ભારતીય કથાવિશ્વ૧/ગુણાઢ્યકૃત બૃહત્કથા

Revision as of 02:36, 7 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ભારતીય કથાસાહિત્યનું એક ઉજ્જ્વળ પ્રકરણ : ગુણાઢ્યકૃત બૃ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભારતીય કથાસાહિત્યનું એક ઉજ્જ્વળ પ્રકરણ : ગુણાઢ્યકૃત બૃહત્કથા

ભારતીય કથાસાહિત્યનું એક ઉજ્જ્વળ પ્રકરણ ગુણાઢ્યે પૈશાચી ભાષામાં લખેલી બૃહત્કથા છે. પહેલી-બીજી સદીમાં લખાયેલી આ કૃતિનો ઇતિહાસ કલ્પના, દંતકથાઓથી ભરેલો છે. કથા એવી છે કે કોઈ રાજા પોતાની રાણીઓ સાથે જળક્રીડા કરી રહ્યો હતો. રાજા દ્વારા સતત ફેંકાતા પાણીથી ત્રસ્ત બનેલી મુખ્ય રાણીએ કહ્યું, ‘મોદકૈ: તાડ્ય.’ રાજાનું સંસ્કૃત જ્ઞાન ઓછું એટલે તેણે માની લીધું કે રાણી મને પાણીથી નહીં પણ મોદકથી-લાડુથી મારવા કહે છે, એટલે તેણે લાડુ મંગાવ્યા અને રાણી ઉપર લાડુ ફેંક્વા લાગ્યો. રાણીએ નવાઈ પામીને પૂછયું: ‘રાજા, લાડુ કેમ ફેંકો છો?’ રાજા બોલ્યો, ‘કેમ, તેં તો કહ્યું, મોદકૈ: તાડ્ય.’ પણ મોદકૈ: તાડ્ય એટલે મા ઉદકૈ: તાડ્ય. રાજાને આટલુંય સંસ્કૃત નથી આવડતું! રાણી તો રુસણાં લઈને બેસી ગઈ. રાજાને પણ થયું, સંસ્કૃતનું જ્ઞાન તો હોવું જોઈએ. કોણ મને સંસ્કૃત શીખવાડે? ગુણાઢ્યે રાજાને બાર વર્ષમાં સંસ્કૃતમાં નિપુણ કરી આપવાની વાત કરી, બીજા એકે (શર્વવર્મને?) બે વર્ષમાં સંસ્કૃતભાષા શીખવાડી દેવાની વાત કરી. ગુણાઢ્યે શરત લગાવી — જો તમે બે વર્ષમાં સંસ્કૃત ભાષા રાજાને શીખવાડી દો તો હું સંસ્કૃતમાં રચવાનું છોડી દઈશ. પેલા પ્રતિસ્પર્ધીએ રાજાને ટંૂકા સમયમાં શીખવાડી દીધું. ગુણાઢ્ય નિરાશ થઈને જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં આસપાસ પિશાચોની વસતી હતી. કવિ લાંબો સમય ત્યાં રહ્યા એટલે પેલા જંગલીઓની પૈશાચી ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું. પછી થયું, મેં સંસ્કૃતમાં સર્જન કરવાની ના પાડી છે, પૈશાચીમાં તો સર્જન કરી શકાય ને! અને તેણે બૃહત્કથાનું સર્જન કરવા માંડ્યું. પછી કેટલીક કથાઓ સાતવાહન રાજા પાસે મોકલી, પણ પૈશાચી જેવી ભાષામાં રચાયેલી કથાને રાજા આવકારી ન શક્યો, આ સમાચાર જાણીને ગુણાઢ્યને ભારે દુ:ખ થયું. પછી બધા લોકોને ભેગા કર્યા અને એક એક પત્ર વાંચી સંભળાવી તે અગ્નિમાં હોમતો ગયો. આ કથા શ્રવણ કરવા દૂર દૂરથી લોકો આવવા લાગ્યા, એટલું જ નહીં હિંસક-અહિંસક પ્રાણીઓ પણ આવવા લાગ્યાં. કોઈ કરતાં કોઈ ગુણાઢ્યને કથાઓનો નાશ કરતાં અટકાવી ન શક્યું. બીજી બાજુ રાજાને ભોજનમાં તકલીફ પડી. તે તો માંસાહારનો શોખીન હતો, અત્યાર સુધી જે સ્વાદિષ્ટ માંસ ખાવા મળતું હતું તે બંધ થયું અને હવે સૂકું, નીરસ માંસ પીરસાવા લાગ્યું હતું. રાજાએ તપાસ કરાવી. શિકારીઓએ કહ્યું કે જંગલમાં હવે પ્રાણીઓ દેખાતાં નથી, બધાં પ્રાણીઓ કથા સાંભળવા જાય છે. રાજાને નવાઈ લાગી. એવી તે કેવી કથાઓ હશે. તે જાતે જંગલમાં ગયો અને આખું દૃશ્ય જોયું. ગુણાઢ્યની ક્ષમા યાચી અને કથાઓનો નાશ ન કરવા વિનંતી કરી. ગુણાઢ્યે રચેલી કથાઓનો માત્ર સાતમો કે આઠમો ભાગ જ બચ્યો હતો, તે આ બૃહત્કથા. આ કથાનું સોમદેવે અગિયારમી-બારમી સદીમાં સંસ્કૃતમાં રૂપાન્તર કર્યું. આ રૂપાન્તર દ્વારા જ ખ્યાલ આવે કે મૂળ કથા કેવી અદ્ભુત હશે! સોમદેવે કથાસરિત્સાગરના આરંભે થોડી સ્પષ્ટતાઓ કરી છે. સરસ્વતીની પ્રાર્થના કરી કહે છે કે હું બૃહત્કથાનો સાર તૈયાર કરી રહ્યો છું, વળી બૃહત્કથામાં જે છે તેનો આ ગ્રંથમાં સંચય કરી રહ્યો છું, મૂળ ગ્રંથ અને મારા ગ્રંથમાં જરાય ભિન્નતા નથી. હા — દીર્ઘ કથાઓને થોડી ટુંકાવી છે. ...મૂળ રસને જરાય આંચ આવવા દીધી નથી. આ ગ્રંથસર્જન પાંડિત્યપ્રસિદ્ધિ માટે નથી કર્યું. અનેક દીર્ઘ કથાઓની જટાજાળને સ્મૃતિમાં સાચવી શકાય એટલે આમ કર્યું છે. બૃહત્કથા વિશે કેટકેટલું કહેવાયું છે. ઉદ્યોતનસુરિ ‘કુવલયમાલા’માં કહે છે : બૃહત્કથા શું છે? સાક્ષાત્ સરસ્વતી છે. ગુણાઢ્ય બ્રહ્મા છે. બધી કળાઓનો તે ભંડાર છે. કવિજનો તેનો અભ્યાસ કરીને જ્ઞાની બને છે. કાદંબરીના સર્જક બાણ ભટ્ટે, આચાર્ય હેમચંદ્ર વગેરેએ બૃહદ્કથાના નિર્દેશો કર્યા છે. આજે તો બૃહદ્કથા ગ્રંથ અપ્રાપ્ય છે. જો કે નીલમ અગ્રવાલ નામનાં વિદુષીએ બૃહત્કથા ગ્રંથ અલ્હાબાદના કિતાબમહલમાંથી પ્રગટ કર્યાનો અહેવાલ છે. બૃહદ્કથાનાં ચાર રૂપાંતરો છે. બુધસ્વામીએ બૃહત્કથાશ્લોકસંગ્રહ પાંચમી સદીમાં રચ્યો પણ તે અપૂર્ણ રહ્યો. આ જ સમયગાળામાં સંઘદાસગણિએ વસુદેવહિંડી નામનો જૈન ધર્મના પ્રચારાર્થે રચ્યો. ત્યાર પછી ક્ષેમેન્દ્રે બૃહત્કથામંજરી નામનો ગ્રંથ રચ્યો. આરંભમાં ભારતીય સાહિત્યની પશ્ચિમના વિદ્વાનો ભારે ઉપેક્ષા કરતા હતા પરંતુ પાછળથી તેમનું વલણ બદલાયું હતું. કથાસરિત્સાગરના અંગે્રજી અનુવાદની ભૂમિકામાં પેંજર લખે છે: ‘આપણે જ્યારે આ ગ્રંથ પાસે જઈએ છીએ ત્યારે એકેએક પ્રકારની કથાનો સંચય જોઈને આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. ઈ.સ. પૂર્વેનાં સેંકડો વર્ષ જૂની જીવજન્તુ કથાઓ અહીં છે. દ્યુલોક અને પૃથ્વીના નિર્માણને લગતી ઋગ્વેદજૂની કથાઓ અહીં છે એ જ રીતે રક્તપાન કરનારા વેતાલોની કથાઓ, સુંદર કાવ્યાત્મક પ્રેમકથાઓ, દેવતાઓ-મનુષ્યો અને અસુરોના યુદ્ધોની કથાઓ પણ અહીં જોવા મળશે. ભારતખંડ કથાસાહિત્યની જન્મભૂમિ છે એ વાત હંમેશા યાદ રાખવા જેવી છે, ઇરાન અને અરબ લોકોથી પણ ચઢિયાતી કથાઓ અહીં છે. ભારતઇતિહાસની કથા પણ એવી જ એક કથા છે. એનું અતિશયોક્તિપૂર્ણ રૂપ આ કથાઓથી ઓછું રોચક નથી. આ કથાસંચય કરનાર સોમદેવ વિચક્ષણ પ્રતિભાશાળી પુુરુષ હતો. કાલિદાસ પછી તેનું સ્થાન આવે. સ્પષ્ટ, રસિક અને મનને આકર્ષનારી કથાઓ રચવાની અદ્ભુત શક્તિ તેનામાં હતી, આ કથાઓમાં વિષયવૈવિધ્ય અપાર છે, વ્યાપ પુષ્કળ છે. માનવપ્રકૃતિનો પરિચય, ભાષાશૈલીની સરલતા, વર્ણનાત્મકતા અને ચાતુર્યસંપન્ન ઉક્તિઓ — આ બધું ઘણું પ્રતિભા સૂચવે છે. આ ઉપરાંત ભારતીય કથાવાર્તાઓની એક લાક્ષણિકતા ‘વાર્તામાં વાર્તા’ છે. નવી નવી કથાઓ આવતી જ જાય, વાચક ભુલાવામાં પડી જાય. કથાસરિત્સાગર અરેબિયન નાઇટ્સની કથાઓથી પ્રાચીન ગ્રંથ છે. એ બધી કથાઓનાં મૂળ રૂપ ભારતીય કથાઓમાં છે. એટલું જ નહીં-ઇરાની, તુર્કી કથાકારો ઉપરાંત, બોકેશિયો, ચોસર જેવા કવિઓને પણ અનેક પ્રકારની સામગ્રી અહીંથી પ્રાપ્ત થઈ છે. સોમદેવની દૃષ્ટિએ જેવી રીતે હિમાલયમાંથી નીકળેલી અનેક નદીઓ ધીમે ધીમે સમુદ્રમાં પહોંચી જાય છે તેવી રીતે નાનીમોટી કથાઓ આ મહાન ગ્રંથમાં એકઠી થઈ સાચેસાચ કથાઓનો સાગર બની જાય છે. આ કથાસરિત્સાગરમાં અદ્ભુત કન્યાઓ, તેમના સાહસિક પ્રેમીઓ, રાજાઓ અને નગરો, રાજતંત્ર અને રાજકીય ખટપટો, જાદુટોણા, છળકપટ, હત્યાઓ — યુદ્ધો, રક્તપિપાસુ વેતાલ, પિશાચ, યક્ષ, ભૂતપ્રેત, પશુપક્ષીઓ — સાચી ઉપજાવેલી કથાઓ, ભિખારીઓ, આ કથાસરિત્સાગર ભારતીય કલ્પનાલોકનો આયનો છે, સોમદેવે ભવિષ્યની પેઢીઓ માટે આ વારસો મૂક્યો છે.’ કથાસરિત્સાગરનો એક અદ્ભુત કથાસંચય વેતાલપચીસીના નામે જાણીતો થયો હતો. મૂળ બૃહત્કથામાં આ કથાઓ હતી કે નહીં તે વિષે મતભેદ છે, પણ ભારતીય દર્શકને વેતાલપચીસીએ જકડી રાખ્યો, દાયકાઓ પહેલાં વેતાલપચીસી ટી.વી. ઉપર પણ પ્રદર્શિત થઈ હતી.

ગુણાઢ્યની કથાવાર્તાઓ કેવી હતી તેનો એક વિશેષ ખ્યાલ સંઘદાસગણિકૃત ‘વસુદેવ હંડીિ’ પરથી પણ આવી શકશે. ‘વસુદેવ હિંડી’ના પ્રથમ ખંડનો અનુવાદ ડો. ભોગીલાલ સાંડેસરાએ કર્યો હતો. મોટે ભાગે સાતમી સદીમાં ધર્મસેન ગણિ નામના આચાર્યે વસુદેવહિંડી મધ્યમખંડની રચના કરી હતી. રમણીક શાહે આ ગ્રંથનું સંપાદન કર્યું છે અને મૂળ પ્રાકૃતમાં એ ગ્રંથનું પ્રકાશન ઈ.સ. ૨૦૧૫માં કર્યું હતું. વસુદેવહિંડી એટલે વસુદેવનું પરિભ્રમણ. કથાસરિત્સાગરમાં નાયક વસુદેવ નથી. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને નીકળી પડ્યા હતા. વર્ષોની આ યાત્રા દરમિયાન અનેક માનવ અને વિદ્યાધર કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતા. આ ગ્રંથમાં કવિએ ઢગલાબંધ ધર્મકથાઓ, લોકકથાઓ અને તીર્થંકરો, સાધુઓ, ધર્મપુરુષોનાં ચરિત્રોનું આલેખન કર્યું છે. વસુદેવહિંડીની મુખ્ય કથા વસુદેવના દ્વારા જ કહેવાઈ હોવાને કારણે તે વસુદેવની આત્મકથા જ કહી શકાય. વળી ‘વસુદેવહિંડી’ની કથાનું માળખું તો બૃહદ્કથાની જેમ શૃંગારિક છે પણ કર્તા જૈન હોવાને કારણે એમાં ભરચક ધર્મોપદેશ ભરેલો છે. ડો. ભોગીલાલ સાંડેસરાએ ‘વસુદેવહિંડી’ની પ્રસ્તાવનામાં જર્મન વિદ્વાન ડો. આલ્સડોર્ફે બૃહત્કથા અને વસુદેવહિંડીના સંબંધ વિશે જે ચર્ચા કરી હતી તે ટાંકી હતી. આ જર્મન વિદ્વાન કહે છે તે પ્રમાણે — ‘ગુણાઢ્યની બૃહત્કથા એ નિ:શંકપણે પ્રાચીન ભારતીય સાહિત્યનો એક અતિ રસપ્રદ અને મહત્ત્વનો ગ્રંથ છે. આથી એ વિનષ્ટ થયેલા ગ્રન્થની શક્ય તેટલી ચોક્કસ પુનર્ઘટનાનું કાર્ય પણ અત્યંત રસિક છે. સોમદેવનો ‘કથાસરિત્સાગર’ અને ક્ષેમેન્દ્રની ‘બૃહત્કથામંજરી’ એ પરસ્પર સંપૂર્ણરીતે મળતી આવતી એવી કાશ્મીરી લેખકોની માત્ર બે જ કૃતિઓ જાણવામાં હતી ત્યાં સુધી આ કાર્ય પ્રમાણમાં સરલ હતું. આશ્ચર્યજનક અને સારી રીતે ભિન્ન એવા, કહેવાતા નેપાલી રૂપાન્તર — બુધસ્વામીના ‘બૃહત્કથાશ્લોક-સંગ્રહ’ની શોધ થતાં આ વસ્તુ પહેલી જ વાર કોયડારૂપ બની ગઈ... ...નરવાહનદત્તનાં પરાક્રમો જૈનોએ કૃષ્ણના પિતા વસુદેવ પર આરોપ્યાં છે. ‘વસુદેવહિંડી’ એ જૈન પુરાણકથાનો અને પૌરાણિક વિશ્વઇતિહાસનો (કથાનુયોગનો) એક મહત્ત્વનો અંશ છે. વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલા આચાર્ય હેમચન્દ્રના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ’માં શ્રી નેમિનાથના ચરિત્રમાં વસુદેવનું ચરિત્ર પણ આવે છે ત્યાં જૈન ‘બૃહત્કથા’ની રૂપરેખા જોવામાં આવે છે. તેમાં તથા શ્રીકૃષ્ણની પુરાણકથાને લગતા જૈન ગ્રન્થોમાં એનો સંક્ષિપ્ત સારોદ્ધાર આપવામાં આવેલો છે. પણ થોડાંક વર્ષો ઉપર હિન્દીમાં પ્રસિદ્ધ થયેલ એક ગ્રન્થ, સંઘદાસગણિકૃત ‘વસુદેવ હિંડી’ અને તેના વિસ્તાર અને વિગતોને કારણે જૈન ‘બૃહત્કથા’ પરત્વે અનશુદ્ધ અભિપ્રાય આપવાનું આપણે માટે શક્ય બનાવે છે. ‘આવશ્યકચૂર્ણ’માં ત્રણ વાર મળતો ‘વસુદેવ-હિંડી’નો ઉલ્લેખ ઈ.સ. ૬૦૦ ની આસપાસ તેની રચનાની ઉત્તર મર્યાદા સ્થાપિત કરી દે છે. આ નવ પ્રાકૃત ગ્રન્થમાં અત્યાર સુધી જાણવામાં આવેલું ‘બૃહત્કથા’નું પ્રાચીનતમ રૂપાન્તર મળે છે. આ ગ્રંથમાં પણ ‘બૃહત્કથા’નું વસ્તુ શ્રીકૃષ્ણની પુરાણકથાની આસપાસ ગુંથાયેલું મળે છે; કે જે કથા ઈસવીસન પૂર્વે ૩૦૦ની આસપાસમાં જૈનોએ અપનાવી હોવાનું ડો.યાકોબીએ નક્કી કર્યું છે. તેઓ માને છે કે ઈસવી સનના પ્રારંભ સુધીમાં જૈન પુરાણકથા સંપૂર્ણ બની ચૂકી હતી, જ્યારે જૈનોએ ‘બૃહત્કથા’ પોતાના પુરાતત્ત્વકથાના કલેવરમાં દાખલ કરી ત્યારે તે એક સુપ્રસિદ્ધ કવિની કૃતિ હોવા ઉપરાંત વધારે તો દેવકથાની ભવ્યતાથી પ્રકાશમાન એવા એક પ્રાચીનતર યુગની રચના હતી, જેની મહત્તા પુરાણ અને મહાકાવ્યની કથાઓ જેટલી જ હતી. આનો અર્થ એ થયો કે, ‘બૃહત્કથા’નું જૈન રૂપાંતર મૂળ ‘બૃહત્કથા’નો રચનાકાળ મળી કેટલીક સદીઓ જેટલો પ્રાચીનતર માનવાની આપણને ફરજ પાડે છે. ...ઈસવીસનની પૂર્વે પહેલી અથવા બીજી શતાબ્દીમાં આપણે જવું જોઈએ. કેટલાકના મત મુજબ, નષ્ટ થયેલ ‘બૃહત્કથા’ની આયોજના નીચે પ્રમાણે હતી : પ્રાસ્તાવિક ભાગમાં ઉદયન અને તેની રાણીઓ વાસવદત્તા અને પદ્માવતીની જાણીતી કથાઓ હતી. વાસવદત્તાનો પુત્ર નરવાહનદત્ત યુવાન રાજકુમારની અવસ્થામાં હતો ત્યારે ગણિકાપુત્રી મદનમંજુકા સાથે પ્રેમમાં પડે છે અને પોતાના પિતાની ઇચ્છા વિરુદ્ધ, તેને પરણે છે. એક વિદ્યાધર રાજા મદનમંજુકાનું હરણ કરી ગયો હતો; મદનમંજુકાની શોધ કરતાં નરવાહનદત્ત વિદ્યાધર લોક અને માનવલોકમાં નવાં નવાં પરાક્રમો કરતો ગયો. અને દીર્ઘ પ્રયત્ન પછી મદનમંજુકાને પાછી મેળવ્યા બાદ તે વિદ્યાધર ચક્રવર્તી તરીકે સ્થાપિત થયો અને મદનમંજુકા તેની પટરાણી થઈ. આ પૂર્વેનાં તેનાં કાર્યોમાં પરાક્રમોની હારમાળા આવે છે, જે પૈકી પ્રત્યેકમાં તેને એક પત્નીની પ્રાપ્તિ થાય છે.... ‘જૈન પરંપરા અનુસાર ‘(વસુદેવ હિંડી’માં) શ્રીકૃષ્ણની પુરાણકથાની આયોજના એવી છે કે વસુદેવ પોતાના મોટા ભાઈ સાથેના કલહને કારણે ઘેરથી નાસી છૂટે છે અને પછી લાંબા પરિભ્રમણ દરમિયાન નરવાહદનદત્તનાં જેવાં જ પરાક્રમો કરે છે, અને છેવટે પોતાની છેલ્લી પત્ની તરીકે રોહિણીને પ્રાપ્ત કરે છે. એ સમયે આકસ્મિક રીતે વસુદેવનું પોતાના મોટા ભાઈ સાથે મિલન થાય છે અને તે પોતાના કુટુંબની છાયામાં પાછા વળે છે. મદનમંજુકાને પાછી મેળવવાનો દીર્ઘ પ્રયત્ન અને રાજ્યાભિષેક એ પ્રસંગો અહીં છોડી દેવામાં આવ્યા છે, હરણવાળો પ્રસંગ અન્યત્ર વસુદેવનાં પરાક્રમોના વર્ણન પ્રસંગે મૂકવામાં આવ્યો છે, જેથી મદનમંજુકાનું મૂળ પાત્ર અહીં બે પાત્રોમાં વિભક્ત થઈ જાય છે — ગણિકાપુત્રી સુહિરણ્યા અને રાજકન્યા સોમશ્રી.’ આ ઉપરાંત ભારતીય કથાસાહિત્યમાં પંચતંત્રનું સ્થાન સાવ અનોખું છે. રામનારાયણ પાઠકે તેને ‘વાર્તાનો આકરગ્રંથ’ તરીકે ઓળખાવ્યો હતો. ‘જટિલ મનુષ્યભાવનાં અનંત પાસાં, છાયા, મિશ્ર છાયાનું તે નિરૂપણ કરે છે... તે બોધપ્રધાન હોવા છતાં, તેની સાચી ખૂબી મનુષ્યસ્વભાવ ઉપર તે પ્રકાશ પાડે છે તે છે.’ ડો. ભોગીલાલ સાંડેસરાએ ‘પંચતંત્ર’ને વિશ્વસાહિત્યના ગ્રન્થ તરીકે ઓળખાવ્યો છે. મૂળ પંચતંત્ર તો ગુણાઢ્યની બૃહત્કથાની જેમ નષ્ટ થઈ ગયું છે. આ ગ્રંથનો સમય ઈ.સ. ૧૦૦ અને ઈ.સ.૫૦૦ વચ્ચેનો હોવો જોઈએ. આ ગ્રંથના કર્તા તરીકે વિષ્ણુશર્માનો ઉલ્લેખ અવારનવાર થયો છે પરંતુ આ નામને સંપાદક કાલ્પનિક તરીકે ઓળખાવે છે. પંચતંત્રનો સૌથી પહેલો અનુવાદ ઈ.સ.ના છઠ્ઠા સૈકામાં પહેલવી ભાષામાં થયો હતો. આ અનુવાદનો વૃત્તાંત અત્યંત રસપ્રદ છે. ડો. સાંડેસરાએ આપેલો વૃત્તાંત આ પ્રમાણે છે: નૌશીરવાં પાસે ગ્રીક, ભારતીય અને ઇરાની એમ મળીને પચીસ વૈદ્યો હતા. ઈરાની વૈદ્યોમાં સૌથી અગ્રગણ્ય અને ગ્રન્થોના અધ્યયનમાં સૌથી વધારે સમય ગાળનાર વૈદ્ય બુર્ઝો નામે હતો. એક ગ્રન્થમાં તેણે વાંચ્યું હતું કે હિંદમાં કોઈ પર્વત ઉપર એવી એક અદ્ભુત ઔષધિ છે, જે મરેલાંને સજીવન કરી શકે છે. આ વાતનું એ સતત મનન કર્યા કરતો હતો, અને એ ઔષધિ માટે શોધ કરીને એ પ્રાપ્ત કરવાનો તેણે નિશ્ચય કર્યો હતો. છેવટે, તેણે પોતાની ઇચ્છાની વાત નૌૈશીરવાંને જણાવી, અને પોતાને હિંદમાં જવા દઈને પોતાની ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવાની વાત કરી. રાજાએ હા પાડી અને તે વૈદ્ય હંદિ ગયો. બહુ શોધને અંતે તેને એવી કોઈ ઔષધિ મળી નહીં. છેવટે એક વૃદ્ધ પુરુષે તેને સમજાવ્યું કે આ કોઈ સ્થૂળ ઔષધિ નથી, પણ મૃત:પ્રાય થઈ ગયેલાઓને જીવતા કરનાર એક ગ્રંથ છે અને તે રાજા પાસેથી જ મળશે. બુર્ઝો રાજા પાસે ગયો પણ રાજાએ એ ગ્રંથ દરબારમાં બેસીને વાંચવાની જ મંજૂરી આપી. આ વૈદ્ય દરરોજ દરબારમાં જઈને વાંચતો અને જેટલું વાંચ્યું હોય તે કંઠસ્થ કરી પોતાના નિવાસસ્થાને જઈ ઉતારી લેતો. વતનમાં જઈને બુર્ઝોએ નૌશીરવાંને એ પંચતંત્ર આપ્યું. સુલતાને કોઈ મંત્રી પાસે પહેલવી ભાષામાં એનો અનુવાદ કરાવ્યો. આજે તો આ પહેલવી અનુવાદ પણ મળતો નથી. પણ પહેલવીમાંથી થયેલા અનુવાદ ટક્યા હતા. સીરિયાઈ અનુવાદ તો છેક-ઓગણીસમી સદી સુધી અંધારામાં રહ્યો હતો. ઈ.સ. ૭૫૦માં પહેલવીનો અરબી ભાષામાં અનુવાદ થયો. અગિયારમી સદીમાં આ અરબી અનુવાદનું ગ્રીક રૂપાંતર થયું. પંચતંત્રની પ્રાચીન સંસ્કૃત પાઠ પરંપરાઓ પણ જાણીતી છે. આ પરંપરાઓમાં સૌથી વિશેષ જાણીતી પરંપરા નારાયણ ભટ્ટની હિતોપદેશ છે. પંચતંત્રની જેમ જાતકમાં પણ પ્રાણીકથાઓ છે, મહાભારતમાં જોવા મળતી કેટલી બધી કથાઓ પંચતંત્રમાં જોવા મળે છે. પંચતંત્રનો આરંભ કેવી રીતે થાય છે તે જુઓ : શાસ્ત્રવિમુખ, મૂર્ખ પુત્રોને શાણા બનાવવા માગતો રાજા પોતાના મંત્રીઓને પોતાના દુ:ખની કેવી પ્રતીતિ કરાવે છે? ‘નહીં જન્મેલા, મરણ પામેલા અને મૂર્ખ એ (ત્રણ પુત્રોમાં)પુત્રોમાં મરણ પામેલા અને નહીં જન્મેલા પુત્રો (મૂર્ખ પુત્રો કરતાં) સારા, કારણ કે એ પુત્રો ( બે પ્રકારના) સ્વલ્પ દુ:ખ આપે છે ત્યારે મૂર્ખ પુત્રો તો આખા જીવન પર્યંત બાળ્યા કરે છે. ગર્ભાવ થઈ જાય તે સારો, ઋતુકાળમાં સ્ત્રીનો સમાગમ ન કરવો તે સારું, મરેલું સંતાન જન્મે તે સારું, કન્યા જન્મે તે સારું, સ્ત્રી વાંઝણી રહે તે સારું. અને સંતાન ગર્ભમાં જ રહે તે (છોડ થઈ જાય) સારું પણ રૂપવાન, ધનવાન અને ગુણવાન છતાં અવિદ્વાન પુત્ર હોય તે સારું નહીં. જે વિયાય નહીં અને દૂધ આપે નહીં એ ગાય શા કામની? અને જે વિદ્વાન અને ભક્તિમાન ન હોય તે પુત્રના જન્મથી શો લાભ?’ આવા પુત્રોને વિદ્વાન બનાવવા રાજા વિષ્ણુશર્માને આ કામ સોંપે છે અને આ બ્રાહ્મણ છ મહિનામાં રાજકુમારોને પંડિત બનાવવાનું વચન આપે છે અને એ રીત પંચતંત્ર આરંભાય છે. મિત્રભેદ નામે પહેલા તંત્રની કથા શી છે? ‘વનમાં વસતા સિંહ અને બળદનો ગાઢ અને વધતો જતો સ્નેહ દુષ્ટ અને અતિ લોભી શિયાળે તોડાવ્યો હતો. હવે વાર્તા વાંચનાર કે સાંભળનારને કુતૂહલ થાય કે આ કેવી રીતે બન્યું હશે... એટલે ઉપદેશથી વાર્તાનો આરંભ થાય છે — સાથે સાથે એ સમયની ગતિવિધિઓનો પણ પરિચય થાય છે. દા.ત. ખોટી કિંમત કહેવી, ખોટાં તોલમાપ રાખવાં....વેચવાના બધા માલમાં સુગંધી પદાર્થોને લગતો માલ એ જ ખરો માલ છે, કે જેમાં એકની કિંમતથી ખરીદેલી વસ્તુ, સોની કિંમતમાં વેચવામાં આવે છે. આવાં નિરૂપણની સમાંતરે કથાવાર્તા આગળ ચાલે છે — એટલે વાર્તારસની સમાંતરે ઉપદેશ જોવા મળે છે, પરિણામે વાચકને/શ્રોતાને ક્યારેય કંટાળો આવતો નથી. પંચતંત્રની કથાઓની સંરચના પણ કથાસરિત્સાગરના જેવી જ છે. મુખ્ય કથાની વચ્ચે અવાન્તર કથા, એ કથાની વચ્ચે પણ પેટાકથા આવે અને ઘણી વાર તો મુખ્ય કથા વિસરાઈ પણ જાય...મિત્રભેદની મુખ્ય કથામાં ખીલો ખેંચનાર વાંદરાની કથા, તો આવે જ પણ સાથે સાથે કરટક અને દમનક વચ્ચે થતા સંવાદમાં જીવનમીમાંસા પણ આવે; આવા સંવાદો ઘણી વખત મુખ્ય કથા કરતાંય પ્રમાણમાં દીર્ઘ હોય- ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ તો ઉપદેશાત્મક-વલણ પ્રસારવાનો છે. માનવમાત્રને કથાવાર્તાઓમાં વિશેષ રસ પડતો હોય છે. મિત્રભેદ પ્રકરણમાં સૌથી વધુ મહત્ત્વની અને રસપ્રદ કથા ‘વિષ્ણુનું રૂપ લેનાર વણકર અને રાજકન્યા’ની કથા છે- આ કથા છેક આધુનિક યુગ સુધી ચાલી આવી છે, વળી એમાં વિષ્ણુના વેશે આવેલો વણકર રાજકન્યાને કહે છે, ‘ રાધા નામની મારી પત્ની પ્રથમ ગોપકુલમાં જન્મેલી હતી, તે જ તું અહીં ઉત્પન્ન થઈ છે, તે કારણથી હું અહીં આવ્યો છું.’ અર્થાત્ રાધા છેક પંચતંત્રમાં પણ જાણીતી હતી. વળી સિંહ અને સસલાની બહુ જાણીતી કથા પણ અહીં છે. વળી ગળીથી રંગાયેલો શિયાળ, ટીટોડો અને સમુદ્ર, બે હંસ અને કાચબો, ચકલીનાં મિત્રો અને હાથી, સૂચીમુખ પક્ષી અને વાંદરાઓ, સુગરી અને વાંદરો, બગલો, સાપ અને નોળિયો, ઉંદર લોઢું ખાઈ ગયા જેવી કથાઓ છે. આ ઉપરાંત ખૂબ જ જાણીતી કથાઓ પણ બીજાં તંત્રોમાં છે. દા.ત. પ્રત્યુત્તર આપતી ગુફા અને શિયાળ, ત્રણ ધુતારા અને બ્રાહ્મણ, વાઘના ચામડામાં રહેલો ગધેડો, બ્રાહ્મણી અને નોળિયો, હવાઈ કિલ્લા બાંધનાર બ્રાહ્મણ,... સોનાનાં પીંછા આપનાર હંસ વગેરે વગેરે... ‘પંચતંત્ર’ની જેમ જ ‘હિતોપદેશ’ એ પ્રકારની કથાઓનો અદ્ભુત સંચય છે. ગુજરાતીમાં શ્રદ્ધેય અનુવાદ અંબાલાલ જાનીએ કર્યો હતો અને ૨૦૧૨માં ડો. વિજય પંડ્યાએ તેનું સંપાદન પ્રગટ કર્યું હતું. અંબાલાલ જાનીએ પોતાની પ્રસ્તાવનામાં ‘હિતોપદેશ’ વિશે તેઓ શું શું કરવા માગતા હતા તેની વાત માંડી હતી. તેઓ લખે છે : ‘મારી મનોવૃત્તિ આ આવૃત્તિમાં ‘હિતોપદેશ’ જેવા નીતિશાસ્ત્રનાં બોધક દૃષ્ટાંતો દ્વારા મહત્ત્વના સિદ્ધાંતો અવબોધવાને રચાયેલા, બાળોપયોગી ગ્રંથસાહિત્યના ઉદ્ગમનાં કારણ અને તેની સમીક્ષા, પંચતંત્રાદિથી તરી આવતા ભેદ, તેમાં સમાવેલાં રહસ્યોનો આવિષ્કાર, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર આદિના નિયમોના પરિચયથી રાજકાર્ય અને સંસારવ્યવહાર સરળ કરવાની ફલિત થતી ભાવના, પૂર્વકાળમાં તે પર મુકાયેલો ભાર, તે જમાનાની સામાન્ય કેળવણીનો ઉદ્દેશ વગેરે મુદ્દાઓ વિશે એક ઉપોદ્ઘાત લખવાની હતી.’ આના ઉપરથી એટલો ખ્યાલ આવે છે કે જે કોઈ વિદ્વાન આ દિશામાં કામ કરવા માગતા હોય તેણે કઈ કઈ દિશામાં કામ કરવું જોઈએ. ભારતીય કથાસાહિત્યનો એક આશય બોધવચનો પૂરા પાડવાનો હતો. કથાદૃષ્ટિએ તો એક ઉત્તમ માર્ગ એવાં ચરિત્રો પૂરાં પાડવાનો હતો, અને એવાં ચરિત્રો ઠેઠ સુધી કવિઓએ આલેખ્યાં છે, સાથે સાથે પંચતંત્ર, હિતોપદેશ જેવા કથાસંચયોમાં સુભાષિતોની યોજના કરી છે, આ સુભાષિતો સાંસ્કૃતિક, સામાજિક અને ઐતિહાસિક રીતે પણ મહત્ત્વનાં છે.

જ્યાં વિદ્વાન લોક નથી ત્યાં અલ્પ બુદ્ધિવાળો પણ પૂજ્ય બને છે. જ્યાં ઝાડ નથી તેવા દેશમાં એરંડો પણ ઝાડ કહેવાય છે.

આ પોતાનો અને આ પારકો — એવી ગણના હલકા મનના માણસો કરે છે, પણ જેમનું મન ઉદાર છે તેમને તો આખી પૃથ્વી એ કુટુંબ જ છે. દુર્જન જો કે વિદ્યાથી અલંકૃત હોય તો પણ તે તજાવાને યોગ્ય છે. મણિથી અલંકૃત સર્પ હોય તેથી શું તે ભયંકર નથી? પારકાને ઉપદેશ કરવાની પંડિતાઈ સર્વ મનુષ્યોને સુલભ છે, પરંતુ પોતે ધર્મ પ્રમાણે વર્તવું એ કોઈ મહાત્મા પુરુષમાં જ હોય છે.

જે દેશમાં સન્માન નહીં, આજીવિકા નહીં, કોઈ મિત્ર નહીં અને કંઈ વિદ્યાલાભ હોય નહીં તે દેશ મનુષ્યે છોડી દેવો જોઈએ.

આ લોકમાં જેની પાસે પૈસો હોય છે તેને મિત્ર મળી આવે છે; જેની પાસે પૈસો હોય છે તેને બાંધવો વળગી રહે છે; જેની પાસે પૈસો હોય તે જ પુરુષ લેખાય છે અને જેની પાસે પૈસો હોય છે તે પંડિત ગણાય છે.

ફૂલના ઝૂમખાની પેઠે માની પુરુષની બે જ અવસ્થા હોય છે; કાં તો સર્વના માથા પર ચઢી બેસવું કાં તો વનમાં રહીને સુકાઈ જવું,

દરિદ્રતાથી લજ્જા પ્રાપ્ત થાય છે, મનુષ્ય લજ્જાથી વિકલ થતાં સત્ત્વથી હેઠો પડે છે, સત્ત્વથી હીન થતાં મનુષ્ય લોકોથી પરાજય પામે છે, પરાજય પામતાં તે ખેદ પામે છે, ખેદથી નિસાસો થતાં તે શોક પામે છે, શોકથી હણાતાં તેની બુદ્ધિ તેને છોડી દે છે, બુદ્ધિથી હીન થતાં તે ક્ષીણ થાય છે. અહો! અરે! નિર્ધનતા એ જ સર્વ વિપત્તિઓનું સ્થાન છે.

જેના જીવતરમાં ધનવાનોનાં દ્વાર સેવાયાં નથી, જેના જીવતરમાં વિરહવ્યથા શું છે તે જોવામાં આવ્યું નથી, જેના મુખમાંથી દૈન્ય વચન નીકળ્યું નથી એવો જે કોઈ પુરુષ હોય તેના જીવતરને ધન્ય છે.

આખા કુળના રક્ષણને માટે તેમાંના એક જણનો ત્યાગ કરવો; ગ્રામને માટે એક કુળનો ત્યાગ કરવો; દેશના રક્ષણને માટે એક ગામનો ત્યાગ કરવો અને પોતાના આત્મા માટે પૃથ્વીનો ત્યાગ કરવો પડે તો તે પણ કરવો.

મધુર ભાષણપૂર્વકનું દાન, ગર્વ વિનાનું જ્ઞાન, ક્ષમાયુક્ત પરાક્રમ, ત્યાગયુક્ત દ્રવ્ય: આ ચાર વસ્તુ આ લોકમાં દુર્લભ છે.

સુખ આવી મળે તે ભોગવવું તેમ જ દુ:ખ આવી મળે તે પણ ભોગવવું; ચક્રની પેઠે સુખદુ:ખ ફર્યા કરે છે. જેમ જેમ મનુષ્ય ઇચ્છા કરતો જાય છે તેમ તેમ ઇચ્છા વિશેષ ને વિશેષ વધતી જાય છે, પરંતુ જેથી વાંછા નિવૃત્ત થાય તે વસ્તુ ખરેખર આપણને મળેલી જ સમજવી.

જેની પાસે પુષ્કળ પૈસો છે તેણે જો કે બ્રહ્મહત્યા કરી હોય તો પણ પૂજ્ય કહેવાય છે, પરંતુ ચંદ્રવંશી રાજા જેવો હોય તો પણ પાસે પૈસો ન હોય તો સર્વ તેનો તિરસ્કાર કરે છે.

ભૂખથી પીડાતી માતા પોતાના પુત્રને પણ તજે છે, ભૂખી સાપણ પોતાનાં ઈંડાં ખાય છે. ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો? કારણ, ક્ષીણ મનુષ્ય નિર્દય બને છે.

મત્ત, પ્રમત્ત, ઉન્મત્ત, શ્રાન્ત(થાકેલો), ક્રોધી, ભૂખ્યો, લોભી, બીકણ, ઉતાવળિયો અને કામી — એટલા ધર્મને જાણતા નથી. અર્થાત્ ન કરવાનું કરી બેસે છે.

આ દેહ પંચમહાભૂતોથી ઉત્પન્ન થયો છે, તે દેહ પાછો પંચતત્ત્વ પામી પોતપોતાના કારણમાં લીન થાય છે, તેમાં પછી શો શોક કરવો?

(એક ત્રાજવામાં) હજારો અશ્વમેધ અને (બીજા ત્રાજવામાં) સત્ય એ બેની તુલના કરતી વખતે હજાર અશ્વમેધ કરતાં સત્ય અધિક ઠર્યું છે.