ઓખાહરણ/કડવું ૧૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૧૭

[પિતાએ મોકલેલા ભયાનક સેના સાથે યુધ્ધમાં હણાઈ જશે તેવા ભયથી પોતાને મારીને પછી જ યુધ્ધમાં જવા ઓખા અનિરૂધ્ધને વિનવે છે. અનિરૂધ્ધ વીરપુરુષનાં લક્ષણો જણાવી, રણમેદાનમાં ઝંપલાવી વીરતાપૂર્વક યુધ્ધ કરે છે. યુધ્ધની ભીષણતાનું પણ અહીં વર્ણન છે.]

રાગ મારુ
મારા કંથજી, એમના કીજે, બળિયા-શું વઢતાં બીહીજે,
એ ઘણા ને તમો એક જાતે, સૈન્ય મોકલ્યું મારે તાતે; ૧

દૈત્યને વાહન ને તમો પાળા, એ કઠણ ને તમે સુંવાળા;
દૈત્યને ટોપ કવચ બખતર, તમારે અંગે પીતાંબર. ૨

દૈત્યને સાંગ ને બહુ ભાલા, નાથ! તમે છો ઠાલામાલા;
એ મદોન્મત્ત બહુ બળિયા, તમે સુકોમળ પાતળિયા. ૩

સ્વામી! છે અસુરને વેધો, પહેલું મસ્તક મારું છેદો,
દેહડી નીરખીનીરખીને મોહું, તમોને જુદ્ધ કરતાં કેમ જોઉં? ૪

ઇચ્છા અંતરની ગઈ ફીટી, દૈત્યે માળિયું લીધું વીંટી;
પ્રભુ! પ્રાણ કંપે છે મારા, મૂઆ દૈત્ય કરે છે હોકારા. ૫

ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રનું જાય ઓસાણ[1];
જગ્ત ભય પામે પિતાની હાકે, બાણે પૃથ્વી ચડાવી ચાકે. ૬

જેના નાદે તે મેરુ હાલે, ચક્રધર સરખાનું નવ ચાલે,
ક્ષત્રી-સાથ રહે સહુ બીહીતો, નાથ, તેને તમે ક્યમ જીતો?’ ૭

કંથ કહે, ‘જો ના કરું સંગ્રામ, આંહાં નાઠાનો કુણ ઠામ?
હાવે જીવતાં છૂટવું નહિ, શે નવ મરીએ સામા જઈ? ૮

નથી ઉગરવાનો ઉપાય, તો ભય પામ્યે શું થાય?
નાઠે લાંછન લાગે કુળમાં, પ્રતિષ્ઠા જાય એક પળમાં. ૯

મહુઅર વાગે ને મણિધર ડોલે, ના ડોલે તો સર્પને તોલે;
ઘન ગાજે કેસરી દે ફાળ, ના ઊછળે તો જાણવો શિયાળ; ૧૦

હાક્યો વાઘ ન માંડે કાન, નહિ શાર્દૂલ[2], જાણવો શ્વાન;
ક્ષત્રી નાસે દેખીને દળ, નહિ પુરુષ, જાણવો વ્યંડળ; ૧૧


ઘરમાં ગોઝારો રહે પેસી, જુદ્ધે ચરણ વિહોણો બેસી,
એમ કહી ઓખા અળગી કીધી, ભડ ગાજ્યો ને ભોગળ લીધી. ૧૨

અસુર-દળમાં જઈ ખૂંપિયો, છજેથી કપિની પેરે પડિયો,
જેમ ગ્રાહ[3] પેસે છે જળમાં, તેમ અનિરુદ્ધ પેઠો દળમાં; ૧૩


જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ વાર્ષ્ણિક[4] થયો બળમાં;
ગજજૂથમાં લઘુ કેસરી, તેમ અનિરુદ્ધ મધ્યે-અરિ. ૧૪

દૈત્યને આવ્યો મૃત્યુનો દહાડો ગાજે અનિરુદ્ધ મેઘ અસાડો
પડતામાં બહુ પડતાળ્યા, ભોગળ-પ્રહારે ધરણી ઢાળ્યા. ૧૫

કૌભાંડે તવ સેન્યા પ્રેરી, જાદવ જોદ્ધને લીધો ઘેરી,
ચંદન બાવળિયે ઝીંટી, તેમ અસુરે અનિરુદ્ધ લીધો વીંટી. ૧૯

દાનવ કહે, ‘માનવ કશ્યું, બહુ સિંહમાં મૃગલું જશ્યું;
મુગટ મંત્રીને ચરણે ધરે, તો હું મૃત્યુ થકી ઊગરે.’ ૧૭

વેરી-વાયક એવાં સાંભળી, અનિરુદ્ધ ધાયો હોકારો કરી,
નાખે દૈત્ય ભારી મુદ્‌ગળ, તેમ અનિરુદ્ધ ભુજ-ભોગળ. ૧૮

વીસ સહસ્ર અસુર ત્યાં તૂટ્યા, એકીવારે તે બહુ શર છૂટ્યા.
આયુધધારા[5] રહી છે વરસી, ગદા ગુપ્તી ફરે છે ફરસી. ૧૯

દાનવ ધાયા છે ટોળેટોળાં, વરસે ભીંડીમાળ[6] ને ગોળા;
હાક્યા હસ્તી દે હલકારા, થાય ખડ્‌ગ તણા ચળકારા; ૨૦

થાય અગ્નિ તણા ઘુઘવાટ, બોલે સાંગ તણા સુસવાટ;
રથચક્ર ગાજે ગડેડાટ, ગગને ધજા થાય ફફડાટ. ૨૧

હોયે હય તણા હણહણાટ, છૂટે બાણ બહુ સાસણાટ,
દેખી દોહિલો નાથનો ઘાટ, થાય ઓખાને મન ઉચાટ. ૨૨

બહુ દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધ મુકાવે વાટ;
કોઈ ઝીક્યા ઝાલીને કેશ, કોઈ ઉડાડ્યા પગની ઠેશ. ૨૩

કોઈ માર્યા ભોગળને ભડાકે, કોઈનાં મુખ ભાંગ્યાં લપડાકે;
કો અધસસ્તા ને કો પૂરા, એમ સૈન્ય કર્યું ચકચૂરા. ૨૪

તે તો રણ ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે :
‘મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું; ૨૫

શોણિત-સ્વેદ થયો છે ડીલે, નાથ રણ-રુધિરમાં ઝીલે.’
ભડ ગાજ્યો ને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. ૨૬

હવું. બાણાસુરને જાણ : એક પુરુષે તે વાળ્યો ઘાણ;
અસુર સૈન્ય ચડ્યું સર્વ કોર્પ, સજ્યાં કવચ, આયુધ ને ટોપે, ૨૭

સરવે સૈન્ય તે તત્પર કીધું, વઢવાને દુંદુભિ દીધું;
વાગી હાક જે ચડિયો બાણ, તે તો ઓખાને થયું જાણ. ૨૮
વલણ
વાગી હાક જે તાત ચડિયો, ક્યમ જીતશે સહસ્ર હાથને?
આંસુ ભરતી, શોક કરતી, સાદ કરતી નાથને : ૨૯



  1. ઓસાણ-વિશ્વાસ
  2. શાર્દૂલ-વાઘ
  3. ગ્રાહ-મગર
  4. વાર્ષ્ણિક-વૈષ્ણવ કુળનો
  5. આયુધધારા-શસ્ત્રોનો પ્રવાહ
  6. ભીંડીમાળ-એક પ્રકારનું શસ્ત્ર