કુંવરબાઈનું મામેરું/કડવું ૯
[ શ્રદ્ધાપૂર્વક (મેઘ)મલ્હાર ગાવાથી વૃષ્ટિ થઈ – એટલું સાદું વર્ણન કરીને કુશળ કથાકાર અટક્યા નથી. ઉપહાસ કરનારનો ઉપહાસ ‘વેવાઈના ઘરમાં જલ ધસ્યું’ અને વેવાણો માગે માન રે... – એ પંક્તિઓમાં પ્રગટ કર્યો છે ને વળી નિષ્ઠુરતાને વળ ચડાવ્યો છેેે : ઠગ નાગર કહે, ‘થયું માવઠું...!
‘શ્રીફળ ફાટી જાય...-એ અતિશયોક્તિ પણ માણવા જેવી છ.ે]
(રાગ મલ્હાર)
મહેતો બેઠા બાજઠે, સમર્યા શ્રીગોપાળ રે,
મલ્હાર ગાયો નેહ-શું, મહેતે વજાડી તાળ રે : ૧
‘ઉપહાસ થાય છે દાસનો, શામળિયા! કરજો સહાય રે;
ઉષ્ણોદક ઘણું ઊકળ્યું, નાખ્યું શ્રીફળ ફાટી જાય રે. ૨
કઢા ઉકાળી તેલની, કોપ્યો હંસધ્વજ રાય રે;
તમ કૃપાએ તેલ ટાઢું થયું, કરવા સુધન્વાની સહાય રે. ૩
તેેં હૂંડી સ્વીકારી, શામળા! આપ્યા રૂપૈયા સેં સાત રે;
તે વિશ્વાસે વળગી રહ્યો, વિઠ્ઠલ! મોકલજો વરસાત રે. ૪
સમોવણ[1] નહિ આપો, શામળા! તો મોસાળું કરશો ક્યંમ રે?’
એહવું સ્તવન મહેતાનું સાંભળી ઘન પ્રેર્યો શ્રી પરિબ્રહ્મ રે. ૫
પળમાત્રમાં અભ્રઘટા થઈ, ચોદિશ વ્યાપ્યો અંધકાર રે;
ગગન વિષે ઘન ગડગડે, થાય વીજળીના ચમકાર રે. ૬
ઊડે કોરણ[2] ને કાંકરા, મેહ વરસે મૂશળધાર રે;
વેવાઈના ઘરમાં જળ ધસ્યું, સહુ નાસે, કરે પોકાર રે. ૭
સરવ નાગરીઓ પાયે પડે : ‘ક્ષમા કરો અપરાધ રે;
અમો અજ્ઞાને ઓળખ્યા નહિ, તમો સર્વશિરોમણિ સાધ [3]રે.’ ૮
શ્રીરંગ મહેતો સ્તુતિ કરે, વેવાણ માગે માન રે;
તવ વરસાત વિસર્જન થયો, મહેતે કીધું સ્નાન રે. ૯
ઠગ નાગર કહે : ‘થયું માવઠું[4], એમ વરસે છે કંઈ વાર રે;’
પ્રત્યક્ષ દીઠું, પ્રતીત ના આવી, એ કળિયુગનો આચાર રે. ૧૦
મહેતાજી ભોજન કરવા બેઠા, કરમાં લીધી તાળ રે;
પૂંઠે ટોળું વૈષ્ણવ વેરાગી તણું, ગાયે થાળ રસાળ રે; ૧૧