નરસિંહ મહેતા પ્રેમાનંદથી બસો-સવા બસો વર્ષ પહેલાં થઈ ગયેલા ભક્ત કવિ. એમની કવિતા તો ઊંચી કોટિની હતી જ – પણ શિવ અને વિષ્ણુ બંનેની કૃપા પામેલા, દૃઢ શ્રદ્ધાવાળા એક પરમ ભક્ત તરીકેનું એમનું ચરિત્ર ઘણું વધારે ખ્યાત હતું. એવા ચરિત્રનો મહિમા વધારવા પ્રજાસમુદાય ઈશ્વરી ચમત્કારના કેટલાક કલ્પિત પ્રસંગો પણ ઉમેરતો ગયેલો ને પ્રેમાનંદ ઉપરાંતના એમના પૂર્વ કવિઓ નાકર, વિષ્ણુદાસ, વગેરેએ પણ નરસિંહના જીવનપ્રસંગો – હૂંડીસ્વીકાર, પુત્ર શામળશાનો વિવાહ અને પુત્રી કુંવરનું મામેરું વિશે આખ્યાનાત્મક કથાકાવ્યો લખેલાં. એ સર્વ પ્રસંગોમાં આ મોસાળું કે મામેરું વધુ રસપ્રદ છે કેમ કે એમાં ભક્તની ઈશ્વર-પ્રાર્થના ઉપરાંત મનુષ્યોના વ્યવહારજીવનની ઘટનાઓ પણ એવી જ કથા-રસિકતા ધરાવે છે. પ્રેમાનંદનું આ નમણું આખ્યાન પ્રેમાનંદે પુરાણો અને મહાકાવ્યોના જાણીતા પ્રસંગો પર ‘સુદામાચરિત’, ‘ચંદ્રહાઆખ્યાન’, ‘નળાખ્યાન’ જેવાં ઘણાં મહત્ત્વનાં આખ્યાનો લખેલાં છે પણ એ સૌમાં ‘કુંવરબાઈનું મામેરું’ કે ટૂંકમાં ‘મામેરું’ કે ‘મોસાળું’ નાનું અને નમણું આખ્યાન છે. એમાં જુદાજુદા પ્રસંગોનાં ખૂબ સુઘડ ને સુંદર ચિત્રો છે, વિવિધ પાત્રોની રેખાઓ બહુ ઉઠાવવાળી ને વાચકના ચિત્રમાં કાયમ રહી જાય એવી છે. વર્ણનો બિલકુલ લાંબાં નથી ને મામેરું કરવાનું નિમંત્રણ નરસિંહને મળે છે ત્યાંથી માંડીને એ ઈશ્વરકૃપાએ મોસાળું ખૂબ ઉત્તમ રીતે કરે છે ત્યાં સુધીનો ટૂંકો કથાપ્રવાહ, નાનાનાના સરસ કથાવળાંકો લેતોલેતો, એકધારી રીતે વહે છે. એમાં પ્રસંગોને રસાળ રીતે આલેખવાની પ્રેમાનંદની કથનકળા, તથા એનું ઝીણા નકશીકામવાળું કવિત્વ – બંને ઘણાં મનભાવન છે. સહજ ને સીધો કથાપ્રવેશ ભાભીના કડવા વચનથી ઘર તજીને વનમાં જતા નરસિંહ આકરા તપથી શિવને રીઝવે છે ને પ્રસન્ન થયેલા શિવ એમને કૃષ્ણની રાસલીલાનો સાક્ષાત્કાર કરાવે છે; એ પછી ‘દુખવેળા સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ’ – એવુું કૃષ્ણવચન પામીને, તથા કવિવાણી અને ભક્તિનું વરદાન પામીને ઘરે પાછા ફરતા, ગૃહસ્થાશ્રમ માંડતા ને ઘરભંગ થતાં ફરી કેવળ ભક્તિમાં લીન થતા નરસિંહનું ચિત્ર ઝડપથી આલેખીને કવિ પ્રેમાનંદ સીધી મોસાળાની કથા આરંભે છે. પુત્રી કુંવરનું મોસાળું કરવાનું આવ્યું છે પણ એક તરફ ભક્તપિતા સરળ ને નિર્ધન છે ને બીજી તરફ સાસરી પક્ષનો એ નાગર પરિવાર બહુ વાંકો, નિષ્ઠુર ને ‘ધન-અભિમાની’ છે. કુંવરની સાસુ નરસિંહ માટે કહે છેઃ ‘દરિદ્ર ઘરમાં ફેરા ફરે, એ મોસાળું ક્યાંથી કરે?’ (કડવુંઃ૩) આવા અપમાનની વચ્ચે, મોસાળાનું વ્યવહાર-નિમંત્રણ પામતા નરસિંહ તો સ્વસ્થ છે. એ તો ભગવાનને જ એમનું વચન યાદ કરાવે છે ને કહે છે કે ‘ત્રિકમજી ત્રેવડમાં રહેજો, દ્રવ્યતણું છે કામ જી.’ (કડવુંઃ૪) મામેરું કરવા જતા નરસિંહનું ચિત્ર પ્રેમાનંદે કેવું અદ્ભુત આલેખ્યું છે! દરિદ્રતાનો કોઈ સંકોચ નથી ને લોકલાજનો ભય નથી – એવો નરસિંહનો ભક્તિવૈભવ રમૂજની રેખાઓથી કવિએ ઉપસાવ્યો છે. સગાંસંબંધીમાં ત્રણ ભક્ત-સખીઓ અને ‘વેરાગી દસવીસ જી’. વહેલનો શણગાર કેવો – વાંકી ધૂંસરીઓ, કોઈની પાસેથી માગી લાવેલા તળાવા, કોઈની પાસેથી પીંજાણીઓ, બે બળદ પણ ઉછીના લાવેલા, એમાં એક ઘરડો બીજો જવાન! એટલે ‘એક બળદ ગળિયો થઈ બેસે, આખલો તાણી જાય જી!’ એવું મજાક-ચિત્ર ભક્તનો આદર રાખીને કવિએ દોર્યું છે. નરસિંહની મોસાળાની સામગ્રીમાં વસ્રો-ઘરેણાં તો ક્યાંથી હોય.? કોથળો ભરેલાં કીર્તન માટેનાં વાજિંત્રો છે, ગોપીચંદનની ગાંઠડી છે ને ‘છાપાં, તિલક ને તાળ જી’. આવો તાલ જોવા પેલી ટિખળખોર નાગરી નાત આવે છે ત્યારે કવિ તો નરસિંહનો જ પક્ષ લે છે. કહે છે –
‘શું જાણે વૈષ્ણવનો મહિમા, વિષયીપુરના લોક જી?’
ઉચ્ચ ગણાતો નાગર-પરિવાર કેવો હીન વ્યવહાર કરે છે! વેવાઈ નરસિંહને ને સાથીઓને ઠાલા વિવેકથી મળે તો છે પણ મહેમાનને ઉતારો કેવો મળે છે? –
‘ઝાઝા માંકડ ઝાઝા જુવા; ત્યાં મહેતાજીના ઉતરા હુવા.’
કવિ પ્રેમાનંદે ‘જુવા’ અને ‘હુવા’નો પ્રાસ કેવો દાઢમાં દબાવીને કર્યો છે. નાગરી નાતની જીભથી નરસિંહ માટે નર્યો તિરસ્કાર ને અપમાન જ ઠલવાય છે :
‘છાબમાં તુલસીદલ મૂકશે, ઊભો રહીને શંખ ફૂકશે;
... એમ મોસાળું પૂરું થાશે.’
(કડવું-૫)
કુંવરબાઈની વ્યથાનું મર્મ-વેધી ચિત્ર દુનિયાની નજરે – વ્યવહારજગતની દૃષ્ટિએ આટલો મોટો ભક્ત પણ કેવો તુચ્છ ને મજાકપાત્ર છે એ કવિએ પોતાની સર્વ શબ્દશક્તિને કામે લગાડીને બતાવ્યું છે – ને આખરે તો સત્ ચરિત્રવાળા ભક્તનો જ મહિમા કર્યો છે. નાગરી નાત સ્પષ્ટ છે : આવી સાવ નિર્ધનતા એ તે કંઈ ‘મોસાળું કરવાના ઢંગ’ છે? બીજી બાજુ ભક્ત નરસિંહ પણ સ્પષ્ટ છે : ‘મોસાળું કરશે શ્રી હરિ.’ – જશે તો ભગવાનની આબરુ જશે, મારી નહીં. પણ આ બેની વચ્ચે – આ ‘જગત’ ને આ ‘ભગત’ની વચ્ચે ભીંસાય છે કુંવરબાઈ! એ પિતાનું અપમાન પણ વેઠી શકતી નથી ને પિતાની નિર્ધનતા પણ એને અકળાવે છે. એટલે આ કથામાં કરુણ પાત્ર તો એક કુંવરબાઈ જ છે. પિતાને મળવા જતી કુંવરને નણદી બહુ તેજાબી મહેણું મારે છે – શું જોઈને હરખે મળવા ચાલ્યાં? ‘એવા બાપથી ન-બાપાં ભલાં’ (કડવું-૫). નણંદને તો એ જવાબ આપે છે – ‘એવો પિતા મારે જીવતો રહો’. પણ પિતા આગળ એની બધી જ અકળામણ ઠલવાઈ જાય છે, ને એ આકરાં વેણ (પોતા તરફથી ને જાણે સાસરિયાં તરફથી પણ!) સંભળાવે છે : ‘નિર્ધનનું જીવ્યું ધિક્કાર’, અને કહી બેસે છે ‘હું શેં ન મૂઈ મરતે માત?’. કથાકાર પ્રેમાનંદે – અહીં કુંવરબાઈને મુખે, વ્યવહારમાં પણ કાળજી લેતી માતાનો મહિમા ગાયો છે. ‘ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર’. એ રડીને હળવી થાય છે ને પિતાએ માથે હાથ મૂક્યો એથી એનામાંય થોડીક ઈશ્વરશ્રદ્ધા જાગે છે. પણ એની થોડીક શ્રદ્ધા પણ સાવ ચૂર થઈ જાય છે જ્યારે એની વડસાસુ, મોટા ધનવાનથી પણ પહોંચી ન વળાય એવી મામેરાની યાદી લખાવે છે. આ વડસાસુ જેવું કુટિલ અને મુત્સદી, મીઠી જીભે છરી ફેરવી દે એવું નિષ્ઠુર-નિર્દય પાત્ર આખા મધ્યકાળમાં માત્ર પ્રેમાનંદ જ આલેખી શક્યા છે. ‘વડસાસુ ઘણું ભારે માણસ’ એમ શરૂઆત કરીને એમણે ધીરેધીરે કુંવરબાઈને તથા આપણને – વાંચનારને પણ – ખાતરી કરાવી દીધી છે કે ખરેખર, એ વડસાસુ કેવી વિકરાળ છે. છઠ્ઠા કડવાની એકએક પંક્તિમાં આવતો, ને દરેક વખતે નવો લહેકો ને નવો અર્થમર્મ પ્રગટાવતો ‘વહુજી’ શબ્દ; તથા સાતમા કડવાની ધ્રુવ પંક્તિ ‘ડોશીએ ડાટ વાવ્યો રે’ – કથારસની તેમજ કાવ્યરસની દૃષ્ટિએ બહુ પ્રભાવક છે ને એ વખતના શ્રોતાસમુદાય પર એણે કેવી ઘેરી અસર પાડી હશે એનો ખ્યાલ આપે છે. કુંવરબાઈ આ યાદી જોઈ એટલી બધી હતાશ થાય છે કે એ ભાંગી પડે છે ને કહી બેસે છે : ‘સાધુ પિતાને દુખ દેવાને મારે સીમંત શાને આવ્યું રે?’ ને અકળાઈને નરસિંહને કહે છે – ‘પિતાજી, તમે પાછા પધારો; અહીં રહ્યે ઈજ્જત જાશે રે! (કડવું-૭) પણ દૃઢ ભક્ત તો કહે છે કુંવરબાઈને કે, તારે કે મારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, એ ચિંતા ઈશ્વરની છે : ‘જો એ મોસાળું નહીં કરે તો ઉપહાસ એનો થાશે રે!’ શ્રદ્ધા-અશ્રદ્ધા વચ્ચે ઝૂલતી કુંવર વળી પાછી આશ્વાસન પામે છે ને એનામાં વિશ્વાસ પ્રગટે છે. કથાનક તો જાણીતું છે પણ માનવમનની, એના ઉદ્ગારોમાં વ્યક્ત થતી ભાષાની પ્રેમાનંદની જે સૂઝ છે એ સર્જક કથાકારની છે. વડસાસુની ભાષા, કુંવરબાઈની ભાષા ને સ્વસ્થ નરસિંહની ભાષા એકેએક ઉક્તિમાં, ક્યારેક શબ્દની માર્મિકતામાં કેવી ઉત્તમ રીતે પ્રગટે છે એ આ કડવામાં જોઈ શકાશે. ભક્તની વધુ કસોટી અત્યંત જીર્ણ ઉતારો આપીને અપમાન કર્યું એ ઓછું હોય એમ હવે, આંગણે આવેલા નરસિંહને સ્નાન કરવા માટે ‘શ્રીફળ ફાટી જાય’ એવું ઊકળતું પાણી આપ્યું! નમ્રતાથી નરસિંહે સમોવણ માટેનું ઠંડુ પાણી માગ્યું ત્યારે વેવાણે ઠઠ્ઠો કર્યો કે, ભગવાનના તમે પરમ ભક્ત, એટલે ‘માગ્યો મેહ વરસે મહેતાજી, તે અમ પાસે શું માગો જી?’ નરસિંહ ચમત્કાર કરવા માટે નહીં પણ ભક્તનો ઉપહાસ થાય એમાં ભગવાનનો મહિમા ઘટશે – એમ સમજીને મલ્હાર ગાય છે, વરસાદ વરસે છે. પણ હવે કથાકારની ખરી કુશળતાનો એક ઉદ્ગાર છે. પ્રેમાનંદ કહે છે, ‘વેવાઈના ઘરમાં જળ ધસ્યું’ એવો મૂશળધાર વરસાદ વરસ્યો, તેમ છતાં, વરસાદ બંધ થતાં જ – ‘ઠગ નાગર કહ,ે થયું માવઠું, એમ વરસે છે કંઈવાર રે...’ પ્રેમાનંદ અહીં પહેલીવાર આ ધનિક ને ગર્વિષ્ઠ નાગરો માટે ‘ઠગ’ શબ્દ વાપરે છે. – જુઠ્ઠા, દેખીતા સત્ય સામે અસત્ય બોલનાર, વંચક! શ્રોતાઓ હવે નાગરો પર હસે છે. નાગર સ્ત્રીઓની મજાક-મશ્કરી ચાલુ જ છે – દાઢમાં દબાવી દબાવીને, થાય એટલા કટાક્ષો ને થાય એવાં આકરાં અપમાન એ કર્યે જ જાય છે પણ નરસિંહ તો હવે ઈશ્વરકીર્તન શરૂ કરે છે. ( કડવું-૧૨). હવે વળાંક લેતી કથા કરુણરસ અને હાસ્યરસના પટમાંથી હવે ભક્તિના શાન્તરસ તરફ વળતું આ આખું (૧૨મું) કડવું ભક્તિ-કીર્તનનું છે. કેવાકેવા ભક્તોને ઈશ્વરે કેવાકેવા સંયોગોમાં કેવી સહાય કરેલી એની પુરાણ-પ્રોક્ત કથા કવિએ આ કીર્તન-ગાનમાં ગૂંથી લીધી છે. ઈશ્વરમહિમા ના ગાન ને ઈશ્વરપ્રાર્થનાને અંતે નરસિંહ ભગવાનને વિનીતભાવે જાણે ચેતવણી આપે છે –
જો નહીં આવો સુંદર શ્યામ,
તો છે નાગર સાથે કામ.
‘સુંદર’ અને ‘નાગર’ નો વિરોધ તથા ‘શ્યામ’ અને ‘કામ’નો પ્રાસ પંક્તિને મરમાળી બનાવે છે. નાગર ઊજળા ને શ્રેષ્ઠી ને પ્રતિષ્ઠિત ગણાય, એમનું નરસિંહ પ્રત્યેનું વર્તન સ્હેજ પણ પ્રતિષ્ઠા અપાવનારું નથી – એટલે ‘સુંદર’ની સામે હવે આ મનથી ‘અસુંદર’ એવા નાગર! સુંદર રૂપે સાક્ષાત્કાર સાક્ષાત્કાર કોઈ તેજ-વલય રચનારો કે આંજી નાખનારો હોય એ આધ્યાત્મિક અનુભવ ગણાયો હશે. પણ અહીં કવિએ સાક્ષાત્કારને સૌંદર્ય રૂપે પ્રગટાવ્યો છે. મામેરા પ્રસંગે શણગાર સજીને આવેલી ભદ્ર-સુંદર નાગરી નાતને ઝાંખી પાડી નાખે એવી મનોહર દામોદર દોશી અને જાજરમાન કમળા શેઠાણીના જોડીના રૂપમાં વિષ્ણુ (કૃષ્ણ) અને લક્ષ્મી મામેરું કરવા માટે આવે છે. વિષ્ણુનું આ નવીન રૂપ જુઓ :
‘વાઘો શોભે કેસર છાંટે રે,
બાંધી પાઘડી અવળે આંટે રે;
કાને કુંડળ હીરે જડિયાં રે,
નેત્ર પ્રલંબ શ્રવણે અડિયાં રે’
પુરુષ-સૌંદર્યનું એક અનુપમ દૃષ્ટાંત! અને ‘પ્રભુ પૂંઠે કમળા રાણી’ કેવાં છે!
‘વિશાળ લોચન ચંચળ ચાલે રે,
કે શું ખંજન પડિયાં ગાલે રે?
છે અધર બિંબ પરવાળી રે,
ઉપર ઢળકે વેસર વાળી રે.’
મજાક-ઠઠ્ઠા વિરમી ગયા, ને આ રૂપવૈભવ ને એમની સાથેનો ધનવૈભવ જોઈને ‘ઊતર્યાં નાગરીનાં અભિમાન રે!
વાતાવરણને એકદમ પલટી નાખતું આ વર્ણન પ્રેમાનંદે થોડીક પંક્તિઓમાં પણ મન ભરીને કર્યું છે. નાગરો સ્તબ્ધ ને શ્રોતા/વાચકો ચકિત ને પ્રસન્ન!
અંજાઈ ગયેલાં કુંવરબાઈનાં સાસુ જ્યારે કમળા શેઠાણીને પૂછી બેસે છે કે તમારું મહેતા સાથે સગપણ શું છે રે? ત્યારે એમની મૂર્ખામી પર ટોણો મારતાં કમળા કહે છે–
‘વેવાણ, તમો નવ જાણિયાં રે,
મહેતો બ્રાહ્મણ ને અમે વાણિયાં રે?’
(કડવું-૧૩)
પેલી ચતુરાઈ ક્યાં ગઈ કે આવી સાદી વાત પણ ન સમજાઈ? – એ કવિએ કરેલો કટાક્ષ છે. હવે વારો મામેરું કરનારનો છે! પ્રેમાનંદનું કવિકૌશલ ને વ્યવહારજ્ઞાન બંને પહેરામણીના પ્રસંગ-આલેખનમાં દેખાય છે. અત્યારે તો ભાગ્યે જ થોડાંકનાં નામ પરિચિત હોય એવું વસ્ત્રવૈવિધ્ય ને ઘરેણાં વૈવિધ્ય સાવ યાદી રૂપે આવ્યું નથી. વડસાસુએ યાદી કહી ત્યારે એકએક પંક્તિમાં ખીચોખીચ વસ્તુ-વિગતો ઠોંસેલી હતી. હવે કવિ જરા બહેલાવીને, વરણાગી રીતે, એ જ યાદીની વસ્તુઓને – એકએક, વીણીવીણીને – છતાં સરસ રીતે રજૂ કરે છે –
‘ગંગાવહુને ગજિયાણી સાડી...
છબીલી વહુને છાયલ ભારે...
એમ પ્રાસ-લીલા દ્વારા ટિખળી વર્ણન કરે છે. ને ‘ગોરે અંગે સુંદર શોભે માંહે કાપડું કાળું જી’ એમ સૌંદર્ય-શૃંગાર-ચિત્ર પણ ઉપસાવી દે છે! બધાં જ મહેણાં, બધી જ ફરિયાદોનું નિરસન કથા-કૌશલથી, વિગતવર્ણનથી, કાવ્યલયથી થયું છે ને ૧૫મા કડવાની છેલ્લી પંક્તિમાં હતાશાને નિવારતો સંતોષનો એક ઉદ્ગાર સંભળાય છે : ‘સાસરિયાં સર્વે વખાણે, ‘પિયર-પનોતી કુંવરવહુ’ કથાકાર પ્રેમાનંદ કથાને અંતે વળી એક ઑર ચમત્કાર ઉછાળે છે. મામેરું થઈ ગયું, ‘અલૌકિક શેઠશેઠાણી’એ વિદાય લીધી. હવે નરસિંહ પાસે તો, પહેલાં કે હવે, કશું જ ન હતું; ત્યાં કુંવરની નણંદ, એની દીકરીને કશું ન મળ્યું – એવી ફરિયાદ કરે છે. કુંવરબાઈને ચિંતા થઈ – ‘હવે’? ત્યાં ‘પંચ રંગનું ગગન વિશેથી પડ્યું કાપડું એક જી.’ હવે ઉત્તમ વહેલ છે — ‘પછે કુંવરબાઈ વહેલે બેસી જૂનેગઢ તે જાય જી.’ મધ્યકાલીન કવિતાપરંપરામાં, કવિના જીવનની વિગતો, ને ખાસ તો કાવ્યનો રચનાસમય ને રચનાસ્થળ મૂકવાની ચોકસાઈ આ કાવ્યમાં પણ છે. સહજ ગતિવાળું ને છતાં વિવિધ દૃશ્યો અને મનોભાવની રંગછટાઓ દાખવતું આ કાવ્ય તૃપ્તિનો ને પ્રસન્નતાનો અનુભવ કરાવતું એક સુંદર આખ્યાન છે.