કુંવરબાઈનું મામેરું/કડવું ૧૦

Revision as of 07:53, 29 October 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૧૦

[મહેતા તો કીર્તનરત જ રહ્યા. ‘વીતી રજની...થયો પ્રાતઃકાળ’-એમાં હવે સુખદ થનારી સ્થિતિનો ધ્વનિ-અર્થ પણ છે. દીકરી વારંવાર હતોત્સાહ થાય છે, પણ પિતા દૃઢ છે : ‘તારે મારે ચિંતા શાની? મોસાળું કરશે શ્રીહરિ.’
ચૉકમાં મૂકેલી ઠાલી છાબ – એ કેટલું સૂચક દૃશ્ય છે! ]


(રાગ સામેરી)
મહેતે ગાઈ પ્રસાદની થાળી, આરોગાવ્યા શ્રી વનમાળી;
હરિપ્રસાદ લીધો પ્રીતે, પછે શું થયું રજની વીત્યે?          ૧
ઢાળ
વીતી રજની કીર્તન કરતાં, હવો પ્રાતઃકાળ રે;
કુંવરબાઈ કહે તાતને : ‘કરો મોસાળાની ચાલ રે.’           ૨

મહેતોજી કહે : ‘પુત્રી મારી! જઈ સહુ સગાંને તેડાં કરો;
વિશ્વાસ આણી મંડપ મધ્યે એક છાબ ઠાલી જઈ ધરો.          ૩

સર્વ નાત નાગર તણી, પધરાવો સર્વ કુટુંબ રે;
છે વાર નાત મળે એટલી, નથી મોસાળાનો વિલંબ રે.’          ૪

કુંવરબાઈ કહેઃ ‘તાતજી! મુને કેમ આવે વિશ્વાસ રે?
ઠાલી છાબ હું ક્યમ ધરું? થાયે લોકમાં ઉપહાસ રે.’           ૫

મહેતોજી કહેઃ ‘પુત્રી મારી! છો વૈષ્ણવની દીકરી રે;
તારે-મારે ચિંતા શાની? મોસાળું કરશે શ્રી હરિ રે.’          ૬

પ્રેમવચન સુણી તાતનું સાસુ કને આવ્યાં વહુ રેઃ
‘મારો પિતાજી મોસાળું કરે, બાઈ! સગાં તેડાવો સહુ રે.’           ૭

પંડ્યે ખોખલે તેડાં કીધાં, મળ્યું આખું ગામ રે;
વિચાર વેવાઈ-વર્ગે માંડ્યો : ‘જાશે મહેતો મૂકી મામ રે.’          ૮
મંડપ મધ્યે મહેતોજી આવ્યા, હાથમાં ગ્રહી છે તાળ રે;
નાગર સહુ બેઠા થઈ બોલેઃ ‘મહેતાજી! જે ગોપાળ રે.’          ૯
વલણ
મગાવી એક છાબ ઠાલી, મંડપ માંહે આણી ધરી;
મહેતાજીએ શંખ પૂર્યો, વીનતી શ્રીહરિની કરી.           ૧૦