ભારતીય કથાવિશ્વ૧/આકાશી નિયમન
આકાશી નિયમન
દિવ્ય લોક ત્રણ છે, બે લોક સવિતાની નિકટ છે, ત્રીજો લોક યમભુવનમાં વીર લોકો માટે છે. રથની ધરીના ખીલાની જેમ બધા અમર દેવતા સૂર્ય પર અધિષ્ઠિત છે, જે આ જાણે છે તે અહીં આવીને કહે. ગંભીર ગતિવાળા, પ્રાણદાતા, માર્ગદર્શક, પ્રકાશ આપનાર અન્તરીક્ષ વગેરે લોકને પ્રકાશિત કરે છે, અત્યારે સૂર્ય ક્યાં છે? કોણ જાણે છે? તેનાં કિરણ કયા દ્યુલોકમાં પ્રસર્યાં હશે? પૃથ્વીની આઠે દિશા, પરસ્પર સંયુક્ત ત્રણ લોક, સાત સિન્ધુ (નદીઓ) સૂર્યે પ્રકાશિત કર્યાં. સુવર્ણ સમાન આ સવિતા દેવ દાતાને માટે સ્વીકારી શકાય એવાં રત્નોને આપતા આપતા નિકટ આવ્યા છે. સુવર્ણ કિરણોવાળા, સર્વત્ર વિહરતા સવિતા દેવ દ્યાવા અને પૃથ્વીની વચ્ચે સંચરે છે, રોગ નિવારે છે, એને જ સૂર્ય કહે છે, પ્રકાશહીન અન્તરીક્ષથી દ્યુલોક સુધી પ્રકાશ ફેલાવે છે. (ઋગ્વેદ ૧.૩૫.૬-૯)