અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/પીંછું

Revision as of 13:26, 26 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પીંછું

મનોજ ખંડેરિયા

ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીંછું.

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીંછું.

હજી એમાં કલશોર ગુંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીંછું.

હૃદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીંછું.

ગગનના અકળ શૂન્યમાં જઈ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછુ.
(અચાનક, ૧૯૭૦, પૃ. ૧)