકશાહીને ભયમાં મૂકતાં પરિબળો સામે તેમનો મક્કમ શાંત અવાજ અવારનવાર ‘સંસ્કૃતિ’નાં પાનાં પરથી આપણને સાંભળવા મળ્યો છે. કટોકટીના અંધારગ્રસ્ત સમયમાંયે તેમણે પોતાના વિચારોને – પોતાની વાણીને વિવેકપૂત સ્વાતંત્ર્યનિષ્ઠાથી, સત્યનિષ્ઠાથી રજૂ કર્યાં છે. એમણે ‘સંસ્કૃતિ’માં ઘણુંબધું એવું રજૂ કર્યું છે જે ‘ભારત ખાતે જમા’ લઈ શકાય. ઉમાશંકરે ‘ઉઘાડી બારી’માં અનેક વિષયોને – અનેક પ્રશ્નોને – વિચારોને પ્રગટ થવા દીધા છે. એમાં તેઓ સંસ્કૃતિનિષ્ઠ ચિંતક તરીકે, માનવપ્રેમી સંસ્કારસેવક તરીકેની સબળ મુદ્રા ઉપસાવે છે. ઉમાશંકરનું ગદ્ય મુક્તક-શૈલીએ, સૂત્રાત્મકતાથી સુબદ્ધ જણાય છે. એ ગદ્યમાં કવિતાઈ બનવાના સભાન પ્રયાસને બદલે સચોટ બનવાનો અને તેના પરિણામે વસ્તુનિષ્ઠ બનવાનો જે પ્રયાસ છે તે આવકાર્ય લાગે છે. આ ગદ્ય કેટલાકને પયગંબરી આવેશવાળું જણાયું છે; પણ એવું કંઈ લેબલ લગાડવું જરૂરી જણાતું નથી. એમના આ લખાણ પાછળ કર્તવ્યભાન ઉત્કટ હોઈ, એમના લખાણમાં ઉદ્બોધકતા – પ્રેરકતા કે સંવાદનિષ્ઠા વરતાય તો તે સ્વાભાવિક લેખાવું જોઈએ. કોઈને સંભવ છે કે સાહિત્યિક સર્જનાત્મકતા ‘ગોષ્ઠી’માં ‘ઉઘાડી બારી’ કરતાં સવિશેષ વરતાય. ‘લલિત’ થવું એ ઉમાશંકરના બધા ગદ્યનિબંધોનું લક્ષ્ય નથી જ. ‘ઉઘાડી બારી’માં તો સાહિત્યિક સર્જન-નિર્માણ કરતાં રાષ્ટ્રીય સર્જન-નિર્માણ તરફ તેઓ વધુ અભિમુખ છે. “ ‘ગોષ્ઠી’ની માફક ‘ઉઘાડી બારી’માં પણ શૈલી એકંદરે વાતચીતની છટાવાળી જ રહી”[5] હોવાનું વિધાન બિનજરૂરી જણાય છે. વ્યાપક અર્થમાં તો સાહિત્યમાત્ર ભાવક સાથેની ગોષ્ઠીરૂપ જણાય ! ઉમાશંકરમાં – એમના ‘ગોષ્ઠી’ નિબંધસંગ્રહમાં વિચારભાર હોવાનું જયંત કોઠારી જણાવે છે.[6] ‘વિચાર’ હોવાનું તેઓ જણાવીને રહ્યા હોત તો ઠીક હતું. ઉમાશંકરની ખૂબી વિચારસત્યની ઉપસ્થિતિ છતાં ભારતરહિતતા જાળવી રાખવામાં રહેલી છે. વિચાર એવી રીતે ઘૂંટાઈને વાણીમાં વ્યક્ત થાય છે. ઉમાશંકરનો પ્રિય શબ્દ છે : ‘સમજ’. ‘ગોષ્ઠી’ અને ‘ઉઘાડી બારી’માં સમજનો જ મુક્ત વિસ્તાર-વિકાસ જોવા મળે છે. જાણપણ સાથે શાણપણ એમાં ભળીને આવે છે. સાત્ત્વિક રુચિનો, સૌહાર્દપૂર્ણ સમભાવ ને ધીરજનો, તપ:લક્ષી આત્મસંયમ – આત્મવિવેકનો પ્રાંજલ પરિચય આ નિબંધોમાંથી લાધે છે. પૂર્વ ને પશ્ચિમના સાહિત્યના રસથાળની કેટકેટલી સામગ્રી કલાત્મકતાથી આ લેખોમાં ઊતરી આવી છે ! કોઈ પ્રસંગ, કોઈ દૃષ્ટાંત, કોઈ વિચાર, કોઈ પાત્ર કે ઉદ્ગાર – એવું કશુંક નિમિત્ત બની એમની કવિચેતનાને ઉદ્બુદ્ધ કરે છે ને તેના ફળસ્વરૂપે તેમના સ્વાનુભવનો – ચિંતનનો નિચોડ અહીં મળી રહે છે. ઉમાશંકરના આંતરવ્યક્તિત્વનો મધુપ્રસવ આ નિબંધોમાં આસ્વાદી શકાય છે. જોકે ઉમાશંકર શક્ય તેટલા સૂક્ષ્મ બનીને લખાણમાં આવે છે ને તેથી ‘વિષય અને વ્યક્તિત્વની સમતુલા’ એમના નિબંધોમાં જણાય તો તે આશ્ચર્યકારક નથી. ઉમાશંકરના નિબંધોમાં સ્વસ્થ વ્યક્તિત્વનો ચમકાર જ વધારે તો પ્રતીત થાય છે. ઉમાશંકરની સૂક્ષ્મ નજર જે તે પરિસ્થિતિમાંના વિચારબિન્દુને ઝડપી લઈ તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. એમ કરતાં તેમનો ભાવક પ્રત્યેનો અભિગમ આક્રમક નહિ, પણ વિશ્વાસપ્રેરિત પ્રતીત થાય છે. તેઓ કોઈ રમણીય વિચાર, રમણીય વાક્ય કે રમણીય શબ્દ સૂઝી આવતાં તેનો સ્વાદ અચૂક લેતા જણાય. આપણનેય એ સ્વાદ કરાવીને જંપે ને તેમ કરતાં મૂળભૂત વિચારવસ્તુનો દોર પણ સવિવેક જાળવે; છોડી તો ન જ દે. એક પ્રકારનો સાત્ત્વિક આગ્રહભાવ એમની વિચારધારામાં જણાય છે. જે તેઓ વિચારે છે એ છોડી દઈ શકાય એવું તો નથી જ – એ પ્રતીતિ સાથે તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. એમની વાત પર ધ્યાન આપ્યે જ છૂટકો. રસ ને કસ – ઉભયનો મેળ સાધતી એમની વિચાર-વાણીની સ્વસ્થ લીલા એમનાં લખાણોમાં વરતાય છે. ઉમાશંકરની શબ્દપ્રભુતા તેમ જ મોહનભાઈ પટેલનો શબ્દપ્રયોગ વાપરીને કહીએ તો એમની ‘સૌષમિક દૃષ્ટિ’ તથા ચિંતનશીલતાને કારણે એમના ગદ્યનિબંધો સાત્ત્વિક – રસાળ વાચન પૂરું પાડે છે. અનેક વાચન-સંદર્ભો એમાં કલાત્મક રીતે ગૂંથાઈને આવે છે. એમના નિબંધોમાં ક્યાંક તુકારામની વાણી સાંભળવા મળે છે (પૃ. ૩૬), તો ક્યાંક ગાંધીજીનુંયે કાવ્ય મળે છે. (પૃ. ૩૭) ક્યાંક બાઉલનું ગીત સાંભળવા મળે છે (પૃ. ૨૫) તો ક્યાંક સોહિરોબાની કાવ્યપંક્તિઓ (પૃ. ૭૪–૫). એમાં પયગંબરસાહેબનો હિજરતનો પ્રસંગ પણ આલેખાય છે (પૃ. ૩૩–૩૪), તો બુદ્ધની સદ્વિચારની વાવણીનીયે વાત કહેવાય છે. (પૃ. ૧૧૮) એમના નિબંધમાં કાચબાનો રસિક પ્રસંગ પણ યથોચિત સ્થાન પામે છે (પૃ. ૬૮) વળી તેઓ નિબંધના આરંભ–અંતમાંયે રજૂઆતની નવી નવી તરેહો અજમાવે છે. ક્યાંક સહાધ્યાયીઓની પરસ્પર ચર્ચાનું ‘પવિત્ર દૃશ્ય’ સહાધ્યાયી–ગુરુ વિશે લખવા તેમને ઉત્તેજે છે. (પૃ. ૧૩૫) ‘દિવાળી બાકી’ લેખમાં ગાંધીજીનાં સુંદર વચનોમાંથી એમની કલમને પ્રેરણા મળેલી જણાય છે. ‘સ્વ-રાટ્’નો આરંભ બુદ્ધ ભગવાનના એક પ્રસંગથી કરે છે (પૃ. ૧૫૩) ‘गोपवेशस्य विष्णो:’નો આરંભ સંવાદથી થાય છે. ‘લોકશાહીના ધરુ’ની વાત; પતંગ ને ભમરડાનાં પ્રતીકો; પોષ મહિનાની માટલીનું પ્રતીક, વેઠ અને લીલાનો સંબંધ; ‘મત આપવો કે કેમ ?’ અને ‘પરદેશમાં શા ખોટા હતા ? જેવા પ્રશ્નો; સ્ત્રીઓની સૌન્દર્યસ્પર્ધા (‘સારપનો ફાંકો’, પૃ. ૨૧૫) — આવી આવી અનેકવિધ ચિંતનસામગ્રી – રસસામગ્રીથી એમના નિબંધોને ઠીક ઠીક સંપન્નતા, એમનો જ શબ્દ વાપરીને કહીએ તો – ‘શ્રીભર’-તા બક્ષી છે. ‘શ્રી અને સૌરભ’! જાણે એમના સમગ્ર નિબંધ-સાહિત્યને લાગુ પાડી શકાય એવું શીર્ષક છે, સૌન્દર્યશ્રી ને સંસ્કારસૌરભનો સુમેળ સાધવાનો, પરંપરામાન્ય ને પ્રયોગનિષ્ઠ એવી ગદ્યકલા સિદ્ધ કરવાનો એમનો પુરુષાર્થ ધ્યાનાર્હ છે. એમનું ગદ્ય અનેક રૂપો ધારણ કરતું વિવિધ વાક્યલઢણો ને વિશિષ્ટ શબ્દપ્રયોગોએ ભાતીગળ પોત દાખવતું ભાવકોને એના સાહજિક ગુણે જ આકર્ષી રહે છે. એમના ગદ્યનું વૈશિષ્ટય દાખવતા કેટલાક નમૂના એકસાથે જોઈએ :

“અહો વિશ્વકર્તા, તેં તો આ વિશ્વમંદિર રચ્યું છે. દુનિયાના મહેલો પણ તારી ઇચ્છાથી જ ઊભા થઈ શક્યા છે. તું ધારે તો મોટા મોટા મહેલોમાં રહી શકે, રેશમી વસ્ત્રો પરિધાન કરી શકે, તારો દેહ સ્વસ્થ અને સુંદર હોય. અને તેમ છતાં આવા રૂપે, મારા નાથ, તું વિહરી રહ્યો છે ? તારી નમ્રતાની તે હદ છે ? પારાવાર નમ્રતા વગર તું આવું રૂપ ધારણ કરે ખરો ?” (પૃ. ૩૮)
*
“તમે એ પવિત્ર દૃશ્ય જોયું છે ? બે સહાધ્યાયીઓ વિદ્યાલયની પગથારે અથવા તો રસ્તા પર ચર્ચામાં મચી પડ્યા છે. ‘ઉત્તરરામચરિત’ના રામમાં તે શા રામ છે ? પત્નીને – અને તેય કશી વાતચીત કર્યા વગર – જંગલમાં મોકલી દેવામાં જેનું શૂરાતન ! આપણા અધ્યાપક એ વાતનો બચાવ કરવાનો વિચાર સરખો શી રીતે કરી શક્યા ? – એક જણ કહે છે. બીજો પ્રતિવાદ કરે છે. સામસામી દલીલો ઝીંકાય છે. કાલી, ઘેલી, સાચી, કાચી, અધકચરી દલીલોની બેમાંથી એકેયને ખોટ વરતાતી નથી. અનેક પ્રસ્તુત અપ્રસ્તુત વસ્તુઓ ચર્ચાના ચકરાવામાં ઘસડાઈ આવે છે. અમુક મુદ્દા પર સામાને મહાત કરવો છે એવું પણ નથી. બૌદ્ધિક ઘર્ષણની – બુદ્ધિને કસવાની લેહ લાગી છે. મોં પર કેવી ધન્યતાની દીપ્તિ છે !... વાહનોની ખડખડભડભડ એમને કાને પડતી નથી. આ સાઇકલવાળો એમને ઘસાઈને ચાલ્યો. પેલા રાહદારીએ બગડી બેસીને કાંઈક સંભળાવી, પણ એના અસ્તિત્વની જ કોને ખબર છે ? પાનની દુકાનવાળો વચ્ચે વચ્ચે આશ્ચર્યસ્મિત સાથે એમની તરફ નજર ફેંકતો હોય છે. એને થાય છે કે આ લારીવાળો માઈલનો ધક્કો ખાઈને પાછો ફર્યો અને આ નવરાઓને ખાવાની પણ ફુરસદ છે કે નહિ ! ... દુનિયાનો ચરુ ચોમેર ઊકળી રહ્યો છે, પણ તેની વચ્ચે વિદ્યાના શાતાઝરણમાં આ બે જણા ઝીલી રહ્યા છે.” (પૃ. ૧૩૫)
*
“ક્યાં ગયાં તે મદકલ મયૂરના કંઠસમ શોભતા શૈલોથી છવાયેલાં, ચંડશ્વાપદ-કુલાક્રાન્ત ગિરિગહ્વરોથી વિકટ, નીલનિબિડ, તપોવનમંડિત, પ્રશાન્તગંભીર, રોમહર્ષણ, મહારણ્યો ? આજે હવે એ સંભારી સંભારીને નિ:શ્વાસ મૂકવાનો છે કશો અર્થ ?” (પૃ. ૧૪૮)
*
“વિચાર કરવો એ જરી કષ્ટદાયક પ્રવૃત્તિ છે. આપણે બદલે બીજું કોઈ કરે તો આપણે એટલું છૂટ્યા. અને જુઓ તો ખરા, આપણી ઉપર એવો ઉપકાર કરવા આતુર કેટલાક સજ્જનો ખડેપગ હોય પણ છે.” (પૃ. ૧૬૯)

— ઉપરના પરિચ્છેદોનું ઝીણવટથી વિશ્લેષણ કરવામાં આવે તો ઉમાશંકરની ગદ્યશક્તિનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે. એરિસ્ટોટલનિર્દિષ્ટ સાહિત્યકારની મુખ્ય શક્તિ જે ઉપમા શોધવાની (પૃ. ૮૨), તેનો તો અણસાર તેઓ અત્રતત્ર ગદ્યમાં આપે જ છે; ઉપરાંત સમુચિત શબ્દપસંદગી, ભાવાનુકૂળ પદવિન્યાસ ને જીવંતતાનો પરચો આપતી વાગ્યોજનારીતિ – એ બધાંથી એમનું મનોગત વાણીમાં લીલયા પ્રત્યક્ષ થઈને રહે છે. ‘મનો-જવ’, ‘પક્ષ-દીક્ષિત’, ‘આત્મખમીર’, ‘સહાધ્યાયી-ગુરુ’, ‘મજલથંભ’, ‘સત્તાગ્રહ’ (‘પાવરકૉમ્પ્લેક્સ’), ‘સત્યવાદ’, ‘ટોળીશાહી’, ‘ગોળીશાહી’, ‘ગુહા-માનવ’ જેવા શબ્દપ્રયોગો. ‘ભગ્નાશપણું’ (fruatration), ‘ભાવકરણ’ (‘ઍબ્સ્ટ્રક્શન’), ‘ચંદનમહેલ’ (‘આય્વરી ટાવર’), ‘ગંદવાડખામણાં’ (‘સેસપૂલ્સ’), ‘એક-વિષયનિપુણતા’ (‘સ્પેશ્યલાઇઝેશન’), ‘વૈફલ્યવૃત્તિ’ (‘સેન્સ ઑફ (૧૬૦)સ્ટ્રેશન’) જેવા પર્યાયો; ‘આમતોર’ ને ‘ચિકાટી’ (tenacity) જેવા ભગિની-ભાષાઓના શબ્દોનો પ્રયોગ એમની ગદ્યશક્તિનોય જ યત્કિંચિત્ અણસાર આપે છે. ते के न जानीमहे', `न के न जानीमहे' જેવી સંસ્કૃત ઉક્તિઓનો વિશિષ્ટ વિનિયોગ પણ રસાકર્ષક છે. ‘ते के न जानीमहे, न जाने भोक्तारम् જેવી સંસ્કૃત ઉક્તિઓનો વિશિષ્ટ વિનિયોગ પણ રસાકર્ષક છે करिष्ये वचन तव', सत्यं परं धीमही' જેવાં વચનોનું મર્મદર્શન પણ ઉમાશંકરની શબ્દપ્રવણ ચિત્તવૃત્તિનું દર્શન અનિવાર્યપણે કરાવીને રહે છે.

“જાણે પ્રભાતના સૂરજના મોં પર થપાટ પડી ન હોય એમ પળમાં વાતાવરણ આખું ઝંખવાણું પડી ગયું ભાસ્યું.” (પૃ. ૫)
“તુકોબાના હૃદય ઉપર ગેરુઓ રંગ છંટાઈ ગયો.” (પૃ. ૩૫)
“આપણી સંસ્કૃતિના પાયા નંખાયા છે બિનજવાબદારીપૂર્વક આકાશમાં ભટકતા રમતિયાળ વાદળમાં.” (પૃ. ૪૭)
“કવિતાની પંક્તિઓનો મોટેથી ઉચ્ચાર કરવાથી ચિત્ત પ્રસન્નતાથી ભરાઈ જાય છે, લોહીમાં એક જાતની સુરાવટ અનુભવાય છે.” (પૃ. ૧૨૪)
“અને આ ભૂદાનનું શરૂ થયું છે તેને પરિણામે ક્યારેક જમીનદારના હૃદયમાં રામ વસ્યા ને ડેરા ઉઠાવી લે ત્યારે આ રસ્તો સાદડી પેઠે વીંટાળી લઈને ઓછો જ બગલમાં રાખી લઈ જવાના છે ?(પૃ. ૧૮૯)
“આખી પ્રજા વિરાટ આળસના કળણમાં ખૂંપેલી નજરે પડે છે.”(પૃ. ૧૯૨)

– ઉપરની ઉક્તિઓ ઉમાશંકરના કવિમાનસના સંચારની સ્પષ્ટતયા દ્યોતક છે. ઉપમા, રૂપકાદિથી યુક્ત વક્રવ્યાપારશાલિની વાણી યોજવામાં તેમનું કૌશલ્ય સહજસિદ્ધ છે. ક્યારેક તો એમણે પ્રયોજેલા એકાદ શબ્દપ્રયોગ કે ઉક્તિપ્રયોગથી વાક્યનું – ને તેથી પરિચ્છેદનું મુખ ઝળાંઝળાં થઈ જાય; એનું સામર્થ્ય સીધું પ્રકટી આવે એવું પણ જોવા મળે છે :

“પણ જો જીવનની એકેએક ચીજને બક્ષિસરૂપ ગણીએ તો ઊલટું સૌ પ્રત્યે ઊભરાવાનું જ આપણને સૂઝે.” (પૃ. ૧૦)
“….મનને અવાવરું પડી રહેવા દેનારને કશી જ શાંતિ મળવાની નથી…” (પૃ. ૧૨)
“આપણે ‘ग्रामीणता’ ખીલવવાની છે એમ કહેવું ન જોઈએ ?”(પૃ. ૧૬)
“પ્રજા આખીનું સૌમનસ્ય પણ એમ જ ખીલે…” (પૃ. ૮૫)
“…નાચીજ વ્યવહાર રેડવવાની કળા પણ ગુજરાત પાસે ન શીખી લઈએ તો…” (પૃ. ૮૯)
“દેશી રાજ્યો અને જાગીરોએ તો જંગલો નાબૂદ કરી, ડુંગરોને આગલાત્ મુંડિત કરી, સંન્યાસી જેવા કરી મૂક્યા છે.” (પૃ. ૧૪૭)
“જે પ્રજાઓ નાની એકઘર જેવી કે પૂરી કેળવાયેલી હોય…” (પૃ. ૧૬૩)
“તમને દિનરાત બેચેન કરી મૂકે, ક્ષણ પણ જંપવા ન દે એવા આદર્શનો વળગાડ વળગ્યો તો છે ને ?” (પૃ. ૧૮૪)

કેટલાંક વાક્યોની સૂત્રાત્મકતા, વૈચારિક તીક્ષ્ણતા વગેરે આસ્વાદ્ય હોય છે :

“બ્રહ્માણ્ડ એનું ક્રીડાભાણ્ડ છે.” (પૃ. ૬)
“સ્વાધ્યાય ઊજળો, તો પ્રવચન ઊજળું.” (પૃ. ૫૩)
“બોલાતો પ્રત્યેક શબ્દ એટલે એક મનુષ્યાત્માએ કરેલું બીજા મનુષ્યાત્માનું આતિથ્ય.” (પૃ. ૫૬)
“કળાકારનો ધર્મ એટલે સંવાદિતાની સાધના.” (પૃ. ૭૦)
“વન એટલે પ્રકૃતિ. તપોવન એટલે સંસ્કૃતિ…” (પૃ. ૧૪૮)
“પ્રામાણિક જવાબદાર લોકમત એ લોકશાહીનો શ્વાસોચ્છ્વાસ છે.”(પૃ. ૧૬૬)

કેટલીક વાર અતિજાણીતી વાત પણ એમના શબ્દકામણે રમણીય – હ્લાદૈકમયી બની રહે છે;[7] દા.ત., પ્રકૃતિ પણ મનુષ્યના ઘડતરવિકાસમાં મહત્ત્વનો ફાળો આપી શકે. આ વિચાર એમના દ્વારા તો ‘પ્રકૃતિ કેળવણીનું પારણું’ છે[8] એ રીતે અભિવ્યક્તિ પામે છે. ‘સમાજમાં કેળવણી ફેલાય છે ?’ એવો પ્રશ્ન ઉમાશંકરના મુખે ‘પણ... સમાજના કોઠામાં કેટલી કેળવણી પહોંચે છે ?’ એવો ઉક્તિ-આકાર લઈને રહે છે. ઉમાશંકરનું ભાષાગત સવ્યસાચીપણું જેમ પદ્યમાં તેમ ગદ્યમાં પણ બરોબર પ્રતીત થઈને રહે છે. શબ્દો – પછી તત્સમ હોય, ઉર્દૂ-ફારસી આદિ હોય, દેશ્ય કે તળપદા હોય – એમની સેવામાં ખડે પગે હાજર હોય એવું અવારનવાર જણાય છે. એમનો ઉત્કટ વાગ્રસ જ એમની વાણીના જીવનબળનું મૂળભૂત કારણ છે. ઉમાશંકરનાં ‘ઉઘાડી બારી’નાં લખાણો વિશે ચંદ્રકાન્ત મહેતા આ પ્રતિભાવ આપે છે :

“આ લખાણો જરા ઉપદેશાત્મક બની જાય છે, એ એની મર્યાદા ગણી શકાય અને કેટલાકમાં તો આપણને એમ થાય કે હવે વિચારની છણાવટ થવા લાગી ત્યાં તો એનો અંત આવ્યો હોય. એટલે ઘણે ઠેકાણે આપણો કોઈ સમવયસ્ક મિત્ર આપણને મિત્રભાવે કાંઈ કહેતો હોય તેને બદલે કોઈ ઊંચે બેસણે બેસીને આપણને શિખામણ આપ્યે જાય તેવી સ્થિતિ વાચકોની બની રહે છે.”

(અનુરણન, પૃ. ૨૩૨)
ઈ. ર. દવેને પણ આ લેખક ઉપદેશપણામાં સરી પડતા જણાય છે. આ બંને વિવેચકોએ આવો પ્રતિભાવ પ્રકટ કરવામાં કાંઈક ઉતાવળ કરી જણાય છે. ‘ગોષ્ઠી’-પ્રેમી ઉમાશંકર ‘ઉઘાડી બારી’ નિબંધોમાં પણ વાચક-ભાવક સાથેના સેતુબંધની ભૂમિકાએ જ સમૂહાનુભવ કે સહવિચારની રીતે જ વાગ્વિનિયોગ કરતા જણાય છે. પોતાની જાતને કોઈના પર લાદવી એ એમનું મનોબંધારણ જોતાં ભાગ્યે જ બને એવી બાબત છે. એવી રીતની જાતલદામણમાં સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં સ્વ-માનહાનિ પણ છે ને તે ઉમાશંકર નાપસંદ જ કરે. તેઓ ઉપદેશક કે સંદેશવાહક નહિ પણ સંલાપક છે. છે. તેઓ સમ-ભાવક રૂપે જ એમના ગદ્યમાં વધુ પ્રમાણમાં દૃષ્ટિગોચર થાય છે. સમજવા ને સમજાવવામાં તેઓ માને છે ; કશુંય ક્યાંય લાદવામાં નહીં. ઉમાશંકર માટે ‘ગોષ્ઠી’ કરવી કે પોતાના અંતરની બારીઓ ઉઘાડી રાખવી તે એક કવિધર્મ જ છે. કવિચેતનાના દબાણને વશ વર્તવામાં તેઓ સ્વધર્મ-વિનયન જુએ છે. તેથી જ રાષ્ટ્ર કે વિશ્વની – ટૂંકમાં, મનુષ્યજીવનની મહત્ત્વની ક્ષણોએ પોતાનાં સંવેદનોને કશીયે દિલચોરી વિના વાણીમાં મૂકવાં એમાં કવિધર્મ – જાગ્રત મનુષ્યધર્મ – સ્વધર્મ એમણે જોયો છે. ઉમાશંકરનું નિબંધલેખન એમના કલાધર્મની તેમ સમષ્ટિધર્મની પ્રસાદીરૂપ છે. સંસારની ઊથલપાથલોમાં કવિ શબ્દને મોરચે રહીનેય ધારે તો ઠીક ઠીક સમાજસેવા – સંસ્કારસેવા કરી શકે. ઉમાશંકરનું નિબંધલેખન સ્પષ્ટ રીતે બતાવે છે કે તેમણે એક આત્મનિષ્ઠ ને સમાજનિષ્ઠ અને એ રીતે મૂલ્યનિષ્ઠ કવિ તરીકે શબ્દનો મોરચો સંભાળી, સજાગપણે માનવ્યના રક્ષણ – સંવર્ધનનું કાર્ય યથાશક્તિ બજાવ્યું છે. તેમણે શબ્દને જીવનનાં શુચિ કાર્યોમાં દૃઢતાથી રોકી રાખેલો જણાય છે. એથી તો નિબંધસ્વરૂપ લખાણોમાંયે તેઓ પોતાનો ગણનાપાત્ર હિસાબ આપી શક્યા છે.

  1. ચં. મહેતા; અનુરણન, પૃ. ૨૨૮.
  2. અ. મ. રાવળ; ‘સમાલોચના’, પૃ. ૫૩૩.
  3. ઈ. ર. દવે; ‘ગુ. સા. સભા, કાર્યવહી, ૧૯૫૯’, પૃ. ૧૩૫.
  4. યંગ ઇન્ડિયા, ૧–૬–૧૯૨૧, મ. ગાં. ગ્રં. સં. પુ. ૧૦, પૃ. ૧૫૯.
  5. નિબંધ : સ્વરૂપ અને વિકાસ, પૃ. ૨૭૪.
  6. નિબંધ અને ગુજરાતી નિબંધ, પૃ. ૧૭૧.
  7. ઈ. ર. દવેનું ‘લેખકની શૈલીની રમણીયતા તેને (વિચારોને) આકર્ષક ઘાટ આપે છે’ – એ વિધાન આ સંદર્ભમાં ઘટિત જણાય છે. જુઓ, ગુ. સા. સભા. કાર્યવહી, ૧૯૫૯, પૃ. ૧૩૬.
  8. ગોષ્ઠી, આવૃત્તિ–૧, પૃ. ૧૪૮.