કુંવરબાઈનું મામેરું/કડવું ૧૬

Revision as of 07:36, 1 November 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૧૬

[ અંતનો એક કથાવળાંક જુઓ : કૃષ્ણના ગયા પછી નણદીનો વાંધો ને એનું નિરાકરણ! કવિ અને કથાકાર બંને રૂપે પ્રેમાનંદ ઉત્તમ નીવડે છે.
આખ્યાનનું કથા-સમાપન સમય-સ્થળને પણ આલેખી આપે છે.]

 
(રાગ ધન્યાશ્રી)
કોડ[1] પહોંત્યાં કુંવરવહુના, ભાંગ્યું ભવનું મહેણું જી;
મનગમતી પહેરામણી પામ્યાં, જેહને જેવું લહેણું જી.          ૧

નાગરી નાત, કુટુંબ, પડોશી, ચાકર, કોળી, માળી જી;
પહેરામણી સહુ કોને પહોંચી, વાચા પ્રભુએ પાળી જી.          ૨

સોળે શણગાર કુંવરીને આપ્યા, મહેતાને દીધાં માન જી;
છાબમાં બે પહાણ કનકના મૂકી, થયા અંતર્ધાન જી.          ૩

સભા સહુ કો વિસ્મય પામી : ‘અલૌકિક શેઠશેઠાણી જી;’
મહેતાને સહુ પાયે લાગે, ભક્તિ સાચી જાણી જી.          ૪

કુંવરબાઈની નણદી આવી, બડબડતી મુખ મરડે જી;
‘પહેરામણી કોને નવ પહોંતી,’ કોને નામે ભરડે જી.          ૫

‘પહેરામણી પરન્યાતી[2] પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી;
એક કટકો કાપડું નવ પામી પુત્રી મારી ફૂલફૂલી[3] જી.          ૬

મુને આપ્યું તે પાછું લ્યો, ભાભી! રાખડીબંધામણ જી,
નામ મહેતો પણ ન હોય નાગર, દીસે દુર્બળ બ્રાહ્મણ જી’          ૭

કુંવરબાઈ પિતા કને આવી : ‘પિતાજી! હવે શું થાશે જી?
આટલું ખરચતાં મહેણું રહ્યું માથે, હવે કેમ જિવાશે જી?          ૮

વીસરી દીકરી નણંદ કેરી, નાનબાઈ જેનું નામ જી;
છ મહિનાની છોકરી ભૂલી, એક કાપડાનું કામ જી.’           ૯

મહેતોજી કહેઃ ‘પુત્રી મારી! સમરો શ્રીગોપાળ જી;
એક તાંતણો હુંથી ન મળે, બેઠો વજાડું તાળ જી.’           ૧૦

ફરી ધ્યાન ધર્યું માધવનું : ‘ત્રિકમ! રાખો ટેક જી,’
પંચરંગનું ગગન વિષેથી પડ્યું કાપડું એક જી.           ૧૧

નણદી સંતોષ્યાં કુંવરબાઈએ, મહેતે માગી વિદાય જી;
સહસ્ર મહોર, સોનાના પહાણા, મૂક્યા તે છાબ માંહ્ય જી.          ૧૨

નાગરલોક સહુ પાયે લાગે, પૂજે, કરે વખાણ જી;
જૂનેગઢ મહેતોજી આવ્યા, સમર્યા સારંગપાણ જી.          ૧૩

વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ જી;
ચતુર્વિંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ જી.           ૧૪

સંવત સત્તર ઓગણચાળો, આસો સુદિ નોમ રવિવાર જી;
પૂરણ ગ્રંથ થયો તે દિવસે યથાબુદ્ધિ વિસ્તાર જી.           ૧૫

પ્રીત્યે કરી જે ગાય સાંભળે દારિદ્ર્ય તેનું જાય જી,
બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય જી.          ૧૬



  1. કોડ = અંતરની ઇચ્છા, અભિલાષા
  2. પરન્યાતી = (નાગર સિવાયની) બીજી જ્ઞાતિનાં
  3. ફૂલફૂલી = ફૂલ જેવી ખીલેલી