અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/કાચી સોપારીનો કટ્ટકો

Revision as of 13:10, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાચી સોપારીનો કટ્ટકો

વિનોદ જોશી

એક કાચી સોપારીનો કટ્ટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે... તમે લાવજો રે... મારા મોંઘા મે’માન.
એક કાચી સોપારીનો...

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખિતંગ કોનાં છે નામ?
એક વાંકી મોજલ્લલડી ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે... તમે ઝીલજો રે... એનાં મોંઘાં ગુમાન.
એક કાચી સોપારીનો...

ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા
નીચી નજરુંના મળ્યા મેળ
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપાતી કેળ!

એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે... તમે માણજો રે... એની વાતું જુવાન.
એક કાચી સોપારીનો...