અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/એંધાણી

Revision as of 11:54, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એંધાણી

મનોહર ત્રિવેદી

એવાં ખોરડાંની રાખજો એંધાણી
સંતો હો મારા, ઠામ-ઠેકાણાં લિયો જાણી;
ઊઘડતાં ફીલ જેવી ઊઘડતી આંખ હોય
નીંદરમાં પોપચે બિડાણી;
પંખીના કણ્ઠ હાર્યે ઝૂલે પ્રભાતિયાં
તુલસીક્યારો જ્યાં ઝીલે પાણી,
સંતો હો મારા, ઠામ-ઠેકાણાં લિયો જાણી.

વગડાનો થાક જેનો નીતરતો પંડ્યથી
ન્યાં સો-સો સોડમની સરવાણી;
એનાં ભાણેથી ભેરજો અમરતના ઓડકાર
સાચકલાં અન્નને પિછાણી —
સંતો હો મારા, ઠામ-ઠેકાણાં લિયો જાણી.

આઠે તે પૉર ઉલેચાય જેની અંજલિ
ને આઠે પૉરની ઉજાણી;
આંટીઘૂંટીથી કાંઈ અળગી રહે છે એવી
ધૂળમાં રજોટાતી વાણી —
સંતો હો મારા, ઠામ-ઠેકાણાં લિયો જાણી.
(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૧૭)