યમી : ગુપ્ત/નિર્જન અને પ્રશસ્ત સમુદ્રપ્રદેશમાં આવીને તારી મિત્ર થઈને મિત્રરૂપમાં તને સાદર અભિમુખ કરવા માગું છું. પ્રજાપતિએ માન્યું કે પિતાના સમ્બન્ધીને નૌકા સમાન ગુણવાન પુત્રનિર્માણ માટે પુત્રજનનની ક્ષમતાવાળી મારામાં તારો ગર્ભ સ્થાપિત થાય. યમ : તારો સખા આ યમ તારી સાથે આવા સમ્પર્કની ઇચ્છા કરતો નથી. તું સહોદરા(સલક્ષ્મા) છે, વિષમ લક્ષણવાળી છે. આ નિર્જન પ્રદેશ નથી. આ ભૂમિમાં અસુરોના મહાન બળવાન, વીર પુત્ર છે, જેઓ દ્યાવાદિ લોકને ધારણ કરે છે, તે સર્વત્ર જુએ છે. યમી : જો કોઈ મનુષ્ય માટે આવો સમ્બન્ધ ત્યાજ્ય છે તો પણ અમર દેવતાઓ ઇચ્છાપૂર્વક એવો સંસર્ગ ચાહે છે. મારી જેવી ઇચ્છા છે એમ જ તું કર; તું જ પુત્રજન્મ આપનાર પતિ રૂપે મારા દેહમાં ગર્ભ રૂપે પ્રવેશ. યમ : પહેલાં આપણે આવું કાર્ય નથી કર્યું. આપણે સત્યવાદી છીએ, ખરેખર આપણે અસત્ય વચન નથી ઉચ્ચાર્યાં. અંતરીક્ષના ગંધર્વ, જલધારક આદિત્ય ને આપણું પોષણ કરનારી ઘોષા(સૂર્યપત્ની સરણ્યૂ) આપણાં માતાપિતા છે. એ જ આપણો શ્રેષ્ઠ બંધુભાવ છે, માટે આવો સમ્બન્ધ યોગ્ય નથી. યમી : સર્વપ્રેરક અને સર્વવ્યાપક વિશ્વકર્મા ત્વષ્ટાએ આપણને ગર્ભાવસ્થામાં જ પતિપત્ની બનાવ્યા છે. એ પ્રજાપતિની ઇચ્છાને કોઈ ટાળી નથી ક્યું. આપણા સમ્બન્ધને પૃથ્વી અને સ્વર્ગ જાણે છે. આ પ્રથમ દિવસની વાત કોણ જાણે છે? આ ગર્ભધારણને કોણ જુએ છે? આ સમ્બન્ધની વાત કોણ કહી શકે છે? મિત્ર અને વરુણના આ વિસ્તૃત જગતમાં અધ:પાતની ક્લ્પનાથી પીડાતો તું આ શું કહે છે? એક જ સ્થળે સહશયન કરવા માટે યમ વિશેની કામેચ્છા મને યમીને પ્રાપ્ત થઈ છે. પત્ની જેમ દેહ પ્રકાશિત કરે છે એમ જ તારી પાસે શરીર ધરું છું. આપણે રથના બે ચક્રની જેમ એક જ કાર્યમાં પ્રવૃત્ત થઈએ. યમ : આ લોકમાં દેવના ગુપ્તચર દિવસરાત ઘૂમે છે, તેઓ નથી ઊભા રહેતા, નથી તેમની આંખ બંધ થતી. હે દુ:ખદાયિની, તું મારા સિવાય બીજા પાસે જા, રથચક્રની જેમ તેની સાથે સમ્બન્ધ બાંધ. યમી : રાત્રિદિવસ આપણું ઇચ્છિત આપણને આપે, સૂર્યનું તેજ યમને માટે પ્રગટે, દ્યાવા-પૃથ્વી જેમ આપણું યુગલ બંધુત્વવાળું છે. એટલે યમની યમી પત્ની થાય, તે નિર્દોષ છે. યમ : એ શ્રેષ્ઠ યુગપર્વ ભવિષ્યમાં આવશે, જ્યારે બહેનો બંધુત્વહીન ભાઈઓને પતિ બનાવશે. એટલે હે સુન્દરી, મને મારા સિવાય બીજાને પતિ બનાવવાની ઇચ્છા કર. વીર્યસેવન કરવામાં જે સમર્થ છે તેના બાહુનો આશ્રય લે. યમી : આ કેવો ભાઈ જેના હોવાથી બહેન અનાથ થાય? એ બહેન કેવી જેના હોવા છતાં ભાઈનું દુ:ખ દૂર કર્યા વગર ચાલી જાય? કામવશ થઈને બહુ બોલું છું, મારા દેહ સાથે તારો દેહ જોડી દે. યમ : એ સત્ય છે, હું તારા દેહ સાથે મારા દેહને જોડવા નથી માગતો. જે ભાઈ બહેન સાથે સમાગમ કરે છે તે પાપી કહેવાય છે. તું મને ત્યજીને બીજા સાથે આનન્દપ્રમોદ કર. તારો ભાઈ તારી સાથે આ ઇચ્છા નથી કરતો. યમી : હે યમ, તંુ અતિ દુર્બળ છે. તારાં મન, હૃદયને હું જાણી નથી શકી. શું અન્ય સ્ત્રી જેવી રીતે ઘોડાને દોરડું બંધાય છે, વૃક્ષને લતા વીંટળાય છે તેવી રીતે તને આલંગેિ છે? યમ : યમી, તું પણ વૃક્ષ લતાની જેમ બીજા પુરુષને ભેટ કે બીજો કોઈ પુરુષ તને આલિંગે. એનું મન તું હરી લે, તે પણ તારું મન હરે, તું એની સાથે કલ્યાણકારી સહવાસ ભોગવ. (ઋગ્વેદ મંડળ ૧૦ : ૧૦)