ઓખાહરણ/કડવું ૧૬

Revision as of 09:29, 1 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૬|}} <poem> {{Color|Blue|[મંત્રી કૌભાંડ અને રખેવાળોએ અનિરૂધ્ધને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કડવું ૧૬

[મંત્રી કૌભાંડ અને રખેવાળોએ અનિરૂધ્ધને અનેક આક્ષેપો કરી, પડકારતાં અનિરૂધ્ધ યુધ્ધ કરવા માટે ઉતાવળો બને છે.]

રાગ રામગ્રી
જોડી જોવાને જોધ મળિયા છે ટોળે જી,
ઓખાને અનિરુદ્ધે લીધી રે ખોળે જી;
કંઠે બાંહોડી ઘાલી બાળા જી,
દીઠી, કૌભાંડને ઊઠી જ્વાળા જી. ૧

ઢાળ
જ્વાળા પ્રગટી તે ભાલ ભ્રકુટિ, સુભટ તેડ્યા જમલા,
મંત્રી કહે, ‘ભાઈ! સબળ શોભે, જેમ હરિ-ઓછંગે કમળા. ૨

લઘુરૂપ ને લક્ષણવંતો, આવી સુતાસંગે કો બેઠો,
પ્રવેશ નહિ આંહાં પવન કેરો, તો માળિયામાં કેમ પેઠો? ૩

નિઃશંક નિર્ભે થઈને બેઠાં, નિર્લજ્જ નર ને નારી,
હાસ્ય-વિનોદ કરે મનગમતાં, લજ્જા ન આણે મારી.’ ૪

ઓખાએ ઉત્પાત માંડ્યો, ધાઈ ધાઈ દે છે સાંઈ,
મંત્રી કહે, ‘કો પુરુષ મોટો, કારણ દીસે છે કાંઈ; ૫

અંબુજવરણી આંખડી ને ભ્રકુટિ મુગટે ચાંપી,
રોમાવળી વાંકી વળી છે, રહ્યો વઢવાને ટાંપી. ૬

માળ ઘેર્યો સુભટ સર્વે, બોલતા અતાંડ,
‘ઓ વ્યભિચારી! ઊતર હેઠો,’ એમ કહે છે કૌભાંડ : ૭

‘અલ્પ આયુષ્યના ધણી! જમપુરીના માર્ગસ્થ!
અસુર સરખા રિપુ માથે, કેમ થઈ બેઠો છું સ્વસ્થ? ૮

બાણરાયની કિંકરીને અમરે ન થાયે આળ,
તો તું રાજકુમારી સાથે ક્યમ ચડીને બેઠો માળ? ૯

સાચું કહે જેમ શીશ રહે, કુણ નાત, કુળ ને ગામ?
સત્યા૨થ હોયે તે ભાખજે, ક્યમ સેવ્યું ઓખા-ધામ? ૧૦

અનિરુદ્ધ વળતો બોલિયો, ‘સાંભળો, સુભટ માત્ર!
હું ક્ષેત્રીનંદન ઇચ્છાએ આવ્યો, બાણનો જામાત્ર. ૧૧

મંત્રી કહે, ‘તું બોલ વિચારી, ઊતરશે અભિમાન,
જામાત્ર શાનો, બાળકા! કોણે આપ્યું કન્યાદાન? ૧૨


અપરાધ કીધો તેં ઘણો, (લોપી) બાણાસુરની આણ;
આ દાનવ તારા પ્રાણ લેશે, મરણ આવ્યું, જાણ. ૧૩

જીવ્યાનો ઉપાય મૂકી, પડી વરાંસે ચૂક;
હોય કેસરી તો હાકી ઊઠે, દીસે છે જંબૂક.’ ૧૪

કૌભાંડના આ બોલ સાંભળી હાકી ઊઠ્યો છે બાળ,
બારીની ભોગળ લીધી કરમાં, ઇચ્છા દેવા ફાળ. ૧૫

વલણ
‘ફાળ દઉં ને અંત લઉં’, હોકારો જબરો કીધો રે,
ત્યારે ઓખાએ અનિરુદ્ધને માળિયામાં લીધો રે. ૧૬