ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/કેળવણીનો કીમિયો

Revision as of 15:04, 22 October 2021 by Atulraval (talk | contribs)


૪. કેળવણીનો કીમિયો

‘કેળવણીનો કીમિયો’ રૂઢ અર્થમાં સાહિત્યનું નહીં, પણ કેળવણીનું પુસ્તક ગણાય. અહીં એનો સમાવેશ ન કર્યો હોત તો કદાચ તેનો કોઈ વાંધો ન લે; પરંતુ એમાંના કેટલાક લેખ ‘ઉઘાડી બારી’માં આવેલ છે. એમાં જે કેળવણીચિંતન છે તેથી સાથે આ લેખોનું સીધું અનુસંધાન છે. વળી ગંભીર નિબંધની કળાના સંદર્ભમાં આ લેખોની વિચારપરિપાટી ને ગદ્યકળાયે ધ્યાનમાં રાખવાં જોઈએ; તેથી તેની અહીં વાત કરવાનું મુનાસિબ માન્યું છે. જે વ્યાપક અર્થમાં ઉમાશંકર શિક્ષકનેય ‘સર્જક’ લેખે છે તે અર્થનું અનુસંધાન પણ ‘કેળવણીનો કીમિયો’માં જોઈ શકાય એમ છે. જેમ સાહિત્યમાં તેમ કેળવણીમાં પણ ઉમાશંકરનો રસ ઉત્કટ છે. તેમની આજીવિકાનું મુખ્ય સાધન કેળવણી-વ્યવસાય હતો, પરંતુ ઉમાશંકરે કેળવણીને આજીવિકાના સાધન રૂપે નહિ જોતાં, પોતાના એક સ્વધર્મ રૂપે જોઈ છે. તેમણે થોડો સમય માધ્યમિક કેળવણી અને ત્યાર બાદ દીર્ઘ સમય સુધી ઉચ્ચ કેળવણીનું કાર્ય કર્યું. તેઓ કેટલોક સમય શિક્ષણની કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા નહોતા અને ત્યારે તેઓ ‘ગુજરાતનો આપ-નિયુક્ત ફરતો શિક્ષક’[1] (Self-appointed trevelling teacher of Gujarat) – એ રીતે પોતાને ઓળખાવતા હતા. તેઓ પોતાના સાહિત્યકાર્યનેય વ્યાપક અર્થમાં શિક્ષણ-કાર્ય રૂપે ન ઘટાવે તો જ નવાઈ ! વર્ગ (class-room) પ્રવૃત્તિને સમાજ બાંધીને રહેતા માનવની કદાચ સૌથી વધુ ‘પવિત્ર સમૂહપ્રવૃત્તિ’[2] તરીકે તેઓ ઓળખાવે છે. વર્ગને જ તેઓ શિક્ષકના સ્વર્ગ તરીકે વર્ણવે છે.[3] ઉમાશંકર જે ઊલટથી શિક્ષણકથા કરે છે એ જોતાં ઉમાશંકર ‘હાડે શિક્ષક’ પણ ખરા એમ થાય. તેઓ ‘હાડે કવિ’ હોવાની પ્રતીતિ તો આપણને જ. આ વળી એક બીજી પ્રતીતિ ! એક વિશિષ્ટ અર્થમાં ઉમાશંકરને ‘કવિ-શિક્ષક’ અથવા ‘શિક્ષક-કવિ’નુંયે બિરુદ આપણે આપી શકીએ. એમણે સાહિત્ય અને શિક્ષણ દ્વારા હંમેશાં મનુષ્ય મનુષ્ય વચ્ચે સદ્ભાવનિષ્ઠ સમજના પ્રવર્તનની ઉમેદ સેવી છે. ઉમાશંકર આ પુસ્તકના લઘુ પણ માર્મિક નિવેદનમાં ‘કેળવણી’ને પોતે ‘ધર્મ’ના ઘરગથ્થુ પર્યાય તરીકે સમજતા હોવાનું જણાવે છે. કેળવણીનું કામ દિલમાં દીવો કરવાનું છે – ખાસ કરીને પોતાના, એ પણ તેમની કેળવણી વિશેની સમજ છે.[4] ઉમાશંકર “કેળવવું એટલે હતું તેનાથી વધુ ઉપયોગી થાય એવા સંસ્કાર થાપવા”[5] એવો અર્થ પણ કેળવણીનો આપે છે. કેળવણી આમ સમષ્ટિનિષ્ઠ સંસ્કારપ્રવૃત્તિ છે. તેઓ કહે છે કે માનવી માનવી વચ્ચેના સંબંધોની સંજીવની શિક્ષક અને વિદ્યાર્થી – એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચે ચાલતી કેળવણીની પ્રક્રિયામાં છે. “સામી વ્યક્તિ પ્રત્યે અપાર સદ્ભાવ વગર કેળવણીનું કશું નક્કર કામ થઈ શકે એ સંભવિત નથી.”[6] – એમ એમનું માનવું છે. ઉમાશંકર કેળવણીનું લક્ષ્ય ‘માણસ બનાવવાનું છે’ એમ દૃઢપણે માને છે.”[7] કેળવણીએ મનુષ્યની અંદર જે સર્જકતત્ત્વ (creative principle) છે તેને સક્રિય બનાવવાનું કામ કરવાનું છે.[8] કેળવણીએ વર્તમાન સમયમાં ઘણી મહત્ત્વની જવાબદારીઓ અદા કરવાની છે. તેણે વ્યષ્ટિ – સમષ્ટિ વચ્ચે સેતુરચનાનું – સંવાદતત્ત્વની પ્રાણપ્રતિષ્ઠાનું કાર્ય કરવાનું છે. ઉમાશંકર તો માનવીય વિશ્વના સ્વાસ્થ્યનો ઇલાજ કેળવણી છે એમ માને છે. કેળવણી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સંવાદ-સમજાવટ દ્વારા સ્નેહ-સંસ્કારથી આહ્લાદક એવી ઉદાત્ત માનવીય પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. તેઓ એ વાત સુંદર રીતે નીચેના શબ્દોમાં મૂકે છે :

“સ્વસ્થ થવાનો ઇલાજ છે કેળવણી, સાચી રીતની કેળવણી. માનવીય સંબંધોની વિવિધતામાં પ્રેમનું વહેણ સજીવન કરી શકે એવી કેળવણી. કેળવણી કામ પાડે છે માનવવ્યક્તિઓથી. એ તો છે ઉપ + નિ + ષદ્ (પાસે પાસે બેઠક), શીખવનાર અને શીખનારનું સાન્નિધ્ય. એક માનવવ્યક્તિ અને બીજી વચ્ચે એ વાર્તા-સંલાપ છે. બે જણ વચ્ચેનો સંવાદ (‘ડાય-લૉગ’) છે. સમૂહપ્રચારનાં સાધનો મોટા પાયા પરનો બહુજનસંલાપ (‘મલ્ટી-લૉગ’) એટલે કે મોટી સંખ્યા આગળ બોલવાનું શક્ય બનાવે છે; પણ તેનું પરિણામ આવે છે મોટે ભાગે એકોક્તિ(‘મૉનોલૉગ’)માં. બોલનારો પોતાની સાથે જ જાણે બોલી રહ્યો ન હોય અને કોઈ જ એને સાંભળતું ન હોય ! માનવજાતિના મહાન શિક્ષકોએ કેળવણીનો કીમિયો (અલ્-કીમિયા, આલ્કમી) અજમાવ્યો છે, અને એ તો છે સમજાવટની કળા, તે તો છે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધરૂપે પ્રગટ થતો સમજાવવા દ્વારા જીતી લેનારો પ્રેમનો પ્રકર્ષ. ઋષિઓ હંમેશાં ‘नौ’ – ‘આપણે બે’ ની વાત કરે છે. વળી અર્વાચીન ભારતે નિપજાવેલા ત્રણ મહાન શિક્ષકો – ગુરુદેવ રવીન્દ્રનાથ, શ્રીઅરવિંદ અને મહાત્મા ગાંધીનો દાખલો લો. તેઓમાંના પ્રત્યેકે ગ્રંથો ભરાય એટલાં બીજાં લખાણો ઉપરાંત હજારો અંગત પત્રો લખ્યા છે. અસંખ્ય માનવ વ્યક્તિઓ સાથે એમના હૃદય-હૃદય વચ્ચેના વાર્તાલાપ સમાન છે.”

(કેળવણીનો કીમિયો, ૧૯૭૭, પૃ. ૨૬૦)
ઉમાશંકર કેળવણીને વ્યાપક અર્થમાં ઘટાવે છે. અને તેથી જ માનવજાતના મહાન શિક્ષકો તરીકે એક જ સૂત્રમાં રવીન્દ્રનાથ, અરવિંદ અને ગાંધીજીને સાંકળવાનું બની શકે છે. કેળવણીમાં વૈયક્તિક તેમ જ સામાજિક ક્રાંતિ કરવાનું સામર્થ્ય છે. એવા કેળવણીના સાધનનો આપણા ભારતમાં વર્તમાન પરિસ્થિતિમાં એક વિશેષ ઉપયોગ છે. ઉમાશંકરે એ સંદર્ભમાં અહીં મહદ્અંશે કેળવણીની વિચારણા કરી છે. ઉમાશંકરે આ પુસ્તકના ત્રણ ખંડોમાંથી પ્રથમ ખંડમાં કેળવણી સામાન્ય વિશે, બીજા ખંડમાં કેળવણીના માધ્યમ વિશે અને ત્રીજા ખંડમાં ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં કેળવણીના લક્ષ્ય વિશે ઠીક ઠીક વિચાર્યું છે. કેળવણી અને સ્વતંત્રતા, શિક્ષણનું રાષ્ટ્રીયકરણ, આપણાં રાષ્ટ્રીય આયોજનોમાં કેળવણીનું સ્વરૂપ અને લક્ષ્ય, આપણી નઈ તાલીમ આપતી ગ્રામસંસ્થાઓ, વિદ્યાર્થીઓના પરદેશગમનનો પ્રશ્ન, શિક્ષિત બેકારીનો પ્રશ્ન, વ્યાવસાયિક તાલીમની આવશ્યકતા, વિજ્ઞાન અને માનવવિદ્યાઓની કેળવણીનું સંયોજન, રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં કેળવણીની કામગીરી, શિક્ષણના માધ્યમના પ્રશ્નો, અંગ્રેજીની જાણકારીના પ્રશ્નો, લિપિ અને અભ્યાસક્રમના પ્રશ્નો, વિશ્વવિદ્યાલયોનું સ્વરૂપ — આ બધાં વિશે તેમની કેટલીક ધ્યાનાર્હ વિચારણા અત્રે જોવા મળે છે. ઉમાશંકર બાલશિક્ષણને, છાત્રાલય-શિક્ષણનેય ભૂલ્યા નથી. ઉમાશંકરને મન શિક્ષક ‘ચેતનનો માળી’[9] છે. તેણે બાળકો કિશોરો અને તરુણોના સમ્યક વિકાસની જવાબદારી પ્રામાણિકતાથી અદા કરવાની છે. શિક્ષકે ‘લગભગ માતા જેવાં પ્રેમ અને ધીરજ”[10] થી આ શિક્ષણનું સર્જનાત્મક કાર્ય કરવાનું છે. શિક્ષકે બાળકોને માટે યશોદા બની રહેવાનું છે.[11] પ્રેમના જ માધ્યમ દ્વારા શિશુદેવ સુધી પહોંચવાનું છે. શિક્ષકને માટે તો `नमः शिशुभ्यः' એ જ સૂત્ર હોય. ઉમાશંકર શિક્ષણમાં ‘આપકેળવણી’ને ખૂબ જ મહત્ત્વ આપે છે. શિક્ષકે વિદ્યાર્થીને એવી ભૂમિકાએ મૂકવો જોઈએ કે જેથી તેનું ‘સ્વયં-શિક્ષણ’ ચાલ્યાં કરે. ઉમાશંકર સર્વાંગીણ કેળવણીના પક્ષકાર છે. કેળવણીમાં ઉદ્યોગ, કળા ઇત્યાદિ સ્થાન પામે એમાં એમને રસ છે. મનન અને મજૂરી સાથે ચાલવાં જોઈએ. ઉમાશંકર હૈયું, મસ્તક અને હાથ – આ મનુષ્યને મળ્યાં એમાં જ ઈશ્વરની મોટી કૃપા માને છે. એ ત્રણેયનું સમ્યક રીતે ઘડતર થાય ને એ રીતે વ્યક્તિ – સમષ્ટિ પરસ્પરનો ઉત્કર્ષ કરતાં વૈશ્વિક જીવનને વધુ આનંદપૂર્ણ કરે તે વસ્તુને જ કેળવણીના હાર્દમાં મૂકે છે. કેળવણીનો વ્યાપાર દ્વિમુખી છે. શિક્ષક જ્યારે શિષ્યને કંઈક આપતો હોય ત્યારે શિષ્ય પાસેથી કંઈક લાભતોયે હોય છે. કેળવણી આ આદાન-પ્રદાનની પ્રક્રિયા ન ચાલે તો સ્થગિત થઈ જાય અને ઉમાશંકર કેળવણીક્ષેત્રે કોઈ પણ પ્રકારની સ્થગિતતાના – જડતાના અત્યંત વિરોધી છે. કેળવણીએ જીવનવિકાસ – સંસ્કૃતિ-વિકાસની જવાબદારીઓ ઉત્તમ રીતે હાંસલ કરવા સતત સમય સાથે કદમ મિલાવવાં જોઈએ એ ઉમાશંકરનું મંતવ્ય છે. ભારતમાં આ દિશામાં સ્વાતંત્ર્યપૂર્વે જે કેળવણી-પ્રયોગો થયા તેના તેઓ મુક્ત પ્રશંસક છે; પછી, વિધિની વિચિત્રતા તો એ છે કે સ્વાતંત્ર્ય પછી જ્યારે એવા પ્રયોગો માટે દેખીતી રીતે જ વધુ અવકાશ અને આવશ્યકતા છે, ત્યારે જ એવા પ્રયોગોનું ભવિષ્ય અંધકારમય બનતું જણાય છે. સમર્થ કેળવણી-પ્રયોગકારોનો અભાવ ખૂબ દુ:ખદ છે. કેળવણી એ જીવનભર ચાલતી પ્રક્રિયા છે. ‘જીવવું એટલે જ ભણતર મેળવવું’[12] એમ ઉમાશંકર માને છે. ખંડસમયનું અધ્યાપકજીવન કે વિદ્યાર્થીજીવન હોઈ ન શકે. ઉમાશંકર કેળવણીસંસ્થાઓને (જેમ કે, નાનાભાઈની આંબલાની શાળા) ‘ચેતનનાં ધરુવાડિયાં’ કહે છે. શિક્ષકે સમૃદ્ધ થઈ વિદ્યાર્થીને સમૃદ્ધ કરવાનો – રાખવાનો છે. શિક્ષક – ગુરુ – આચાર્ય એમણે કેવળ અભ્યાસક્રમો કે પરીક્ષાઓથી નહીં, પરંતુ પોતાના સમ્યક આચાર-વિચારથી, જીવનશૈલીથી વિદ્યાર્થીને કેળવણી આપવાની છે. આમ તો વિદ્યાર્થી પોતે આપમેળે કેળવાય એવું જ કરવાનું છે. વિદ્યાર્થીનું ઘડતર જેમ જિંદાદિલ અધ્યાપકોએ તેમ જિંદાદિલ ગૃહપતિઓએ કરવાનું છે. ગૃહપતિઓ ‘છાત્રજીવનના કર્ણધાર’[13] છે. ઉમાશંકર છાત્રાલય ઉચ્ચ શિક્ષણનું લૂલું અંગ ન રહેવું જોઈએ એવો આગ્રહ સેવે છે. તેઓ આ સંદર્ભમાં નાનાભાઈ, મોતીભાઈ અમીન, કલ્યાણજીભાઈ, બાપુભાઈ ગામી, હરભાઈ જેવા કર્તવ્યનિષ્ઠ દૃષ્ટિમંત ગૃહપતિઓનોયે નિર્દેશ કરે છે. છાત્રાલયો ‘મહત્ત્વનાં સંસ્કારકેન્દ્રો’[14] રૂપે વિકસે એ તેમની અપેક્ષા છે. ઉમાશંકર બાલશિક્ષણની વધુ સારી રીતે માવજત થાય એમ ઇચ્છે છે. ‘બાલશિક્ષણ એ નાનોસૂનો પડકાર નથી.’[15] બાલશિક્ષણને તેઓ ‘માણસના હૃદયમાંથી ફૂટી નીકળતો શુચિ વાત્સલ્યનો ફુવારો’[16] – એ રૂપે વર્ણવે છે. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં સ્નેહ વિનાની કેળવણીનો સ્વીકાર કરવા તૈયાર નથી. કેળવણીમાં સ્નેહસાધના – વિવેકસાધના – જીવનસાધના જ અભિપ્રેત હોય. ઉમાશંકર વિદ્યાર્થીઓને ‘સાચા’ વિદ્યાર્થીઓ થવાની સૂચના કરે છે.[17] વિદ્યાર્થીઓને અધ્યયન સાથે મજૂરીનેય વહાલી કરવી જોઈએ.[18] લોકસંપર્ક વધારવો જોઈએ.[19] વિદ્યાર્થીઓ રાષ્ટ્રનું ધન હોઈ તેનો જરાયે દુર્વ્યય ન થાય એ તેઓ ઇચ્છે છે. તેઓ સ્વાતંત્ર્ય પછીનું આપણા દેશનું એક અતિમહત્ત્વનું કાર્ય તે ‘માનવધનની માવજત’[20]નું હોવાનું માને છે. એ માટે કેળવણીનો જિવાતા જીવન સાથેનો મેળ સિદ્ધ કરવો જોઈએ. શિક્ષણમાં જે પરિવર્તન કરવાં અનિવાર્ય બન્યાં છે તે કરવાની હિંમત રાજકીય અને શૈક્ષણિક નેતાગીરીમાં વેળાસર આવે એ ઉમાશંકર જરૂરી માને છે, અન્યથા ‘ગુનાહિત ગાફેલગીરી’[21]નો ભય તેમને વરતાય છે. તેઓ આપણાં વિદ્યાલયો બૌદ્ધિક પારતંત્ર્ય ખીલવવામાં જે ફાળો આપે છે તે વિશે સચિંત છે. તેઓ કેળવણી અને તાલીમનો સમન્વય ઇચ્છે છે. હૈયું, મસ્તક ને હાથ – ત્રણેયની કેળવણી હવે સમન્વિત રીતે ને સમ્યક્પણે ચાલે એ તેમની અપેક્ષા છે. ગ્રામવિકાસ, આર્થિક વિકાસ વગેરેના સંદર્ભમાં; લોકશાહી મૂલ્યોના સંદર્ભમાં તેઓ કેળવણીનું વધુ વાસ્તવનિષ્ઠ ને તે સાથે કાર્યક્ષમ એવું રૂપાંતર સમયસર થાય એમ માગે છે. તેઓ વિદ્યાર્થીઓમાં જે બેચેની પ્રવર્તે છે તેના એક કારણ રૂપે ઉચ્ચ આદર્શોને આચરણમાં ઉતારનારા માણસોની તંગીને ગણાવે છે.[22] વિદ્યાકીય નેતાગીરીનો અભાવ તેમને અતિશય સાલે છે.[23] તેઓ વિશ્વવિદ્યાલયના કેન્દ્રમાં વ્યવહારપુરુષની નહીં, પરંતુ વિદ્યાપુરુષની પ્રતિષ્ઠા વાંછે છે.[24] વિદ્યાપુરુષોનું સ્થાન વ્યવહારપુરુષો કોઈ પણ સંજોગોમાં ન જ લઈ શકે એવી એમની સમજ છે. તેઓ ‘કેળવણી રાજકારણની નિસરણી’[25] ન થાય એમ પણ વાંછે છે. ઉમાશંકરે જીવનનાં ઘણાં વર્ષો ઉચ્ચ કેળવણીના ક્ષેત્રે જવાબદારીભર્યાં કાર્યોમાં આપ્યાં હોઈ, એ કેળવણી બાબતે તેમનો વિચારવિમર્શ પ્રમાણમાં વધારે જોવા મળે એ દેખીતું છે. તેઓ વિશ્વવિદ્યાલયનો સંબંધ યોગ્ય રીતે જ વિશ્વવિદ્યા સાથે સાંકળે છે. પશ્ચિમ કે જે આજે ‘પથારીવશ’ છે તેના સાંસ્કૃતિક ક્ષેત્રે ગાંધીજીના શબ્દોમાં ‘શાહીચૂસ બનવાનું’ આપણા લોકો – આપણી કેળવણીસંસ્થાઓ ટાળે એમ તેઓ વાંછે છે.[26] તેઓ લોકવિદ્યાપીઠોના ખ્યાલનો પક્ષ કરે છે. તેઓ વિશ્વવિદ્યાલયો યંત્રો માટેનો જીવનો માલ ઉત્પાદન કરવાનાં કારખાનાં ન બને એ માટે સચિંત છે. તેઓ ઇચ્છે છે કે વિશ્વવિદ્યાલયો ‘માણસ’ના સર્જનમાં કામે લાગે. તેઓ ‘યંત્રયોગ’[27] માંથી સલામત બહાર નીકળવા માટેની જરૂરી સાવધાની પશ્ચિમના કઠોર અનુભવોમાંથી આપણે શીખીએ એમ વાંછે છે. કેળવણીનું સાધ્ય, કેળવણીનું સાધન તથા કેળવણીના સાધકો – આ ત્રણેય વચ્ચે યોગ્ય પ્રકારનાં સંકલન અને સંવાદ તેઓ અત્યાવશ્યક માને છે. પ્રવૃત્તિ, સમાજ અને માનવ વચ્ચેનો મેળ બની રહે – જળવાય – જામે એ માટે વિશ્વવિદ્યાલયોએ વિવિધ જ્ઞાન-વિજ્ઞાનો – વિદ્યા-શાખાઓ વચ્ચે એક સમતુલા સાચવવી જોઈશે. યંત્રનો ઉપયોગ યંત્રવત્ બનાવ્યા વિના કેમ થાય, વિજ્ઞાન સાથે કરુણાનો સમન્વય કેમ કરાય તેના પ્રયોગોમાં વિશ્વ-વિદ્યાલયોએ દિલચસ્પી દાખવીને આગળ આવવું જોઈએ. સમાજમાં સમજણ-શક્તિનું ‘બેલાસ્ટ’ વધે એ માટેના પ્રયત્નો એકાગ્રતાએ થવા જોઈશે. ઉમાશંકર વિદ્યાર્થીજગતની બેચેનીમાં વિદ્યાર્થીઓના દોષ ન જોતાં, એક વ્યાપક સામાજિક વિસંવાદ એમાં નિહાળે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધના વિકાસમાં કેળવણીએ અસરકારક રીતે વિધેયાત્મક ફાળો આપવો હશે તો વર્તમાન સમયની આવશ્યકતા-ઓના સંદર્ભમાં તેને કાયાપલટ ને જરૂર જણાય તે પ્રમાણે લક્ષ્ય-પલટ પણ કરવાં જોઈએ. ઉમાશંકર અર્વાચીન સમયમાં સામાજિક પરિવર્તનના મુખ્ય સાધન તરીકે યુનિવર્સિટીઓએ ભાગ ભજવવાનો છે – એવો જે એક ખ્યાલ છે તેથી અભિજ્ઞ છે અને એ સંદર્ભમાં કદાચ ગાંધી-સંમત એવા અહિંસાત્મક રાહે ‘કેળવણી દ્વારા ક્રાંતિ’નો માર્ગ ચીંધે છે. સમાજજીવન સાથે યુનિવર્સિટી-શિક્ષણે સેતુ રચવો જોઈશે. એ માટે ‘નવીન શ્રદ્ધાતંત્ર’[28] સાથે કામ કરવું જોઈશે. ઉમાશંકર મનુષ્યની રચનાત્મક પ્રકૃતિમાં પારાવાર શ્રદ્ધા ધરાવતા હોવાથી ‘રસ્તો છે જ’ એવા આસ્તિકભાવ સાથે જ કેળવણીના પ્રશ્નોની ચર્ચાવિચારણા ચલાવે છે. કેળવણી કેવળ વ્યક્તિઘડતરનું જ નહીં સમાજઘડતરનુંયે સાધન હોઈ કેળવણીના માધ્યમ વિશે, તેના રાષ્ટ્રીયકરણ વિશેય તેઓ વિચારે છે. તેઓ ઇચ્છે છે કે કેળવણી જે વસ્તુ પોતાના માટે સાધન છે તેને સાધ્યની પ્રતિષ્ઠા ન આપે અને જે વસ્તુઓ ખરેખર સાધ્ય છે તે સાધનની આંધળી ઉપાસનામાં ગુમાવી ન બેસે – એની ચિંતા કરે અને એ રીતે માધ્યમનો પ્રશ્ન ઉકેલવામાં લાગે, ઉમાશંકર આપણા દેશકાળના સંદર્ભમાં કેળવણીમાં ત્રિભાષીની નીતિની તરફેણ કરે છે. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય એ વિશે તેઓ અતિ સ્પષ્ટ છે. અંગ્રેજી ભાષા વૈશ્વિક સંપર્કની દૃષ્ટિએ આવશ્યક છે અને તેનો ‘દીવો ન હોલાય’ એ માટે તકેદારી રાખવાનું તેઓ સૂચવે છે. હિન્દી ને તેઓ કડીભાષા તરીકે – રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારે છે પણ તે માતૃભાષાના હક પર તરાપ મારે તે તેમને યોગ્ય રીતે જ મંજૂર નથી. વળી યત્ર યત્ર અંગ્રેજી તત્ર તત્ર હિન્દી – એવા સમીકરણની ભૂલ તરફ ધ્યાન દોરવામાં તેમની વૈચારિક સજાગતા ને સૂક્ષ્મતા સુપેરે પ્રતીત થાય છે. ઉમાશંકર જેમ જીવનને ખાતર કળામાં, તેમ જીવનને ખાતર શિક્ષણમાં માનનારા છે ને તેથી જ શિક્ષણના – કેળવણીના પ્રશ્નો જીવનના પ્રશ્નો[29] હોવાનું તેઓ જણાવે છે. તેઓ એ પ્રશ્નોને હલ કરવાની રીત પણ વધુ નાજુક, સમજભરી ને ધૈર્યભરી વિવેકપૂત હોય એમ માને છે. તેઓ વિદ્યાર્થીનો શિરચ્છેદ કે પદચ્છેદ ન થાય એ પ્રકારની એક સર્વાંગીણ, અખંડ કેળવણી-પ્રક્રિયાના હિમાયતી છે. કેળવણીમાં આપવાનું છે એ કરતાં સર્જવાનું વિશેષ છે. અને તેથી કેળવણીકારને માથે આમ કેળવણીનીયે મોટી જવાબદારી આવે છે. વ્યક્તિ પોતે પોતાનો યોગ્ય શિક્ષક બની હશે તો એની પાસેથી સમાજને તો સરવાળે લાભ જ છે. ઉમાશંકર લખે છે : “હું છું શિક્ષક,
ચાલે મારી અહો અહોનિશ શાળા!” (સમગ્ર કવિતા, પૃ. ૫૩૨)
સંસારશાળાના શિક્ષક ઉમાશંકર સાહિત્યકારના ધર્મનેય એક પ્રકારના શિક્ષકધર્મ તરીકે ઓળખાવે તો એમાં આશ્ચર્ય નથી. એમણે મન સાહિત્યકાર પોતેય એક પ્રકારનો શિક્ષક છે. શિક્ષક એટલે જે શાળામાં ભણાવે તે – એ વ્યાખ્યા તો ઉમાશંકરના ચિત્તમાં હોય જ શેની ? એ તો જે કોઈ આત્મવિકાસનો પુરુષાર્થ પોતાને રુચિકર એ રીતે કરે છે એ સૌમાં કેળવણીધર્મનું જ તત્ત્વ અવલોકે છે. ધર્મ અને કળામાં કેળવણી છે તો કેળવણીમાં ધર્મ અને કળા બંને છે. એ જોવા માટે સંવાદમૂલક દૃષ્ટિની આવશ્યકતા છે. ઉમાશંકર એવી સંવાદમૂલક દૃષ્ટિના કેળવણીકાર છે. ‘સાહિત્ય’નો યૌગિક અર્થ લેતાં એ ‘સાહિત્ય’-ધર્મી કેળવણીકાર છે એમ પણ આપણે કહી શકીએ. એમના પર ગાંધીજી અને ફ્રાન્સના ફિલસૂફ મારિતેંનો વધુ પડતો પ્રભાવ હોવાનું પ્રા. રમેશ શાહ માને છે;[30] આમ છતાં એમના કેળવણીવિચારમાં એમની આંતરપ્રતીતિનો રણકો સ્પષ્ટ છે. આ ‘કેળવણીનો કીમિયો’ ગ્રંથમાં ઉમાશંકરે કેટલાક પોતાના કેળવણી-ઘડતરના દ્યોતક એવા ઉદ્ગારોય આપ્યા છે. એ રીતે ઉમાશંકરના વ્યક્તિત્વનો – સર્જક વ્યક્તિત્વનો પણ પૂરો પરિચય મેળવવામાં આ ગ્રંથ ઉપયોગી જણાય. વળી એમનામાં સાહિત્ય અને શિક્ષણ એકબીજાના હાથમાં હાથ રાખી, પરસ્પરનો સહકાર – ઉત્કર્ષ સાધતાં આગળ ચાલ્યાં છે. એ રીતે જે ‘કેળવણીનો કીમિયો’ છે એને વ્યાપક અર્થમાં ‘સર્જકતાનોયે કીમિયો’ પણ લેખી શકાય. આ ગદ્યલેખોમાં ઉમાશંકરની ગદ્યશક્તિનાયે કેટલાક સુંદર નમૂના મળી શકે; દા.ત,

“ઊલટું કૃપાળુ સરકારમાબાપની મદદથી અધ્યાપન જેવા બ્રાહ્મણિયા ધંધાને તેમનામાંના કેટલાકે પ્રજાજીવનથી અતડાપણું અને આભડછેટ કેળવી ‘ઑફિસર’ના દરજ્જા સુધી પહોંચાડ્યો. સુખ, સફળતા અને મોભાને પૂજનાર રૂઢિગ્રસ્ત દુન્યવી માનસ, — ‘ઢોરાંના ગોવાળ અને છોરાંના ગોવાળ’ને એક પંગતે બેસાડનાર માનસ આગળ તેમણે ‘ભણાવી ખાનાર’ની પ્રતિષ્ઠા સ્થાપી. પોતાનાં ઉત્તમ વરસો, સતત જાગ્રત એવી સંવેદનશીલતા અને અપરિમિત ઉત્સાહ લઈને વિદ્યાલયોમાં કોડભર્યાં પગલાં માંડતા યુવકોની વૈયક્તિક મનોઘટનાની બિલકુલ દરકાર કર્યા વગર, તેઓ જ્યાંથી આવે છે તે સમાજની પરિસ્થિતિ તરફ પીઠ ફેરવીને અને જેમાં હવે પછી તેઓ ભૂસકો મારવાના છે તે જીવનની વાસ્તવિકતાઓ તો જાણે અસ્તિત્વ જ ન ધરાવતી હોય એ રીતે શિક્ષણ અપાયે ગયું. શ્રોતા સ્થાને આ કે પેલો વિદ્યાર્થી એમ નહિ પણ આખો સમુદાય છે એમ સમજીને આ કે પેલા વિદ્યાર્થીને શું પહોંચે છે તેની પરવા કર્યા સિવાય વ્યાખ્યાતા ભાષણ ઝાડ્યે ગયો. ચોવીસ કલાકના વિકટ વાસ્તવતાભર્યા જીવનરણમાં વિદ્યાનાં આ મૃગજળ દેખી વિદ્યાથી પણ એટલી બે ઘડીને મીઠો મનોહર રણદ્વીપ ગણતો થયો. તે એટલે સુધી કે એ મૃગજળ પાછળ દોડવાનું પૂરું થતાં તેને આસપાસના રણની ભયાનકતા ભારે અસહ્ય નીવડતી. આમ, વિદ્યાર્થી જીવનથી તો વિમુખ હતો જ, વિદ્યાથી પણ વિમુખ રહ્યો. વિદ્યાએ એને જીવન પ્રત્યે અભિમુખ કરવાનો હતો એ કોઈ પણ જાતના વિદ્યાભ્યાસની મૂળ પ્રતિજ્ઞા તે તો વીસરાઈ જ ગઈ.

પરદેશી શિક્ષણપદ્ધતિનો આપણે બ્રિટિશ અમલ દરમ્યાન શી રીતે ઘડોલાડવો કરી નાખ્યો તેનું ચિત્ર કાંઈક આવું છે.” (કેળવણીનો કીમિયો, પૃ. ૭)
— અહીં ઉમાશંકરે બ્રિટિશ અમલ દરમિયાનની પરદેશી શિક્ષણપદ્ધતિનો ચિતાર કેવી અસરકારક ભાષામાં આપ્યો છે તે જોઈ શકાશે.

“બીજા ધોરણમાં અમને શ્રી રાયચંદભાઈ વર્ગશિક્ષક તરીકે મળ્યા. કેવડું મોટું સદ્ભાગ્ય ! God made me-થી શરૂ થતી મૅકમિલન વાચનમાળાની બીજી ચોપડીના એકેએક શબ્દનો સંપૂર્ણ પદચ્છેદ એમણે વર્ગમાં બે વાર કરાવેલો. અને એક વાર માત્ર શબ્દની ઓળખાણ આપવાનો ક્રમ રાખેલો. સાચું કહું ? આરંભમાં મારું વ્યાકરણવિષયક જ્ઞાન એટલું બધું ધરખમ હતું કે આગળનો વિદ્યાર્થી ક્રિયાપદને transitive (સકર્મક) કહે અને એનું ખોટું પડે એટલે હું ઊભો થઈને હિંમતભેર કહેતો – intransitive (અકર્મક) અને સાચો પડતો ! પણ જે રીતે અમે પલોટાયા તેનું પરિણામ એ આવ્યું કે વરસને અંતે આચાર્યશ્રી એમના વર્ગમાં કોઈને અંગ્રેજી વ્યાકરણ ન આવડે તો એ વખતના કદાવર ઊંચા વિદ્યાર્થીઓ સામે બોલાવી મંગાવીને સળેકડા જેવી મારી આકૃતિ ઊભી કરતા. ‘ગ્રામેરિયન’નું ઉપનામ પણ એમણે આપ્યું ! — જોકે પછીથી એ ઉપનામ હું સાર્થક કરી શક્યો નથી.”

(કેળવણીનો કીમિયો, પૃ. ૬૮)
— અહીં ઉમાશંકર પોતાનોયે વિનોદ કરી લેવાની તકનો પૂરો લાભ ઉઠાવે છે.

“છતાં અત્યારે તમે મને તક આપી છે તો એક વાત તો સીધી કહીશ જ. તે એ કે તમે આગળ ઉપર હાઈકોર્ટો ધ્રુજાવો કે યુનિવર્સિટીના શિખર પર કળશ થઈને દીપી રહો, ધારાસભા ગજાવો કે મોટી મોટી મેદનીઓ ડોલાવો, ભારે અફસર થાઓ કે મહાપુરુષ બની જાઓ, આટલું કદી ભૂલશો નહિ કે તમે અહીં અત્યારે ભણો છો એ એક અકસ્માત જ છે. આ કમભાગી દેશમાં સોમાંથી માંડ દસ-વીસ બાળકો પાટીપેન દેખવા પામતાં હશે. તમે અહીં ભણો છો ને તમારી ઉંમરના ગોઠિયાઓ ખેતરે માળા પર ચઢી પંખીડાં ઉડાડે છે, શહેરોનાં કારખાનાંમાં બેવડ વળી જાય છે, વીશીઓનાં અંગીઠાં આગળ શેકાય છે અથવા તો મુંબઈની ચોપાટી પર પગચંપી કરે છે. કોઈ અકસ્માતથી તમે એને ઠેકાણે હોત, એ તમારે ઠેકાણે હોત. પણ તમને ભણવા મળે છે ને આગળ ઉપર તમે મોટા તિસ્મારખાં બની જાઓ તો આટલું આ જરી ભૂલશો નહિ. અનેક લાલચો અને પ્રલોભનો હોય પણ પેલા વાંદરાએ મગરને કહ્યું હતું તેમ કહેજો કે મારું કાળજું તો, અરે, ત્યાં રહી ગયું ! – ત્યાં, જ્યાં કુમળાં બાળકો ટોયા બની પંખી ઉડાડે છે, કપરી મજૂરીમાં ઘસાઈ જાય છે, પોતે ન સમજી શકે એવાં છાપાં વેચતા ફૂટપાથ પર દોડે છે. આંખમાં આંસુ સાથે માએ કહેલું તે માતૃવતને પણ કહ્યું માનજો : ‘ઉગમણે બારણે આપણું ઘર છે.’ એટલું એક ભૂલશો મા.
લો, વળી હું મોટોભાઈ થઈ જઈશ. આગળ ઉપર તમારે શું કરવું તે અત્યારે તમને હું કહેનાર કોણ ? પણ હા, અત્યારે તમારું જીવન અરસપરસ તો એટલું હેતાળ અને માણસાઈભર્યું રાખી શકો કે આગળ જતાં આજે સાથે રહેનારા કોઈ બે છાત્રમિત્રો મળો ત્યારે એકબીજાના દરજ્જાનો ખ્યાલ પણ આવવા ન પામે. આપણા પેલા બે ઉત્તમ છાત્રો – સુદામા અને કૃષ્ણ તો તમને યાદ હશે. કૃષ્ણ મોટે મોભે ચઢીને બેઠો હતો. ને સુદામાની તો બિચારાની તુંબડી પણ કાણી હતી અને લાકડીય તે ખોખરી થઈ ગઈ હતી. છતાં બે જણા કેવા પ્રેમભેર એકબીજાને ભેટી રહ્યા હતા ! તમે પણ તમારું અત્યારનું જીવન એટલું ભાવનાભર્યું રાખી શકો કે આગળ ઉપર બે છાત્રબંધુઓ મળો ત્યારે છાત્રનિવાસ વિશે ભરઉમળકાથી કૃષ્ણસુદામાની પેઠે તમે પણ ગાઈ રહો :

‘તને સાંભરે રે?’ ‘મને કેમ વીસરે રે?’ ” — અહીં ઉમાશંકરના ઉદ્બોધનશૈલીના ગદ્યની પ્રભાવકતાનો પરચો થાય છે. ગુજરાતી ભાષાની લઢણો સાથે વાગ્મિતાનો અહીં સુયોગ વરતાશે. ઉમાશંકરની સંવેદનશીલતાનો પણ સદ્ય સાક્ષાત્કાર અહીં થાય છે.

“પરદેશ ભણવા જનારાઓને મારી મુખ્ય વિનંતી તો એ રહી છે કે તમે જાઓ છો તો ખરા, પણ બરાબરની લૂંટની તૈયારીથી જાઓ છો ને ? સાથે ઘર ફોડવા માટે કોશ, પાવડો, લૂંટનો માલ ભરી લાવવાનો કોથળો, બધું તૈયાર છે ને ? આપણે હિંદવાસીઓ કાંઈ એવા તવંગર નથી કે પૈસાની કોથળીઓ લઈને જઈએ અને ત્યાં ઠાલવીને પાછા આવીએ. આપણે તો વિદ્યા લૂંટવા જઈએ છીએ. નવી વિદ્યા, જે સહેજે અહીં નથી મળતી તેવી વિદ્યા, લૂંટવા જઈએ છીએ. એ વિદ્યા બરોબર ઝડપવા માટેની સજ્જતા સાથે આપણે જવાનું છે. ત્યાંની ભાષાની જાણકારી એ તો હોય જ, પણ ખરી સજ્જતા માનસિક છે. મનોબળ એવું જોઈએ કે થોડા સમયમાં ઉત્તમમાં ઉત્તમ રીતે વિદ્યા હસ્તગત થાય.”

(કેળવણીનો કોળિયો, પૃ. ૯૫–૬) — આ પરિચ્છેદમાં ઉમાશંકર લૂંટવાની પ્રક્રિયાનું રૂપક યોજીને જે રીતે વિદ્યાર્થીને વિદેશગમનના સંદર્ભમાં શીખ આપે છે તે જોવા જેવી છે.

“વેડછીમાં અવારનવાર આવ્યો છું. ‘વ્હાલુડી વેડછી’નું ગીત સાંભળ્યું છે. ભાઈ નારાયણ અને મોહન નવલોહિયા શિક્ષકો હતા ત્યારે પણ એક વાર આવેલો. તે વખતે પણ આ જુગતરામભાઈ જાણે અહીં હજારો વરસથી આસન જમાવીને ન બેઠા હોય એવા લાગતા હતા. આજે પણ એવા જ લાગે છે. એ જ ચહેરોમહોરો. એ જ સહાનુભૂતિ ને વાત્સલ્ય, અને વિદ્યાર્થી સ્નાતકોને વિદાય દેતી વખતે હમણાં ભાંગી પડ્યું હતું તેવું કણ્વ ઋષિનું હૃદય. પચાસ-પચાસ વરસ થઈ ગયાં. નાની એક વસ્તુને પણ થતાં કેટલો બધો વખત લાગે છે !
કોઈ એક મોટો ખડક, અને તેના ઉપર નાનકડું ફૂલ ફૂટતું તમે કદી જોયું છે ? એ ખડકે કંઈ કેટલી ઠંડી ને ગરમી સહન કરી હશે અને વર્ષાની ઝાપટો ઝીલી હશે. તેમાં તે સંકોચાયો હશે અને વિસ્તર્યો હશે, તેમાં તિરાડો પડી હશે અને ત્યારે એક દી પૃથ્વીની જિજીવિષા સમું આ ફૂલ એ ખડક પર ખીલી ઊઠ્યું હશે.
આના પરથી ખ્યાલ આવે છે કે પ્રભુની યોજનામાં ઘણી ધીરજ હશે. તેની અંદર પડવાનું ને ઊઠવાનું ને વળી આગળ યાત્રા કરવાનું ચાલ્યાં જ કરે છે. ક્ષણ ઉપર નજર રાખો તો મૂંઝાઈ જાઓ. પણ આખી સફરને નજરમાં રાખીને યાત્રા કરતા રહો તો તે આનંદકારક જ નીવડે.”

(કેળવણીનો કીમિયો, પૃ. ૧૨૨)
— આ ગદ્યખંડમાંથી ઉમાશંકરની વર્ણન-કથનની રીતિનો ઉઘાડ કઈ રીતે થાય છે તેનો અણસાર મળી રહે છે.

“વાણી એ કેળવણીનું મોટું સાધન છે. બાળક જન્મ્યા પછી થોડા માસ કુદરત સાથે પોતાનો મેળ સાધવાના પુરુષાર્થમાં ગાળે છે અને તેમાં કાંઈક સફળ થતાં – આ પૃથ્વી ઉપર એનો પગ જરીક ઠરતાં, તરત જ માનવસમાજ સાથે પોતાનો મેળ સાધવાનો એનો બીજો મહાન પુરુષાર્થ શરૂ થાય છે, અને એ કામ એ બોલતાં શીખીને કરે છે. વાણીનું સાધન હસ્તગત, બલકે મુખ-ગત કરીને એ સમગ્ર માનવસમાજના આજ સુધીના વારસાને અપનાવવા માટેની મુખ્ય ચાવી મેળવે છે. વાણી એ મનુષ્યની એક મોટી સિદ્ધિ છે. મનુષ્યનાં બાળકોને કેળવવામાં વાણીનું મહત્ત્વ અપાર હોય એ સહજ છે. જો બાળકોને એમની ગળથૂથીમાંથી મળેલી વાણી દ્વારા શીખવવાને બદલે પારકી ભાષા દ્વારા શીખવવામાં આવે તો એ વિકૃતિમાં જ પરિણમે. પછી ભલેને એ પર-ભાષા સમૃદ્ધ હોય. ચંડોળને એની પાંખો ઠીંગરાવી દઈ ચોંટાડેલી ગરુડની પાંખે ઊડવા કહીએ તો એ કેટલું ઊડી શકવાનું હતું ? કેળવણીનું વાહન સ્વભાષા જોઈએ એ વિશે હજી દલીલને અવકાશ છે એ આપણા વિચારજીવનની બલિહારી ગણાય.”

(કેળવણીનો કીમિયો, પૃ. ૧૯૩)
— ઉમાશંકરની સર્જક અને શિક્ષક-પ્રતિભાના ઉન્મેષથી ચમકતા આ ગદ્યની સુષમા પણ ધ્યાનપાત્ર છે. તળપદા રૂઢિપ્રયોગો, કટાક્ષપ્રયોગો, વિલક્ષણ ઉક્તિપ્રયોગો – શબ્દપ્રયોગો, આલંકારિક કથનો અને વત્સલ શિક્ષક-આત્માના વેદના, રોષ આદિ વ્યક્ત કરતા આર્દ્ર – ઊકળતા ઉદ્ગારો; સુંદર વિચારખંડો ને ચિત્રાત્મક વર્ણનખંડો — આ બધું આ કેળવણી-વિષયક લેખોમાંયે હાજર છે. આ લેખો કેળવણીકાર ઉમાશંકરનો પરિચય આપતાં ગદ્યસર્જક ઉમાશંકરનો, સમષ્ટિનિષ્ઠ વિચારક ઉમાશંકરનોયે હદ્ય પરિચય આપી રહે છે. આ ગદ્યને એ રીતે ‘ગોષ્ઠી’ ને ‘ઉઘાડી બારી’ના અનુસંધાનમાં જોવો જોઈએ. કેળવણીમાંયે શિક્ષક–વિદ્યાર્થી વચ્ચે ગોષ્ઠીના સંબંધ સ્થપાય ને ઉભયની અંતર-બારીઓ ચારે દિશામાં કેમ ઊઘડેલી રખાય એની જ કળા છેવટે તો સિદ્ધ કરવાની રહે છે. કેળવણીનો કીમિયો ‘મનુષ્ય’ સર્જવાનો જ કીમિયો છે અને સાચા સાહિત્યકારને એનો ઓછો રસ હોય તેમ બને ખરું ?

  1. કેળવણીનો કીમિયો, પૃ. ૧૭.
  2. એજન, પૃ. ૧૭.
  3. એજન, પૃ. ૧૭–૧૮.
  4. કેળવણીનો કીમિયો, પૃ. ૧૦૯.
  5. એજન, પૃ. ૧૨૪.
  6. એજન, નિવેદન.
  7. એજન, પૃ. ૨૦, ૨૮.
  8. એજન, પૃ. ૪.
  9. કેળવણીનો કીમિયો, પૃ. ૪૩.
  10. એજન, પૃ. ૫.
  11. કેળવણીનો કીમિયો, પૃ. ૯૮.
  12. કેળવણીનો કીમિયો પૃ. ૨૮૧.
  13. એજન, પૃ. ૭૯.
  14. એજન, પૃ. ૮૯.
  15. કેળવણીનો કીમિયો પૃ. ૧૦૦.
  16. એજન, પૃ. ૯૮.
  17. કેળવણીનો કીમિયો પૃ. ૨૮.
  18. એજન, પૃ. ૩૧.
  19. એજન પૃ. ૩૨.
  20. એજન, પૃ. ૫૦, પૃ. ૫૪.
  21. એજન, પૃ. ૫૬.
  22. એજન, પૃ. ૨૫૩.
  23. કેળવણીનો કીમિયો, પૃ. ૨૯૦.
  24. એજન, પૃ. ૨૧૧–૨૧૨.
  25. એજન, પૃ. ૫૩.
  26. એજન, પૃ. ૧૮૯.
  27. એજન, પૃ. ૨૦૭.
  28. કેળવણીનો કીમિયો, પૃ. ૨૭૫.
  29. કેળવણીનો કીમિયો, પૃ. ૫.
  30. પ્રા. રમેશ શાહ, ‘શ્રી ઉમાશંકર જોશીના કેળવણીવિષયક વિચારો’, બુદ્ધિપ્રકાશ, પૃ. ૧૫.