અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નઝર’ તુરાવા/— (પછી શોધ્યો નહિ જડશે...)

Revision as of 12:57, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


— (પછી શોધ્યો નહિ જડશે...)

‘નઝર’ તુરાવા

પછી શોધ્યો નહિ જડશે કોઈ માનવ આ દુનિયામાં,
અમે મરતાં રહ્યાં જો આમ આશામાં ને આશામાં.

નિરખવા રૂપને સૌંદર્યમય હોવું ઘટે તેથી,
જુએ છે સૌ તમારી આંખના સુંદર અરીસામાં!

પ્રતીક્ષા મહેલમાં કે ઝૂંપડીમાં એકસરખી છે,
વિરહ રાતો મૂકી દે છે બધાને એક કક્ષામાં!

કરો આનંદની વાતો ચમનની બા’ર બેસીને,
નથી રાખ્યું અમે કાંઈ પણ ખિઝાં માટે બગીચામાં!

ધરા ઓછી પડી તેથી ઊડ્યો છું આજ આકાશે,
ખબર એ પણ હવે ક્યાં છે, ગગનમાં છું કે દુનિયામાં.

હૃદય તોડી જમાનાએ બહુ ઉપકાર કીધો છે,
હવે ક્યાં છે ફરક કંઈ પણ જુઓ મુજમાં ફરિસ્તામાં!

પ્રણય માંગે, ફરજ માંગે, ધરા માંગે, ગગન માંગે,
કહો કોને કરું રાજી હૃદયના એક ટુકડામાં!

હૃદયસરસી જુઓ ચાંપી લીધી આજે ‘નઝર’ એને,
ગઝલને મેં ગણી લીધી જીવનસાથીની ગણનામાં.