અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/તે સાંજે

Revision as of 12:43, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તે સાંજે

જયદેવ શુક્લ

તે સાંજે
આપણે વાતો કરતા ચાલતા હતા.
તારા પ્રશ્નનો ઉત્તર
આપવાને બદલે,
રસ્તો ઓળંગતી વેળાએ,
પોચા પોચા ખભા પર
મારી આંગળીઓનો દાબ પડ્યો હતો.
તારો ઉછાળ જરા સંકોચાયો હતો
આપણે સામે પહોંચી ગયા હતા.

પછી તો તને ચંપલ ન ગમતાં.
હાફપૅન્ટ નાનાં પડતાં.
તું જાતે જીન્સ ખરીદવા માંડ્યો.
તારાં ટેરવાં નીચેનો ઉછળાટ સંભળાવા લાગ્યો.

આજે,
ભૂખરી સાંજે
વળી આપણે રસ્તો ઓળંગીએ છીએ.
એક મોટરબાઇક ફડફડાટ પસાર થઈ જાય છે.
મારા પગ અટકી જાય છે
ને હાથ ઊંચકાય...
અચાનક
પહેલી જ વાર
લોહી છલકતી, કરકરી સચિન્ત હથેળી
મારા સહેજ ઢીલા ખભા પર
દબાય છે.
બધું ઝાંખું ઝાંખું થઈ જાય છે.
હું સામે પાર પહોંચી જાઉં છું.