ભારતીય કથાસાહિત્ય ગુણવત્તા અને ઇયત્તાની દૃષ્ટિએ અત્યન્ત સમૃદ્ધ છે. ઈ.સ. પૂ. પાંચમી સદીથી એટલે કે ગૌતમ બુદ્ધના અને મહાવીર સ્વામીના સમયથી, કદાચ એથી પણ આગલા સમયથી, ભારતીય તત્ત્વજ્ઞાન દરિયાપાર — છેક એથેન્સવાસીઓ સુધી જઈ પહોંચ્યું હોવું જોઈએ. પ્લેટો પૂર્વેના ગ્રીક ચિન્તન ઉપર ઉપનિષદોના પ્રભાવની શક્યતાઓ નકારી શકાતી નથી. ભારતીય સર્જનાત્મક સાહિત્યની જ વાત કરીએ તો એનાં મૂળિયાં ઋગ્વેદમાં જોવા મળશે. સ્વાભાવિક રીતે ઋગ્વેદમાં જોવા મળતી કથાઓના સંકેતો, રૂપરેખાઓ વગેરે ઋગ્વેદ પૂર્વેના લોકસાહિત્યમાં પડ્યાં હશે. અત્યાર સુધી તો એમ માની લેવામાં આવતું હતું કે આર્યો હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે પોતાની સાથે કેટલુંક સાહિત્ય લેતા આવ્યા હશે. હવે આર્યોના મૂળ વતન વિશે પુનવિર્ચાર આરમ્ભાયો છે. (જુઓ ‘વૈદિક આર્યન્સ એન્ડ ધ ઓરિજિન્સ ઓવ્ સિવિલાઇઝેશન’ નવરત્ન રાજારામ, ડેવિડ ફ્રાઉલિ; ડબલ્યુ.એચ.પ્રેસ, ક્વિબેક, ૧૮૯૫) એની વાત ફરી ક્યારેક. કેટલાક વિદ્વાનો ભારતીય કથનપરમ્પરાઓના આરમ્ભબિન્દુ તરીકે જાતકકથાઓને ઓળખાવે છે; જોકે મહાવેસ્સન્તર જાતકમાં નાયકની પત્ની માદ્રી પોતાની પરિસ્થિતિ રામાયણની સીતા સાથે સરખાવે છે. આનો સાદો અર્થ એવો થાય કે તે સમયે રામાયણ પ્રચલિત હોવું જોઈએ. મહાભારતયુદ્ધનો સમય કે રઘુવંશના રાજાઓનો સમય ગૌતમ બુદ્ધ પૂર્વેનો હોઈ શકે. પરન્તુ આ મહાકાવ્યોના લિખિત સ્વરૂપનો આરમ્ભ પાછળથી થયો હોવો જોઈએ. આમ છતાં કથનપરમ્પરાનો આરમ્ભ તો ઋગ્વેદથી ગણાવો જોઈએ. અલબત્ત, બહુ ઓછી કથાઓ અત્યન્ત વિકસિત સ્વરૂપમાં જોવા મળે છે. દા.ત. પુરૂરવા અને ઉર્વશી કે યમયમીની કથાઓ. બાકી મોટે ભાગે આ બધી કથાઓ ઝાંખાપાંખા સ્વરૂપે, સંકેત રૂપે, અસ્ફુટ રૂપરેખા રૂપે જ આપણી સામે આવે છે. એને સુવિકસિત સ્વરૂપે મૂકવાનું કામ ઋગ્વેદ પછીના કવિઓએ ઉપાડી લીધું અને એ રીતે આપણને વિકસિત સ્વરૂપની કથાઓ પ્રાપ્ત થઈ. ભારતીય સાહિત્યની સમૃદ્ધિ ઘણા બધાને આકર્ષતી રહી છે, માત્ર નજીકના ભૂતકાળમાં જ નહીં, દૂરદૂરના ભૂતકાળમાં પણ, એટલે જ તો આ કથાઓના પ્રભાવ પરભાષાની કથાસૃષ્ટિ પર પડેલા જોઈ શકાય છે. આનો એક નમૂનો ‘પંચતંત્ર’ (સંપાદન : ભોગીલાલ સાંડેસરા)ની પ્રસ્તાવનામાંથી મળી આવશે. આ સમગ્ર કથનપરમ્પરાના અભ્યાસ માટે વેદઉપનિષદ, બ્રાહ્મણગ્રન્થો, રામાયણ, મહાભારત, જાતકકથાઓ, બૃહત્કથાનું સંસ્કૃત રૂપાન્તર કથાસરિત્સાગર, વસુદેવહિંડી, પંચતંત્ર, કાદંબરી તો ખરાં જ, સાથે સાથે ઋગ્વેદમાં જોવા મળતી કથાઓનો વિસ્તાર- ક્યારેક સ્વરૂપાન્તર — કેવી રીતે થયો એ જોવાજાણવા માટે નિરુક્ત, બૃહદ્દેવતા જેવા ગ્રન્થોમાંથી પણ પસાર થવું પડે. ઉપરાન્ત પુરાણો તો ખરાં જ. અભ્યાસીને તો એક જન્મારો પણ ઓછો પડે. આ બધું સાહિત્ય સામે હોય તો ભારતીય કથાસાહિત્યનું કાવ્યશાસ્ત્ર ઊભું કરી શકાય. પ્રમાણમાં ઓછી સામગ્રી વડે રોબર્ટ શોલ્ઝ અને રોબર્ટ કૅલોગ જો ‘ધ નેચર ઓવ્ નેરેટિવ’ જેવો એક મહત્ત્વપૂર્ણ ગ્રન્થ આપી શક્યા તો ગુજરાતી ભાષામાં કે અન્ય ભારતીય ભાષાઓમાં આપણે આવો ગ્રન્થ કેમ ન આપી શકીએ? ભારતીય કથનપરમ્પરાના અભ્યાસનું અન્તિમ પ્રકરણ આવો ગ્રન્થ જ હોય. સ્વાભાવિક છે કે ભારતીય કથાઓનો પંડિ અનેક પરમ્પરાઓથી બંધાયો છે. કોણે કોનામાંથી કેટલું લીધું એ નક્કી કરવું ઘણી વખત ઐતિહાસિક તથ્યોના અભાવે બહુ મુશ્કેલ થઈ જાય છે. દા.ત. કવિ કાલિદાસ ‘અભિજ્ઞાન શાકુન્તલ’નું કથાવસ્તુ મહાભારતમાંથી લાવ્યા છે એ તો આપણે સૌ જાણીએ છીએ. ઉમાશંકર જોશીએ ‘શાકુન્તલ’ના અનુવાદની પ્રસ્તાવનામાં કટ્ઠહારિ જાતકનો નિર્દેશ કર્યો છે. આ જાતકમાં રાજા લાકડાં વીણનારી કન્યાના પ્રેમમાં પડે છે અને તે સગર્ભા થઈ છે તે જાણ્યા પછી પોતાની વીંટી આપે છે. મા બાળકને લઈ રાજા પાસે જાય છે, રાજા તેને ઓળખવાની ના પાડે છે અને આકાશવાણી સાંભળ્યા પછી જ તેનો સ્વીકાર કરે છે. હવે કાલિદાસ સામે આ બંને પરમ્પરાઓ — જાતકની અને મહાભારતની — હોઈ શકે. મહાભારતના શકુન્તલા આખ્યાન પાછળ પણ લોકકથામાં આવતી સામગ્રી સમ્ભવી શકે. એવી જ રીતે ‘દેવધમ્મ જાતક’ લો. આ કથાના પૂર્વાર્ધમાં રામ-કૈકેયી-ભરતને મળતી કથા છે અને ઉત્તરાર્ધમાં મહાભારતની જાણીતી યક્ષપ્રશ્ન સંલગ્ન કથા છે. આવા જાતકમાંથી મુખ્ય ધારાની કથાઓ આવી કે મુખ્ય ધારાના સાહિત્યમાંથી આ બધું જાતકમાં ગયું એ વિશે ચોક્કસ પ્રમાણો મેળવવાં ઘણી વાર અશક્ય નહીં તો મુશ્કેલ તો બની જ જાય છે.
ભારતીય કથાઓની રચનાપદ્ધતિ વિશે ગુલામમોહમ્મદ શેખનો નિબંધ ‘રસના અને રચનાની વાર્તા’ (જુઓ : ‘નવલકથા : સ્વરૂપ અને વૈવિધ્ય’) ખૂબ જ નોંધપાત્ર છે. એમાંથી એક દીર્ઘ અંશ જોઈએ. ‘વાર્તાઓ ક્યાંક કુંડાળે ફરે, ક્યાંક કુંડાળાની અંદર કુંડાળાં કરે, ક્યારેક ‘સ્પાઇરલ’ ગતિએ સંધાન અને પુન:સંધાન કરે, ક્યાંક ખાંચાખાંચી જેવી કોણાકાર અને ક્યાંક સાવ સીધી ઊઘડી આવે. કેટલીક અનેક પડની કથાઓ નારિયેળનાં છોડાં ઉતારીએ તેમ ઊઘડે. ઉપર ચામડી કે છાલનું બીજું પડ સખત ઢોચકાનું અને અંદર નરમ ગર સમું મામિર્ક. આમ આનંદ અનાવરણનો, એકને ઉતારી બીજીમાં પ્રવેશી પડોમાં પડેલા રસને પામવાનો. પહેલા ‘ખોખામાં ખોખું’ જેવી લાગે તેવી આ સંરચનામાં ભુલભુલામણી ને મધપૂડાનો ઘાટ અને સૌથી વિશેષ તો પહેલેથી છેલ્લે લગી વાર્તાઓની આરપાર જોવાની જોગવાઈ : ‘ખોખામાં ખોખા’ને બદલે સાતે કોઠા એકી સાથે ભળાય એવો વાવમાં ઊતરવા જેવો અનુભવ. દરેક કોઠે આગળ કે પાછળ જવાનો ઉપક્રમ તે લટકાનો. સાતેસાત કોઠાની સહોપસ્થિતિમાં વિહરતા અજ્ઞાત સૃષ્ટિ ઊઘડે અને અગોચર એવું બધું આરપાર જોવાની લીલા રચાય. કોઈ વાર છઠ્ઠે કે સાતમે કોઠે વાર્તાનું મૂળ મળતાં શાપ અને શાપમુક્તિનો પરચો સાથોસાથ થાય ત્યારે ભવાટવીમાં ભટક્યાનો મુંઝારો અને છુટકારો પણ એક સાથે અનુભવાય. કેટલીક કડીબદ્ધ વાર્તાઓમાં જોડાણોનો અનેરો નુસખો જોવા મળે છે. વાર્તાની અંદર વાર્તા જન્મે ત્યારે પહેલી વાર્તાનું પાત્ર બીજી કથામાં કથક બને. આ ક્રિયા વાચક કે શ્રોતામાં સૂતેલ કથકનો જીવ જગાડી વાર્તાને બીજે રસ્તે વાળવા પ્રવૃત્ત કરે તો તે પણ સંરચનામાં ગોપિત છે એમ ગણવાનું. આમ પાત્રો, કથક ને શ્રોતાની અદલબદલ થાય તેમાં મહાકથાના સોમદેવથી માંડીને શિવગણ, પિશાચ અને ગુણાઢ્યવાળો ઉપક્રમ ઊપસી આવે. આગળ વધી શ્રોતા કથક બનીને જનસમુદાયને એ લીલામાં પરોવાનું નોતરું દે. કથાકાર અને શિખાઉ કથક વચ્ચેની આવી અદલાબદલીમાં રોજિંદી અને ‘વ્યાવસાયિક’ કથનાત્મકતાની ભેદરેખા વિલીન થાય. કથાના પૂર્વનિહિત વ્યાવસાયિક કૌશલ વિશેના, શૈલીના વાડાઓમાંથી નીકળવાના રસ્તા નીકળે. શિખાઉ કથક નિપજાવે તે કથાના કૌશલ કે રીતિની અગ્નિપરીક્ષા શ્રોતા કે ભાવકના પ્રતિભાવમાં થાય. મૂળે તો ખેલ બધો improvisationનો સાંભળેલી વાર્તાનું રૂપાંતર કરતાં એનું જાદુઈ તત્ત્વ જાળવી રાખવાનો. કથક પાત્રમાં પરકાયાપ્રવેશ કરે ત્યારે લોર્કા કહે છે તેવું duende જેવું સત્ત્વ પ્રગટે. કથનના વહનની પ્રક્રિયામાં વહનની પ્રવાહિતા કથનના પોતને સંગોપી લે કે રૂપાંતરિત કરી નાખે. જેમ વડવાઈઓ ડાળીમાંથી મૂળ થઈને પાછી થડને ઘેરી લે એમ અહીં પણ મૂળ વાર્તામાંથી પ્રગટેલી વાર્તાઓ મૂળને ઘેરી લે કે એને ભૂંસીય નાખે. રૂપાંતરની લીલામાં એવા અનેક સૂચિતાર્થો પડેલા છે. કથાનકના વ્યાપના અને સ્વરૂપનાં રૂપાંતરોનાં ઉદાહરણો દેશવિદેશની રામાયણ પરંપરાઓમાં અંકિત છે. જેમ કે રામનું એક પત્નીવાળું પાત્ર જૈન પરંપરામાં અને મલાયાની પરંપરામાં બહુપત્નીવાળું થઈ જાય છે. (જુઓ : ‘એશિયન વેરિએશન્સ ઇન રામાયણ’, કે.આર. શ્રીનિવાસ સંપાદિત, નવી દિલ્હી સાહિત્ય અકાદેમી, ૧૯૮૩; ‘મેની રામાયણાઝ’ પાઉલા રીચમેન સંપાદિત, ઓક્સફર્ડ યુનિવસિર્ટી પ્રેસ, દિલ્હી, ૧૯૯૧) કેટલાક કિસ્સાઓમાં નાયક અને પ્રતિસ્પર્ધીની ભૂમિકાઓ અદલબદલ થઈ જાય છે. આમાંથી ફલિત એ થાય છે કે માત્ર બિનધામિર્ક કથાઓ જ નહિ, રામાયણ-મહાભારત જેવી કથાઓ પણ કથાકારના અર્થઘટનના ક્ષેત્રની બહાર નથી. એમાં સામાજિક, પ્રાદેશિક અને વૈયક્તિક નિરીક્ષણો પણ સમાયેલાં હોય છે. આજે પણ તળની વ્યાપક પરંપરાઓમાં કથાકારો અને ભોપાઓ(ચારણો અને બારોટો વગેરે) રૂપાંતરો પ્રયોજે છે તેમાં માત્ર કથાનકનું રૂપાંતર શૈલી કે કૌશલ લગી સીમિત હોય તેવું ‘નિર્દોષ’ નથી હોતું. કથાપરંપરા અવનવાં નિરીક્ષણો પ્રગટ કરતા સંઘર્ષોનું નિરૂપણ કરવાનું પણ સાધન બની રહે છે. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના કથાકારો ઉપલા કે શહેરી સમાજ દ્વારા રચાયેલી કથાને પુનર્ગઠિત કરતા, વણખપતા સંદેશનો સરંજામ પણ સરકાવી દેતા હોય છે. આમાં શ્લેષ, મૂકાભિનય, દ્વારા સાંકેતિક સ્વરૂપે ગભિર્ત અર્થો વણી લેવાય છે. પારંપરિક કથાના પુનર્વહન કે ભજવણીમાં કથાકાર કથાની અંદર પડેલા અણસારોને જોડતી વેળા પરિચિત કથાને અપૂર્વ સ્વરૂપ આપે છે અને એનાં નવાં પરિમાણો પ્રગટાવે છે. દા.ત. કેરળના ચાક્યારની ભજવણીમાં, તાડનાં સાત વૃક્ષ આડેથી રામ દ્વારા વીંધાયેલો રાજા વાલી દુષ્ટ શત્રુને બદલે અન્યાયનો ભોગ બનતો કરુણ નાયક બની જાય છે. એવું જ બને છે બાળકૃષ્ણને વિષયુક્ત સ્તનપાન કરાવવા જતી પૂતનાનું. કથકલી નર્તક એ કહાણીમાં પૂતનાના બાળકને મરણોન્મુખ કરવાના હિંસાત્મક આવેગની સાથોસાથ એના રહેંસાતા માતૃત્વને, કરુણાનેય વાચા આપે છે.’
આ બધી કથાઓનાં વિકાસ, સ્થિત્યન્તરો, સ્વરૂપાન્તરોની સાથે ભારતીય ઇતિહાસ, ભારતીય સમાજસંસ્કૃતિમાં આવતાં પરિવર્તનો પણ તુલનાત્મક અભ્યાસ માટે મહત્ત્વનાં. દા.ત. ભારતીય મહાકાવ્યોમાં આજે ખૂબ જ જાણીતા પ્રસંગો પ્રક્ષેપો પુરવાર થયા છે. સહદેવનું અતિજ્ઞાન, દ્રૌપદીના વસ્ત્રહરણ પ્રસંગે કૃષ્ણ દ્વારા દ્રૌપદીને પુરાતાં વસ્ત્ર, લક્ષ્મણરેખા વગેરે. ... આ અને આવા બીજા પ્રક્ષેપો ભારતીય સંસ્કૃતિની ગતિવિધિ સૂચવે છે. ક્યારેક સંસ્કૃતમાંથી પ્રાદેશિક ભાષાઓમાં થયેલા અનુવાદ એક કે બીજા કારણસર મૂળને વફાદાર નથી હોતા. ‘દશકુમાર ચરિત’નો ગુજરાતી અનુવાદ વર્ષો પહેલાં પ્રગટ થયો હતો. મૂળ સંસ્કૃત કથામાં દુકાળ પડે છે ત્યારે ભાઈઓ પોતાની સ્ત્રીઓને મારીને ખાઈ જાય છે એવી ભીષણ, ભયાનક વિગત છે. પણ અનુવાદમાં આ ભયાનકતા ઓછી થઈ ગઈ. ભાઈઓ પોતાની પત્નીઓને વેચી મારે છે. હવે અનુવાદકે શું કર્યું? આચાર્ય હેમચન્દ્ર અને કુમારપાળની જૈનધર્મપ્રીતિ અને જૈન આચારમાં જોવા મળતી અહિંસાવૃત્તિની દીર્ઘ પરમ્પરાએ ગુજરાતી અનુવાદને રૂપાન્તરિત કર્યો?
આ બધી ચર્ચાઓ તો જેમ જેમ સમય મળતો જશે તેમ તેમ કરતા જઈશું. અત્યારે તો ઋગ્વેદમાં જોવા મળતા કથાસંકેતો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. એ તો સર્વવિદિત છે કે વિષ્ણુપૂજા પાછળથી પ્રવેશેલી ઘટના છે. ઋગ્વેદમાં વિષ્ણુ શબ્દ પ્રયોજવામાં આવ્યો તો છે પણ મૂળ દેવ ઇન્દ્ર છે, પાછળથી ઉપેન્દ્ર ઉમેરાયા. વળી, ઋગ્વેદમાં ઘણી વાર ઇન્દ્ર, સૂર્ય, વિષ્ણુને સાથે સાથે મૂકવામાં આવ્યા છે, ઘણી વાર એકમેકથી સ્વતન્ત્ર રીતે પણ તેમનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે. બલિ-વામનની કથામાં વિષ્ણુ વામન વેશે આવીને પછી વિરાટરૂપ — વિશ્વરૂપ ધારણ કરે છે. મહાભારતમાં ગીતાપ્રસંગે આ વિરાટ રૂપનું વર્ણન આવશે. વિષ્ણુપુરાણમાં અને શ્રીમદ્ ભાગવતમાં કૃષ્ણ અજગરના પેટમાં પહોંચ્યા પછી વિરાટ રૂપ ધારણ કરે છે એવી કથા આવે છે. ભારતીય કથાપરમ્પરામાં એક જાણીતી કથા વામન ભગવાન અને બલિરાજાની છે. ઋગ્વેદમાં વામન કે બલિના કશા નિર્દેશ વિના જે ઋચાઓ જોવા મળે છે તે જોઈશું તો જણાશે કે આ ઋચાઓનાં રૂપાંતર અનુગામી કવિઓએ કર્યાં. જ્યાંથી વિષ્ણુએ પરાક્રમ બતાવ્યું ત્યાં પૃથ્વીનાં સાત ધામોથી દેવતાઓ રક્ષે. (ઋ. ૧.૨૨. ૧૬-૧૭-૧૮) આ બધું વિષ્ણુનું પરાક્રમ છે. તેમના ચરણ ત્રણ પ્રકારના છે. એનો મર્મ ધૂળભર્યા પ્રદેશમાં સ્થાપિત છે. વિશ્વરક્ષક, અવિનાશી વિષ્ણુ ત્રણેય પદોથી જગતમાં વ્યાપ્ત છે. હજુ આગળ પણ વિષ્ણુનાં આ ત્રણ પગલાંનાં વર્ણન જોવા મળે છે. ત્રણ પગથી ત્રણે લોકમાં વિચરનારા વિષ્ણુનો સન્દર્ભ છે. વિષ્ણુનાં ત્રણ પગલાંમાં ત્રણે ભુવન છે. જે વિષ્ણુ ત્રણ પગલાંમાં અતિવ્યાપક દિવ્યલોકને આવરી લે છે, જેના ત્રણ મધુ(અમૃત) ચરણ ત્રણ ધાતુથી પૃથ્વીને આનન્દ પમાડે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧.૧૫૪.૧-૪) અન્યત્ર ત્રણ પગલાં સાથે મનુની કથા ગુંથાઈ છે. મનુનાં દુ:ખ દૂર કરવા ત્રણ ચરણો દ્વારા પરાક્રમ કર્યાની વાત આવે છે. (૬.૪૯.૧૩) હજુ છેલ્લે પણ ત્રણ પગલાંમાં ત્રણે લોકને આવરી લેનારા વિષ્ણુને ઇન્દ્રે પહોંચાડેલી સહાયની વાત કરવામાં આવી છે. (૮.૧૨.૨૭) સ્વાભાવિક રીતે જ અહીં બલિ, વામન, શુક્રાચાર્યની જાણીતી કથા નથી; પરન્તુ વિષ્ણુનાં ત્રણ પગલાંએ ત્રણે ભુવનને આવરી લીધાંની કથા તો સૂચવાય જ છે. કૃષ્ણ અને પૂતનાની કથા તો ખૂબ જ જાણીતી છે. સંસ્કૃત ભાષામાં પૂતનાનો અર્થ શીતળા જેવી મહામારી ફેલાવતી દેવી છે. બહુ સરળતાથી પૂતનાપરાજયની પાછળ રહેલું બૌદ્ધિક અર્થઘટન સ્પર્શી જાય. અદિતિએ ઇન્દ્રને જન્મ આપ્યો. તેજ ધરીને તે જાતે જ ઊભા થયા. કુષવા નામની રાક્ષસીએ ઇન્દ્રને ગળી જવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઇન્દ્ર તેનો વધ કરવા તૈયાર થયા. ઉપરાન્ત વ્યંસ નામના રાક્ષસે ઇન્દ્રની હડપચી પર પ્રહાર કર્યો ત્યારે તેનો પણ વધ ઇન્દ્રે કર્યો હતો. ખૂબ જ સરળતાથી શ્રીમદ્ ભાગવત્માં આવતા શ્રીકૃષ્ણના આવાં પરાક્રમોનાં બીજ ઋગ્વેદમાં જોઈ શકાય. (૪.૧૮. ૪, ૫, ૮,૯) ત્યાગ, બલિદાન, સ્વાર્પણની ભાવનાઓના સન્દર્ભે ભારતીય પુરાણોમાં દધીચિ ઋષિની કથા જાણીતી છે. એ આખી કથા બ્રાહ્મણગ્રન્થોમાં અને બીજાં પુરાણોમાં કઈ રીતે વિસ્તરે છે એ વાત પાછળથી જોઈશું. ઇન્દ્રે દધીચિનાં હાડકાંમાંથી વજ્ર બનાવીને નવ્વાણુ રાક્ષસોનો વધ કર્યો. અહીં આગળપાછળનો કોઈ સન્દર્ભ નથી. વળી વધ કરવાની ઇચ્છા થઈ ત્યારે જાણ્યું કે અશ્વનું મસ્તક પર્વત પાછળના સરોવરમાં છે. એ મેળવીને એનું વજ્ર બનાવીને વધ કર્યો.(૧.૮૪. ૧૩-૧૪) અહીં સૂક્તો ક્રમાનુસારી નથી. તેમ જ દધીચિને અને અશ્વમસ્તકને કયો સમ્બન્ધ છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. આ સૂત્રો ગૌતમ રાહૂગણ ઋષિના નામે ચડેલાં છે. આગળ જતાં કક્ષીવાન દીર્ઘતમસ નામના ઋષિ સાથે સંકળાયેલાં સૂક્તોમાં આ સન્દિગ્ધ કથાને થોડી વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. અથર્વણ દધ્યઙ્હ (=દધીચિ) ઋષિએ અશ્વમુખથી મધુવિદ્યા શિખવાડી. અથર્વ કુળના દધીચિ ઋષિનું અશ્વમુખ અશ્વિનીકુમારોએ લગાવ્યું. ઋષિએ મધુવિદ્યા શિખવાડી અને વળી શરીરનાં ભાંગેલાં અંગોને જોડવાની વિદ્યા શિખવાડી. આથી વિશેષ કશું જ કહેવામાં આવ્યું નથી. એટલે જ્યારે શતપથ બ્રાહ્મણના ઋષિ પાસે આ કથાબીજ આવે ત્યારે એક કથા તે ઊભી કરી દેશે. દધીચિ ઋષિ ઉપર પ્રસન્ન થઈને ઇન્દ્રે બ્રહ્મતેજ છલકાવ્યું અને એનાથી ઋષિ પ્રસન્ન થયા. ઇન્દ્રે શિખવાડેલી કે અર્પેલી મધુવિદ્યા કોઈ બીજાને આપવાની નહીં. આજ્ઞાનું ઉલ્લંઘન એટલે મૃત્યુદંડ. અશ્વિનીકુમારોએ એ વિદ્યા દધીચિ ઋષિ પાસે માગી. ઋષિએ ઇન્દ્ર સાથેની વાતચીત કહી સંભળાવી. અશ્વિનીકુમારોએ અશ્વમુખે એ વિદ્યા આપવા કહ્યું. દધીચિએ મધુવિદ્યાનું રહસ્ય કહી દીધું એટલે ઇન્દ્રે એ મસ્તક છેદી નાખ્યું. પણ અશ્વિનીકુમારોએ મૂળ મસ્તક જોડી આપ્યું. વજ્ર દ્વારા કપાયેલું મસ્તક શર્યાનાવત પર્વતમાં પડ્યું. શતપથ બ્રાહ્મણમાંથી આ કથાનક બૃહદ્દેવતા(૩.૪-૫)માં પણ ચાલી આવ્યું. ઘણી વાર ઋગ્વેદમાં કથાબીજ કે કથાસન્દર્ભ સાવ ઝાંખાંપાંખાં હોય છે. જો વ્યવસ્થિત રીતે તેના પર ધ્યાન ન જાય તો એ ઋચા કશીક કથા સાથે સંકળાયેલી છે તેનો ખ્યાલ આવતો નથી. દા.ત. આ ઋચા જુઓ: હે અગ્નિદેવ, આપે મમતાના આંધળા પુત્રને પાપોથી બચાવ્યો હતો. (૪.૪.૧૩) મમતા કોણ , આંધળો પુત્ર કોણ એની કશી માહિતી આપવામાં આવી નથી. પરન્તુ અન્ય ઋચાઓનો સન્દર્ભ હાથવગો હોય તો પહેલા મંડળની દીર્ઘતમા ઋષિસંલગ્ન ઋચાઓ સહાયરૂપ થઈ શકે. એ ઋચાઓમાં દીર્ઘતમા અશ્વિનીકુમારોને રક્ષણ માટે પ્રાર્થના કરે છે. દિવસરાત મને નિ:સત્ત્વ ન કરી નાખે, પ્રજ્વલિત અગ્નિ મને ભસ્મીભૂત કરી ન નાખે. મને અહીં બાંધી રાખ્યો છે, દાસોએ મને બાંધીને નદીમાં ફેંકી દીધો છે, મારા મસ્તકને, છાતીને અને ખભાને કાપી નાખવા છતાં તમારી કૃપાથી હું સુરક્ષિત રહ્યો અને દાસ પોતે જ કપાઈ ગયો. મમતાના પુત્ર દીર્ઘતમાએ ૧૧૦ વર્ષ વીતાવ્યાં અને વૃદ્ધાવસ્થાને પામ્યા. (૧.૧૫૮.૪-૫-૬) અહીં પણ સાહસપૂર્ણ કથાને અવકાશ છે. હા, અધ્યાહાર રહેલી વિગતો પૂરવી પડે. પૂર્ણ કથામાં ઢાળી શકાય એટલા માટે અન્ય પાત્રો અને ઘટનાઓ ઉમેરવાં પડે. આજે તો ચ્યવનપ્રાશને કારણે જાણીતા થયેલા ચ્યવન ઋષિનો સન્દર્ભ ધરાવતાં પાંચ-છ સૂક્તો ઋગ્વેદમાં જોવા મળે છે. દા.ત. હે અશ્વિનીકુમારો, વૃદ્ધ ચ્યવાન (વેદમાં ચ્યવન ચ્યવાનના નામે ઓળખાય છે)ની જીર્ણ ત્વચાને તમે ઉતારી દીધી. તમે બંનેએ એમને સુન્દર સ્ત્રીઓ વરાવી આપી. (૧.૧૧૬.૧૦) હે અશ્વિનીકુમારો, વૃદ્ધ ચ્યવાન ઋષિને તમે યુવાન બનાવ્યા હતા. (૧.૧૧૭.૧૩) હે અશ્વિનીકુમારો, વૃદ્ધ ચ્યવાન ઋષિની ત્વચાને ઉતારી યુવાન બનાવ્યા. (૫.૭૪.૫) હે દેવો, આપે ચ્યવાન ઋષિને જરામુક્ત કર્યા હતા. (૭.૭૧.૫) આનો અર્થ એ થયો કે ચ્યવન ઋષિના વૃદ્ધત્વની અને તેમને તરુણ બનાવ્યાની કોઈક કથા ઋગ્વેદ પૂર્વે પ્રચલિત હશે. બને કે આર્ય જાતિએ એવી કથાઓનો વારસો મૌખિક પરમ્પરા દ્વારા જાળવી રાખ્યો હોય. ઋગ્વેદના અનુગામી કવિઓ આ સૂક્તોમાં વિલક્ષણ કથાઓની સંભાવના જુએ છે. એની આસપાસ કથા ગૂંથતા જાય છે. નવાં પાત્રો આણે છે. એક બાજુ ચ્યવન ઋષિના જન્મની કથા ગૂંથી શકાય અને બીજી બાજુ ચ્યવન સાથે પોતાની પુત્રીનું લગ્ન કરાવતા સુકન્યાપિતા શર્યાતની કથા પણ ગૂંથી શકાય.. એક જ કથાની બે જુદી જુદી વાચનાઓ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે તે પણ જોવા જેવું છે. દા.ત. શતપથ બ્રાહ્મણમાં(૪.૧.૫) એમ કહેવાયું છે કે શર્યાત રાજાના કુમારો રમત કરતાં કરતાં વૃદ્ધ ચ્યવન પર માટીનાં ઢેફાં ફેંકે છે. ક્રોધે ભરાયેલા ચ્યવન રાજાના સ્વજનોને અંદર અંદર લડાવી મારે છે. શર્યાત રાજા આખરે ચ્યવનની ક્ષમા માગે છે અને પોતાની પુત્રી સુકન્યાનો વિવાહ તેમની સાથે કરે છે. પછી ત્યાં અશ્વિનીકુમારોનું આગમન થાય છે. તેઓ સુકન્યા પર મોહ પામે છે પણ સુકન્યા દૃઢતા દાખવે છે. દેવતાઓ અશ્વિનીકુમારોને હવિભાગ આપતા નથી અને એ રીતે તેમની અપૂર્ણતા છે. આ વાત કહ્યાના મૂલ્ય રૂપે અગાઉથી જ ચ્યવન ઋષિ તેમની પાસે યૌવન માગી લે છે. એક બીજી વાચના પણ રસપ્રદ છે. ભૃગુઋષિની સગર્ભા પત્ની પુલોમાનું અપહરણ પુલોમા નામનો રાક્ષસ કરી જાય છે. પુલોમાનો ગર્ભ ક્રોધે ભરાઈને માતાના શરીરમાંથી ચ્યુત થઈને બહાર આવી ગયો (એટલે તેનું નામ પડ્યું ચ્યવન), એ ગર્ભના તેજથી રાક્ષસ ભસ્મીભૂત થઈ ગયો. આ ચ્યવન વૃદ્ધાવસ્થામાં તપ કરતા હતા. એમની આસપાસ જીવજન્તુઓએ વલ્મીક (રાફડો) ઊભો કરી દીધો. એ સમયે શર્યાત રાજા સપરિવાર આવી ચઢે છે. એમની પુત્રી સુકન્યા રાફડા પાસે જઈને કશુંક ચમકતું જુએ છે. સુકન્યા એમાં કાંટો ભોંકે છે અને ચ્યવનની આંખો ફૂટી જાય છે. ઋષિ રાજાને શાપે છે અને તેને શાપમુક્ત કરવા ઋષિ સુકન્યા માગી લે છે. વૃદ્ધત્વ ન જિરવાતાં યૌવનપ્રાપ્તિનું કથાઘટક પછી તો જાણીતું બની ગયું અને એનો વિનિયોગ ‘રાઈનો પર્વત’ સુધી વિસ્તર્યો. શાપને કારણે યુવાવસ્થાનું રૂપાન્તર જરાવસ્થામાં થાય, એક અવસ્થામાંથી કે એક જીવજાતિમાંથી અન્ય અવસ્થા, ટૂંકમાં સ્વરૂપાન્તરનું કથાઘટક યયાતિની કથાથી માંડીને ઘણે બધે ઠેકાણે જોવા મળશે. વૃદ્ધ યયાતિને યુવાવસ્થાના ભોગવિલાસ હજુ અધૂરા લાગે છે એટલે તે યૌવનપ્રાપ્તિ માટે દેવયાની અને શમિર્ષ્ઠાના પુત્રોને વિનંતી કરે છે, પણ કોઈ પુત્ર યૌવન આપીને વૃદ્ધત્વ લેવા તૈયાર નથી, છેવટે શમિર્ષ્ઠાનો નાનો પુત્ર તૈયાર થાય છે. મહાભારતમાં જોવા મળેલી યયાતિની કથામાં દેવયાનીને જ્યારે શમિર્ષ્ઠા સાથે રાજાના સમ્બન્ધોની જાણ થાય છે ત્યારે તે પિતા શુક્રાચાર્ય પાસે રડતીકકળતી ફરિયાદ કરે છે. રાજાની તો યુવાવસ્થા છે અને શુક્રાચાર્યના શાપને કારણે તેને અકાળે વૃદ્ધત્વ પ્રાપ્ત થાય છે અને આ અકાળે પ્રાપ્ત થયેલા વૃદ્ધત્વમાંથી ઊગરવા યયાતિ મથે તે સ્વાભાવિક છે, આમેય વાજીકરણના ઉપાયો આયુર્વેદમાં શા માટે પ્રચલિત થયા? આજે તો ઔષધોની જે જાહેરાતો આવે છે તેમાં ૩૫ વર્ષના પુરુષોને નવયૌવન પ્રાપ્ત કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે. એવી જ રીતે એક ખૂબ જાણીતું કથાનક અને ચરિત્ર વિનતાપુત્ર ગરુડને લગતું છે. આ સમગ્ર કથાની પૂર્વભૂમિકાનો અનુવાદ ઓગસ્ટ, ૨૦૦૦ના ‘કંકાવટી’માં પ્રગટ કર્યો હતો. આ કથા અને તેની સાથે સંકલિત ચરિત્રોના સંકેતો જુદી જુદી રીતે પ્રગટેલા જોવા મળશે. સૌથી પહેલાં તો ગરુડનો સન્દર્ભ ઋગ્વેદમાં કઈ રીતે જોવા મળે છે તે જોઈએ. શ્યેન નામના પંખીનો સન્દર્ભ વેદમાં વારંવાર આવે છે. શ્યેન ઇન્દ્ર માટે સોમ લઈ આવે છે. (૩.૪૩.૭) આ સોમને જો પ્રતીકાત્મક રીતે અમૃત તરીકે લઈએ અને શ્યેનને ગરુડ તરીકે લઈએ તો આખી કથાનું મૂળ અહીં જોઈ શકાય છે. ગરુડ સ્વર્ગમાંથી અમૃત કેવી રીતે લાવે છે તેની રસપ્રદ કથા મહાભારતના આદિપર્વમાં (સમીક્ષિત વાચના અનુસાર ૧૪મા અધ્યાયથી શરૂ અને ગીતાપ્રેસવાચના અનુસાર ૧૩મા અધ્યાયથી ૫૮મા અધ્યાય સુધી) આપવામાં આવી છે. પરન્તુ ગરુડના પરાક્રમની કથા અતિ સંક્ષિપ્ત રૂપે ઋગ્વેદમાં જોવા મળશે. શ્યેન પંખી કરતાં પણ સુપર્ણ વધુ શક્તિશાળી. સુપર્ણે ચક્ર વગરના રથ દ્વારા અમૃત એટલે કે હવિ મનુને આપ્યું હતું. બધાને કંપાવતું એ પંખી મનોવેગી બનીને સોમરસ લઈ ઊડ્યું અને જગતમાં યશ પ્રાપ્ત કર્યો (૪.૨૬.૪-૭). સોમ લાવતી વખતે શ્યેને દ્યુલોકમાંથી ગર્જના કરી, રક્ષકોએ સોમરસ લઈને જતા શ્યેન પાસેથી સોમરસ છિનવી લેવાનો પ્રયત્ન કર્યો. રક્ષક કૃશાનુએ શ્યેન પર તીર ચલાવ્યું ત્યારે એને કારણે શ્યેન ઘવાયું. એની એક પાંખ ખરી પડી. આટલી ઋચાઓ ઋગ્વેદના કવિને પૂરતી નહીં લાગી એટલે બીજી થોડી ઋચાઓ ઉમેરીને કેટલોક વિસ્તાર કર્યો. પરાક્રમના વિસ્તારની સાથે સાથે બીજી કથાના સંકેતો પણ ઉમેરવામાં આવ્યા. ‘જે ઉત્તમ શક્તિશાળી પાંખોવાળું પંખી ક્યારેય ભ્રાન્ત ન થવાની શક્તિથી મનુ માટે દેવોને પ્રિય નીવડનાર હવિ લઈને આવ્યું તે પંખી, હે મરુતો, અન્ય પક્ષી કરતાં વધુ શક્તિશાળી બને, આ શ્યેન પંખી બીજાં શ્યેન કરતાં વધુ ઝડપી ગતિ ધરાવતું થાય. જ્યારે આ પંખી બધા લોકને કંપાવતું દ્યુલોકમાંથી સોમને લઈને આવ્યું ત્યારે વિશાળ માર્ગ મન જેવા વેગથી કાપ્યો; શાન્તિ પ્રદાન કરનાર એ પંખી જ્યારે મધુર રસને લાવ્યું ત્યારે લોકમાં કીતિર્ પામ્યું. દૂર દૂરના દેશમાંથી સોમ લઈને સરળ માર્ગેથી આવનાર, દેવોની સાથે રહેનાર આ શ્યેન પંખી મધુર અને આનન્દદાયક સોમ આ ઊંચા દ્યુલોકમાંથી દૃઢતાપૂર્વક લઈ આવ્યું. શ્યેન હજારો યજ્ઞ સાથે સોમ લઈને ઊડ્યું. ત્યાર પછી અનેક ઉત્તમ કર્મ કરનારા બહુ જ્ઞાની ઇન્દ્રે સોમના નશામાં મૂર્ખ શત્રુઓને માર્યા... ગર્ભમાં રહીને મેં આ દેવોના બધા જન્મ જાણ્યા. લોહે મઢેલી સો નગરીઓએ મારી રક્ષા કરી, પછી હું શ્યેન થઈને વેગપૂર્વક બહાર નીકળ્યો. તે મને સારી રીતે ઘેરી શક્યો ન હતો. મેં તીવ્ર સામર્થ્યથી એને ઘેર્યો. બધાના પ્રેરક પ્રજ્ઞાવાન પરમાત્માએ શત્રુઓને માર્યા... સોમ લાવવાના સમયે જ્યારે શ્યેને દ્યુલોકમાં ગર્જના કરી ત્યારે સોમરક્ષકોએ સોમ છિનવી લેવાના પ્રયત્ન કર્યા. મનોવેગથી જનારા ધનુર્ધારી કૃશાનુએ પણછ ચડાવી શ્યેન પર તીર છોડ્યું. સરળ માર્ગે જનારા શ્યેન ઇન્દ્ર દ્વારા રક્ષિત મહાન દ્યુલોકથી સોમ લઈ આવ્યું, જેવી રીતે અશ્વિનીકુમારો ભૃજ્યુને લઈ આવ્યા હતા. (ઋ.૪. ૨૯૭-૩૦૪) આ ઋચાઓમાં માત્ર સ્તુતિ નથી પણ ક્રમશ: વિસ્તરતી કથા છે, પણ એ સાહસકથા નથી. એમાં ઘણી ઘટનાઓ ઉમેરવી પડે. એક કરતાં વધારે પાત્ર આણવાં પડે. જો આ પંખી લડાઈ કરતું હોય તો તે કેવી રીતે લડાઈ કરે છે, એમાં આવું અસાધારણ પરાક્રમ કરવાની શક્તિ આવી કેવી રીતે? ટૂંકમાં આ બધાં રસસ્થાનોને ખીલવવાં પડે. મહાભારતના વ્યાસે અથવા જે કોઈ કથાકાર હોય તેમણે આ ઋચાઓમાં એક ઉત્તમ સાહસકથાનું બીજ જોયું. જે અન્ય પાત્રોને ઉપયોગમાં લીધાં એમાં કેટલાંક જાણીતાં હતાં. એ સમયની પરમ્પરા પ્રમાણે અતિપ્રાકૃત કે કપોલકલ્પિત તત્ત્વનો વિનિયોગ કર્યો, ઘટનાવિન્યાસને યોગ્ય રીતે પ્રસ્તુત કર્યો; આમ સાવ સાદી કથાને એક અદ્ભુત સાહસકથામાં રૂપાન્તરિત કરી બતાવી. મેધાવી અને પ્રતિભાસમ્પન્ન કવિને તો આટલી ઋચાઓ પૂરતી થઈ પડે. વ્યાસ કેવા કવિ છે તે મહાભારતમાં આવતા આ કથાનકમાંથી જેઓ પસાર થયા હોય એમને ખ્યાલ આવી જ જાય. આ આખું કથાનક સાહસકથા કહો તો સાહસકથા અને અર્વાચીન યુગની જાસૂસીકથા પ્રકારની કહેવી હોય તો એ કહો. મહાભારતકારને માત્ર ઋગ્વેદની પરમ્પરા જ નથી સાંપડી. આ કથાને વધુ સંકુલ રીતે, ખૂટતી કડીઓ ઉમેરીને રજૂ કરવી હોય તો સહાયરૂપ થવા માટે શતપથ બ્રાહ્મણ(૩-૬-૯)નો કવિ આવી ચઢે છે: સોમ દ્યુલોકમાં હતા અને દેવતાઓ આ લોકમાં. દેવોએ ઇચ્છા કરી કે સોમ અમારી પાસે આવે અને આવેલા સોમ સાથે યજ્ઞ કરીએ. તેમણે બે માયા સર્જી: સુપર્ણી અને કદ્રૂ. સુપર્ણી એટલે વાણી અને કદ્રૂ એટલે પૃથ્વી. આ બંને વચ્ચે તેમણે ઝગડો કરાવ્યો. બંને ઝઘડવા લાગી, ‘આપણામાંથી જે સૌથી વધારે દૂરની વસ્તુ જોઈ લેશે તે બીજી પર વિજય મેળવશે.’ કદ્રૂએ કહ્યું, ‘ભલે, જો.’ સુપર્ણીએ કહ્યું, ‘આ પાણીની પાર એક શ્વેત અશ્વ થાંભલા પાસે ઊભો છે. હું એને જોઉં છું. એનું પૂંછડું લટકી રહ્યું છે. પવન એને હલાવી રહ્યો છે એ હું જોઉં છું.’ હવે જ્યારે સુપર્ણીએ કહ્યું કે ‘આ પાણીની પેલે પાર’ તો પાણી (સલિલ)નો અર્થ વેદી. એ વેદીનો નિર્દેશ કરવા માગતી હતી. ‘થાંભલા પાસે એક શ્વેત અશ્વ ઊભો છે’ બોલી ત્યારે શ્વેત અશ્વ એટલે યજ્ઞ અને થાંભલો એટલે યૂપ. સુપર્ણીએ જ્યારે કહ્યું કે એનું પૂંછડું લટકી રહ્યું છે અને એને વાયુ હલાવે છે એ હું જોઉં છું ત્યારે એ માત્ર દોરડું જ હતું. ત્યારે સુપર્ણીએ કહ્યું, ‘ચાલો ત્યાં સુધી ઊડીએ અને કોણ વિજયી થયું છે તે જોઈએ.’ સુપર્ણી ત્યાં સુધી ઊડી અને કદ્રૂએ જે કહેલું તે સાચું નીકળ્યું. જ્યારે તે પાછી આવી તો કદ્રૂએ પૂછ્યું, ‘તું જીતી કે હું?’ તેણે કહ્યું, ‘તું.’ ત્યારે કદ્રૂએ કહ્યું, ‘ખરેખર મેં તને જીતી લીધી. દ્યુલોકમાં સોમ છે. દેવોને માટે તું લઈ આવ અને દેવોના ઋણમાંથી મુક્ત થા.’ ‘ભલે.’ તે છંદ લઈ આવી અને એ ગાયત્રી દ્યુલોકમાંથી સોમને લઈ આવી. ‘શતપથ બ્રાહ્મણ’નું આ કથાનક રૂપકપ્રધાન છે. યજ્ઞયાગાદિ જે સમયે અત્યન્ત મહત્ત્વના બની ગયા હતા તે સમયની અનિવાર્યતાથી પ્રેરાઈને આવાં કથાનકો જોવા મળ્યાં. પરન્તુ મહાભારતકારને વાર્તારસથી ઊભરાતી કથાઓ રચવામાં વિશેષ રસ પડે છે. મહાભારતકાર પાસે વેદ, ઉપનિષદો, બ્રાહ્મણગ્રન્થો છે. પરમ્પરાથી ચાલી આવતી લોકકથાઓ તો ખરી જ. તે હવે સાહસ-શૌર્ય-કપોલકલ્પિતથી સમૃદ્ધ કથાઓ મહાભારતમાં ઉમેરવા માગતા હશે. એમાં કદ્રૂ-વિનતાની, કદ્રૂપુત્રો નાગલોકોની તથા વિનતાપુત્રો અરુણ અને ગરુડની, અદ્ભુત રસથી ઊભરાતી કથાઓ રચાઈ-ઉમેરાઈ. શતપથ બ્રાહ્મણનાં સુપર્ણી, કદ્રૂ મહાભારતમાં રૂપાન્તરિત થઈ ગયાં. કશ્યપ ઋષિની બે પત્નીઓ. બંનેને વરદાન મળ્યું. પરિણામે કદ્રૂ હજાર નાગપુત્રોની માતા બની અને વિનતા માત્ર બે જ પુત્રોની માતા બની. વિનતાએ ધીરજ ગુમાવીને બે ઈંડાંમાંથી એક ફોડી નાખ્યું. એમાં અવિકસિત ગર્ભવાળો અરુણ હતો. તે માને શાપીને આકાશમાં જતો રહ્યો. બીજા ઈંડામાંથી ગરુડનો જન્મ થયો. એક દિવસ કદ્રૂ અને વિનતાએ સમુદ્રોત્પન્ન ઉચ્ચૈ:શ્રવાને જોયો. વિનતાની દૃષ્ટિએ આ અશ્વ આખા શરીરે શ્વેત હતો, કદ્રૂની દૃષ્ટિએ માત્ર પૂંછડું કાળું હતું. બંને વચ્ચે શરત લાગી, જે હારે તે બીજાની દાસી. કદ્રૂએ શરત જીતવા પોતાના પુત્રોને અશ્વના પૂંછડે લટકી જવાની વાત કરી. જેમણે માતાની આજ્ઞા ન માની તેમને કદ્રૂએ શાપ આપ્યો : જનમેજયના સર્પયજ્ઞમાં બળીને ભસ્મ થઈ જશો. (એક બીજા પુરાણમાં નાગપુત્રો અશ્વના આખા શરીરે વીંટળાઈને તેને કાળો બનાવી દે છે એવો સન્દર્ભ છે.) બીજે દિવસે કદ્રૂ અને વિનતાએ ઘોડાના પૂંછડે કાળો રંગ જોયો. વિનતા દાસી બની ગઈ. રાહુ-કેતુ સાથેના સંઘર્ષનું ફળ પોતે એકલો ભોગવી રહ્યો છે એમ માની સૂર્યે ત્રણે લોકને બાળી નાખવાનો નિશ્ચય કર્યો. પણ બ્રહ્માએ સૂર્યસારથિ તરીકે વિનતાપુત્ર અરુણને બેસાડ્યો અને અરુણે સૂર્યતેજ હરી લીધું (પર્યાવરણીય સંકેત). બીજી બાજુ ગરુડને અને વિનતાને નાગપુત્રોની આજ્ઞાનું પાલન કરવું પડતું હતું. ગરુડે દુ:ખી થઈને નાગપુત્રો પાસે આ દાસત્વમાંથી મુક્ત થવાની કંમિત પૂછી. નાગલોકોએ સ્વર્ગમાંથી અમૃત લાવવા કહ્યું અને ગરુડ દાસત્વમુક્તિ માટે સ્વર્ગમાંથી પરાક્રમ કરીને અમૃત લાવે છે. માર્ગમાં વિષ્ણુ અને ગરુડ અન્યોન્યને વરદાન આપે છે, ત્યારથી ગરુડ વિષ્ણુનું વાહન બન્યા. ઇન્દ્રની ચતુરાઈને કારણે નાગલોકોની નિયતિમાં અમૃત રહેતું જ નથી પણ ગરુડે પોતાને અને માતાને દાસત્વમાંથી મુક્ત કર્યા. મૂળ મહાભારતમાં કદ્રૂ અને વિનતાની આ કથા અસાધારણ કાવ્યાત્મક વર્ણનોવાળી, ઉપાખ્યાનોથી ભરેલી, અદ્ભુત-ભયાનક રસવાળી છે. એનો બીજી રીતે પણ વિચાર કરી શકાય. પર્યાવરણીય સંકેતો પણ એમાં પડેલા છે. જે ડાળી પર બેસીને ગરુડ ભોજન કરવા તૈયાર થાય છે તે તેના ભારથી તૂટી ગઈ. વૃક્ષ પર સેંકડો પંખીઓ હતાં અને ડાળી પર લટકીને વાલખિલ્ય ઋષિઓ બેઠા હતા. આ બધાંને બચાવી લેવા આ પંખી ફરી તૂટેલી ડાળી મોંમાં પકડીને ઊડી જાય છે, પંજામાં વિરાટકાય કાચબો અને હાથી; આ બધાંને લઈને ઊડતા ગરુડને વિચાર આવ્યો કે કોઈ નિર્જન સ્થળે જ આ ડાળી ફેંકવી જોઈએ. આવું માનવતાવાદી વલણ ડગલે ને પગલે આવાં કથાનકોમાં જોવા મળશે. ભારતભરમાં ખૂબ જ લોકપ્રિય બનેલું એક કથાનક છે રાજા હરિશ્ચન્દ્રનું. સિનેમાએ, નાટકે આ કથાનકનો ખૂબ જ ઉપયોગ વીસમી સદીના પૂર્વાર્ધમાં કર્યો હતો. ગાંધીજીનું પ્રિય પાત્ર રાજા હરિશ્ચન્દ્ર. પરન્તુ પહેલી વાર આ કથાનક ઐતરેય બ્રાહ્મણમાં જોવા મળે છે. અને અહીં હરિશ્ચન્દ્રની વ્યક્તિતા સાવ વિરુદ્ધ પ્રકારની છે : ક્રૂર, અસત્યવાદી અને અમાનવીય. પાછળથી આ કથાનો એવો કાયાકલ્પ થાય છે કે ઐતરેય બ્રાહ્મણના હરિશ્ચન્દ્રને કોઈ યાદ પણ કરતું નથી. જો કે દેવી ભાગવતમાં ઐતરેય બ્રાહ્મણના હરિશ્ચન્દ્ર જોવા મળશે. વળી ઉત્તરાર્ધમાં દાનેશ્વરી બનેલા હરિશ્ચન્દ્રની કથા પણ સાંકળી લેવામાં આવી છે. આજે જો કોઈ સાહિત્યકાર ઐતરેય બ્રાહ્મણને કેન્દ્રમાં રાખીને હરિશ્ચન્દ્રનું કથાનક ઉપયોગમાં લે તો અસહિષ્ણુ બની બેઠેલી પ્રજા એને જરાય સાંખી ન લે. ઐતરેય બ્રાહ્મણમાં વરુણ, હરિશ્ચન્દ્ર, રોહિત, શુન:શેપ અને વિશ્વામિત્રનાં પાત્રો આવે છે. આ કથાનું બીજ ઋગ્વેદમાં પડ્યું છે. ઋગ્વેદના પહેલા મંડળનાં ૨૪થી ૩૦ સૂક્તોમાં ઋષિ શુન:શેપ આજીગતિર્ છે. ત્યાં દેવરાત અને વૈશ્વામિત્રનાં નામ આવે છે. ઐતરેય બ્રાહ્મણના કવિએ આ બધાં નામને સાંકળીને કથાનક વિસ્તાર્યું છે. શુન:શેપના પિતાનું નામ આજીગર્ત છે. યજ્ઞ વખતે વિશ્વામિત્ર ઋત્વિજ છે અને વરુણને હવિ આપવાનો છે. દેવરાત વિશ્વામિત્રે પાડેલું શુન:શેપનું બીજું નામ છે. ઋગ્વેદમાં તો આટલો જ નિર્દેશ કરવામાં આવેલો છે કે બન્ધનમાં પડેલા શુન:શેપે જેવી રીતે વરુણદેવની સ્તુતિ કરીને મુક્તિ મેળવી તેવી રીતે વરુણ અમને પણ બન્ધનમુક્ત કરે. આ શુન:શેપને ત્રણ થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો. એક બીજા સૂક્તમાં શુન:શેપ અગ્નિને પ્રાર્થના કરીને પોતાની જાતને મુક્ત કરવા કહે છે. (૫.૨.૭) ઇન્દ્ર જેવી રીતે મિત્રોને સહાયરૂપ થાય છે એવી રીતે અશ્વિનીકુમાર પણ ઘણા બધાને સહાયરૂપ બને છે અને એને લગતી ઋચાઓમાં કેટલાંક કથાબીજો જોઈ શકાશે. ચ્યવન ઋષિ અને દધીચિ ઋષિની જાણીતી કથાઓનાં સન્દર્ભો આગળ જોઈ ગયા. અંતક, ભુજ્ય, કર્કન્ધુ તથા વય્યની રક્ષા અશ્વિનીકુમારોએ કરી; અપંગ પરાવૃજ, આંધળા ઋજાસ્વને સહાય કરી, વરુના મોંમાંથી ચકલી છોડાવી.(૧.૧૧૨. ૭-૮-૧૪) ઈશ્વરે અથવા પ્રકૃતિએ વરુ અને પંખી બંને સર્જનો કર્યાં. ક્ષુદ્રતમ સુધી ઈશ્વરની કરુણા સર્જાયેલી છે એવા સંકેતો પણ અહીં વાંચી શકાય. વિમદની પત્નીઓને અશ્વિનીકુમારોએ તેમના નિવાસસ્થાને પહોંચાડી. (૧.૧૧૨.૧૯) ભુજ્યુને નૌકાયાનો વડે સહાય કરી (૧.૧૧૬. ૩-૪-૫); આંધળા કવિને દૃષ્ટિ આપી. વિશ્પલાના કપાયેલા પગને નવા કરી આપ્યા (૧.૧૧૬.૧૪); ક્યારેક તો રહસ્યપૂર્ણ યુદ્ધકથાના સંકેતો પણ જોવા મળે છે. દા.ત. જાહુષ નામના રાજા જ્યારે શત્રુઓથી ઘેરાઈ ગયા હતા ત્યારે રાત્રિના અન્ધકારમાં તેમને સુરક્ષિત સ્થાને, પર્વતોની પાર, અશ્વિનીકુમારો લઈ ગયા હતા. ઉપરાન્ત ઋચત્કપુત્ર શરને પાણી પાવા કૂવાનાં જળ ઉપર લાવ્યા હતા (૧.૧૧૬. ૨૨); કૃષ્ણના પૌત્ર અને વિશ્વકના પુત્ર વિષ્ણાવને પિતા પાસે પહોંચાડ્યો; પિયરમાં જ રહેનારી વૃદ્ધા ઉષાને રોગમુક્ત કરી નવયૌવના બનાવી અને તેને પતિ પણ આપ્યો (૧.૧૧૭.૮); કોઈ અત્રિ ઋષિને કારાવાસમાં નાખીને એમને બાળી મૂકવાનો પ્રયત્ન થયો ત્યારે અશ્વિનીકુમારોએ એ અગ્નિને હિમસદૃશ કર્યો અને કારાવાસમાંથી તેમને મુક્ત પણ કર્યા (૧.૧૧૭.૮); એવી જ રીતે રાક્ષસોએ રેભ નામના ઋષિને દોરડે બાંધીને કૂવામાં નાખી દીધેલા. દસ દસ દિવસ સુધી એવી રીતે કૂવામાં રહેલા ઋષિને બહાર કાઢ્યા (૧.૧૧૬.૨૪). આપણી પ્રાચીન કથાઓમાં વસિષ્ઠ ઋષિના નિર્દેશો દશરથ-રામના તથા વિશ્વામિત્ર સન્દર્ભે અવારનવાર આવતા રહે છે. વસિષ્ઠના જન્મની એક રૂપકકથા ઋગ્વેદમાં જોવા મળે છે, જ્યાં મિત્રાવરુણે તેમને વિદ્યુત જ્યોતિથી અલગ થતાં જોયા. અગસ્ત્ય પ્રકાશમાંથી તેમને બહાર લાવે છે ત્યારે તેમનો જન્મ થયો, પણ જન્મ આપનારી કોઈ સ્ત્રી તો હોવી જોઈએ ને એટલે ઉર્વશીના માધ્યમથી તેમને ઉત્પન્ન કરવામાં આવ્યા. મિત્રાવરુણ બંનેએ પોતાનું સત્ત્વ — તેજ- વીર્ય કુંભમાં સ્થાપ્યું. એમાંથી માન(અગસ્ત્ય) જન્મ્યા અને વસિષ્ઠ પણ. આ વસિષ્ઠે વરુણનો કોઈ અપરાધ કર્યાની વાત ઋગ્વેદમાં નોંધાઈ છે (૭.૮૬-૮૮), એમાં સ્વપ્નમાં કરેલા પાપનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. આનો અર્થવિસ્તાર બૃહદ્ દેવતામાં જોવા મળશે. ‘એક વેળા વસિષ્ઠ રાત્રિ દરમિયાન સ્વપ્નમાં વરુણના નિવાસે જઈ પહોંચ્યા, તેઓ અંદર પ્રવેશ્યા. એક ભસતો કૂતરો તેમના પર ધસી આવ્યો. વસિષ્ઠે તેને બે સૂત્રોથી ઊંઘાડી દીધો. આગળ સૂક્ત ૫૫માં વાષ્પોત્પતિ નામે દેવતાની સ્તુતિ કરવામાં આવી છે, તેમાં કહેવામાં આવે છે કે શ્વેત સરમાના વંશજ પીળા વર્ણવાળા વાષ્પોત્પતિ દેવ, જ્યારે દાંત બતાવે છે ત્યારે શસ્ત્રની જેમ ચમકે છે, આહાર વેળાએ વિશેષ શોભે છે પણ તમે સૂઈ જાવ. હે સારમેય, ચોરો પાસે જાઓ, અમારા કાર્યમાં વિઘ્નકર્તા ન બનો અને સૂઈ જાઓ. પાછળથી અપરાધી બનેલા વસિષ્ઠ વરુણની સ્તુતિ કરીને પાશમુક્ત બન્યા. આગળ શુન:શેપનું જે કથાનક જોયું તેમાં પણ વરુણનાં બન્ધનોમાંથી મુક્ત થવા શુન:શેપ પ્રાર્થના કરે છે. ઋગ્વેદમાં જોવા મળતા ઘણાબધા કથનાત્મક સંકેતો રૂપકાત્મક/પ્રતીકાત્મક છે. અનુગામી કવિઓ આ બધું ઉકેલી આપે છે. મહાભારતના આરમ્ભે જે કથાઓ આવે છે એમાં આવી સંકેતાત્મક પરિભાષા યોજીને પછીથી એને ઉકેલવામાં આવે છે. આ પરમ્પરા તો છેક મધ્યકાળ સુધી વિસ્તરેલી જોઈ શકાય છે. આ રૂપકાત્મકતાની સાથે જ થોડા અતિપ્રાકૃત અંશો પણ ઉમેરાતા જશે. ઋગ્વેદ પછી તો આ બધાં અતિપ્રાકૃત તત્ત્વોનો વિનિયોગ કવિઓ મોકળાશથી કરે છે. ઋગ્વેદમાં એક પ્રતીકાત્મક કથાબીજ જોવા મળે છે. ત્વષ્ટા પોતાની પુત્રીના વિવાહ યોજે છે અને તેમાં ભાગ લેવા વિશ્વ ભેગું થાય છે. યમની માતાનો જ્યારે સમ્બન્ધ થયો ત્યારે વિવસ્વાનની મહિમાવાન પત્ની ગુમ થઈ ગઈ. મનુષ્યોથી એને છુપાવી દીધી અને સરણ્યૂના જેવી જ એક બીજી સ્ત્રી સર્જીને વિવસ્વાનને આપી. સરણ્યુએ જોડકાંને જન્મ આપ્યો (૧૦.૧૭.૧-૨). હવે આ કથાબીજનો થોડો વિસ્તાર ‘નિરુક્ત’ (આશરે ઈ.સ.પૂ. ૫૦૦)માં અને ‘બૃહદ્દેવતા’ (આશરે ઈ.સ.પૂ.૪૦૦)માં કરવામાં આવ્યો છે. આપણે ‘બૃહદ્દેવતા’માં નિરૂપિત કથા જોઈએ. ‘તેના પતિની અનુપસ્થિતિમાં સરણ્યૂએ પોતાના જેવી જ સ્ત્રી જન્માવી. પોતાનાં બંને સન્તાનોની સંભાળ માટે તેને કહ્યું અને પોતે ઘોડી બનીને જતી રહી. વિવસ્વાનને આની જાણ ન થઈ. પેલી સ્ત્રી દ્વારા મનુને જન્મ આપ્યો, તે વિવસ્વાન જેવો જ તેજસ્વી બન્યો. જ્યારે વિવસ્વાનને જાણ થઈ કે સરણ્યૂ અશ્વ રૂપે જતી રહી છે ત્યારે તે ત્વષ્ટાપુત્રીની પાછળ અશ્વ રૂપે નીકળી પડ્યો. સરણ્યૂને જ્યારે જાણ થઈ કે વિવસ્વાન અશ્વ રૂપે છે એટલે તેણે પતિ પાસે મૈથુનની ઇચ્છા વ્યક્ત કરી અને વિવસ્વાને તેને આરોહી. શીઘ્ર સમાગમને કારણે વીર્ય ભૂમિ પર ઢળ્યું એટલે ગર્ભની કામનાથી સરણ્યૂએ તે સૂંઘ્યું. તેમાંથી બે યુવાન પ્રગટ્યા — નાસત્ય અને દ, આ બંનેની સ્તુતિ અશ્વિનીકુમાર તરીકે થાય છે.’ (૭. ૧-૬). ઋગ્વેદની ઘણી બધી ઋચાઓમાં દેવતાઓએ દાનવોના કરેલા સંહારની વિગતો જોવા મળે છે. દા.ત. વૃત્ર, નમુચિ, કરંજ, પર્ણય, શુષ્ણ, કુયવ, શંબર... પરશુરામ તો ક્ષત્રિય કાર્ત્તવીર્યનો સંહાર કરે છે. રામ અને કૃષ્ણ અનેક રાક્ષસોનો સંહાર કરે છે, તેમાંય કૃષ્ણ તો છેક શૈશવથી એક પછી એક રાક્ષસોનો સંહાર કરતા રહ્યા હતા. કેટલીક વખત પ્રકૃતિના નિયમોની આડે આવનારાં તત્ત્વોને આલંકારિક રૂપે રાક્ષસનું નામાભિધાન પણ કરવામાં આવ્યું. કેટલીક વખત દેવતાઓએ મનુષ્યોને સહાય કરી તો કેટલીક વખત અસુરોની હત્યા કરીને મનુષ્યોએ દેવતાઓની સહાય કરી. ઇન્દ્ર પોતાના મિત્ર કુત્સની રક્ષા કરવા જતા શુષ્ણ, કુયવ જેવા દૈત્યોનો વધ કરે છે, કારણ કે કુત્સથી ભયભીત થઈને પણિ સેના સમેત નાસી ગયો હતો. એ રીતે તેણે ઇન્દ્રને સહાય કરી હતી (૬.૨૦.૪). અત્રિ માટે સો દ્વારવાળી ગુફા શોધી, તૃષાતુર ગૌતમને માટે પાણી વાળ્યું, વૃષભ રાજાને રથ આપ્યો. વેતસની મદદ કરવા જતાં તુગુને માર્યો, દભીતિના રક્ષણ માટે ચુમુરિનો નાશ કર્યો (૬.૨૬. ૪-૫-૬). યજ્ઞપાત્રો નષ્ટ કરનારા વરશિખના પુત્રોનો નાશ કર્યો (૬.૨૬.૭). આ ઉપરાન્ત રાજા સુદાસને પરુષ્ણી પાર કરાવ્યો (૭.૧૮.૫). અસુરોએ પરુષ્ણીના કિનારા તોડી નાખ્યા ત્યારે ઇન્દ્રે એ કિનારા દુરસ્ત કર્યા (૭.૧૮.૮-૯). અગ્રુના પુત્રને જન્તુઓએ કોરી કાઢ્યો ત્યારે ઇન્દ્રે તેને નીરોગી બનાવ્યો. ક્યારેક દેવતાઓના આન્તરિક કલહની વાત પણ સૂચવાય છે. ઇન્દ્રની માતા અદિતિએ જ્યારે પુત્રને કહ્યું કે દેવો તારો સાથ છોડી દેશે ત્યારે ઇન્દ્રે સહાય માટે વિષ્ણુને વિનંતી કરી; ઇન્દ્રના પિતાના પગ પકડીને ફેંકી દેવામાં આવ્યા હતા એ સન્દર્ભમાં પ્રશ્ન પુછાય છે કે કયા દેવે માતા અદિતિને વિધવા બનાવવાનો પ્રયત્ન કર્યો, કયા દેવે તમને મારી નાખવાનો પણ વિચાર કર્યો હતો?(૪.૧૮.૧૧-૧૨) ક્યારેક દુભિર્ક્ષ-દુકાળ કે એવી આપત્તિઓના સમયે મનુષ્યો કેવી રીતે ટકી રહેવા મથે છે તેના સંકેતો પણ મળે છે : ‘ભૂખે પિડાઈને અમે કૂતરાનાં આંતરડાં પણ રાંધ્યાં, અમારી પત્નીનું અપમાન થયું ત્યારે ઇન્દ્ર મિષ્ટ ભોજન લઈને આવ્યા હતા(૪.૧૮.૧૩).’ કુત્સના ઘરે આગમન થયું ત્યારે ઇન્દ્ર અને કુત્સ સરૂપા થઈ ગયા ને શચી તેમને ઓળખી ન શકી (૪.૧૬.૧૦). ચ્યવન અને અશ્વિનીકુમારો નદીમાં ડૂબકી મારીને બહાર આવે છે ત્યારે ત્રણે એકસરખા બની ગયા તેના તથા દમયંતી સ્વયંવર વખતે બધા દેવ નળસદૃશ બની ગયાની કથા જોવા મળે છે તેનાં મૂળિયાં સમ્ભવત: અહીં જોઈ શકાય છે. એવો જ એક સંકેત ‘માયિન મૃગ’(૧.૮૦.૭)ના સન્દર્ભમાં પણ જોઈ શકાશે. આ રીતે બીજી કેટલીય કથાઓના સંકેતો આપણને આ અતિપ્રાચીન ભારતીય કથાસાહિત્યમાં જોવા મળશે. એક કથા ઘણી વાર જુદાં જુદાં પુરાણોમાં જુદી જુદી રીતે જોવા મળે છે. એની પાછળ કર્તાથી માંડીને જુદા જુદા સમયે ભારતીય સંસ્કૃતિમાં પ્રવેશેલાં જુદાં જુદાં તત્ત્વો પણ જવાબદાર હોઈ શકે, તત્કાલીન સામાજિક, સાંસ્કૃતિક સંદર્ભો પણ જવાબદાર સંભવી શકે.
આ બધાંને કારણે કહી શકીએ કે પ્રાચીન ભારતીય કથાસાહિત્ય અત્યન્ત સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. અપૌરુષેય ગણાતા વેદ-ઉપનિષદ-બ્રાહ્મણગ્રન્થો પછી આપણી કથનપરમ્પરા વ્યવસ્થિત રીતે આરમ્ભાય છે. આર્યો ભારતમાં પ્રવેશ્યા તે પહેલાં તેઓ જ્યાં હતા તે ભાષાને વિદ્વાનોએ ઇન્ડોયુરોપીઅન તરીકે ઓળખાવી છે. આ ભાષા બોલનારી પ્રજા એક સમૂહમાં રહેતી હોવાને કારણે સમાન સાંસ્કૃતિક વારસો ધરાવતી હતી. કાળક્રમે આ પ્રજાનું સ્થળાન્તર થયું, જુદી જુદી દિશાઓમાં એ પ્રજા ફંટાઈ પણ એ પ્રજાની સ્મૃતિમાં પેલો વારસો અમુક અંશે જળવાઈ રહ્યો. એને કારણે મનુ-મત્સ્ય, નોહાઝ આર્ક, સીતા-હેલનના વિષયવસ્તુઓમાં આપણે સમાનતા જોઈ શકીએ છીએ. આર્યો જ્યારે ભારતમાં પ્રવેશ્યા ત્યારે કદાચ કેટલીક વેદઋચાઓ લઈને પણ આવ્યા હશે, જો કે ચોક્કસપણે આપણે કશું કહી શકીશું નહીં. આગળ આપણે જોઈ ગયા કે કેટલાંય કથાબીજો ઋગ્વેદની ઋચાઓમાં જોવા મળે છે, કયારેક યમ-યમી, ઉર્વશી-પુરૂરવાની વિસ્તૃત કથાઓ પણ જોવા મળશે. રામાયણ-મહાભારત જેવી રચનાઓ તો પાછળથી આવી પણ તે પહેલાં જાતકકથાઓ રચાઈ ગઈ હશે. દશાવતારની કથાઓ તો બહુ પાછળથી જોડી કાઢવામાં આવી, એમાં રામ અને કૃષ્ણ પછી બુદ્ધને સ્થાન આપવામાં આવ્યું છે. બુદ્ધને વિષ્ણુના અવતાર ગણાવીને આ બંને સંપ્રદાય વચ્ચે સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું એવી વાતો વિદ્વાનો કરે છે. પણ શંકરાચાર્યના આગમન પછી તો બૌદ્ધ ધર્મ લગભગ ભારતની બહાર ચાલ્યો ગયો હતો. જેવી રીતે ગ્રીક સંસ્કૃતિનું ઘડતર હોમરનાં મહાકાવ્યો ઇલિયડ અને ઓડિસીએ કર્યું તેવી રીતે રામાયણે અને મહાભારતે પણ ભારતીય સંસ્કૃતિનું ઘડતર કર્યું, તે પણ એટલી હદે કે જમાને જમાને રામાયણના નવા નવા કથાદેહ આપણને પ્રાપ્ત થયા. વાલ્મીકિ રામાયણ જેટલી જ લોકપ્રિયતા તુલસીકૃત રામાયણની છે છતાં કૃત્તિવાસ રામાયણ, કંબ રામાયણ, આનંદ રામાયણ અને બીજા રામાયણ પણ ખાસ્સા લોકપ્રિય છે. સમાજના, સમયના પરિવર્તનની સાથે એમાં ઘણા ઘણા ફેરફારો થતા રહ્યા. મુખ્ય પરમ્પરાથી આ કથાઓ કેટલીક વખત તો ઘણી બધી રીતે જુદી પણ પડી. આજે પણ રામ, કૃષ્ણ જેવાની કથાઓ ભારતભરમાં એટલી જ લોકપ્રિય છે. છેક અત્યાર સુધી રામલીલા માત્ર ઉત્તર ભારતમાં જ નહીં, ભારતનાં કેટલાંય રાજ્યોમાં ભજવાતી રહી છે. દશેરાને દિવસે રાવણદહનનો કાર્યક્રમ ભારતનાં ઘણાં શહેરોમાં થાય છે. ક્યારેક એવું પણ બન્યું કે સામાન્ય પ્રજા માની પણ ન શકે એટલી હદે એમાં પરિવર્તનો થયાં. જાતકકથાઓ ગૌતમ બુદ્ધના આગલા જન્મો સાથે સંકળાયેલી હોવા છતાં તે નીતિકથાઓ બની રહેતી નથી. આ કથાઓ ભારતીય સમાજના બધાં પાસાંને આવરી લે છે. સાથે સાથે આ કથાઓ ઉદારતા અને બલિદાનની, ત્યાગની આદર્શ કથાઓ પણ બની રહે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ વેસ્સંતર જાતક છે. આ કથાના સામા છેડે ઐતરેય બ્રાહ્મણમાં જોવા મળતું હરિશ્ચન્દ્રનું કથાનક છે. વેસ્સંતર જાતકમાં રાજકુમાર જયમંગલ હાથીનું દાન કરે છે જેથી કરીને પડોશના રાજ્યમાં વરસાદ પડે. આ કથાઘટક રામાયણમાં પણ જોવા મળશે. ઋષ્યશૃંગ રાજધાનીમાં પ્રવેશે છે અને વરસાદ પડે છે. ઋષ્યશંૃગે તો પોતાના પિતા સિવાય બીજા કોઈ માનવીઓ જોયા જ ન હતા અને એને નગરમાં લાવવાની જવાબદારી એક વારાંગના ઉપાડે છે. પશ્ચિમમાં ગિલ્ગામેશનું મહાકાવ્ય જાણીતું છે. જર્મન કવિ રિલ્કે આ કાવ્યથી બહુ પ્રભાવિત થયા હતા. અહીં પણ એન્કિડુ નામના આદિમ માનવીને સભ્ય જગતનો કશો જ પરિચય નથી. એને નગરમાં લઈ આવવાનું કામ પણ એક વારાંગના જ કરે છે. પૂર્વપશ્ચિમની આવી સમાનતા પાછળ પણ કોઈ એક સર્વસામાન્ય ભૂમિકા હોવી જોઈએ. આપણે એક બીજું દૃષ્ટાન્ત લઈએ. બ્રહ્મવૈવર્તપુરાણમાં પણ રામાયણકથા આવે છે. રામસીતાલક્ષ્મણ વનમાં વિહાર કરે છે ત્યારે અગ્નિદેવ બ્રાહ્મણવેશે આવીને રામને એકાન્તમાં કહે છે, ‘અત્યારે સીતાના અપહરણનો પ્રસંગ નજીકમાં આવશે. સીતા મારી મા જેવી છે, એટલે હું આ સીતાને લઈ જઉં છું અને તમને છાયાસીતાનું નિર્માણ કરીને આપું છું. પાછળથી અગ્નિપરીક્ષા વખતે આ મૂળ સીતા તમને પાછી સોંપીશ. તમારે આ વાત કોઈને કરવાની નથી. વાલ્મીકિ રામાયણમાં આ કથાનો નિર્દેશ નથી. તુલસી રામાયણમાં આનો સંકેત છે ખરો. વળી પશ્ચિમની ગ્રીક ટ્રેજેડીઓમાંય મૂળ હેલનનું અપહરણ થયું ન હતું પણ છાયા હેલનનું અપહરણ થયું હતું એવી કથા પ્રચલિત છે. છાયામૂતિર્નું કથાઘટક બહુ જાણીતું છે. આગળ આપણે સરણ્યૂની કથા જોઈ ગયા, તેમાં પણ નાયિકા પોતાની જ છાયા સર્જીને વનમાં અશ્વિની રૂપે જતી રહે છે. રામ અને કૃષ્ણકથાઓને મળતી આવે એવી ઘણી સામગ્રી જાતકકથાઓમાં જોવા મળશે. ખાત્રીપૂર્વક કોઈ એવું કહી નહીં શકે કે રામાયણ-મહાભારતની કથાઓ જાતકમાં પ્રવેશી કે જાતકકથાઓ રામાયણ-મહાભારતમાં પ્રવેશી. મોટે ભાગે આ બીજો વિકલ્પ વધુ શ્રદ્ધેય જણાયો છે. એક દૃષ્ટાન્ત રૂપે ‘દેવધમ્મ જાતક’ લો. આ જાતકમાં સાવકી માના જાણીતા કથાઘટકનો વિનિયોગ કરવામાં આવ્યો છે. એક રાજાને ઘણી રાણીઓ. પટરાણી બે પુત્રોને જન્મ આપીને મૃત્યુ પામી. બીજી એક રાણીને રાજાએ પટરાણી તરીકે સ્થાપી. તે રાણીએ જ્યારે એક પુત્રને જન્મ આપ્યો ત્યારે રાજાએ તેને વરદાન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. પણ રાણીએ એ વરદાન ભવિષ્યમાં માગીશ એમ કહી અનામત રાખ્યું. જ્યારે તેનો પુત્ર પુખ્ત થયો ત્યારે રાણીએ રાજાને એ વચનની યાદ અપાવી. રાણીએ પોતાના પુત્ર માટે રાજગાદી માગી. રાજાએ તેને બહુ સમજાવી પણ તે ન માની. રાજાએ આગળપાછળનો વિચાર કર્યો અને છેવટે પોતાના બે પુત્રોને વનમાં જતા રહેવા કહ્યું. ત્રીજો પુત્ર પણ જિદ કરીને તેમની સાથે વનમાં ગયો. હવે આપણે બધા જ આ કથા સાથે દશરથ, કૈકેયી, રામ અને લક્ષ્મણને સાંકળી શકીશું. આ જાતકનો ઉત્તરાર્ધ આપણને મહાભારતની યાદ અપાવશે. અહીં મોટો ભાઈ નાના ભાઈઓને પાણી માટે મોકલે છે, પણ સરોવરકાંઠે યક્ષ બંને ભાઈઓને બંદી બનાવે છે. છેવટે મોટો ભાઈ યક્ષ પાસે જાય છે અને યક્ષે જે પ્રશ્નો પૂછ્યા તેના સાચા ઉત્તર આપે છે. પ્રસન્ન થયેલો યક્ષ એક ભાઈને જીવતો કરવાનું વચન આપે છે ત્યારે મોટો ભાઈ પોતાના સાવકા ભાઈનું જીવન માગે છે. મહાભારતમાં પણ યુધિષ્ઠિર ચારેય ભાઈઓને વારાફરતી પાણી લેવા મોકલે છે અને યક્ષ એ ચારેયને બંદી બનાવે છે. યક્ષના બધા પ્રશ્નોના સાચા ઉત્તર યુધિષ્ઠિર આપે છે. અહીં પણ એક ભાઈને જીવનદાન આપવાનું યક્ષ વચન આપે છે, ત્યારે યુધિષ્ઠિર કુન્તીપુત્રને નહીં પણ માદ્રીપુત્રના જીવનદાનની યાચના કરે છે. વેદમાં અવારનવાર હિંસાની ટીકા કરવામાં આવી છે. આમ છતાં હિંસા તો થતી જ રહી. માનવબલિદાન પણ અપાતાં રહ્યાં. આવાં બલિદાન વડે જ કૂવા કે તળાવમાં પાણી આવે, તો જ વહાણ દરિયામાં ઊપડે એવી કથાઓ લોકસાહિત્યમાં વારેવારે આવે છે. છેક આજે પણ આવાં બલિદાનોની વાતો વર્તમાનપત્રોમાં આપણે વાંચીએ છીએ. પ્રખ્યાત ગ્રીક નાયક એગામેમ્નન જ્યાં સુધી પોતાની પુત્રી ઇફિજિનિયાનું બલિદાન ન આપે ત્યાં સુધી વહાણ ચાલતાં નથી. છેવટે પુત્રીનું બલિદાન તેને આપવું પડે છે. નરબલિની પ્રથા ધીમે ધીમે નાબૂદ થઈ ખરી. પછી વ્રીહિધાન્યના બલિ પર લોકો આવ્યા. હવે હોમહવનમાં જવતલડાંગર હોમવાનો રિવાજ છે. આજે પણ કેટલાંય મન્દિરોમાં કૂકડાનો બલિ ચઢાવવાને બદલે તેમને ‘રમતા મૂકવાની’ પ્રથા જોવા મળે છે. હરિશ્ચન્દ્ર-રોહિત-વરુણ-શુન:શેપની કથામાં એક મહત્ત્વનું સ્થિત્યન્તર પાછળથી જોવા મળ્યું. ત્યાગી, ઉદાર, વચનપાલક, સત્યવક્તા, દાનેશ્વરી હરિશ્ચન્દ્રની કથા ભારતભરમાં પ્રખ્યાત બની ગઈ. પૂર્વપશ્ચિમની સાહિત્યિક પરમ્પરાઓને જ્યારે સરખાવીશું ત્યારે એક અચરજ તો થશે જ. સાહિત્યવિવેચનનો આરમ્ભ ભારતમાં કાવ્યવિરોધી કે કળાવિરોધી વિચારણાઓથી થયો નથી. પશ્ચિમમાં તો આરમ્ભે જ કહેવામાં આવ્યું કે There is an ancient quarrel between poetry and philosophy. પ્લેટો-સોક્રેટીસના સમયમાં કવિનું-સર્જકનું સ્થાન છઠ્ઠું છે, જ્યારે પૂર્વમાં કવિતા અને તત્ત્વજ્ઞાન સમાન્તરે રહ્યા છે. પ્લેટો કવિતાને દેશવટો આપવાની વાત કરે છે. ભારતમાં આવી કલ્પના પણ ન કરી શકાય. ધારો કે પ્લેટોના હાથમાં ઐતરેય બ્રાહ્મણની કથા આવી ચઢે તો! પ્લેટોની દૃષ્ટિએ રાજાએ તો આદર્શ પૂરો પાડવાનો હોય, સમાજ તો જ ટકી શકે, એટલે એવી કથા ન ચાલે. ભારતીય કવિને પણ ઐતરેય બ્રાહ્મણના હરિશ્ચન્દ્ર ખૂંચ્યો તો હશે. મહાભારતમાં કેવા હરિશ્ચન્દ્રનું આલેખન થાય છે? ‘એ બળવાન રાજા સઘળા રાજાઓના સમ્રાટ હતા. તેમના રાજ્યકાળ દરમિયાન બધા ભૂપાલો નતમસ્તકે ઊભા રહેતા હતા. વિજય અપાવવાવાળા એક સુવર્ણમંડિત રથ પર ચઢીને શસ્ત્રપ્રતાપ દ્વારા રાજાએ સાત દ્વીપ જીતી લીધા હતા, પર્વત, વન અને ઉદ્યાન સમેત સમગ્ર ભૂમિ જીતીને રાજસૂય યજ્ઞ કર્યો હતો. તેમની આજ્ઞાને માન આપીને બધા રાજાઓ ધન લઈને આવ્યા હતા અને એ યજ્ઞમાં બ્રાહ્મણોને દાન આપવાના કાર્યમાં પ્રવૃત્ત થયા. એ યજ્ઞ વખતે યાચકોએ જે માગ્યું તેનાથી પાંચગણું દાન પ્રેમપૂર્વક આપ્યું.’ (સભાપર્વ, ૧૧: ૪૮-૬૨) મહાભારત પછી જે પૌરાણિક સાહિત્ય રચાયું દા.ત. ‘માર્કણ્ડેય પુરાણ’, ‘બ્રહ્મવૈવર્ત પુરાણ’ તેમાં હરિશ્ચન્દ્રની કથા અનેક રીતે બહેલાવવામાં આવી અને હરિશ્ચન્દ્રની આ છબિ ભારતીય પ્રજામાં ચિરંજીવ બની ગઈ. વીસમી સદીના પૂર્વાર્ધમાં ગાંધીજીએ હરિશ્ચન્દ્રની કથાનો ભારે મહિમા કર્યો. સાથે સાથે આપણને ખૂંચે એવું પણ ઘણુંબધું આલેખાતું રહ્યું. મહાભારત વાસ્તવપ્રધાન, રામાયણ આદર્શપ્રધાન. જ્યાં ભાઈ ભાઈનું લોહી પીએ, રજસ્વલા નારીનાં વસ્ત્ર ખેંચાય, એક ભાઈ બીજા ભાઈને તસુભર જમીન ન આપે : આવી ભયાનક વાસ્તવિકતાની સામે રામાયણની આદર્શ ભૂમિકા મૂકી જુઓ. આમ જુદા જુદા કવિઓના હાથે એક પ્રકારની સમતુલા સ્થપાઈ. અને આ સમતુલાએ જ ભારતીય સંસ્કૃતિને અત્યાર સુધી જાળવી રાખી છે.
ભારતમાં સામ્પ્રદાયિક અને બિનસામ્પ્રદાયિક કથનપરમ્પરાઓ છે. ભારતીય કથનપરમ્પરાને સમૃદ્ધ કરવામાં જાતકકથાઓએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. સાથે સાથે આપણે એ પણ સ્વીકારવાનું કે આપણી લોકકથાની પ્રાચીન પરમ્પરાઓએ જાતકકથા તેમ જ મહાકાવ્યોની પરમ્પરાને પોષણ આપ્યું હતું. વળી પ્રજાને બોધ આપવા માટે ઘણી બધી કથાઓ રચવામાં આવી. આમાં સૌથી વધુ જાણીતી છે વિષ્ણુશર્માના નામે ચઢેલી પંચતંત્ર કથામાળા. અહીં પશુપંખીઓને પાત્ર રૂપે કલ્પીને વાર્તાઓ રચાઈ છે. ઇસપની નીતિકથાઓ પણ આવી જ છે. કેટલાય વિદ્વાનો માને છે કે જાતકકથાઓ આવી નીતિકથાઓ પાછળ જવાબદાર હોવી જોઈએ.આ પ્રાચીન કથાઓ એટલી બધી લોકપ્રિય થઈ કે તેનાં વિવિધ રૂપાન્તરો વિશ્વની ઘણી બધી ભાષાઓમાં થયાં. અસિલકખણ જાતકની કથા આવી એક લોકપ્રિય કથા છે. ઘણી બાળવાર્તાઓમાં આ કથાનાં રૂપાન્તરો જોવા મળશે. આ જાતકકથા હોવા છતાં એને ગૌતમ બુદ્ધ સાથે એવો કશો સમ્બન્ધ નથી. તે ઉપદેશાત્મક કથા છે, સાથે સાથે તત્કાલીન સામાજિક વાસ્તવ પ્રગટ કરે છે. રાજ્યાધિકારીઓ પ્રામાણિક ન હતા, તેઓ લાંચ લેતા હતા એ વાત અહીં છે. સાથે જ તે કવિન્યાય પણ ચૂકવશે. એક રીતે કહીએ તો આવી કથાઓ મનોરંજનની સાથે સાથે બોધ પણ આપશે. એવી જ રીતે સુવર્ણહંસ જાતક પણ નીતિકથા છે. આ જાતકને આધારે ભારતભરમાં જાણીતી થયેલી કથાઓ છે. એક મરઘી સોનાનાં ઈંડાં આપતી હતી. એક સામટાં બધા ઈંડાં લઈ લેવાના લોભે તેનું પેટ ચીરી કાઢવામાં આવે છે. પણ લોભી વ્યક્તિના હાથમાં કશું આવતું નથી. આ જાતકમાં એક હંસ પોતાની પત્નીને અને પુત્રીઓને દરરોજ સોનાનું એક પીંછું આપે છે. લોભી પત્ની એક દિવસ બધાં પીંછાં ખેંચી કાઢે છે પણ વ્યર્થ. અહીં સ્ત્રીને પોતાના આગલા જનમના પતિ માટે કશો પ્રેમ બતાવવામાં આવ્યો નથી. જાતક સાહિત્ય અથવા આવું પ્રાચીન કથાસાહિત્ય જે તે સ્થળ-સમયનાં સામાજિક વલણો સ્પષ્ટ કરે છે. આપણને આ દ્વારા પલટાતા વિચારવલણો, આદર્શો, વાસ્તવનો પરિચય થાય છે. મહાભારતની ગૌણ આડકથાઓ ઉપર આ જાતકકથાઓનો પ્રભાવ હશે. વિરોચન જાતકમાં એક શિયાળ પોતાની શક્તિનો કશો વિચાર કર્યા વિના હાથીનો શિકાર કરવા જાય છે અને હાથી તેને પોતાના પગ તળે કચડી નાખે છે. એક કથામાં સંહિનું ચામડું ઓઢીને એક ગધેડો બધાંને બીવડાવે છે, પણ ભૂંક્યા વિના તેનાથી રહેવાતું નથી એટલે પછી ગામલોકો તેને મારી નાખે છે.