અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર તળપદા/તમે જ્યારે જ્યારે...

Revision as of 13:13, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તમે જ્યારે જ્યારે...

મનહર તળપદા

તમે જ્યારે જ્યારે મુજ નયનમાં જાવ ફરકી
ઢળેલી સાંજોનું રૂપ ગગનમાં જાય પસરી
પછીતે બેઠેલું મિલન રજનીના સ્વપનમાં
હસીને ધીરેથી દિવસવનમાં ઓગળી જતું.

અને ચોપાસેથી રૂમઝૂમ થતાં નૂપુર તણા
રવોમાં નાહીને ભરતી સીમનો શ્વાસ લીલવો
પણે આંબાડાળે સમય નીડની દેવચકલી
હવામાં ખંખેરે અસલ ક્ષણનો થાક સઘળો.

ફરીથી પોઢેલાં વિવસ સમણાં જાગ્રત બને,
ક્ષિતિજેથી પાછાં ફરી મધુર ગૈ કાલ લઈને
ખરે છે અંધારે...
તમે જ્યારે જ્યારે મુજ નયનમાં જાવ ફરકી.
(ભીનાં અજવા ળાં, ૧૯૮૦, પૃ. ૧૦)