કુંવરબાઈનું મામેરું/કડવું ૧૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧૧

[ ઠઠ્ઠો કરવા અને કુતૂહલથી આવેલી નાગર સ્ત્રીઓના સૌંદર્ય-શણગારનું સ્વભાવોક્તિ વર્ણન કરવાની તક પણ કવિ લે છે! ]

(રાગ મારુ)
મહેતે વજાડ્યો શંખ, સમર્યા વનમાળી;
લાગી હસવા ચારે વર્ણ, માંહોમાંહે દે તાળીઃ           ૧

‘મોસાળાના ઢંગ વેવાઈએ માંડ્યા,
નાગરના વહેવાર[1] સહુ એણે છાંડ્યા.          ૨

જુઓ છાપાં, તિલક ને તાળ, જુઓ તુલસીમાળા,
નરસૈંયો કરશે નૃત્ય, ગાશે ટોપીવાળા[2].’          ૩

જોવા મળી નાગરી નાત, બહુ ટોળેટોળાં,
મુખ મરડી કહે છે વાત : ‘આપશે ઘરચોળાં.’          ૪

બહુ નાની-મોટી નાર મંડપ માંહે મળી,
કરે વાંકી છાની વાત, સાકર-પેં ગળી.          ૫

મહેતાને કહે : ‘જે શ્રીકૃષ્ણ,’ હસીને પરું જોતી,
સોહે અધર ઉપર અનંત વેસર[3]નાં મોતી.           ૬

સજ્યા સોળ શણગાર, ચીર, ચરણાં, ચોળી,
જોબન-મદમાતી નાર કરે બહુ ઠીંઠોળી[4].          ૭

માળા, મોતી-હાર ઉર પર ઢળકે છે,
જડાવ ચૂડો હાથ, કંકણ ખળકે છે.          ૮

કોઈ છૂટે અંબોડે નાર, વેણી લાંબી છે,
કો’ને ઝાંઝર ઝમકે પાય, કડલાં કાંબી[5] છે.          ૯

નાનાં તિલક રસાળ ભાલે કીધાં છે,
રમાડવા સરખાં બાળ કેડે લીધાં છે.           ૧૦

કો જોવા ઠાલી છાબ અબળા ઊઠે છે,
કો વહુઆરુ લજ્જાળ, નણદી-પૂંઠે છે.          ૧૧

કો’ શીખવી બોલાવે બાળ, વારી રાખે છે;
કો’ વાંકાબોલી નાર, વાંકું ભાખે છે :          ૧૨

‘બાઈ, કુંવરવહુનો બાપ કરશે મામેરું;
લેઈશ પટોળું શ્રીકાર, સાડી નહિ પહેરું.          ૧૩

વૈષ્ણવને શાની ખોટ? કંઠે માળા છે,
વહેવારિયા દસવીસ ટોપીવાળા છે!          ૧૪

કુંવરવહુને ધન્ય, પિયરપનોતી[6] છે!
બાપ વજાડે શંખ, સાધર પહોતી છે[7]!’          ૧૫

કોઈ વાંકાબોલા વિપ્ર બોેલે ઉપહાસે :
‘મૂકો છાબમાંહે બે પહાણ, વાયે ઊડી જાશે.’          ૧૬

મૂક્યો દીકરીએ નિઃશ્વાસ, આવી પિતા પાસે;
મહેતે કીધી સાન ‘રહેજે વિશ્વાસે.           ૧૭

વલણ
વિશ્વાસ રાખો, દીકરી!’ કહી કરમાં લીધી તાળ રે;
કાગળ મૂક્યો છાબમાં, મહેતે સમર્યા શ્રીગોપાળ રે.           ૧૮



  1. વહેવાર = રિવાજ
  2. કાન-ઢંકાતી ટોપી પહેરેલા સાધુઆ
  3. નાકે પહેરવાની નથણી
  4. ઠઠ્ઠા-મશ્કરી
  5. પગનાં ઘરેણાં
  6. પિયરપક્ષે નસીબદાર. અહીં કટાક્ષમાં; પરંતુ કડવું- ૧૫(કડી ૨૫)માં એના સાચા અર્થમાં.
  7. મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે)